YO-YO TEST ઘણા યુવા ક્રિકેટર્સ માટે મુશ્કેલી સર્જશે - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • YO-YO TEST ઘણા યુવા ક્રિકેટર્સ માટે મુશ્કેલી સર્જશે

YO-YO TEST ઘણા યુવા ક્રિકેટર્સ માટે મુશ્કેલી સર્જશે

 | 7:42 pm IST

ભારતીય ક્રિકેટ ટીમમાં સતત બીજી વખત હેડ કોચ તરીકે પસંદ થયેલા રવિ શાસ્ત્રીએ પોતાના ઇરાદા જાહેર કરી દીધા છે અને તે ખેલાડીઓની ફિટનેસ ઉપર વધારે ભાર મૂકશે તેવી જાહેરાત પણ કરી દીધી છે. સુકાની વિરાટ કોહલી વર્લ્ડ ક્રિકેટમાં સૌથી ફિટેસ્ટ ખેલાડી છે અને ભારતના અન્ય ખેલાડીઓ પણ ફિટનેસ ઉપર વધારે ધ્યાન આપી રહ્યા છે અને છેલ્લા કેટલાક સમયથી તેના પરિણામ પણ સપાટી ઉપર આવ્યા છે. ઉચ્ચ સ્તરીય ફિટનેસના કારણે ખેલાડીઓનું પ્રદર્શન તો સુધર્યું જ છે પરંતુ ફિલ્ડિંગ પણ વધારે ચુસ્ત બની છે. ખેલાડીઓ હવે રનિંગ કેચ કે ડાઇવિંગ કેચ ઝડપવા માટે સહેજ પણ પાછા પડતા નથી.

શાસ્ત્રીના અનુસાર જે ખેલાડીઓ યો-યો ટેસ્ટ પાસ કરશે તેને જ ટીમમાં સ્થાન મળશે અને આ ટેસ્ટનો બેન્ચ માર્ક હવે સીધો ૧૭નો કરી દેવામાં આવ્યો છે. પહેલાં એવું હતું કે ખેલાડી ૧૬.૧ના આંક સાથે યો-યો ટેસ્ટ પાસ કરે તો તેને ટીમમાં સ્થાન મળતું હતું પરંતુ હવે યુવા ખેલાડીઓ માટે ટીમમાં સ્થાન મેળવવાનો માર્ગ વધારે કપરો બનશે. ભારતીય ક્રિકેટની હાલની પરિસ્થિતિને જોતાં પ્રત્યેક સ્થાન માટે તીવ્ર હરીફાઈ ચાલી રહી છે. દાખલા તરીકે રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ સહિત કેટલાક ખેલાડીઓ માત્ર ઓપનિંગના સ્થાન માટે દાવેદારી નોંધાવી રહ્યા છે. આ જ રીતે તમામ ક્રમાંક માટે હરીફાઈ ચાલી રહી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવા માટે ફિટનેસ હોવી જરૂરી છે. પરંતુ શું ટેસ્ટ ક્રિકેટ માટે ૧૭ના આંકનો યો-યો ટેસ્ટ જરૂરી છે ?

કેટલાક સમય પહેલાં અંબાતી રાયડુ, યુવરાજસિંહ, સુરેશ રૈના તથા મોહમ્મદ શમી યો-યો ટેસ્ટ પાસ કરી શક્યા નહોતા તેથી તેમને ટીમમાં સ્થાન નહોતું મળ્યું. હવે બીજી બાબત એ છે કે પ્રત્યેક સ્થાન માટે હરીફાઈ થઈ રહી હોવાના કારણે સિલેક્ટર્સ, કોચ તથા ટીમ મેનેજમેન્ટ માટે કયા ખેલાડીને લેવો કે કોને પડતો મૂકવો તે સવાલ માથાના દુખાવા સમાન બન્યો છે. હવે જો યો-યો ટેસ્ટમાં ખેલાડી નિષ્ફળ જાય તો તે ભલે ગમે તેટલો ફોર્મમાં હોય પરંતુ તેને ટીમમાં સ્થાન આપવામાં આવશે નહીં એટલે કે ખેલાડીઓ વચ્ચેની હરીફાઈ ઓછી થઈ જશે. વધારે પડતી યો-યો ટેસ્ટના કારણે ભારતની બેન્ચ સ્ટ્રેન્થ ઉપર પણ સીધી અસર પડી શકે છે. જ્યારે હરીફાઈ જ નહીં હોય તો યુવા ખેલાડીઓને ઇન્ટરનેશનલ સ્તરનો અનુભવ મળશે નહીં અને તેઓ હાઇએસ્ટ લેવલનું ક્રિકેટ રમવા માટે માનસિક રીતે તૈયાર થઈ શકશે નહીં.

ટેસ્ટ ટીમની પસંદગી પહેલાં જો મધ્યમ હરોળનો બેટ્સમેન ચેતેશ્વર પૂજારા યો-યો ટેસ્ટ પાસ ના કરી શકે તો શું તેને ટેસ્ટ ટીમમાં સ્થાન નહીં મળે ? શાસ્ત્રીના સંકેત પ્રમાણે ચોક્કસપણે પૂજારાનો ટીમમાં સમાવેશ નહીં થાય પરંતુ આ કારણથી ભારતની મધ્યમ હરોળની બેટિંગ નબળી પડી જશે તેમાં કોઈ શંકા નથી. આ રીતે જો કોઈ પેસ બોલર ફિટનેસ ટેસ્ટમાં પાસ ના થાય તો શું તેને રમાડવામાં નહીં આવે? કેટલાક ખેલાડીઓ ઉપર તો ટીમ મેનેજમેન્ટ તથા સિલેક્ટર્સે ચોક્કસ ફોર્મેટના નિષ્ણાત ખેલાડીઓનું લેબલ લગાવી દીધું છે. આ સ્થિતિમાં તેમની કારકિર્દી અકાળે પૂરી થઈ શકે છે. જો ફિટનેસની વાત કરીએ તો શાસ્ત્રી કરતાં વિદેશી ટીમોના મોટા ભાગના કોચ વધારે ફિટ છે. બીસીસીઆઇએ પણ હવે હેડ કોચ માટે યો-યો ટેસ્ટ ફરજિયાત બનાવવી જોઈએ. ત્યારબાદ જ તેમના ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવા તથા ટીમોને કોચિંગ આપવાના અનુભવને ધ્યાનમાં લેવા જોઈએ. તેમ છતાં શાસ્ત્રીએ ખેલાડીઓ વચ્ચેની કોમ્પિટિશન ઘટાડવા માટે યો-યો ટેસ્ટના પાસિંગ માર્ક વધાર્યા છે તેના કારણે ભારતીય ટીમમાં સ્થાન મેળવવાનું યુવા ક્રિકેટર્સ માટે વધારે મુશ્કેલ બની જશે.

કવર પોઈન્ટ :- રિપ્પલ એન. ક્રિસ્ટી

ripple18765@gmail.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન