You May Soon Be Able To Withdraw Your Aadhaar Number But
  • Home
  • Business
  • અગત્યના સમાચાર: હવેથી આધારકાર્ડ ધરાવનારાઓ આધાર નંબર પાછો ખેંચી શકશે, પરંતુ….

અગત્યના સમાચાર: હવેથી આધારકાર્ડ ધરાવનારાઓ આધાર નંબર પાછો ખેંચી શકશે, પરંતુ….

 | 7:30 am IST

। નવી દિલ્હી ।

આધારકાર્ડધારકોને ટૂંક સમયમાં તેમનો આધાર નંબર પાછો આપી દેવાની મંજૂરી અપાશે. UIDAIના એક પ્રસ્તાવનાં પગલે સરકાર આધારએક્ટમાં આ જોગવાઈ કરવા જઈ રહી છે, જેને પગલે આધારની યોજનામાંથી બહાર નીકળી જવાશે. આધારકાર્ડધારકો UIDAI પાસેથી પોતાના બાયોમેટ્રિક અને ડેટા પાછા લઈ શકશે. આ પ્રકારની વિનંતી કરનાર આધારકાર્ડધારકોની બાયોમેટ્રિક માહિતી UIDAIનાં સર્વર પરથી દૂર કરાવી શકશે. આ માટે UIDAI દ્વારા એક મુસદ્દા કેબિનેટ નોંધ તૈયાર કરી સમીક્ષા માટે કાયદામંત્રાલયને મોકલી અપાઈ છે. કાયદામંત્રાલયે ભલામણ કરી છે કે આ વિકલ્પ કોઈ એક જૂથને નહીં પરંતુ તમામ નાગરિકોને આપવામાં આવે. આગામી બે મહિનામાં આ પ્રસ્તાવ કેન્દ્રીય પ્રધાનમંડળ સમક્ષ રજૂ કરાય તેવી સંભાવના છે.

UIDAIના પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું છે કે, જે બાળકોનાં આધારકાર્ડ હશે તેઓ 18 વર્ષનાં થયા પછી 6 મહિનામાં નિર્ણય લઈ શકશે કે તેઓ પોતાનો આધાર નંબર પાછો ખેંચવા માગે છે કે કેમ? જોકે UIDAIના આ પ્રસ્તાવનો લાભ એવાં લોકોને જ થશે જેમની પાસે PANકાર્ડ નથી.

એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, આધાર પાછો ખેંચવાની નિશ્ચિત સમયમર્યાદા નક્કી કરાશે. કાયદામાં આ પ્રકારની કોઈ જોગવાઈ ન હોવાથી સરકાર હવે નાગરિકોને આ વિકલ્પ આપવા માગે છે. પ્રધાનમંડળની મંજૂરી પછી આ સુધારા અમલી બનાવાશે. એક વાર વિકલ્પ અમલી બનાવાયા બાદ આધાર પાછો ખેંચનાર નાગરિકની માહિતી UIDAIનાં સર્વર પરથી દૂર કરાશે.

આધાર પાછો ખેંચનારને સરકારી યોજનાઓનો લાભ નહીં મળે

જે નાગરિક આધાર સ્કીમમાંથી નામ પરત લઈ લેશે તેમને સરકારી યોજનાઓ અને સબસિડીના લાભ નહીં મળે, કારણ કે આ માટે આધાર ફરજિયાત છે. પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ જેવા સરકારી દસ્તાવેજો માટે પણ આધાર ફરજિયાત હોવાથી પાનકાર્ડ ધરાવનાર નાગરિક આધાર નંબર પાછો ખેંચી શકશે નહીં.

શું કહ્યું હતું સુપ્રીમે તેના ચુકાદામાં?

સુપ્રીમ કોર્ટે આધારકાર્ડને માન્ય રાખ્યું હતું પરંતુ આધારએક્ટની ધારા 57 રદ કરી ખાનગી કંપનીઓ દ્વારા વેરિફિકેશન માટે આધાર ઉપયોગમાં લેવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સુપ્રીમ કોર્ટે બેન્કખાતાં અને સીમકાર્ડ સાથે આધાર નંબર જોડવાને પણ ગેરબંધારણીય ઠરાવ્યું હતું, જોકે પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ઓળખપત્ર સહિતના દસ્તાવેજો માટે આધારને માન્ય દસ્તાવેજ ગણાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન