યમુનાકાંઠે નુકસાન અંગે NGTએ શ્રી શ્રીને કહ્યું, તમને જવાબદારીનો ખ્યાલ નથી - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • યમુનાકાંઠે નુકસાન અંગે NGTએ શ્રી શ્રીને કહ્યું, તમને જવાબદારીનો ખ્યાલ નથી

યમુનાકાંઠે નુકસાન અંગે NGTએ શ્રી શ્રીને કહ્યું, તમને જવાબદારીનો ખ્યાલ નથી

 | 2:09 am IST

નવી દિલ્હી :

નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ દ્વારા ગુરૂવારે આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરનાં નિવેદન પ્રત્યે ભારે નારાજગી જાહેર કરવામાં આવી હતી. આર્ટ ઓફ લિવિંગના યમુનાના કાંઠે કાર્યક્રમ અંગે એનજીટીએ કેન્દ્ર અને શ્રી શ્રી રવિશંકરને જવાબદાર ગણાવ્યા હતા. આ પછી ફેસબુકમાં રવિશંકરે લખ્યું હતું કે કાર્યક્રમથી જો યમુનાને નુકસાન થવાનું હતું તો ત્યાં મંજૂરી આપી તે કોર્ટ અને સરકારની ભૂલ છે, જો યમુના આટલી પવિત્ર અને નાજુક હોય તો તેના માટે પરમિશન શા માટે આપી? બે મહિના સુધી આ અંગેની ફાઇલ એનજીટી પાસે હતી ત્યારે તેણે ઔશું કર્યું?

આ પછી એનજીટીએ સમગ્ર નુકસાન માટે શ્રી શ્રી રવિશંકરને જવાબદાર ઠેરવતાં કહ્યું હતું કે તમને જવાબદારીનો અહેસાસ છે કે નહીં? શું તમે વિચારો છો કે તમારી પાસે ગમે ત્યારે, ગમે તે કહી દેવાની સ્વતંત્રતા છે ? આ બહુ જ ચોકાવનારું છે.

ઉલ્લેખનીય છે કે આર્ટ ઓફ લિવિંગ દ્વારા કાર્યક્રમ યોજવા માટે યમુનાકાંઠાની જમીન સમથળ કરવામાં આવી હતી. કેટલાંક વૃક્ષો અને ઘાસનાં મેદાનોનું ઘાસ કાપવામાં આવ્યું હતું. એનજીટીએ વચગાળાનાં નુકસાની વળતર તરીકે આર્ટ ઓફ લિવિંગને રૂ. ૫ કરોડનો દંડ કર્યો હતો.

જેઓ આર્ટ ઓફ લિવિંગની ટીકા કરે છે તેઓ અમારા વિશે જાણતા નથી : શ્રી શ્રી

શ્રી શ્રી રવિશંકરે કહ્યું હતું કે જેઓ આર્ટ ઓફ લિવિંગની ટીકા કરે છે અને તેને બેજવાબદાર કહે છે તેઓ અમારા વિશે જાણતા નથી. યમુનાને નુકસાન પહોંચાડવા માટે અમારા પર આક્ષેપો કરે છે જે ખોટા છે. અમે યમુનાને નુકસાન પહોંચાડયું જ નથી.

એનજીટીએ જવાબ આપવા કહ્યું

એનજીટીના ચેરપર્સન જસ્ટિસ સ્વતંત્રકુમારે આ મામલે આર્ટ ઓફ લિવિંગને કહ્યું કે તમને જવાબદારી જેવું કંઈ છે કે નહીં? શું તમે જે કહેવા માગો છો તે બધું કહેવાની તમને સ્વતંત્રતા છે. આવાં બેજવાબદાર નિવેદનો ખરેખર ચોકાવનારાં છે. નિષ્ણાતોના મતે આર્ટ ઓફ લિવિંગના કાર્યક્રમને કારણે યમુનાને થયેલાં નુકસાનનો આંક ૪૨ કરોડ જેટલો થશે. યમુનાના ફ્લડપ્લેઇન્સને રિપેરિંગ કરતાં ૧૦ વર્ષ થશે. દિલ્હી પોલ્યુશન કન્ટ્રોલ કમિટીએ કહ્યું હતું કે યમુનાનું ડિઝોલ્વ્ડ ઓક્સિજન લેવલ દિલ્હીમાં અનેક સ્થળે ઝીરો સુધીનું છે.

શું છે વિવાદ?

૧૧થી ૧૩ માર્ચ ૨૦૧૬ સુધી આર્ટ ઓફ લિવિંગ દ્વારા યમુનાકિનારે વર્લ્ડ કલ્ચરલ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. જેમાં અનેક દેશનાં લોકોએ ભાગ લીધો હતો. ફેસ્ટિવલમાં પીએમ મોદી સહિત કેન્દ્રીય પ્રધાનો અને દિલ્હીના સીએમ કેજરીવાલ તથા કેટલાંક રાજ્યોના મુખ્ય પ્રધાનો હાજર હતા. યમુનાને નુકસાન ન થાય તે માટે કેટલાંક સંગઠનોએ યમુનાકાંઠે આ કાર્યક્રમ નહીં રાખવા માગણી કરી હતી. આનાથી યમુના અને પર્યાવરણને નુકસાન થશે તેવી દલીલ કરાઈ હતી. તે વખતે શ્રી શ્રીએ કાર્યક્રમનો બચાવ કરતાં કહ્યું હતું કે જે કંઈ વિરોધ થઈ રહ્યો છે તે રાજકારણપ્રેરિત છે અને મનઘડંત છે.