યક્ષપ્રશ્ન : ૨૦ વીઘાનું વળતર પોતાની હયાતીમાં મળશે કે કેમ? - Sandesh
  • Home
  • Mehsana
  • યક્ષપ્રશ્ન : ૨૦ વીઘાનું વળતર પોતાની હયાતીમાં મળશે કે કેમ?

યક્ષપ્રશ્ન : ૨૦ વીઘાનું વળતર પોતાની હયાતીમાં મળશે કે કેમ?

 | 1:46 am IST

। મહેસાણા ।

વર્ષ-૨૦૦૧માં પોતાની ૨૦ વીઘા જમીન ગુમાવનાર જોટાણા તાલુકાના મેમદપુરા ગામના ૭૫ વર્ષના વયોવૃધ્ધ ખેડૂત છેલ્લાં ૧૭ વર્ષથી વળતર મેળવવા અદાલતી કાર્યવાહી માટે ધક્કા ખાઈ રહ્યા છે. પોતાની બધી જ જમીન ઓએનજીસીમાં ગુમાવનાર આ ખેડૂતની હયાતીમાં જ વળતર મળશે કે કેમ તે જ મોટો પેચીદો સવાલ છે. મહેસાણા અદાલતે વર્ષ-૨૦૦૭માં જ ૨૦ વીઘા જમીનનું વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો. પરંતુ, ઓએનજીસીએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. વડી અદાલતે વિશેષ પુરાવા લઈ આ કેસ પુનઃ ચલાવવા આદેશ કર્યો હતો.

પ્રાપ્ત થતી આધારભૂત માહિતી અનુસાર જોટાણા તાલુકાના મેમદપુરા ગામના પટેલ જોઈતારામ ધનજીદાસની ૨૦ વીઘા જમીન નજીવી કિંમત ચુકવી ઓએનજીસીએ સંપાદિત કરી હતી. વળતર ઓછું મળતાં તેમણે મહેસાણા કોર્ટમાં વર્ષ-૨૦૦૪માં દાવો દાખલ કર્યો હતો. ત્રણ વર્ષની ન્યાયિક કાર્યવાહી બાદ વર્ષ-૨૦૦૭માં મહેસાણા અદાલતે વધુ વળતર ચુકવવા ઠરાવ કર્યો હતો. આ વળતર ચુકવવાને બદલે વડી અદાલતમાં અપીલ કરવામાં આવી હતી.

હાઈકોર્ટે આ કેસ પરત મોકલ્યો હતો અને વિશેષ પુરાવા લઈ આ કેસ પુનઃ ચલાવવા હુકમ કર્યો હતો. હાઈકોર્ટના અગાઉના ચુકાદાને ધ્યાને લઈ સ્થાનિક કોર્ટે ઠરાવ આપ્યો હોવા છતાં ૭૫ વર્ષના વૃધ્ધ પટેલ જોઈતારામને આજદિન સુધી વળતર ચુકવવામાં આવ્યું નથી. જડ વહીવટી તંત્રની પેરવીના કારણે જૈફ વયના આ ખેડૂતને પોતાની હયાતીમાં વળતર મળશે કે કેમ તે મોટો યક્ષપ્રશ્ન છે. તમામ જમીન ગુમાવનાર આ વયોવૃધ્ધ ખેડૂતની વેદના જમીનો ગુમાવનાર ખેડૂતો જ સમજી શકે તેમ છે.

;