નવદુર્ગાનું સાતમું સ્વરૂપ શ્રીકાલરાત્રિની કરો ઉપાસના - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astro
  • નવદુર્ગાનું સાતમું સ્વરૂપ શ્રીકાલરાત્રિની કરો ઉપાસના

નવદુર્ગાનું સાતમું સ્વરૂપ શ્રીકાલરાત્રિની કરો ઉપાસના

 | 8:10 am IST
  • Share

લમ્બોષ્ઠીકણિકાકર્ણી તૈલભ્યકતશરીરિણી વામપાદોલ્લસલ્લોહલતાકષ્ટકભૂષણા ।

વર્ધનમૂર્ધધ્વજા કૃષ્ણાકાલરાત્રીર્ભયડુરી ।।

મહાકાલી જેવું ભયંકર સ્વરૂપ ધરાવતા મા કાલરાત્રિ

મા દુર્ગાજીની સાતમી શક્તિ કાલરાત્રિના નામે ઓળખાય છે. તેમના દેહનો રંગ ગાઢ અંધકારની જેમ એકદમ કાળો છે. માથાના વાળ વિખરાયેલા લઘરવઘર છે. ગળામાં વિદ્યુતની જેમ ચમકનારી માળા છે. દેવીને ત્રણ નેત્રો છે. એ ત્રણેય નેત્રો બ્રહ્માંડની જેમ ગોળ છે. જેમાંથી વીજળી જેવા ચમકારા થતા રહે છે. તેમની નાસિકાના શ્વાસ – પ્રશ્વાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ લબકારા મારતી બહાર નીકળતી રહે છે.

તેમનું વાહન ગર્દભ છે. તેઓને ચારભુજાઓ છે. ઉપર બેઠેલા જમણા હાથની વરદમુદ્રાથી સર્વેને વર પ્રદાન કરે છે. જમણી બાજુનો નીચેનો હાથ અભયમુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરવાળા હાથમાં લોખંડનો કાંટો તથા નીચેવાળા હાથમાં ખડ્ગ (કટાર) છે. મા કાલરાત્રિનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે, પણ એ ભક્તોને કાયમ શુભ ફ્ળ જ આપનારાં છે. એ જ કારણે એમનું એક નામ ‘શુભ’ પણ છે. માટે તેમનાથી ભક્તોએ કોઈ પણ રીતે ભયભીત અથવા આતંકિત થવાની આવશ્યકતા નથી. 

જ્યારે ભક્તો આસુરી શક્તિઓથી ત્રસ્ત હોય ત્યારે મા ભક્તોની વહારે આવીને તેમનું અસલ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને અસુરોનો વધ કરીને ભક્તોની હંમેશાં રક્ષા કરતા આવ્યા છે. આ બાબતની વિસ્તૃત માહિતી આપણને દુર્ગા સપ્તસતીના પાચમા, છઠ્ઠા અને સાતમા અધ્યાયમાંથી મળી આવે છે. અધર્મની વૃદ્ધિ કરનાર એવા અત્યંત ભયાનક અસુરો જેવા કે ચંડ-મુંડ, ધૂમ્રલોચન, તારકાસુર, શુંભ અને નિશુંભનો વધ કરવા માટે દેવીએ આ ભૂતલ ધરા ઉપર અવતાર ધારણ કરીને ભકત ગણ અને દેવતાગણની રક્ષા કરેલ છે.

નવદુર્ગાનું મહાકાલીકા જેવું અત્યંત ભયંકર સ્વરૂપ તાંત્રિક દશ મહાવિદ્યાઓ પૈકી ભૈરવીની રાત્રી કાલરાત્રિ ગણાઇ છે. મા કાલરાત્રિ ભદ્રકાળી, કાલી, મહાકાળી, ભૈરવી, મૃત્યુ, રુદ્રાણી, ચામુંડા, દુર્ગા અને ચંડીના નામે પણ જગપ્રસિદ્ધ છે. દુર્ગાપૂજાના સાતમા દિવસે મા કાલરાત્રીની ઉપાસનાનું વિધાન છે. આ દિવસે ઉપાસના કરવાથી સાધકનું મન ‘સહસાર’ ચક્રમાં સ્થિત રહે છે.

તેમના માટે બ્રહ્માંડની સમસ્ત સિદ્ધિઓનાં દ્વાર ઊઘડવા માંડે છે. આ ચક્રમાં સ્થિત સાધકનું મન સંપૂર્ણપણે મા કાલરાત્રિનાં સ્વરૂપમાં અવસ્થિત રહે છે. તેમના સાક્ષાત્કારથી મળનારાં પુણ્યનો તે ભાગીદાર બની જાય છે. તેમનાં સમસ્ત પાપો-વિઘ્નોનો નાશ થઈ જાય છે અને અક્ષય પુણ્યલોકની પ્રાપ્તિ થાય છે. સપ્તમીના દિવસે મકર તથા કુંભ રાશિના જાતકોએ મા કાલરાત્રિના સ્વરૂપની હૃદયપૂર્વક, ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરવી જોઇએ. માતાજીને પ્રસન્ન કરવા માટે આ જાતકોએ પૂજા કરતી વખતે સફેદ, લાલ કે વાદળી રંગના વસ્ત્ર્રો પહેરવા જોઇએ. આ દિવસે વહેલી પરોઢે ચાર વાગ્યે માતાજીની પૂજા કરવી.

પૂજા કરતી વખતે અખંડ દીવો પ્રગટાવવો. માતાજીને કાળા, લાલ, સફેદ કે વાદળી રંગના આસન ઉપર બિરાજમાન કરીને પંચ દ્રવ્યોનો અભિષેક કરવો. માતાજીના ચરણોમાં અબીલ, ગુલાલ અને કંકુ ચડાવવું. સીતાફ્ળ, સફ્રજન કે દાડમનું ફ્ળ અર્પણ કરવું. જીવનની તમામ અડચણો દૂર કરવા માટે સાત કે નવ લીંબુની માળા દેવીને અર્પણ કરવી. માતાજીની આરતી કરીને ઢોલ, નગારાં સાથે ગરબા ગાવા જોઇએ.

ભક્તિભાવપૂર્વક માની સ્તુતિ કે પાઠ કરવા. ગુલાબની બરફ્ી કે મોતી ચૂરના લાડુનો ભોગ ધરાવવાથી મા અતિ પ્રસન્ન થાય છે. મા કાલરાત્રિનું પ્રાચીન મંદિર બિહારના સારણ જિલ્લાના ડુંમરી ગામમાં આવેલું છે. અમદાવાદમાં આવેલું ભદ્રકાળીનું મંદિર પણ મા કાલરાત્રિનું જ સ્વરૂપ ગણાય છે.

મા કાલરાત્રિ દુષ્ટોનો વિનાશ કરનારાં છે. દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત આદિ એના સ્મરણમાત્રથી જ ભયભીત થઈને નાસી જાય છે. તેઓ ગ્રહ-બાધાઓને પણ દૂર કરનારાં છે. તેમના ઉપાસકને અગ્નિભય, જળભય, જંતુભય, શત્રુભય, રાત્રિભય આદિ ક્યારેય લાગતા નથી. એમની કૃપાથી તે સર્વથા ભયમુક્ત થઇ જાય છે. આવો આપણે સૌ પણ નવરાત્રીના આ પાવન પર્વે માતાજીની આરાધના કરીને પાવન થઇએ…જય મા ભદ્રકાળી !!!

ઉપાસના મંત્રો  ‘કામિસ્વરૂપિણી ત્વહિ, શત્રુસંધ વિદારિણીમ્,

ધર્માર્થ કામદાયિનીમ્ કાલરાત્રિ પ્રણમામ્યહમ્

‘ઓમ્ કર્લી કાલરાત્રિ ક્ષૌ, ક્ષૌ મમ સુખ-શાંતિ દેહિ, દેહિસ્વાહા’

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો