તમને ચારે બાજુથી કહેવામાં આવે છે તમે અધુરા છો, બદસૂરત છો, નકામા છો! - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • તમને ચારે બાજુથી કહેવામાં આવે છે તમે અધુરા છો, બદસૂરત છો, નકામા છો!

તમને ચારે બાજુથી કહેવામાં આવે છે તમે અધુરા છો, બદસૂરત છો, નકામા છો!

 | 3:00 am IST

લાઈવ વાયરઃ મયુર પાઠક

આજનો માનવી પોતે કેવો દેખાય છેે તે અંગે સૌથી વધારે કોન્શિયસ થઇ ગયો છે. દેખાવને એટલું મહત્ત્વ અપાતું થઇ ગયું છે કે લોકોની આ સાઇકોલોજીને કારણે બ્યુટી ઇન્ડસ્ટ્રીઝ અબજો રૂપિયાનો ધંધો કરી રહી છે. એકલા ફેરનેસ ક્રીમનો વેપાર જ કરોડો ડોલરનો છે. બધા જ જાણે છે કે, ફેરનેસ ક્રીમ વાપરવાથી કોઇ ગોરું થયું નથી, કે થવાનંુ નથી, પરંતુ ગોરા બનવાની ઘેલછા પર આ બધી બ્યુટી ઇન્ડસ્ટ્રીઝ ટકી રહી છે. ડવ સાબુ બનાવતી કંપની યુનિલીવરનું એડ સ્લોગન હતું ”વ્હાઇટ ઇઝ પ્યોર” બસ આવા ગતકડા કરીને કંપનીઓ વ્હાઇટ સુપ્રિમસીનો માહોલ ખડો કરે છે અને તેમાં કરોડો લોકો ફસાઇ જાય છે. હકીકતમાં પોતાનો ધંધો ચલાવવા કંપનીઓ આપણી આજુબાજુ એક ડરનો માહોલ ઊભો કરે છે. જો તમે બ્લેક હો તો તમે પાછળ રહી જશો, અમારું ક્રીમ વાપરો. જો તમે જાડા છો તો તમે દુનિયાની રેસમાં ટકી નહી ંશકો, અમારી ટેબ્લેટ ખાઓ ને વજન ઉતારો! જો તમે પાતળા છો તો તમને દોસ્તો ચામાચીડિયું કહીને ચીઢવશે, અમારો પાઉડર ખાઓ ને વજન વધારો. તમે ઠીંગણા છો તો તમે નિષ્ફળ રહેશો, અમારી દવા ખાઓને અને ઊંચાઇ વધારો. તમને ચશ્મા છે તો તમારી પર્સનાલિટી બગડી જશે, અમારા કોન્ટેક્ટ લેન્સ પહેરો અને દુનિયા પર છવાઇ જાઓ. તમારી સ્કિન ઓઇલી છે તો તમને મિસ ચીપચીપ લોકો કહેશે, અમારો સાબુ વાપરો અને એકદમ ફ્રેશ દેખાવ! તમારી આસપાસ સતત એક એવી ભ્રમજાળ ગોઠવી દેવામાં આવી છે કે, તમે સતત ડરેલા રહો, તમારી જાતથી તમારા નેચરલ લુકથી.

તમે અખબાર વાંચો, ટીવી જુઓ, રેડિયો સાંભળો, રસ્તા પર ફરવા નીકળો તો સામે ર્હોિંડગ્સ જુઓ, કે પછી તમારા જઔમોબાઇલ પર આવતા  રહેતા એ અનવોન્ટેડ મેસેજ દ્વારા તમને સતત ડરેલા, ગભરાયેલા રાખવાનું એક કાવતરુંં સતત રચાયેલું રહે છે. જે તમને સતત અહેસાસ કરાવતું રહે છે કે, તમે જે છો તે બરાબર નથી. તમારા બાથરૂમમાંથી વાસ આવે છે તો તમને ઘેર જોવા આવેલી છોકરી તમને રિજેક્ટ કરી દેશે? આ રીતે ગભરાયા પછી તરત કહેવામાં આવે છે કે, અમારું બાથરૂમ પ્યુરિફાયર વાપરો.

તમારા વાળ સફેદ છે તો તમારી પત્ની તમને ખુલીને પ્યાર નહી ંકરે. અમારા હેરકલર વાપરો અને પત્નીનો પ્રેમ મેળવો!

હ્યુમન માઇકોલોજીનો અભ્યાસ કરી ચૂકેલી કંપનીઓ જાણે છે કે, તમે જયારે ડરેલા હોવ છો, ગભરાયેલા હોવ છો ત્યારે યોગ્ય નિર્ણય નથી લઇ શકતા. પોતાની પ્રોડક્ટ વેચવા માટે કંપનીઓ આપણામાં જબરજસ્ત ઈનસિક્યુરિટી, ઈન્ફિરિઓરિટિ કોમ્પ્લેક્સ ઊભંુ કરવાનું કામ કરે છે… અને પછી પોતાની પ્રોડક્ટ આપણા માથે મારે છે. આ બધામાંથી છૂટવંુ હોય તો આગામી ૧૦ દિવસ સુધી એક એવા દેવ આપણા ઘર આંગણે પધારવાના છે કે, જે આપણને સંદેશ આપે છે કે, તમે જેવા છો તેવા જ રહો. કોઇનાથી ડરવાની જરૂર નથી. મનુષ્ય તેના દેખાવથી પૂજાતો નથી, મનુષ્ય માત્ર તેના સદ્ગુણોથી શોભે છે.

ગુરુવારથી ગણેશચતુર્થીથી ગણેશોત્સવ શરૂ થાય છે. મહોલ્લે મહોલ્લે ગણેશજીની સ્થાપના કરાશે અને ૧૦ દિવસ સુધી ભક્તો ગણેશજીની પૂજા- અર્ચના કરીને લાડ લડાવશે. વર્ષોથી આપણે મહોલ્લામાં સ્થાપના કરેલ ગણેશજીના મંડપમાં જઇને આરતીમાં ઊભા રહીને વંદના કરી પ્રસાદ આરોગીએ છીએ. પરંતુ કયારેય વિચાર્યું છે કે, ગણેશજી આપણને શું કહે છે? શું પ્રેરણા આપે છે? ગણેશજીનો દેખાવ, ચારિત્ર્ય અને તેમની કથામાંથી આપણે શું અનુગ્રહિત કરવાનું છે?

ગણેશજીનું માથંુ હાથીનું છે. તમામ ખૂબ જ સુંદર દેવોની વચ્ચે ગણેશજી પહેલી નજરે વિચિત્ર લાગે, પરંતુ કોઇપણ ધાર્મિક વિધિમાં સૌ પ્રથમ પૂજા ગણેશજીની થાય છે પછી જ બીજા કોઇપણ દેવની પૂજા કરવાની માન્યતા મળે છે. ગણેશજી આપણને સંદેશો આપે છે કે, તમે કેવા દેખાઓ છો? તેનો કોઇ મતલબ નથી, તેની કોઇ અગત્યતા નથી. તમારી પાસે શું આવડત છેે તેને દુનિયા જોશે. દેખાવ પર આટલું બધંુ ધ્યાન ન આપો. ગણેશજી કહે છે તમારામાનો ઇન્ફિરિઓરિટિ કોમ્પલેક્સને ખંખેરી નાંખો અને તમારામાં જ્ઞાન- વિજ્ઞાનનું એટલું અધ્યયન કરો કે દુનિયા તમને પૂછવા આવે, તમારી સલાહ લેવા આવે, તમારા વગર કંપનીને ચાલે નહીં, તમને ઘેર બોલાવવા માણસો મોકલે. જો તમારામાં કોઇ ખાસ આવડત હશે, જે તે બ્રાન્ચનું નોલેજ હશે તો દુનિયા તમારી સ્કિન કેવી છે? તમારી ઊંચાઈ કેવી છે?, વાળ કેમ સફેદ થઇ ગયા છે? કે તમે કઇ બ્રાન્ડના કપડાં પહેરો છો તે કશું જ જોશે નહીં.

સંસ્કૃતમાં એક સુભાષિત છે ગુણેન શોભન્તી જનાઃ ન તુ આભુષણે!

ગણેશજી આ વાત કહે છે કે, જુઓ મારો દેખાવ થોડો વિચિત્ર છે, પરંતુ મારા જ્ઞાન, શૌર્ય અને મારા ગુણોને કારણે દેવો પણ માન આપે છે. ગણેશજીનું પેટ મોટું છે- લંબોદર છે. તેનો અર્થ એ છે કે, ગણેશજી તમામ વાતોને સંઘરી શકે છે, તમામના ગુણ- અવગુણ પચાવી જાણે છે. કોઇની સારી- નરસી વાતો બધે કહેતા ફરતાં નથી. વાતને સાચવી જાણે છે. ગણેશજીના કાન મોટા છે, શુર્પકર્ણક તેનો અર્થ એ છે કે, બી ગુડ લિસનર- આજે બધાને પોતાની જ વાત કહેવી છે,

કોઇની વાત સાંભળવાનું ગમતું નથી. કોઇની વાત સાંભળવાનો સમય જ કયાં છે?

જો આપણે કોઇને સાંભળીશું જ નહીં તો તેની પાસે કેટલું નોલેજ છે, આપણે તેની પાસેથી શું શીખવાનું છે તે કેવી રીતે ખબર પડશે? અથવા તો સામાવાળાની શું તકલીફ છે તેની શું પીડા છે વ્યથા છે તે તેને સાંભળીશું તો જ આપણને ખબર પડશે. આજે દુનિયાની મોટી મુશ્કેલી આ જ છે. કોઇ કોઇને સાંભળતું જ નથી. આપણે આપણી આજુબાજુ રહેતા લોકોને માત્ર શાંતિથી સાંભળીશું તો આપણી ૫૦ ટકા મુશ્કેલીઓ દૂર થઇ શકે છે. ગણેશજી મહાન છે તેનું કારણ આ પણ છે. તેઓ બધાનું સાંભળે છે. ગણેશજી નોલેજના ગોડ છે. હેપ્પીનેસના ગોડ છે.

ગણેશ અથર્વશીર્ષસ્તોત્રમાં કહેવાયું છે કે, ત્વં આનંદમય, ત્વં જ્ઞાનમય ત્વં વિજ્ઞાનમય, ગણેશજીના દર્શન માત્રથી આપણા ચિત્તમાં આનંદનો પ્રવાહ વહે છે. આપણે આજ શીખવાનું છે કે આપણે જયાં જઇએ ત્યાં પ્રસન્નતાનું વાતાવરણ સર્જાય. આપણી ઉપસ્થિતિ ડરનું કારણ નહીં, પરંતુ ખુશીનું કારણ બને તેમાં આપણી સફળતા છે.

નોલેજમાં ગણેશજીની તુલના કોઇ કરી શકે તેમ નથી, ગણેશજી કહે છે, નોલેજ ઇઝ અ પાવર, જો તમારી પાસે બુદ્ધિ હશે તો દુનિયા તમારી મુઠ્ઠીમાં છે. ગણેશજીની સામે જયારે પૃથ્વીની પરિક્રમા કરવાની ચેલેન્જ આવી પડી ત્યારે તેમણે માતા-પિતાની પ્રદક્ષિણા કરીને સાબિત કરી દીધંુ હતું કે, મંે પૃથ્વીની પ્રદક્ષિણા કરી લીધી છે. આ જ વાત આપણે શીખવાની છે કે, આપણી સામે આવતી ચેલેન્જીસને કેવી રીતે હેન્ડલ કરવાની છે. ગણેશજીનું વાહન ઉંદર છે. ઉંદર ચંચળતાનું પ્રતીક છે. શાસ્ત્રોમાં બધા સિમ્બોલ અને વાતો પ્રતીકાત્મક હોય છે. ગણેશજીએ ઉંદરને વાહન બનાવીને પોતાના કંટ્રોલમાં લીધંુ છે તેમ આપણે આપણા ચંચળ મનને કંટ્રોલમાં લઇને આપણે તેનો વાહન તરીકે ઉપયોગ કરીશું તો આપણા નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચાડવામાં ખૂબ જ ઉપયોગી બનશે.

એશિયાડ ગેમ્સ મહોત્સવમાં મેડલ મેળવીને ડાંગની સરીતા ગાયકવાડ જેવી અનેક આદિવાસી ગરીબ યુવક- યુવતીઓએ સાબિત કરી દીધંુ છે કે, આઇ એમ એ કોમ્પ્લાન બોય, એન્ડ આઇ એમ એ કોમ્પ્લાન ગર્લ, બોર્નવિટા કે ર્હોિલક્સ બધા જ ફેઇલ થઇ ગયા છે. દેશના ખેડૂત મજૂરોના સંતાનોએ રોટલા અને ડુંગળી ખાઇને બાજી મારીને બતાવી દીધું છે કે, તમારો દેખાવ, તમારી જાતિ તમારું કુળ કે તમે શું ખાઓ-પીઓ છો એ હરીફાઇમાં મહત્ત્વનું નથી. મહત્ત્વની ચીજ માત્ર તમારી ટેલન્ટ છે અને ટેલન્ટ એ કોઇ બીકાઉ ચીજ નથી. એ મેળવવા માટે તમારે પરસેવો પાડવો પડે છે.

ગણેશજીના મંડપમાં હવે તમે જયારે જાવ ત્યારે તમારી તમામ ઈન્ફિરિઓરિટિ – ડરનું વિસર્જન કરી નાખજો. તમે જે છો તેવા જ યુનિક છો. બસ તમારી ટેલન્ટ વધારવાના પ્રયત્નોમાં જ લાગી પડજો. પછી જુઓ તમે જે પહેરશો તે ફેશન બની જશે અને તમે જે બોલશો તે મીડિયા માટે હેડિંગ બની જશે. ૧૦ દિવસનો ગણેશ ઉત્સવ તમારા સૌ માટેે આનંદમય બની રહે તેવી પ્રાર્થના.

શોર્ટ સર્કીટ

નેટફ્લિકસ પર બહુજ ચર્ચાયેલી સિરીઝ સિક્રેડ ગેમ્સમાં ડોન ગણેશ ગાયતુંડે તેની પત્નીને કહે છે તમે લોકો શું ભગવાન ભગવાન કરીને ટાઇમ બગાડો છો?, ત્યારે ડોન ગણેશની પત્ની જવાબ આપે છે. તમે ગણેશોત્સવમાં રસ્તા પર ડીજે પર નાચતા યુવાનો જુઓ છો, તેમાં માત્ર ધાર્મિકતા નથી, પરંતુ એક અલગ વાત પણ છે. આ યુવાનો પાસે ડિસ્કો થેક જવાના પૈસા નથી ત્યારે એક દિવસ માટે આ લોકો આખા શહેરને ડીસ્કોથેક બનાવી દે છે અને તેમાં જો ધાર્મિકતા જોડાયેલી હોય તો ખોટું શું છે?

[email protected]