વર્ષ 2018માં કન્યા રાશિને થશે મોટો આર્થિક લાભ, જાણો અન્ય રાશિ માટે કેવું છે નવું વર્ષ - Sandesh
  • Home
  • Astrology
  • વર્ષ 2018માં કન્યા રાશિને થશે મોટો આર્થિક લાભ, જાણો અન્ય રાશિ માટે કેવું છે નવું વર્ષ

વર્ષ 2018માં કન્યા રાશિને થશે મોટો આર્થિક લાભ, જાણો અન્ય રાશિ માટે કેવું છે નવું વર્ષ

 | 2:26 pm IST

આજે વર્ષ 2017નો છેલ્લો દિવસ છે. આવતી કાલથી નવા વર્ષનો પ્રારંભ થશે ત્યારે આજે એ જાણવું જરૂરી છે કે આવનાર વર્ષ તમારા માટે કેટલું શુભ છે. તો ચાલો ફટાફટ કરી લો નજર વાર્ષિક રાશિફળ પર અને જાણી લો કે આવનાર વર્ષ કઈ કઈ રાશિના જાતકો માટે કેટલું શુભ સાબિત થશે.

મેષ રાશિ
વર્ષભર આર્થિક સ્થિતીમાં ઉતાર-ચઢાવ થતાં રહે. પારિવારિક જીવનમાં સમસ્યા સર્જાતી રહે. કોઈપણ કાર્ય સમજી-વિચારેને કરવું. ઉતાવળે કરેલા નિર્ણયથી તકલીફમાં વધારો થઈ શકે છે. શારીરિક સુખ સામાન્ય રહેશે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી અન્યથા અકસ્માત થઈ શકે છે. શત્રુ પક્ષથી સાવધાન રહેવું. આ વર્ષમાં સ્વાર્થ ભાવનામાં વધારો થાય અને અન્યના હિતની અવગણના કરી પોતાના લાભને મહત્વ આપો તેવી ઘટના બને. જો કે નવા વર્ષમાં સફળતાના નવા માર્ગ પણ તમારા માટે ખુલી શકે છે. આ માર્ગ તેમને ઉચ્ચપદ સુધી પણ પહોંચાડી શકે છે.

વૃષભ રાશિ
નવા વર્ષમાં વૃષભ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય સુધરશે પરંતુ આર્થિક સ્થિતી નબળી થશે. પરિવારમાં ક્લેશ થવાના પ્રસંગ પણ સર્જાય શકે છે તો સાવધાન રહેવું. નોકરી કરતાં વર્ગ માટે આ વર્ષ લાભકારક છે. નવા વર્ષના અંત સુધીમાં સ્વાસ્થ્ય સુધરશે અને આવક વૃદ્ધિ થાય. આ વર્ષમાં દરેક પ્રકારના વ્યવહારો સંભાળીને કરવા અન્યથા તમારા જીવનમાં સમસ્યાઓ વધી જશે.

મિથુન રાશિ
ગૃહસ્થ જીવનમાં મતભેદની સ્થિતી સર્જાય. માતા સાથે સમસ્યા થઈ શકે છે. આ વર્ષમાં નોકરીમાં પદોન્નતિની સંભાવના વધારે છે. સંતાનના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું આ વર્ષ કષ્ટદાયક સાબિત થઈ શકે છે. વાણી અને ક્રોધ પર કાબૂ રાખવો અન્યથા સંબંધો બગડી શકે છે. જો કે આ વર્ષમાં તમે તમારા સ્વભાવ અને સાહસના ફળસ્વરૂપ તમે તમારા પ્રતિયોગીઓ પર પ્રભાવ પાડી શકશો. વર્ષનો મધ્ય સમય લાભ માટે અનુકૂળ છે. આ વર્ષના અંત ભાગમાં દોડ-ધામ રહે.

કર્ક રાશિ
આ વર્ષમાં ગુરુ આ રાશિના જાતકોના સુખ ભાવમાં રહેશે. તેથી આ વર્ષમાં બેરોજગાર લોકોને નોકરીની તક મળશે. વ્યાપારમાં પણ લાભ થાય. જો કે વર્ષના મધ્ય ભાગમાં પરિવાર સાથે સંબંધો બગડી શકે છે. માતાના સ્વાસ્થ્યને પણ અસર થાય. આત્મવિશ્વાસ વધે તેવી ઘટના બને અને ભાગ્ય પણ સાથ આપે. આ વર્ષમાં ખાણીપીણી પ્રત્યે બેદરકાર રહેવાથી ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. તેથી સાવધાન રહેવું.

સિંહ રાશિ
વર્ષની શરૂઆતમાં ગુરુ કર્મ ભાવમાં હોવાથી સુખમાં વધારો થાય. આર્થિક કષ્ટ થશે પરંતુ મહેનત કરતાં રહેવું. વર્ષાંતે આર્થિક લાભ થવાની પ્રબળ સંભાવના છે. આ વર્ષમાં યાત્રાથી લાભ પ્રાપ્ત થશે. પરાક્રમ વધવાથી વ્યાવસાયિક બાધાઓ દૂર થાય. આ વર્ષમાં યાત્રાઓ વધારે થાય. વર્ષ દરમિયાન મિત્ર સાથે મતભેદ થવાની પણ સંભાવના છે. મિત્રોની પસંદગીમાં સાવધાન રહેવું.

કન્યા રાશિ
આ વર્ષમાં ધન સંપત્તિમાં વધારો થશે. પરંતુ પરિવારમાં ક્લેશ થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. વાહનનો ઉપયોગ સાવધાનીથી કરવો. આળસ કરશો તો પરિણામ ગંભીર આવશે. વર્ષ દરમિયાન નાની-નાની યાત્રાઓ થઈ શકે છે. સંઘર્ષ અને મહેનતથી કરેલા કામનો ઉત્તમ ફળ મળશે. વર્ષ દરમિયાન શારીરિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે. માતા-પિતાને કષ્ટ થઈ શકે છે.

તુલા રાશિ
આ વર્ષ તુલા રાશિના જાતકોને આર્થિક લાભ કરાવશે. નોકરી કરતાં લોકોની બઢતી અને બદલીના યોગ સર્જાય છે. સંતાનની પણ ઉન્નતિ થશે. આ વર્ષમાં માતા-પિતા અને ભાઈને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સમજી-વિચારને કરેલા નિર્ણય લાભ કરાવશે. વાતાવરણમાં થતાં ફેરફાર તમારા પર અસર કરી શકે છે.

વૃશ્ચિક રાશિ
વર્ષની શરૂઆતમાં શનિ ધન ભાવમાં હશે અને વર્ષ દરમિયાન રાહુ અને કેતુ કર્મ ભાવમાં રહેશે. જેના કારણે આ વર્ષ ઉતાર-ચઢાવવાળું રહે. આત્મવિશ્વાસ સાથે મહેનત કરવાથી માર્ગમાં આવેલી બાધાઓ દૂર થશે. સ્વાસ્થ્ય સામાન્ય રહે. આ વર્ષ ભાઈ બહેનોના સુખથી ભરપૂર રહે. વેપારી બંધુઓ અને નોકરી કરતાં લોકોને લાભ થશે. આ વર્ષમાં સાવધાન નહીં રહો તો આર્થિક કષ્ટ થઈ શકે છે. જો કે આ વર્ષમાં શત્રુઓ પરાસ્ત થશે.

ધન રાશિ
આ વર્ષ ધન રાશિના જાતકો માટે મિશ્ર ફળદાયી નીવડે. આ વર્ષ પ્રેમ સંબંધ અને લગ્ન માટે યોગ્ય નથી. વ્યાવસાયિક ક્ષેત્રમાં કોર્ટ કચેરીના કેસ થઈ શકે છે. સાવધાન રહેવું. રોકાણ કરવામાં ધ્યાન રાખવું અન્યથા નાણા ડુબી જશે. માતાના સ્વાસ્થ્યની અવગણના ન કરવી નહીં તો નાની સમસ્યા વિકરાળ બની શકે છે.

મકર રાશિ
આ વર્ષમાં સ્વાસ્થ્ય અને પોતાની જવાબદારીઓ પ્રત્યે બેદરકાર ન રહેવું. આ વર્ષ પત્નીના સ્વાસ્થ્ય માટે પણ કષ્ટદાયક સાબિત થશે તેથી સાવધાન રહેવું. આ વર્ષમાં દરેક કાર્ય સમજી વિચારીને કરવું નહીં તો પરિણામ તમારી અપેક્ષાઓથી વિપરીત આવશે. જો કે વર્ષના મધ્યભાગમાં તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને તમે જોશ અને ઉત્સાહથી તમામ બાધાઓને પાર કરી લેશો. આ વર્ષ દરમિયાન જીવનસાથીનો સહયોગ મળતો રહેશે. આ વર્ષના અંતે ઘરમાં કોઈ શુભ પ્રસંગનો અવસર પણ આવે.

કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે આ વર્ષ સામાન્ય સાબિત થશે. આર્થિક સ્થિતી સામાન્ય રહેશે તેમજ જીવનસાથીના સ્વાસ્થ્યમાં પણ ઉતાર-ચઢાવ રહે. આ વર્ષ દરમિયાન ઝડપથી બમણો લાભ થાય તેવી તકો સર્જાતી જણાય પરંતુ આવી લાલચમાં ન આવવું. પરિવારના સભ્યોનું ખાસ ધ્યાન રાખવું અને કોઈપણ સંબંધમાં શંકાને સ્થાન ન આપવું. મતભેદથી જેટલા દૂર રહેશો તેટલો લાભ થશે. આ ઉપરાંત હાથમાં લીધેલા કામ અધુરા ન છોડવા.

મીન રાશિ
મીન રાશિના જાતકો માટે આ વર્ષ આર્થિક લાભવાળું સાબિત થશે. સંતાન અને માતા-પિતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેજો. ગૃહસ્થ જીવનમાં શંકા ન રાખવી. વિશ્વાસ મજબૂત રાખવાથી ગેરસમજ ઊભી થતી નથી. આવક વધારવાના માર્ગ મળશે. તેના પર મહેનત કરવી.