know about these benefits of almonds, you are very excited
  • Home
  • Featured
  • બદામના આ ફાયદાઓ અંગે નહી જાણતા હો તમે, છે ખુબજ ગુણકારી

બદામના આ ફાયદાઓ અંગે નહી જાણતા હો તમે, છે ખુબજ ગુણકારી

 | 2:10 am IST

આખા વિશ્વમાં ‘બદામ’ સર્વોત્તમ સૂકામેવારૂપે પ્રસિદ્ધ છે. તેની અનેક વાનગીઓ બનાવાય છે. પાક-વસાણા, દૂધ, લસ્સી, આઈસક્રીમ, શરબત વગેરેની બનાવટમાં તે ઉપયોગી છે. બદામનું તેલ પણ કાઢવામાં આવે છે. ટૂંકમાં બદામ એક ઉમદા ફળ-મેવો છે. આ વખતે આપણા આ બુદ્ધિ અને બળવર્ધક સૂકામેવા વિશે કંઇક જાણીએ.

ગુણકર્મ

બદામના આશરે ૨૦-૨૫ ફૂટ ઊંચા વૃક્ષો પશ્ચિમ એશિયાના અફઘાનિસ્તાન, તુર્કી તથા યુરોપમાં વધુ થાય છે. ભારતમાં પણ પંજાબ, કાશ્મીર તથા દક્ષિણ-પશ્ચિમ કિનારાનાં પ્રદેશોમાં બદામ થાય છે. આયુર્વેદ પ્રમાણે બદામ સ્વાદમાં મધુર, ગરમ, પચવામાં ભારે, ભૂખ લગાડનાર, કફ તથા પિત્તવર્ધક, મૂત્રનું પ્રમાણ વધારનાર, ધાવણવર્ધક, વાયુનાશક, વાજીકરણ તથા બળ-વીર્યવર્ધક છે. તે મગજની નબળાઇ, કબજિયાત, વાયુના રોગો, મૂત્રનળીનો સોજો, સફેદ પાણી પડવું અને માસિકની તકલીફો મટાડનાર છે.

ઉપયોગ

  • આજના અતિ આધુનિક યુગમાં માનસિક શ્રમ કરનારાઓનું પ્રમાણ ઘણું વધ્યું છે. બદામનું સેવન એમના માટે બ્રેઇન ટોનિક જેવું લાભદાયક છે. પોતાની પાચનશક્તિનો વિચાર કરીને રોજ રાત્રે ચારથી છ બદામ પાણીમાં પલાળી રાખવી. સવારે તેનાં ફોતરાં કાઢીને, ખૂબ વાટીને, એક કપ દૂધમાં મેળવીને એ દૂધ પી જવું. આયુર્વેદ પ્રમાણે જ્ઞાનતંતુઓની સ્વસ્થતા વાયુને આધીન છે. બદામના સેવનથી વાયુ સ્વસ્થ રહે છે અને સ્વસ્થ વાયુ જ્ઞાનતંતુઓને પણ તંદુરસ્ત રાખે છે.
  • એક પછી એક ઘણી સુવાવડો-કસુવાવડોને લીધે કે અતિશય કામને લીધે જે સ્ત્રીઓનું શરીર ઘસાતું જતું હોય તેમના માટે બદામ ખૂબ જ ઉત્તમ ઔષધ છે. દુર્બળતાની હંમેશાં ફરિયાદ રહેતી હોય અને ચહેરો ફિક્કો-નૂર વગરનો થઇ ગયો હોય તેવી સ્ત્રીઓએ ઉપર સૂચવ્યા અનુસાર બદામને દૂધમાં મેળવીને રોજ તેનું સેવન કરવું જોઇએ.
  • નાનાં બાળકો જો બરાબર દૂધ ન પીતાં હોય તો તેમને થોડી બદામ પાણીમાં લસોટી એમાં સાકર મેળવીને આપવી. બદામનો પાણીમાં બનાવેલો આ ઘસારો દૂધ જેટલું પોષણ આપે છે.
  • વાયુથી થતા કમરના દુખાવામાં બદામ (વાયુનાશક હોવાથી) અક્સીર છે. કમરનો દુખાવો એ આજે ઘર ઘરની કહાની છે. અનુકૂળ આવે તેમણે આ દુખાવામાં બદામના દૂધનો ઉપર્યુક્ત ઉપચાર કરવો.

  • ઓળખીએ ઔષધ । વૈદ્ય પ્રશાંતભાઈ ગૌદાની

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન