ભક્તિનું પ્રમાણ કેવી રીતે નક્કી થાય ? - Sandesh
  • Home
  • Supplements
  • Shraddha
  • ભક્તિનું પ્રમાણ કેવી રીતે નક્કી થાય ?

ભક્તિનું પ્રમાણ કેવી રીતે નક્કી થાય ?

 | 1:00 am IST

કવર સ્ટોરી : પૂ. મોરારિ બાપુ

આ પણામાં ભક્તિ આવી તેની જાણ કેવી રીતે થાય? કથા સાંભળીએ છીએ, ગાઈએ છીએ પણ ભક્તિ આવી ગઈ તેનું પ્રમાણ શું? સાધકે સમીક્ષા કરવી જોઈએ. તમારામાં, મારામાં નવ વસ્તુઓ આવે તો સમજવું કે ભક્તિ આવી ગઈ. નવમાંથી એક-બે પણ આવી જાય તો પણ ઘરને શણગારજો અને ઉત્સવ મનાવજો કે આજ મારા ઘરમાં ભક્તિ આવી ગઈ. આજ મારા ઘરને પાંખો આવી ગઈ. આજ મારી આંખોમાં આંજણ અંજાઈ ગયું. આજ મારી વાણીમાં સામવેદ આવી ગયો.

ક્ષાંતિ : ક્ષમા ભાવ. ક્ષાંતિ પહેલું સૂત્ર છે. તેનાથી મારી અને તમારી કસોટી થઈ જશે. તમે ખુદને સમજાવી દો કે ભક્તિ આવી કે નહીં. જો તે ન આવે તો સમજવું કે હજુ ઘણી કોશિશ કરવી પડશે. કોઈએ તમારું લાખોનું નુકસાન કર્યું હોય તો પણ તેના પ્રત્યે ક્ષમા ભાવ જાગે તો સમજવું કે ભક્તિ આવી ગઈ.

તત્પરતા : જો તમારામાં અને મારામાં ભક્તિ આવી ગઈ હોય તો તેનું બીજું લક્ષણ એ છે કે એક પણ મિનિટ વ્યર્થ ન વીતી જાય તેની આપણને ચિંતા થવા લાગે.

વિરક્તિ : વિરક્તિ આવવા લાગે. બધું છૂટવા લાગે. ઘણાં સિલ્કી કપડાં પહેરતા હતા, હવે ભજન કરીએ છીએ, સિલ્કી કપડાં હવે ગમતા નથી, તે હવે સારા નથી લગતા. તે ભજનને અનુરૂપ નથી લગતા. ઘણું ઘણું આમ તેમ કરતાં હતા, સારા પકવાન ખાતા હતા, હવે ભજન કરીએ છીએ. વૈરાગ્ય ધીરેધીરે આવવા લાગે, વિરક્તિ આવવા લાગે તો સમજો ભક્તિ આવી ગઈ. આ નવ વાતો સાંભળ્યા પછી સાધક પાકો થઈ જાય છે, ઘડાઈ જાય છે. એક વર્ષમાં ભક્તિ લાવવી હોય, એક મહિનામાં ભક્તિ લાવવી હોય તો નવે નવ ભક્તિ તમારી અંદર લાવો. અને ગમે ત્યાં રહીને તમે તેને લાવી શકો છો.

માનશૂન્યતા : કોઈની યે પાસેથી માનની અપેક્ષા ન રહેવી જોઈએ. પતિએ માન ન આપ્યું, પત્નીએ માન ન આપ્યું, પાડોશીએ ન માન્યું, કોઈએ આપણું…આપણે તેમણે માટે આટઆટલું કર્યું, પરંતુ હવે કોઈ આપણું માન રાખતા નથી. જિંદગીભર તેના માટે તન તોડીને કામ કર્યું અને કોઈ આપણું માન રાખતું નથી. માનશૂન્યતા. તો હવે છોડી દો એવી બધી વાતો.

આશાબદ્ધ : જો ભક્તિ આવી હોય તો સાધક મનથી નિશ્ચિત થઈ જાય છે. એક આશા જન્મે છે કે મને આ જન્મમાં જ ભગવાન મળશે. આશા જન્મે છે. જેવી રીતે ટ્રેનમાં બેઠા અને આશા બંધાય છે કે મુંબઈ આવશે. ભલે ટ્રેન લેટ થાય તો પણ તે એક કલાક પછી, બે કલાક પછી મુંબઈ પહોંચાડશે. પાકી આશા બંધાઈ જાય છે કે હવે મને હરિ મળશે. આશા બંધ એટલે કે આશા બંધન નથી. આશાબદ્ધનો અર્થ એ છે કે આશા બાંધવી, આશાન્વિત બનવું, ઠાકુર મળશે એવી આશા દૃઢ થવી. પ્રહલાદને મળે તો મને કેમ ન મળે? મેં શું પાપ કર્યું છે? જરૂર મળશે. જયારે આવી આશા જાગે ત્યારે એવું ન વિચારો કે મને હરિ નહીં મળે. કેમ નહીં મળે? તો તો તમને મળવા માટે બેચેન છે, આકુળ-વ્યાકુળ થાય છે તે. આશાબદ્ધ, આશા બંધાઈ જાય.

સમુત્કંઠા : પ્રાણ કાંઠે આવી જાય. સાધકમાં સમુત્કંઠા આવી જાય. આવી ઉત્કંઠા આવે છે ધ્યાન આપજો. આ ભક્તિનું લક્ષણ છે. જયારે તમે કોઈ બહુ સારી વસ્તુ ખરીદો છો ત્યારે જો એ વસ્તુ તમારાં કુટુંબીજનોને ખુશ કરી દે તેવી હોય ત્યારે તમારા મનમાં એક પ્રકારની સમુત્કંઠા જાગશે કે ક્યારે આ તેને બતાવું, ક્યારે તેને બતાવું. ફોન કરશે કે તમે જલદી ઘરે આવી જાઓ.

કોઈ ગાયક કોઈ સૂર સારી રીતે ગઈ શકે, કોઈ સારું ગીત કમ્પોઝ થઈ જાય તો તેને સમુત્કંઠા જાગશે કે કોઈ મર્મજ્ઞાને ક્યારે એ સંભળાવું. તેમાં વક્તા પણ અપવાદ નથી. ક્યારેક કોઈ સૂત્ર અનુભૂતિથી તરબતર ભરાઈ જાય ત્યારે એમ લાગે છે કે….ગાય વાછડાને દૂધ ક્યારે પિવડાવે! ક્યારે પિવડાવે! ક્યારે પિવડાવે! સમુત્કંઠા. એવું થાય છે. તમે પરીક્ષામાં પાસ થઈ જાઓ ત્યારે તમારા મનમાં એવું થાય છે કે ક્યારે મારી માને મારું પરિણામ-પત્ર બતાવું. ક્યારે મારા પિતાજીને આ રીઝલ્ટ બતાવું કે હું પાસ થઈ ગયો. સમુત્કંઠા. ક્યારે દર્શન કરીએ…આવી ઉત્કંઠા તમને થતી હશે.

નાચગાનમાં રુચિ : તેમનાં નાચગાનમાં હંમેશાં રુચિ રહેવી જોઈએ. હરીનામમાં હંમેશાં રુચિ જાગે, નામ વિના મજા ન આવે. જીહ જસોમતિ હરિ હલધર સે એવી રુચિ જાગ્રત થઈ જાય.

ગુણગાનમાં આસક્તિ : પરમાત્માના ગુણ અને તેમનાં વ્યાખ્યાનમાં આસક્તિ થઈ જાય. જે રીતે સ્ત્રીમાં, પૈસામાં, દુનિયામાં આસક્તિ છે તેવી આસક્તિ પ્રભુમાં થઈ જાય, તેમના ગુણગાનમાં થઈ જાય. મારા ઠાકુરની લીલા કેટલી સુંદર છે, રામાયણમાં કેટલી સારી વાતો છે. ભાગવતમાં શું શું આવે છે, ગીતામાં શું વૃષ્ટિ થઈ છે. ઉપનિષદોમાં…તેમના ગુણગાનમાં આસક્તિ. મુખ્ય ભાવ એ જ રહે. છોડી ન શકો એવી આસક્તિ…

શ્રીધામમાં પ્રીતિ : પ્રીતિ સ્તવ વસ્તી સ્થલે. જયાં ઠાકુર વિરાજમાન છે એ સ્થાન પર પ્રીતિ. ચાલો વૃંદાવન, ચાલો શ્રી દ્વારિકાજી, ચાલો શ્રી અયોધ્યાજી. વસ્તી સ્થલે જે ઠાકુરનું ધામ છે તેનાં પર પ્રીતિ. ચાલો કાશીવિશ્વનાથની નગરીમાં, તે ત્યાં બિરાજે છે.