શ્રાવણ માસમાં રાશિ અનુસાર કરો પૂજા, શિવકૃપાથી ધન્ય થઈ જશે જીવન - Sandesh
  • Home
  • Astrology
  • શ્રાવણ માસમાં રાશિ અનુસાર કરો પૂજા, શિવકૃપાથી ધન્ય થઈ જશે જીવન

શ્રાવણ માસમાં રાશિ અનુસાર કરો પૂજા, શિવકૃપાથી ધન્ય થઈ જશે જીવન

 | 11:31 am IST

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે લોકો શિવભક્તિમાં ઓતપ્રોત જોવા મળે છે. શિવજીને પ્રસન્ન કરવા લોકો અનેક ઉપાયો પણ કરતાં હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવેલા ઉપાયો વ્યક્તિની શ્રદ્ધા પર આધાર રાખે છે. વ્યક્તિમાં કેટલી શ્રદ્ધા છે તેના પર જ તેનું ફળ પ્રાપ્ત થાય છે. ત્યારે આજે જાણો રાશિ અનુસાર શ્રાવણ માસમાં કરવાના ઉપાયો વિશે. આ ઉપાયો ભાગ્ય પરિવર્તન કરવાની ક્ષમતા રાખે છે બસ જરૂર હોય છે માત્ર તેના પર શ્રદ્ધા રાખી તેને અમલમાં મુકવાની.

પ્રાતઃકાળમાં બ્રહ્મમુહુર્તમાં ઊઠીને મહાદેવનું શ્રધ્ધાભાવથી સ્મરણ કરી, પ્રાર્થના કરવી. પોતાનાં નિત્ય કર્મ-સ્નાન કરી, શુધ્ધ થઈ, ચોખ્ખાં વસ્ત્રો પહેરી, પવિત્ર જગ્યાએ બેસીને શિવલિંગનું પૂજન કરવું જોઈએ. આ ઉપરાંત શ્રાવણ માસમાં રાશિ અનુસાર પૂજા વિધિ પણ કરી શકાય છે. આ પૂજા વિધિ તુરંત ફળ આપનારી હોવાથી લાભ અચૂક થાય છે.

– મેષ રાશિનાં જાતકોએ શ્રાવણ મહિનામાં શિવજીને આંકડાનાં ફૂલ ચઢાવવા. કારણકે, આ રાશીનો સ્વામી મંગળ છે. આ ઉપરાંત દરેક મંગળવારે શિવલિંગ ઉપર લાલ ફૂલ ચઢાવવું જોઈએ. હનુમાનજીને શિવજીનાં અંશાવતાર માનવામાં આવે છે માટે હનુમાનજીની પૂજાથી પણ વિશેષ લાભ થશે.

– વૃષભ રાશિનાં જાતકોનાં રાશિસ્વામી શુક્ર છે. શુક્રચાર્યને અસુરોનાં ગુરૃ માનવામાં આવે છે અને શુક્રાચાર્ય શિવજીના અનન્ય ભક્ત છે. તેથી શુક્રને રાજી કરવા દૂધ અને જલ અર્પણ કરવું જોઈએ. જે જાતકની કુંડલીમાં શુક્ર દૂષિત હોય અથવા અસ્તનો હોય તેમણે શુક્રવારે ખાસ પૂજા કરવી.

– મિથુન રાશિનાં જાતકોએ રાશિ સ્વામી બુધને અનુસરી આખા શ્રાવણ મહિનામાં લીલા મગ અને બિલ્વપત્ર અર્પણ કરવાં. બુધને પ્રસન્ન કરવા બુધવારે ગાયને ઘાસ અને કોઈપણ કિન્નરને ધનનું દાન કરવું.

– કર્ક રાશિનાં જાતકોએ શ્રાવણ મહિનામાં ચંદન અને ચોખાથી શિવજીનું પૂજન કરવું. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. દરેક સોમવારે શિવલિંગ પર જળ અને દૂધ અર્પણ કરવું. સાથે ચંદ્ર સંબંધિત વસ્તુ જેમણે દૂધનું દાન કરવું.

– સિંહ રાશિનાં જાતકોએ શ્રાવણ મહિનામાં રોજ સાંજે શિવલિંગ પાસે ઘીનો દીવો પ્રગટાવવો. આ રાશિનો સ્વામી સૂર્ય છે. એટલે સૂર્યદેવની પૂજા કરવી અને સૂર્યદેવને જળ અર્પણ કરવું.

– કન્યા રાશિનાં જાતકોએ શ્રાવણ માસમાં રોજ શિવલિંગ પર ૧૧ બિલ્વપત્ર ચઢાવવા. આ રાશિનો સ્વામી ગ્રહ બુધ છે. એટલે દરેક બુધવારે શિવજીનાં દ્વારા કાર્તિકેય અને ગણેશને દૂર્વા ચઢાવવી જોઈએ. આ રાશિવાળાએ નિયમિતરૃપથી પહેલાં ગણેશજીની પૂજા કરવાથી બધા પ્રકારનાં ગ્રહદોષોમાં શાંતિ પ્રાપ્ત થશે.

– તુલા રાશિનાં જાતકોએ શ્રાવણ મહિનામાં શિવજીને માખણ અને મિશ્રીનો ભોગ લગાવવો જોઈએ. આ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે. શુક્રવારનાં દિવસે જરૃરિયાતમંદ વ્યક્તિઓને વસ્ત્રો દાન કરવાં જોઈએ.

– વૃશ્ચિક રાશિનાં જાતકોએ શ્રાવણ મહિનામાં રોજ શિવલિંગ પર કાચું દૂધ અર્પણ કરવું જોઈએ. આ રાશિનો સ્વામી મંગળ છે. મંગળને પ્રસન્ન કરવા માટે દર મંગળવારે શિવજીનાં અંશાવતાર હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ ચઢાવવું જોઈએ. મસૂરની દાળ ચઢાવવી.

– ધન રાશિનાં જાતકોએ શ્રાવણ મહિનામાં દરરોજ શિવલિંગ પર બિલ્વપત્ર અને આકડાનાં ફૂલ ચઢાવવા જોઈએ. આ રાશિનો સ્વામી ગુરુ છે. માટે શિવલિંગ પર પીળા રંગની વસ્તુઓ જેવી કે, પીળા ફૂલ ચઢાવવા. પ્રસાદમાં ચણાની દાળ અને બેસનનાં લાડુ ચઢાવવા.

– મકર રાશિનાં જાતકોએ શ્રાવણ મહિનામાં શિવલિંગ પર રોજ તાંબાનાં લોટાથી પાણી ચઢાવવું જોઈએ. આ રાશિનો સ્વામી શનિ ગ્રહ છે. તેથી દર શનિવારે તેલ અને કાળા અડદનું દાન કરવું. શિવલિંગ પર કાળા તલ ચઢાવવાથી અત્યંત લાભ થાય.

– કુંભ રાશિનાં જાતકોએ શ્રાવણ માસમાં શિવલિંગ પર કેસર અને દૂધ ભેળવીને ચઢાવવું. કુંભરાશિનો સ્વામી શનિ છે. શનિવારે હનુમાન ચાલીસા કરવી.

– મીન રાશિનાં જાતકોએ શ્રાવણમાસમાં શિવલિંગ પર ચોખા અને ચંદન ચઢાવવા. આ રાશિનો સ્વામી ગુરુ ગ્રહ છે. તેને પ્રસન્ન કરવા માટે શ્રાવણ માસમાં દર ગુરુવારે આખી હળદર દાન કરવી. પરંતુ આ હળદર કયારેય શિવલિંગ પર ચઢાવવી નહીં. બેસનનાં લાડુ ધરાવવા.