Dev gurur bruhaspati like yellow color the most, know About it
  • Home
  • Astrology
  • પીળો રંગ પારિવારિક સુખાકારી માટે છે ઉત્તમ, તેમાં છૂપાયેલા છે અનેક રહસ્યો

પીળો રંગ પારિવારિક સુખાકારી માટે છે ઉત્તમ, તેમાં છૂપાયેલા છે અનેક રહસ્યો

 | 5:03 pm IST

તમામ ગ્રહોમાં દેવગુરુ બૃહસ્પતિને અતિ શુભ ફળના દાતા માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ ગુરુ ગ્રહને સૌથી મોટો અને શુભ ફળનો આપનારો ગણાવ્યો છે. આ ગ્રહ અન્ય ગ્રહોની સરખામણીમાં આકારમાં મોટો છે તેથી તેને ગુરુ તરીકે ઓળખવામાં આવે છે. ગુરુ ગ્રહના શુભ ફળની પ્રાપ્તિ માટે ગુરુવારે ગુરુનું પૂજન કરવું અને પીળા રંગના વસ્ત્રો પહેરવાનું વિશેષ મહત્વ છે. જો તમે પારિવારિક સમસ્યાઓથી પીડાતાં હોય તો ગુરુવારનું વ્રત કરો. આ દિવસે દેવ ગુરુ બૃહસ્પતિની પૂજા- આરાધના કરો. ગુરુવાર અને ગુરુપૂજનમાં પીળા રંગનું વિશેષ મહત્વ છે. ભોજનમાં પણ પીળું ધાન અને દાનમાં પણ પીળા વસ્ત્રોનું વિશેષ મહત્વ છે.

પારિવારિક સુખાકારી મેળવવા માટે દેવ ગુરુ બૃહસ્પતિ ઉપરાંત પીળા વસ્ત્રો પહેરીને શ્રીહરિ વિષ્ણુ અને કેળાના વૃક્ષનું પૂજન કરવામાં આવે તો તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થઈ જાય છે. જે વિવાહ યોગ્ય કન્યાઓને યોગ્ય જીવનસાથી મેળવવામાં બાધા આવતી હોય તેમણે ગુરુવારે પીળા વસ્ત્રો પહેરીને પૂજા કરવી જોઈએ. એનાથી તેમના લગ્નના યોગ પ્રબળ બને છે. જ્યોતિષ અનુસાર જો કુંડળીમાં ગુરુ અશુભ ફળ આપતો હોય કે વક્રી ચાલી રહ્યો હોય અને અશુભ ફળ મળતું હોય તો ગુરુવારે પીળા કપડાં પહેરીને પૂજા કરવી જોઈએ.એ  ઉપરાંત શ્રીહરી વિષ્ણુને પીળા રંગની મીઠાઈનો પ્રસાદ ધરાવવો જોઈએ. પ્રસાદ જાજા મુખે જાય તે રીતે વહેંચવો જોઈએ. ઘરમાં જમવામાં પીળી દાળ એટલે કે ચણાના લોટનું કશુંક બનાવીને એકટાણું કરવું જોઈએ. તેનાથી શુભ ફળની ઝડપી જ પ્રાપ્તિ થાય છે.

જે જાતક દરેક ગુરુવારે આમ કરે છે તેને સારું સ્વાસ્થ્ય, સારું ધન, સફળતા અને મનોવાંચ્છિત જીવનસાથીની પ્રાપ્તિ થાય છે. વ્યક્તિ બુદ્ધિમાન હોય છે તે શુભ અને નિર્મળ કાર્યો કરીને ઉચ્ચ ગતિને પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત વ્યક્તિના સ્વભાવગત વાત કરીએ તો તેનામાં ઠરેલપણું, ડહાપણ અને સમજણમાં વિશેષ વધારો થાય છે. જે તેના જીવને સુખમય બનાવે છે.