યતીન ઓઝાને સુપ્રીમમાં માગવી પડી માફી, જાણી લો શા કારણે - Sandesh
  • Home
  • Featured
  • યતીન ઓઝાને સુપ્રીમમાં માગવી પડી માફી, જાણી લો શા કારણે

યતીન ઓઝાને સુપ્રીમમાં માગવી પડી માફી, જાણી લો શા કારણે

 | 12:08 am IST

સુપ્રીમના આદેશ પછી ફરી બિનશરતી માફી માગી, કેસનો અંત લાવતાં કોર્ટે કહ્યું “જેની શરૃઆત સારી તેનો અંત સારો”

સુપ્રીમ કોર્ટના રૃમનંબર 4માં બુધવારે કાનૂની દાવપેચનું વરવું નાટક જોવા મળ્યું હતું. ગુજરાતના સિનિયર એડવોકેટ યતીન ઓઝા સામેના કોર્ટના અનાદરના કેસની સુનાવણી વખતે દેશના વરિષ્ઠ વકીલો એકબીજા સામે ઉગ્ર દલીલબાજી કરતા જોવા મળ્યા હતા.

સિનિયરે એડવોકેટ કપિલ સિબ્બલ અને એ. એમ. સિંઘવી ઓઝાની તરફેણમાં દલીલો કરી રહ્યા હતા જ્યારે બીજા સિનિયર એડવોકેટ કે. કે. વેણુગોપાલ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિયેશન વતી દલીલો કરી રહ્યા હતા અને સિનિયર એડવોકેટ હરિન રાવલ પ્રતિવાદી વતી દલીલો કરતા જોવા મળ્યા હતા. સુપ્રીમના જસ્ટિસ દીપક મિશ્રા તેમજ સી. નાગપ્પાની બેન્ચ દ્વારા કેસની સુનાવણી હાથ ધરાઈ હતી.

શું હતો વિવાદ ?
ઓઝાએ એવું નિવેદન કર્યું હતું કે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ એમ. આર. શાહ અને કે. એસ. ઝવેરી બંધારણ મુજબ નહીં પણ 7, રેસકોર્સ રોડ અને 11 અશોક રોડના ઈશારે કામ કરી રહ્યા છે. હાઈકોર્ટના બે જસ્ટિસની ટીકા કરતા બે પત્રો તેમણે સુપ્રીમના ચીફ જસ્ટિસ ટી. એસ. ઠાકુરને લખ્યા હતા. ઓઝાના આ પત્રોને કારણે ભારે વિવાદ સર્જાયો હતો. આ મુદ્દે ઓઝા સામે હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટની અરજી કરાઈ હતી અને ઓઝાને નોટિસ બજાવાઈ હતી. આ કેસમાં સ્ટે ઓર્ડર મેળવવા ઓઝાએ સુપ્રીમમાં અરજી કરી હતી.

આ પછી સુપ્રીમના જસ્ટિસ દીપક મિશ્રાનાં વડપણ હેઠળની બેન્ચે ઓઝાને સ્ટે ઓર્ડર આપ્યો હતો, જેમાં ઓઝા વતી સ્ટે મેળવવા એ. એમ. સિંઘવીએ કોર્ટમાં રજૂઆત કરી હતી, જોકે બેન્ચે અન્ય આદેશોમાં દખલગીરી કરવાનો ઈનકાર કર્યો હતો. આનો મતલબ એવો હતો કે એડવોકેટ્સ એસોસિયેશનને કોઈ મિટિંગ યોજીને ઓઝાએ લખેલા બે પત્રો અંગે કોઈ ઠરાવ પસાર કરવા મનાઈ ફરમાવવામાં આવી હતી.

આ પછીની સુનાવણીમાં જસ્ટિસ મિશ્રાએ હાઈકોર્ટના બે ન્યાયાધીશો અંગે કરેલી ટીકા સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી બુધવારે હાથ ધરાઈ હતી.
ઓઝાએ 25 ઓગસ્ટે એફિડેવિટ કરીને માફી માગી હતી
ઓઝા 39 વર્ષની ઉંમરે ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ નિમાયા હતા. તેમણે ગુજરાત હાઈકોર્ટ અને તેના વકીલો સામે કરેલી ટીકા અંગે 25 ઓગસ્ટે એફિડેવિટ રજૂ કરીને સુપ્રીમમાં માફી માગી હતી. આ એફિડેવિટમાં લખ્યું હતું કે, “હું આ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના જજિસ અંગે છેલ્લા ફકરામાં કરેલી ટીકાના સંદર્ભમાં બિનશરતી માફી માગું છું. મારાં નિવેદનમાં કદાચ અયોગ્ય શબ્દોનો ઉપયોગ થયેલો હોઈ શકે છે જો મેં આ સંસ્થાને અનુરૃપ ન હોય તેવી ભાષાનો પ્રયોગ કર્યો હોય તો તેના માટે હું બિનશરતી માફી માગું છું.”

બુધવારની સુનાવણીમાં શું થયું ?
બુધવારે આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે હરિન રાવલે એવો આગ્રહ રાખ્યો હતો કે કોર્ટે ઓઝા સામે અગાઉના કન્ટેમ્પ્ટ કેસની નોંધ લેવી જોઈએ. તેમની સામે અગાઉ પણ કન્ટેમ્પ્ટ કેસ થયેલા હતા. તેમણે તે વખતે રજૂ કરેલી એફિડેવિટમાં એવું કબૂલ્યું હતું કે ભવિષ્યમાં તેઓ આવી ટીકા ફરી નહીં કરે. તેમની આ કબુલાતની પવિત્રતા કેવી ગણવી ?
રાવલે કહ્યું હતું કે ઓઝાએ જસ્ટિસ એમ. આર. શાહ તેમજ જસ્ટિસ કે. એસ. ઝવેરી સામેના તેમના આક્ષેપોનો ટીવી ઇન્ટરવ્યૂમાં પુનરોચ્ચાર કર્યો હતો. તેમનો સૂર ઝઘડાખોર હતો અને ફરી તેનો પુનરોચ્ચાર કર્યો હતો. ઓઝાએ ફરી ટીકા કરી તે ટીવી ઇન્ટરવ્યૂની રેકોર્ડેડ કોપી પણ સુપ્રીમમાં રજૂ કરી હતી.

વારંવાર ટીકા પછી માફી હથિયાર તરીકે વપરાવી જોઈએ નહીં
આ વખતે સિબ્બલ અને સિંઘવીએ કહ્યું હતું કે જો રાવલ આ મુદ્દે આગળ દલીલો કરવા માગતા હોય તો ઓઝાનાં નિવેદન અંગે ગુણવત્તાનાં ધોરણે દલીલો કરવાની તેમને ફરજ પડશે. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિયેશન દ્વારા પણ ઓઝા પર દબાણ વધાર્યું હતું. સિનિયર એટવોકેટ વેણુગોપાલે કહ્યું હતું કે ઓઝાએ ગંભીરતાપૂર્વક માફી માગી છે આથી બાર એસોસિયેશન દ્વારા આ વિવાદનો હવે અંત લાવવો જોઈએ. જોકે રાવલ આ મુદ્દે સંમત ન હતા. રાવલે કહ્યું હતું કે રેકોર્ડ પર માફીની નોંધ લેવામાં આવી તેની સામે મને કોઈ વાંધો નથી પણ તેનો એક હથિયાર તરીકે વારંવાર ઉપયોગ થવો જોઈએ નહીં. વારંવાર ટીકા કરીને પછી માફી માગવી એ હથિયાર તરીકે વપરાવી જોઈએ નહીં.
કોર્ટે આ પછી ઓઝાને આ મુદ્દે તેઓ મીડિયા કે જાહેરમાં કોઈ ઉચ્ચારણો કરશે નહીં ફક્ત કોર્ટની કામગીરીમાં જ રજૂઆત કરશે તેવી કબુલાત સાથે ઓઝાને માફી માગતી નવી એફિટેવિડ રજૂ કરવા કહ્યું હતું. ઓઝા આ માટે સંમત થયા હતા તે પછી કેસની સુનાવણી 12.30 કલાકે યોજવાનું નક્કી થયું હતું.

બપોરે 12.30 કલાકે કોર્ટ દ્વારા નવી એફિડેવિટ પછી ઓઝાને ફટકાર
કોર્ટ દ્વારા કહેવામાં આવ્યા પછી ઓઝાએ નવી એફિડેવિટ રજૂ કરીને ફરી વાર બિનશરતી માફી માગી હતી. ઓઝાએ કબુલાત કરી હતી કે કોર્ટકાર્યવાહી સિવાય અન્ય સ્થળે તેઓ આ મામલે હરફ પણ ઉચ્ચારશે નહીં. આ મુદ્દે તેઓ પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયા સમક્ષ કશું કહેશે નહીં.
આ પછી કોર્ટે ઓઝાએ માગેલી માફીને સ્વીકારી હતી. તેઓ ગંભીરતાથી માફી માગી રહ્યા છે તે વાતને ધ્યાનમાં લઈને માફીનો સ્વીકાર કરાયો હતો, કોર્ટે કહ્યું હતું કે અમે યતીન નરેન્દ્ર ઓઝા દ્વારા માગવામાં આવેલી માફીને ગંભીર ગણીએ છીએ અને તેમને માફી બક્ષીએ છીએ.
આ પછી કેસનો અંત લાવતાં કોર્ટે કહ્યું હતું કે, “જેની શરૃઆત સારી તેનો અંત પણ સારો.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન