હા, મેં પહેલી વખત જાતે ગીત ગાયા છે - Sandesh

હા, મેં પહેલી વખત જાતે ગીત ગાયા છે

 | 4:12 am IST

ટૂંક સમયમાં રજૂ થઈ રહેલી ફિલ્મ ફન્ને ખાનમાં પહેલી જ વખત બે એવા કલાકાર એક સાથે કામ કરી રહ્યા છે જેમની જોડી કોઈએ કદી કલ્પી જ નહીં હોય. એકબાજુ છે, ન્યૂટન અને બરેલી કી બરફી જેવી ફિલ્મો કરીને અભિનય માટે સૌથી વધુ વખણાયેલો રાજકુમાર રાવ અને બીજી બાજુ છે, વિશ્વસુંદરી તરીકે વર્ષો સુધી સિક્કો જમાવનાર ઐશ્વર્યા રાય. આ ફિલ્મ ૨૦૦૦માં ઓસ્કર એવોર્ડ માટે નોમિનેશન મેળવનાર ડચ ફિલ્મ એવરીબડી ઈઝ ફેમસ ઉપર આધારિત છે. ફિલ્મમાં સુપરસ્ટાર ઐશ્વર્યા છે, પરંતુ લુક માટે વધારે સમય અને પૈસો અનિલ કપૂર ઉપર ખર્ચાયા છે.

ફિલ્મમાં ઐશ્વર્યા રાય અને રાજકુમાર રાવની સાથે અનિલ કપૂર પણ છે. આ ફિલ્મમાં અનિલ કપૂર જે લુકમાં દેખાય છે એ નક્કી કરવા માટે સતત ૫૦ કલાક સુધી જાતજાતના લુક અજમાવવામાં આવ્યા હતા. અનિલ કપૂરની હેરસ્ટાઈલ માટે સતત પાંચ દિવસ સુધી નિષ્ણાતો કામ કરતા રહ્યા હતા.

મૂળ ડચ ફિલ્મની ફિલ્મની વાર્તા અજાયબ છે. એેમાં પુત્રીને ટોચની ગાયિકા બનાવવા માટે સુપરસ્ટારને કિડનેપ કરતા પિતાની વાત હતી. એ વાર્તા પ્રમાણે ફન્ને ખાનની વાર્તાની કલ્પના કરીએ તો વાત કંઈક આવી છે, અનિલ કપૂર એક એવો પિતા છે જે પોતાના પુત્રને ટોચનો ગાયક બનાવવા માગે છે. પુત્રનું પણ સપનું છે કે એ વિશ્વના ટોપ ટેન ગાયકોમાં સ્થાન મેળવે. પરંતુ પુત્ર સમગ્ર દેશની અને પછી વિશ્વની નજરમાં આવે શી રીતે? નજરમાં આવે તો બધાને ખબર પડે ને કે એનો પુત્ર કેવું અદ્ભુત ગાય છે! બધાની નજરમાં આવવા શું કરવું શું કરવું…! એની ગડમથલ કરતાં કરતાં એને ઝબકારો થાય છે. આજની સુપરસ્ટાર હીરોઈનને કિડનેપ કરી લઈએ તો બધાનું ધ્યાન આપોઆપ એની ઉપર અને એના પુત્ર ઉપર આવી જાય!

આધેડ વયનો પિતા પોતાના પુત્રનું સપનું પૂરું કરવા માટે ખરેખર સુપરસ્ટારનું અપહરણ કરી લે છે. પછી શું થાય છે એની રોમાંચક દાસ્તાન ફન્ને ખાનમાં છે. મોટે ભાગે અનિલ કપૂર જ ફન્ને ખાન છે.

ફિલ્મનું નિર્માણ ક્રિઅર્જ એન્ટરટેઈન્મેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું દિગ્દર્શન રાકેશ ઓમપ્રકાશ મહેરાનું છે. આવા પ્રકારની વાર્તાને ન્યાય આપવામાં એની ગજબની હથોટી છે. તેમ છતાં રાકેશ ઓમપ્રકાશ મહેરાની છેલ્લી અમુક ફિલ્મો નિષ્ફળ જઇ રહી છે, રાકેશ ઓમપ્રકાશ મહેરા પાસેથી દર્શકોને જે રીતેની અપેક્ષા હોય છે, જે તેણે ફિલ્મ રંગ દે બસંતીથી સેટ કરી હતી તે આગામી સમયમાં રિલીઝ થનારી ફિલ્મ ફન્ને ખાન દ્વારા રાકેશ ઓમપ્રકાશ મહેરા પોતાના દર્શકોની આશા પરીપૂર્ણ કરી શકશે કે આ ફિલ્મ પણ રાકેશ સહીત ફિલ્મના કલાકારોને નિરાશ કરશે તે તો આગામી સમય જ જણાવી શકશે. ફન્ને ખાનનું શૂટિંગ ૧૦ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ પૂરું થઈ ગયું હતું. એના માનમાં નિર્માણ કંપની ક્રિઅર્જની સહસ્થાપક પાર્ટનર પ્રેરણા અરોરાની બર્થ ડેના દિવસે ૧૧ ડિસેમ્બરે એક નાનકડી પાર્ટી આપવામાં આવી હતી. એમાં રાજકુમાર રાવ, અનિલ કપૂર ઉપરાંત શાહિદ કપૂર, બિપાસા બાસુ, દિવ્યા દત્તા વગેરે સિનેસ્ટાર્સે હાજરી આપી હતી. એમાં હીરોઈન ઐશ્વર્યા રાયની ગેરહાજરી બધાને ખૂંચતી હતી.

પાર્ટીમાં નિર્માત્રિ પ્રેરણા અરોરાએ જણાવ્યું કે અમને ઈશ્વરના આશીર્વાદ છે કે બેસ્ટ પ્રોફેશનલ અને ક્રિયેટિવ ટીમ મળી છે. અનિલ કપૂર, ઐશ્વર્યા અને રાજકુમાર રાવે જરાય ફરિયાદ વગર એક શિડયુઅલમાં સતત ૧૨ કલાક એકપણ બ્રેક વગર કામ કર્યું હતું.

આ વિશે ઐશ્વર્યા સાથે વાત કરી તો કેટલીક નવી વાતો જાણવા મળી.

આ ફિલ્મમાં તારું પાત્ર મૂળ ડચ ફિલ્મની હીરોઈન કરતાં વધારે મહત્ત્વનું બતાવવામાં આવ્યું છે?

જુઓ, મૂળ ફિલ્મનો આઈડિયા લઈને આખી પટકથા નવેસરથી લખાઈ છે. એટલે આવી સરખામણીનો અર્થ નથી.

ફિલ્મમાં તમારું પાત્ર કેવું છે?

ગાયિકાનું પાત્ર છે.

તમે ફિલ્મ માટે જાતે ગીતો ગાયા છે?

હા, ફિલ્મના ચાર ગીતો મારે ભાગે આવ્યા છે. એ મેં જાતે ગાવાનો પ્રયોગ કર્યો છે.

અનિલ કપૂરની ભૂમિકા શું છે?

વધારે ચોખવટ નહીં કરી શકું, પરંતુ મૂળ ફિલ્મમાં કારખાનાનો કર્મચારી એવા પિતાનું જે પાત્ર હતું જે નોકરી છૂટી જતાં હતાશામાં અપહરણ કરે છે અને પુત્ર માટે ગીતલેખક બનવાની મહત્ત્વાકાંક્ષા સેવે છે. એ પાત્ર જરૂરી ફેરફાર સાથે અનિલનું છે.

શું લાગે છે, ફિલ્મ હિટ થશે?

મૂળ ફિલ્મ ઓસ્કરમાં પહોંચી હતી. રાકેશ ઓમપ્રકાશ મહેરા એવી ફિલ્મો બનાવે છે જે જોનારના હૃદયમાં સીધી ઉતરી જાય. આ ફિલ્મની માવજત પણ એટલી જ ચીવટથી કરી છે. એટલે પૂરી ખાતરી છે કે પ્રેક્ષકોને સ્પર્શી જશે અને હિટ જરૂર થશે.