UP: સીએમ હાઉસનું શુદ્ધિકરણ, ત્યારબાદ થશે યોગી આદિત્યનાથની 'એન્ટ્રી' - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • UP: સીએમ હાઉસનું શુદ્ધિકરણ, ત્યારબાદ થશે યોગી આદિત્યનાથની ‘એન્ટ્રી’

UP: સીએમ હાઉસનું શુદ્ધિકરણ, ત્યારબાદ થશે યોગી આદિત્યનાથની ‘એન્ટ્રી’

 | 1:18 pm IST

યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બની ગયા છે. રવિવારે તેમણે મુખ્યમંત્રી પદના શપથ લીધા ત્યારબાદ લખનઉ ખાતે મુખ્યમંત્રી આવાસમાં હલચલ વધી ગઈ છે. પાંચ કાલિદાસ માર્ગ પર મુખ્યમંત્રીના સરકારી આવાસની નેમ પ્લેટ બદલાઈ ગઈ છે પરંતુ યોગી હજુ ત્યાં શિફ્ટ થયા નથી. તેઓના પ્રવેશ પહેલા મુખ્યમંત્રી આવાસનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું છે. આવાસ પહેલા પૂજા હવન અને રુદ્રાભિષેક કરવાની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

પૂજા અને રુદ્રાભિષેક માટે ખાસ કરીને ગોરખપુરથી સાત પુરોહિતોની એક ટીમ સોમવાર સવારે લગભગ સાડા નવ વાગ્યાની આસપાસ સરકારી આવાસ પહોંચી ગઈ. પુરોહિતોએ પહેલા આવાસના દરેક રૂમ અને પરિસરનુ નિરિક્ષણ કર્યું અને ત્યારબાદ વાસ્તુ મુજબ પૂજા માટે જગ્યા નક્કી કરી. આ પૂજા લગભગ ત્રણ કલાક ચાલશે. પૂજા દરમિયાન ગંગાજળ, ગૌમૂત્ર અને તમામ પૂજા સામગ્રીથી હવન અને શુદ્ધિકરણ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યાં મુજબ પૂજાની સામગ્રી અને પૂજામાં વપરાનાર વસ્તુઓ પુરોહિત પોતાની સાથે ગોરખપુરથી લેતા આવ્યા છે. એવા પણ અહેવાલો છે કે આ દરમિયાન યોગી આદિત્યનાથ સરકારી આવાસનું નિરિક્ષણ કરવાના છે જેના પગલે આવાસ અને આસપાસની સુરક્ષા વધારી દેવાઈ છે. આ સાથે જ તેઓ સરકારી આવાસમાં એક મંદિર બનાવવા માંગે છે જેના માટે પુરોહિતોની સલાહ પણ લેશે.

એવી અટકળો છે કે પૂજા, હવન અને શુ્દ્ધિકરણ બાદ પણ યોગી તરત સરકારી આવાસમાં શિફ્ટ નહીં થાય. આ માટે શુભ દિવસ નક્કી કરાશે અને ત્યારબાદ મુખ્યમંત્રી તરીકે તેઓ સરકારી આવાસમાં ગૃહપ્રવેશ કરશે. અત્રે જણાવવાનું કે રવિવારે શપથગ્રહણ સમારોહ અને કાર્યભાર સંભાળ્યા બાદ યોગી રાતે વીવીઆઈપી ગેસ્ટ હાઉસમાં જ રોકાયા હતાં.