તમારું બાળક સતત વીડિયો ગેમ રમે છે? - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • તમારું બાળક સતત વીડિયો ગેમ રમે છે?

તમારું બાળક સતત વીડિયો ગેમ રમે છે?

 | 12:43 am IST

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

ટેકનોલોજી સુવિધાઓ પણ લાવે છે અને સંબંધીત સમસ્યાઓ પણ લાવે છે. એક જમાનામાં ટીવી પર ‘સ્ટાર ટ્રેક’નામની કાલ્પનિક વૈજ્ઞાનિક સીરિયલ આવતી હતી. તેમાં વૈજ્ઞાનિકોનું એક જૂથ ટેલિપોર્ટેશન દ્વારા એક ગ્રહ પરથી બીજા ગ્રહ પર ક્ષણવારમાં પહોંચી જતું. ટેલિપોર્ટેશન એટલે આપણે ટેલિફોન પર વાત કરીએ છીએ ત્યારે આપણો અવાજ વિદ્યુત તરંગોમાં રૂપાંતરિત થઈ ક્ષણ ભરમાં સેંકડો કિલોમીટર દૂર બીજી વ્યક્તિને પહોંચી જાય છે અને ફરી એ વિદ્યુત તરંગો અવાજના રૂપાંતરિત થતાં સામેની વ્યક્તિ આપણો અવાજ સાંભળી શકે છે. તેને આપણે ટેલિફોન કહીએ છીએ. વૈજ્ઞાનિકોએ એ શ્રેણીમાં એવી કલ્પના કરી હતી કે માનવીને એક ગ્રહ પરથી બીજા ગ્રહ પર મોકલવા અંતરિક્ષયાનની જરૂર નથી. માનવીને એક ટેલિબુથમાં ઊભા રાખી તે માનવીનું વિદ્યુત તરંગોમાં રૂપાંતર કરી તેને ક્ષણભરમાં બીજા ગ્રહ પર મોકલી આપવો અને બીજા ગ્રહના ટેલિબુથમાં તે વિદ્યુત તરંગો ફરી માનવીના રૂપમાં રૂપાંતરિત થઈ જાય. આને ટેલિપોર્ટેશન કહે છે.

આ એક ફેન્ટાસ્ટિક કલ્પના છે. સ્ટાર ટ્રેકની એ સીરિયલમાં બીજી એક કલ્પના હતી કે તેનો નાયક હાથના કાંડા પર બાંધેલી ઘડિયાળ નજીક લાવી જે બોલે છે તે કરોડો માઈલ દૂર રહેલી વ્યક્તિ સાંભળે છે. આ મોબાઈલ ફોનની કલ્પના હતી. સ્ટાર ટ્રેકની એ કલ્પના તે શ્રેણીના ૪૦ વર્ષ બાદ સાચી પડી. આજે સમાજના છેવાડાના માનવી પાસે પણ મોબાઈલ છે.

આ મોબાઈલ સુવિધાની સાથે કેટલીક સમસ્યાઓ પણ લઈને આવ્યો છે. તમારા ઘરમાં નાનાં બાળકો હશે તો તમે જોયું હશે કે તેની પાસે ઘરનાં અન્ય સભ્યો સાથે વાતચીત કરવાનો સમય નથી. ઈચ્છા પણ નથી. પુસ્તકોમાં રસ નથી. મેદાનમાં જઈ રમવાનો પણ રસ નથી. સ્કૂલનું બાળક ટીવી સામે કે પોતાના જ મોબાઈલ પર વીડિયો ગેમ્સ રમવામાં વ્યસ્ત રહે છે. મોબાઈલ ઝૂંટવી લેવામાં આવે તો ગુસ્સે થઈ જાય છે. તેની આંખો મોબાઈલમાં ચાલતી વીડિયો ગેમ્સની એક કારનો પીછો કરતી બીજી કારની સાથે સજ્જડ ચોંટેલી હોય છે. જાણે કે તે પોતે કોઈનો પીછો કરી રહ્યો છે. આ પરિસ્થિતિને વીડિયો ગેમ એડિક્શન કહે છે એટલે કે વીડિયો ગેમની લત.

વીડિયો ગેમ એડિક્શનના કારણે બાળકોના દિલો દિમાગ પર થતી વિપરીત અસર હવે એટલી ખતરનાક હદે પહોંચી છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ ‘વીડિયો ગેમ ડિસઓર્ડર’ની બીમારીને અન્ય બીમારીઓની જેમ જ એક બીમારી તરીકે જાહેર કરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે કે સતત વીડિયો ગેમ રમવાથી બાળકની માનસિક પરિસ્થિતિ અસમતોલ બને છે અને ખાસ કરીને કિશોરોના માનસિક સ્વાસ્થ્યને તે ભારે નુકસાન પહોંચાડે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ બીમારીને ‘ગેમિંગ ડિસ ઓર્ડર’ એવું નામ આપ્યું છે. જો કે કેટલાકે આ પ્રશ્ને ચર્ચા પણ ઊભી કરી છે. કારણ કે તેનાં લક્ષણો અને સારવાર સ્પષ્ટ થઈ નથી.

સતત વીડિયો ગેમ રમતા બાળકોના દિલો દિમાગનો કબજો મોબાઈલ પર ચાલતી વીડિયો ગેમ લઈ લે છે ઘણીવાર બાળકોને ભૂખ લાગતી નથી. કેટલીકવાર બાળક ખાવાનું પણ ભૂલી જાય છે. વીડિયો ગેમમાં એક નાયક હોય છે અને તે દુશ્મનનો પીછો કરતો હોય તો બાળક પણ ગમે તે ભોગે દુશ્મન હારે તેવી લાગણી ધરાવે છે. એ કારણે બાળક પણ ખેંચ, તનાવ અને હતાશા અનુભવે છે. સતત વીડિયો ગેમ ખેલતું બાળક ઘરમાં જ આક્રમક બની જાય છે. માતા-પિતા સામે ચીસો પાડી ઉઠે છે. તેનો સ્વભાવ જ બદલાઈ ગયેલો લાગે. આ પરિસ્થિતિ તે ‘ગેમ ડિસઓર્ડર’ છે.

આ સમસ્યા આખી દુનિયામાં છે. સતત વીડિયો ગેમ ખેલતાં બાળકો કોઈપણ જાતની કસરત કર્યા વગર જ થાક અનુભવે છે. આંખોમાં દર્દ અનુભવે છે. ઘણાં બાળકો શૂન્ય મનસ્ક જેવા ‘મૌન’ બની જાય છે. વીડિયો ગેમમાં એક બીજાને હરાવવાની રમત હોય છે. એ પરિસ્થિતિ જ બાળક માટે ટેન્શન પેદા કરી દે છે. કારણ કે બાળક હારને જોવા માંગતો નથી. એની અસર તેની માનસિક સમતુલા પર પડે છે. આ છે ગેમ ડિસઓર્ડર

આવી વીડિયો ગેમની લતમાં વિશ્વભરના દેશોનાં બાળકો સપડાયાં છે. કમ્પ્યૂટર, ટીવી સ્ક્રીન પર કે મોબાઈલ પર વીડિયો ગેમ રમવી તો ખરાબ નથી, પરંતુ તેની આદત બની જવી તે નુકસાનકારક છે. વીડિયો ગેમના પ્રભાવના કારણે બાળક ઘરમાં જ હિંસક બની જાય તો તે ચિંતાનો વિષય છે.

કેટલાક દેશોમાં વીડિયો ગેમની લતનાં શિકાર બનેલાં બાળકો પૈકી કેટલાકનાં મૃત્યુ પણ નીપજ્યાં છે. કેટલાક દેશોમાં મોબાઈલ પર કે ટીવી સ્ક્રીન પર હિંસક વીડિયો ગેમ નિહાળ્યા બાદ કેટલાક કિશોરોએ કોઈની હત્યા પણ કરી દીધી હોવાના કિસ્સા નોંધાયા છે.

ચીનના જિન્જોઉ નામના શહેરમાં જીના નામનો એક યુવાન સતત ઓન લાઈન વીડિયો ગેમ રમતો હતો અને તનાવ અને હૃદયના ધબકારા વધી જતાં વીડિયો ગેમ જોતાં જોતાં જ હૃદય રોગના હુમલાથી મૃત્યુ પામ્યો હતો. એ જ વર્ષે ૩૦ વર્ષનો બીજો એક યુવાન સતત ત્રણ દિવસ વીડિયો ગેમ રમતો રહ્યો અને ગોન્ઝાઉમાં તે ગેમ રમતી વખતે જ મૃત્યુ પામ્યો.

ચીનના તિઆજ નામના નગરમાં એક નાનકડું બાળક વીડિયો ગેમ રમતો હતો અને એ બાળકને વીડિયો ગેમનું કોઈ દ્રશ્ય ન ગમતાં તેણે તત્ક્ષણ આપઘાત કરી લીધો હતો.

અમેરિકામાં ૨૦૦૧માં શોન વુલી નામનો એક કિશોર, એવર ક્વેસ્ટા નામની કમ્પ્યૂટર ગેમ રમતો હતો અને ગેમમાં તેના મનપસંદ પાત્રે બીજાને દગો કર્યો છે તેવું દર્શાવતાં શોન વુલીએ આત્મહત્યા કરી લીધી હતી. ફેબ્રુઆરી ૨૦૦૨ના વર્ષમાં ગેમ બનાવતી એક કંપની પર કેસ કરી દીધો કારણ કે તેનો પુત્ર તે કંપનીએ બનાવેલી વીડિયો ગેમ છ દિવસ સુધી સતત આઠ કલાક રમતાં મૃત્યુ પામ્યો હતો.

એક નોંધપાત્ર ઘટના ચોંકાવનારી છે.

મેક્સિકોમાં રેબેક્કા નામની એક મહિલાને તેના બાળકની હત્યા માટે ૨૫ વર્ષની જેલની સજા થઈ. કારણ એ હતું કે રેબેક્કાએ પોતે વીડિયો ગેમની લતમાં એટલી વ્યસ્ત રહેતી હતી કે તે તેની સાડા ત્રણ વર્ષની બાળકીને ખવડાવવાનું રોજ ભૂલી જતી અને સતત ભૂખના લીધે તેનું બાળક મોતને ભેટયું હતું. રેબેક્કાએ પોતે વીડિયો ગેમની લતના કારણે ભૂખ્યા રહેતા બાળક તરફ સતત ધ્યાન ન આપ્યું હોવાનું કબૂલ્યું હતું.

ફિલિપાઈન્સમાં ૨૦૧૨ની સાલમાં ૧૭ વર્ષના એક કિશોરે તેની દાદીમાની હત્યા કરી નાંખી હતી. દાદીમાનો વાંક એ હતો કે તેમનો પૌત્ર સતત ‘ડિફેન્સ ઓફ ધી એન્સીએન્ટ’ નામની વીડિયો ગેમ રમતો હતો અને તે અંગે તેની દાદીમાએ તેમને આકરો ઠપકો આપતાં કિશોરે દાદીમાને જ મારી નાંખી.

અમેરિકામાં ઓક્ટોબર,૨૦૦૭ની સાલમાં ડેનિઅલ પેટ્રિક નામના કિશોરે તેની માતા પર ગોળી ચલાવી માને મારી નાંખી હતી. કારણ એ હતું કે, માતાએ તેમના પુત્ર પાસેથી “હસો-૩” નામની વીડિયો ગેમની કોપી છીનવી લીધી હતી. કિશોરે તેના માતા-પિતા બંને પર ગોળી ચલાવી. પિતા બચી ગયા પણ માતાનું મૃત્યુ નીપજ્યું.

અમેરિકામાં જેક્સનવીલા, ફસોરિડા ખાતે એલેકસીન્ડા નામની એક મહિલાએ પોતાની જ નાની બાળકીને દબાવીને મારી નાંખી. કારણ એ હતું કે, તે જ્યારે વીડિયો ગેમ રમતી હતી ત્યારે તેની બાળકી ખૂબ રડતી હતી જેથી તે તેને વીડિયો ગેમ રમવામાં વિક્ષેપ પડતો હતો. તેથી ગુસ્સે થઈ બાળકીનું ગળું દબાવી દીધું.

આવી અનેક ઘટનાઓ છે. અહીં તો થોડાક નમૂના જ પેશ કર્યા છે.

મુશ્કેલી એ છે કે કમ્પ્યૂટર પર કે મોબાઈલ પર વીડિયો ગેમ રોકવી મુશ્કેલ છે તેનું એક કારણ એ છે કે વીડિયો ગેમ બનાવનાર કંપનીઓનું માર્કેટ અબજો ડોલરનું છે. એક માત્ર ભારતમાં જ વીડિયો ગેમનું માર્કેટ રૂ.૪૦૦૦ કરોડનું છે.

તમારું બાળક કમ્પ્યૂટર પર કે મોબાઈલ પર સતત વીડિયો ગેમ રમતું હોય તો ચિંતા જરૂર કરો, પણ તેના હાથમાંથી મોબાઈલ છીનવી લેવાની ઉતાવળ કરવાના બદલે તમે કોઈ મનોચિકિત્સકની સલાહ લો. બાળકોને પ્રેમ આપો. લાગણી બક્ષો અને ક્રમશઃ તેને ખેલના મેદાનમાં, પુસ્તકોમાં કે ઘરમાં બેસી સહુની સાથે વાત કરે તે માટે પ્રેરો.

આખરે એ તમારું બાળક છે.

www.devendrapatel.in