Worship Pipla to get rid of Shanidev tray it spiritual
  • Home
  • Astro
  • શનિદેવના દોષથી મુક્તિ મેળવવા પીપળાની પૂજા કરો, ધનપ્રાપ્તિ થશે

શનિદેવના દોષથી મુક્તિ મેળવવા પીપળાની પૂજા કરો, ધનપ્રાપ્તિ થશે

 | 7:30 am IST
  • Share

વૃક્ષ-શાસ્ત્ર

વૃક્ષશાસ્ત્રમાં એવાં અનેક વૃક્ષોની વાત કરવામાં આવી છે જેને ઘરના બગીચામાં ઉગાડવાથી ઘરની આસપાસ ફરતી સમગ્ર નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સકારાત્મક્તા ફેલાઇ જાય છે. આ શાસ્ત્રમાં ધનપ્રાપ્તિ માટે કયાં વૃક્ષને ઉગાડવું જોઈએ તે વિશે પણ જણાવાયું છે. અહીં એક બીજી વાત એ કરવાની કે, આપણે સદીઓથી માનીએ છીએ કે કેટલાક પ્રકારનાં ઝાડ પર અનેક પ્રકારનાં ભૂતોનો વાસ હોય છે, જેમાંથી પીપળા અને આમલીના ઝાડની ચર્ચા સૌથી વધારે હોય છે.

ઘરના વડીલો આ બંને વૃક્ષો પાસે જવાની ના જ કહેતાં હોય છે. આ કારણે જ આપણને આ ઝાડની નજીક જતા રોકવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે પીપળાના ઝાડના પ્રત્યેક પાન પર ભગવાનનો વાસ હોય છે? વૃક્ષશાસ્ત્રની અંદર આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો તમે તમારી આજુબાજુ ધ્યાન આપ્યું હોય અને અનુભવ્યું હોય તો ક્યાંય પણ હવા ન ચાલતી હોય, પરંતુ પીપળાનું દરેક પાન તમને ડોલતું દેખાશે. આખરે આ ચમત્કારનું કયું કારણ છે?

પહેલાંના સમયમાં નાનાં ગામોમાં જ્યારે કોઇ વ્યક્તિનું મૃત્યુ થતું ત્યારે ગામમાં પીપળાનું ઝાડ હોય ત્યાં ઝાડ પર ઘંટ બાંધવામાં આવતો હતો, પીપળાના ઝાડ ઉપર ઘંટ બાંધવાનું કારણ જ એ છે કે પીપળાના ઝાડ પર પૂરા ૩૩ કોટિ ભગવાનનો વાસ હોય છે. હાલના સમયમાં તો આવું ભાગ્યે જ નાનાં ગામોમાં જોવા મળતું હશે, મોટા સિટીમાં તો ક્યારેય આવું નથી જોવા મળતું પણ નાના ગામમાં ઘણી જગ્યાએ આ પરંપરા છે.

આપણાં ધર્મશાસ્ત્રો અનુસાર કોટિનો મતલબ હજાર થાય છે, જેનો મતલબ છે કે પીપળાના એક એક પાન પર ૩૩ કોટિ ભગવાન બિરાજમાન છે.

પીપળાના ઝાડ ઉપર આપણા પિતૃઓનો પણ વાસ હોય છે, આ ઝાડમાં પિતૃઓ પણ નિવાસ કરતા હોય છે અને પિતૃઓની પૂજા પણ આ ઝાડ મારફતે કરવામાં આવે છે. કહેવાય છે કે રોજ પીપળાને પાણી ચડાવવાથી પિતૃઓને તૃપ્તિનો અનુભવ થાય છે, આ કાર્ય કરવાથી તેઓ હરહંમેશ તેમના વંશજોથી પ્રસન્ન રહે છે.

ખરાબ શક્તિઓ પણ આપે છે આશીર્વાદ

ઘણી વાર એવું બનતું હોય છે કે કોઇ પિતૃની કોઇ ઇચ્છા અધૂરી રહી ગઇ હોય કે તેમને મૃત્યુ સમયે અને પહેલાં અત્યંત દુઃખ થયું હોય તો તેમનો વાસ પીપળામાં થતો હોય છે, જો આપણે દરરોજ પીપળાને પાણી પીવરાવીશું તો તેમને તૃપ્તિ મળશે અને તેમનો આત્મા દુઃખમાંથી મુક્તિ મેળવી આપણને આશીર્વાદ આપે છે.

પીપળાનું વૃક્ષ જેટલું જૂનું હોય છે, એટલું જ લાભદાયક હોય છે એટલા માટે આપણે સદાય તેની પૂજા કરવી જોઇએ અને તેનાથી ડરવું ન જોઈએ. વૃક્ષશાસ્ત્રમાં આલેખાયું છે કે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી ધનપ્રાપ્તિ થાય છે. ગુરુવાર અને શુક્રવારના રોજ તેની પૂજા કરવી જોઇએ, આમ કરવાથી તમારા ઘરમાં લક્ષ્મીજીની કૃપા હંમેશાં રહેશે.

જો જન્મકુંડળીમાં શનિની દશા ચાલી રહી હોય તો પીપળાનાં ૧૧ પાન લો અને તેમાં હનુમાનજીનું સિંદૂર લગાવીને તેને હનુમાનજીની મૂર્તિના પગ પર રાખી દો. આ ઉપાય કરવાથી ધીમેધીમે તમારો શનિદોષ અને પિતૃદોષ પણ દૂર થશે. આ ઉપાય શનિદોષ દૂર કરવા માટે અકસીર માનવામાં આવે છે.

પીપળાની પૂજાથી માત્ર પિતૃઓ જ નહીં પણ તેમા વાસ કરતાં દેવી-દેવતાઓ પણ પ્રસન્ન થાય છે. પીપળાના ઝાડની પૂજા કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂરી થશે અને તેમાં વસેલાં બધાં દેવી-દેવતા તમારી પર ખુશ થશે. અલબત્ત, આ વૃક્ષને ઘરમાં નથી ઉગાડવામાં આવતું, તે મોટેભાગ દેવાલયની આસપાસ ઊગેલું જોવા મળે છે, તેને ઘરમાં ઉગાડવાને બદલે જ્યાં ઊગેલું હોય ત્યાં જ તેની પૂજા કરવી જોઇએ.

[email protected]

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો