યોગેશ્વર શ્રીકૃષ્ણ : આદ્ય મેનેજમેન્ટના મહાન ગુરુ - Sandesh
  • Home
  • Columnist
  • યોગેશ્વર શ્રીકૃષ્ણ : આદ્ય મેનેજમેન્ટના મહાન ગુરુ

યોગેશ્વર શ્રીકૃષ્ણ : આદ્ય મેનેજમેન્ટના મહાન ગુરુ

 | 2:46 am IST

સામયિક : પ્રભાકર ખમાર

કૃષ્ણ કૃષ્ણ સબ કોઈ કહે

ધર્મી, ધનવાન, ઠગ ર ચોર

બિના ભક્તિ કૃષ્ણ રીઝે નહીં

કહત તુલસી નંદ કિશોર.

આજકાલ મેનેજમેન્ટ શાસ્ત્રની વિશ્વમાં ભારે બોલબાલા છે. વિશ્વભરના વિશ્વ વિદ્યાલયો તથા વિખ્યાત શૈક્ષણિક સંસ્થાઓ મેનેજમેન્ટ શાસ્ત્રનું શિક્ષણ આપી રહી છે. ઉદ્યોગ અને વ્યવસાયોમાં પણ મેનેજમેન્ટ શાસ્ત્રની ડિગ્રીને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. હેન્રી ફેયાનને આધુનિક મેનેજમેન્ટ શાસ્ત્રના જનક માનવામાં આવે છે. ફેયાનથી શરૂ કરી પીટર ડૂકર સુધીના વિદ્વાનોને મેનેજમેન્ટ ગુરુ માનવામાં આવે છે. એક સ્વતંત્ર વિદ્યાશાખાના રૂપમાં મેનેજમેન્ટ શાસ્ત્રનો ઉદય ભલે આધુનિક સમયમાં થયો, પરંતુ એ કેવળ વીસમી સદીનો આવિષ્કાર નથી. માનવજીવનની પ્રકૃતિ-પ્રવૃત્તિ- પ્રગતિની સાથોસાથ મેનેજમેન્ટ સ્વભાવગત વણાયેલું રહ્યું છે. પથ્થર યુગથી અણુબોંબ સુધી એનો ઇતિહાસ સાક્ષી પૂરે છે.

ભગવાન શ્રીકૃષ્ણ તો આદ્ય મેનેજમેન્ટ શાસ્ત્રના ગુરુ છે. મહાભારતના પાને પાને શ્રીકૃષ્ણની વિષદ બુદ્ધિમત્તા દ્વારા મેનેજમેન્ટના દર્શન થાય છે. દરેક વખતે પાંડવોને તેમની મુશ્કેલી અને મથામણમાં પથદર્શક (ગાઇડ)- વ્યવસ્થાપક (મેનેજર) બની મેનેજમેન્ટની અદ્ભુતતાનું દર્શન કરાવે છે. મહાભારતમાં એવા કેટલાંય દૃષ્ટાંતો આવે છે જેમાં માત્ર શ્રીકૃષ્ણની મેનેજમેન્ટ પદ્ધતિ અને સલાહને કારણે જ પાંડવોનો મહાઅનર્થ થતો અટક્યો છે. અત્યાચારી કંસ તથા એની વસાહતવાદી અર્થવ્યવસ્થાની વિરુદ્ધ શ્રીકૃષ્ણ દ્વારા જે સંગઠિત વિદ્રોહ થાય છે તે તત્કાલીન મેનેજમેન્ટનો જ એક પ્રકાર છે. મથુરામાં જતું દૂધ રોકવું, કાલિયામર્દનના માધ્યમ દ્વારા યમુના નદીની સફાઈ,ગોવર્ધન પર્વતને આંગળી પર ઊંચકવો, સેંકડો ગાયોના વંશ વૃક્ષને જન્મ અપાવવો-પોષવો- ઉછેરવો એ કૃષ્ણની મેનેજમેન્ટ દૃષ્ટિનો નમૂનો છે.

સુવર્ણ દ્વારિકા નગરીની રચનામાં શ્રીકૃષ્ણની અપ્રતિમ મેનેજમેન્ટ કૌશલ્યતા ઊભરી આવે છે. સાહસિક મનોવૃત્તિ દ્વારા સંપન્ન નવર્નિિમત નગરરચના મેનેજમેન્ટ, યાદવ વંશ-પરિવારોની એકતાનો પ્રયોગ અર્થાત્ કુળવ્યવસ્થાપન વગેરેમાં મેનેજમેન્ટ દૃષ્ટિના અનેરા દર્શન થાય છે.

સંભ્રમિત થયેલા અર્જુનને કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં ગીતાનો ઉપદેશ આપ્યો. આ ઉપદેશ જ મેનેજમેન્ટ શાસ્ત્રનું એક પાઠયપુસ્તક છે. એક ધર્મગ્રંથ સ્વરૂપે આપણે ગીતાને શ્રદ્ધાથી જોઈએ છીએ, સન્માનનીએ છીએ. ગીતામાં કહ્યું છે કે તાત્કાલિક નિર્ણય કરનારી એકમાત્ર શક્તિ તે બુદ્ધિ છે. બુદ્ધિ સ્થિર ના હોય તો એકાગ્રતાથી કામ થતું નથી. વિભાજિત બુદ્ધિ અનિર્ણયાત્મક હોય છે. તેથી જ શ્રીકૃષ્ણએ બુદ્ધિના ભેદ પાડયા છે એમાં વિવેકબુદ્ધિ અને સાત્ત્વિક બુદ્ધિને સર્વશ્રેષ્ઠ માની છે.

બીજાઓ પાસેથી કામ કેવી રીતે કરાવવું એ પણ મેનેજમેન્ટ શાસ્ત્રની એક કળા છે. મુખ્ય સૂત્રધાર તરીકે પોતાના હાથમાં સુકાન રાખીને અન્યોને વિવિધ કામમાં પળોટવા એ એક આદર્શ મેનેજમેન્ટ પદ્ધતિ છે. શ્રીકૃષ્ણ ભગવાને ગોકુળના ગોવાળિયાથી માંડી દ્વારકાના રાજા તરીકે આ પદ્ધતિ અપનાવી પોતાની જાતને શ્રેષ્ઠ મેનેજમેન્ટ ગુરુ તરીકે સિદ્ધ કર્યા છે.

આજે મેનેજમેન્ટના નામે-બહાને શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, ખાનગી-સરકારી શૈક્ષણિક સંસ્થાઓ પણ ‘પૈસો મારો પરમેશ્વર’ની માન્યતાને અનુસરી કમાણીનું એક સાધન બની ગયા છે. માત્ર નોકરીલક્ષી કે ડિગ્રીલક્ષી શિક્ષણને મહત્ત્વ અપાઈ રહ્યું છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણના શીલ, સદાચાર અને સત્કર્મના ઉપદેશને અનુસરવું એ જ સાચી કૃષ્ણભક્તિ છે.

વર્તમાન સમયની કહેવાતી નોલેજેબલ સોસાયટીમાં જીવન ઘડતર અને ચણતરના શિક્ષણનો અભાવ વર્તાય છે. વ્યાપાર-ઉદ્યોગ અને વ્યવસાયમાં ગળાકાપ સ્પર્ધા પ્રવર્તે છે ત્યારે શ્રીકૃષ્ણના ગીતાજ્ઞા।નમાં પ્રેરણાત્મક અને અલૌકિક મેનેજમેન્ટ પદ્ધતિનું રસપાન થાય છે.

આજની રાજનીતિમાં પણ ચૂંટણી સમયે વિજય માટે આધુનિક મેનેજમેન્ટ તત્ત્વ પ્રવેશી ચૂક્યું છે ત્યારે દ્વારકાધિપતિ શ્રીકૃષ્ણએ વર્ષો પહેલાં રાજ્યશાસ્ત્રમાં રાજાધ્યક્ષ તરીકે રાજધર્મ અને ક્ષાત્રધર્મ મેનેજમેન્ટના ઉત્તમ ઉદાહરણો આપ્યા છે.

શ્રીકૃષ્ણનો જીવન સંદેશ જેટલો પ્રાચીન સમયમાં મહત્ત્વનો હતો એટલે આધુનિક સમયમાં પણ અગત્યનો છે. ભગવાન સ્વરૂપે કૌરવો-પાંડવો વચ્ચે યુદ્ધ દ્વારા લોહિયાળ રક્તપાત ન થાય તેમ તેઓ ઇચ્છતા હતા. એ માટે જીવ ઉપર આવીને આખરી સમય સુધી પ્રયત્ન કરે છે પણ સફળ થતાં નથી. યુદ્ધ જ્યારે અનિવાર્ય બને છે ત્યારે સારથી બનીને વિજય માટે તત્કાલીન મેનેજમેન્ટની તમામ રીતરસમો અપનાવી શ્રેષ્ઠતમ મેનેજમેન્ટ ગુરુ તરીકે વિજયોત્સવ મનાવે છે. શ્રીકૃષ્ણના જીવનની આ જ લાક્ષણિકતા ૫,૦૦૦ વર્ષ પછી પણ માનવ હૃદયમાં સ્મરણાંકિત રાખે છે.

વેદ-ઉપનિષદો જેવા ધાર્મિક ગ્રંથોને, રામાયણ-મહાભારત જેવા પૌરાણિક શાસ્ત્રોને, અનેક પ્રકારના સંત સાહિત્યને આપણે ‘ધર્મગ્રંથ’નો દરજ્જો આપી પવિત્રતાના નામે પટારાઓમાં બંધ કરી મૂક્યા છે, પરંતુ મેનેજમેન્ટ તત્ત્વ તરીકે આ ગ્રંથોનો જ્ઞા।નલક્ષી અધ્યયન કરીએ તો એમાં પ્રાચીન અને અર્વાચીન મેનેજમેન્ટની ઉત્તમ ઉદ્ઘોષિતાઓ પ્રાપ્ત થાય છે.

શ્રીકૃષ્ણ અતીત-આજ આવતી કાલે પણ સ્મરણીય અને વંદનીય રહેવાના છે.