તારી છોકરી આખા ગામની ગુનેગાર છે - Sandesh

તારી છોકરી આખા ગામની ગુનેગાર છે

 | 12:38 am IST

લોહી નિતરતો ઉગશે સુરજ : દેવેન્દ્ર પટેલ

વહી ગયેલી વાર્તા

નજીકમાં વિશાળ બંધ બંધાયો હોવા છતાં ડુંગરી ગામ ખાલી કરવા લોકો તૈયાર નહોતા. લોકોને સમજાવવા આવેલો પોલીસ ઈન્સ્પેક્ટર હવે ગામના લોકોના રોષનો ભોગ બન્યો હતો. ગામમાં વિક્રમના આગમનથી જીતપુરનો ડાકુ મલખાન પણ વિક્રમને ગામમાંથી ભગાડવા માંગતો હતો. વિક્રમે કેટલાક ડાકુઓને ઠાર માર્યા હતા, પરંતુ ગામમાં જ રહેતી ચોકીદાર રામસિંહની યુવાન પુત્રી મધુ કે જે વિક્રમના મોહપાશમાં જકડાઈ ગઈ હતી તેને એક રાત્રે કેટલાક અજાણ્યા માણસોએ તેમની હવસનો શિકાર બની બનાવી.

એ કૃત્ય ડાકુ મલખાનના માણસોનું હતું.

વિક્રમે હવે ડાકુ મલખાન સાથે બદલો લેવા માંગતો હતો.

પ્રકરણ-૯

પ્રચંડ અવાજો કરતું એ માનવ ટોળું ગામના છેવાડે આવેલાં ખોરડાંઓવાળી ટેકરીની લગોલગ પહોંચી ગયું.

બીજી તરફ આખી રાત પીંખાયેલી મધુની આંખ માંડ હજુ હમણાં જ મળી ગઈ હતી. એ ઊઠીને પોતાની જાતને વ્યવસ્થિત કરે એટલી તાકાત પણ એનામાં રહી નહોતી. અચાનક થતી બુમરાણ સાંભળીને એની આંખ ઊઘડી ગઈ. બહારથી આવતા અવાજોમાં ક્રોધની કિકિયારીઓ કાન પર અથડાતી હતી. મધુને આ શાની બુમરાણ છે તે જાણવાની આતુરતા થઈ આવી પરંતુ તે ઊઠી ન શકી.

એણે માંડ બારણા પર નજર નાખી તો બરાબર એ જ પળે બારણું ખુલ્યું.

એ રામસિંગ- એનો બાપ હતો.

મધુ ઘડીભર ચોંકી ગઈ.

પોતાનાં અસ્તવ્યસ્ત અને ચિરાયેલાં કપડાંથી ઉઘાડા થઈ ગયેલા દેહને ઢાંકવાનું યાદ આવ્યું. એકદમ એ ઊભી થઈ ગઈ. દોડીને વળગણી પરથી એક સાડલો ખેંચી કાઢતાં શરીર પર ઢાંકી દીધું.

રામસિંગ ચોંકી ગયો.

એ સ્તબ્ધ થઈને પોતાની દીકરી તરફ જોઈ રહ્યો. એના વિખરાયેલા વાળ અને ઝૂકેલી પાંપણો…મધુ આજે અસલી મધુ નહોતી. દીકરીને એ વર્ષોથી ઓળખતો હતો પણ દીકરી આજે દીકરી નહોતી. લોકોના પ્રચંડ અવાજ છેક નજીક આવી પહોંચ્યા હતા. એને વિચારવા ઝાઝો સમય મળ્યો નહીં. પણ એટલું તો એ સમજી શક્યો કે ‘મધુ મારી ગેરહાજરીમાં ચોક્કસ કોઈના રવાડે ચડી ગઈ છે.’

રામસિંગની આંખોમાં ક્રોધાગ્નિ ભભૂકી રહ્યો, એના હાથમાં હજુ કુહાડી હતી.

મધુ ગભરાઈને પાણિયારા પાસેથી એક પાળી પાસે સંતાવા કોશિશ કરી રહી હતી.

રામસિંગની આંખો મધુ પાસે જવાબ માગી રહી હતીઃ “સા…નાલાયક…કોણ છે એ આદમી?”

પણ છેક ઘરની નજીક આવી પહોંચેલા ટોળાની કિકિયારીથી એ બોલે તો પણ મધુ ન સાંભળી શકે એવી પરિસ્થિતિ હતી. રામસિંગને પણ કશીક દહેશત થતાં એણે કુહાડીને મક્કમતાથી હાથમાં પકડી મધુ તરફ ‘પછી તારી ખબર લઉં છું.’ એવી દ્રષ્ટિ નાખતો એ બારણા તરફ વળ્યો.

બારણું ખોલ્યું.

અને પ્રચંડ માનવધોધ એના બારણા તરફ ધસમસી રહ્યો હતો.

રામસિંગ બારણામાં કુહાડી સાથે ઊભો હતો. મધુને શંકાસ્પદ હાલતમાં જોયા પછી એનું મગજ કાબૂમાં નહોતું. એવામાં ગુસ્સે થયેલા લોકોને પોતાના ઘર તરફ આવતા જોઈ એનો પિત્તો ગયો. હાથમાં પકડી રાખેલી કુહાડી પરની પકડ એણે મજબૂત કરી. મનસુખો, મુખી અને સરપંચથી દોરાતું એ ટોળું રામસિંગનો લોહીની તરતો ઉગ્ર ચહેરો જોઈ સહેજ ધીમું પડયું, પણ એટલામાં તો રામસિંગે કુહાડીને ઊંચકીને આખાય ગામને ચીરી નાખવાની તાકાતને આંખોમાં એકઠી કરી લીધી હતી.

મનસુખાએ બે હાથ પ્રસારી ટોળાને થંભાવ્યું અને રામસિંગને ઉદ્દેશીને કહ્યું: “રામસિંગ, હટી જા અમારા રસ્તામાંથી.”

મુખી બોલ્યાઃ “રામસિંગ! તારી છોકરી હવે તારા હાથમાં નથી, એ આખા ગામની ગુનેગાર છે.”

લોકોએ એમાં સાથ પુરાવ્યોઃ “મારી નાખો મધલીને!”

અને ક્રોધે ભરાયેલા રામસિંગે કુહાડીને અધ્ધર પકડી રાખતાં મોટા સ્વરે કહ્યું: “કોની માએ સવાશેર સૂંઠ ખાધી છે કે એક પગલું પણ આગળ ભરે?”

“રામસિંગ…તું ચૂપચાપ બાજુએ હટી જા…એમાં જ તારું હિત છે.”

સરપંચે ઠાવકાઈથી કહ્યું.

મનસુખાએ ઉમેર્યું: “તારી છોકરી અમને સોંપી દે, રામસિંગ!”

અને ગામલોકોએ પણ ચિચિયારી સાથે એકીઅવાજે કહ્યું: “હા હા…મધલી અમને સોંપી દે.”

એ બધા જ અવાજોને દાબી દેતાં રામસિંગે ત્રાડ પાડીઃ “ખબરદાર છે કોઈ એક પગલું પણ આગળ આવ્યું છે તો…મનસુખા! તું જરા પણ આગળ વધ્યો છે તો આ કુહાડીથી તારા માથાનાં બે ફાડિયાં કરી નાખીશ.”

મનસુખો રામસિંગનું સ્વરૂપ જોઈ એક કદમ પાછો હઠી ગયો. એ સમજી ગયો કે, અત્યંત શાંત સ્વભાવનો માણસ જ્યારે ક્રોધે ભરાય છે ત્યારે તે મરણિયો જ બને છે. રામસિંગ પણ આજે એવો જ લાગતો હતો. પોતાના જાનની એને પરવા નહોતી. પોતે મરે પણ બીજા આઠ દસને મારીને જ મરે એવો ભયાનક એ લાગતો હતો.

વળી સરપંચે પરિસ્થિતિને પામી જતાં ઠાવકાઈથી કહ્યું: “રામસિંગ, તું પહેલાં અમારી વાત સાંભળ. પછી તને જેમ ફાવે તેમ કરીશું.”

રામસિંગ ઘડીભર ચૂપ રહ્યો.

એ સન્નાટા દરમિયાન કોઈ કશું બોલ્યું નહીં. પણ શાંત પડી રહેલા રામસિંગની આંખો તરફ સહુ જોઈ રહ્યું.

સરપંચે ચાલુ રાખ્યું: “જો રામસિંગ! તું આ ગામનો જ માણસ છે અને મધુ તારી છોકરી છે. આપણે ગરીબ છીએ પણ એનો અર્થ એ નથી કે પૈસાની લાલચમાં આપણી છોકરીઓને રખડતી મૂકી દઈએ.”

રામસિંગે કડક સ્વરે પૂછયું: “સરપંચ! સીધી વાત કર.”

સરપંચે વાતનો દોર જારી રાખતાં કહ્યું: “તારી છોડી પેલા વિક્રમના મોહમાં ફસાઈ છે. એણે એ આદમીને પોતાનું શરીર વેચ્યું છે, રામસિંગ! મૂરખ તું આખો દિવસ જેની તહેનાતમાં ગાંડો થાય છે એ આદમીએ તારા જ ઘરમાં છીંડું પાડયું છે. તું સરકારી બંગલાની ચોકી કરે છે પણ તારું જ ઘર ભેળાઈ ગયું છે, પાગલ! તું ગામ સામે લડવા તૈયાર થયો છે પણ તારી છોકરીએ જે કર્યું છે એ આખા ગામ માટે કલંક છે. ગામની બીજી કુંવારી છોકરીઓની પણ હવે તો સલામતી નથી.”

રામસિંગ ઘડીભર સ્તબ્ધ થઈ ગયો.

મનસુખામાં માંડ જીવ આવ્યો હોય એમ બોલ્યોઃ “સાચું ના લાગતું હોય તો પૂછ તારી… છોકરીને!”

રામસિંગે ફરી મનસુખા સામે એક ઉગ્ર નજર ફેંકી અને મનસુખો ચૂપ થઈ ગયો.

રામસિંગ તરત જ ઘરની અંદર ગયો.

પાણિયારી પાસે લપાયેલી મધુને એક લાશની જેમ બહાર ખેંચી લાવતાં પૂછયું: “બોલ અલી! આ લોકો કહે છે એ વાત સાચી છે?”

મધુએ કોઈ જવાબ આપ્યો નહીં બલકે લોકોએ એની હાલત જોઈ શરમ અનુભવી. અકથ્ય વેદનાથી પીડાતી મધુની ભીતરી વ્યથાકથાની કોઈને જાણ નહોતી. સહુ એમ જ સમજ્યા કે આ છોકરી સાવ નફ્ફટ થઈ ગઈ છે.

રામસિંગે ફરી પૂછયું: “બોલતી કેમ નથી, નાલાયક? બોલ…આ લોકો કહે છે એ સાચું છે? “

મધુ હજુ ચૂપ હતી.

અને રામસિંગે ક્રોધાગ્નિથી ધ્રૂજતા હાથે મધુના ગાલ પર એક જબરદસ્ત લપડાક ચોડી દીધી. આંખે તમ્મર આવી જાય એવા મારથી મધુ દૂર ક્યાંય ફેંકાઈ ગઈ. એ ઊથલી પડી. ઢળી પડી. રામસિંગ એની નજીક પહોંચ્યો. એને ફરી ઊંચકી…પણ નજર સામે એક સ્વચ્છ શ્વેત સાડીમાં ઊભેલી દેહાકૃતિ જોઈ એ થંભી ગયો.

સામે શોભના ઊભી હતી.

રામસિંગે શોભના સામે જોયું. શોભનાની આંખોમાંથી દયા-અમી નીતરતાં હતાં. રામસિંગના જડ જેવા હાથોમાંથી મધુને છોડાવી લીધી. મધુ નાનકડી બાળકીની જેમ ફફડતી શોભનાની છાતીમાં લપાઈ ગઈ.

શોભનાએ મધુની પીઠ પર હાથ બાંધી દીધા. મધુ હીંબકાં લેતી હતી. આંખોમાંથી ધસી આવેલાં પાણીથી ભીના થયેલા ગાલ પર એના છૂટા થઈ ગયેલા વાળ ચોંટી ગયા હતા. ગાલ પર રામસિંગના પંજાનાં નિશાન ઊપસી આવ્યાં હતાં.

મનસુખો તાડકૂયોઃ “રામસિંગ! પૂરી કરી નાખ આ બલાને! ગામની આબરૂને એ વેચી આવી છે.”

રામસિંગનો પિત્તો ફરીથી ગયો…એ મનસુખા તરફ વળ્યો. એકાએક એની નજીક ધસી જતાં મનસુખાનું છાતી પાસેથી ખમીસ પકડી એક ઝાટકે પોતાની કરીબ ખેંચ્યો. બીજા હાથે કુહાડી ઊંચકતાં એ બોલ્યોઃ “મનસુખા! હું તને પણ ઓળખું છું સુવ્વરની ઓલાદ…!”

પણ એટલામાં મુખી અને સરપંચ વચ્ચે પડયા. સાવચેતીપૂર્વક એમણે રામસિંગને વાળી લીધો. રામસિંગનું રૌદ્ર સ્વરૂપ જોઈ મનસુખો પણ ઠરી ગયો. મનસુખાએ અળગા થતાં ખેંચાઈ ગયેલું ખમીસ સરખું કર્યું.

રામસિંગે આખા ગામને ઉદ્દેશીને ત્રાડ પાડીઃ “જાવ સાલાઓ અહીંથી! બીજી ફેરા આ ટેકરી પર ચઢયા છો તો ચીરી નાખીશ. મારી છોકરીને જે સજા કરવી હશે તે હું કરીશ… જાવ અહીંથી!”

અને સરપંચ, મુખી તથા મનસુખાએ સહુને ઝટપટ પાછા વળી જવા ઈશારા કર્યા. ઘડી બે ઘડીમાં તો આખું ગામ ટપોટપ ટેકરી ઊતરી ગયું.

ટેકરી પર હવે માત્ર રામસિંગ, મધુ અને શોભના ઊભાં હતાં.

શોભના મધુને ઘરની અંદર લઈ ગઈ. રામસિંગ પણ અંદર ગયો. એણે હાથમાંથી કુહાડી હજી મૂકી નહોતી. મધુ એક ખૂણામાં બે પગ વચ્ચે માથું લપાવીને બેસી ગઈ. શોભનાએ ખાટલી પર બેસી એના માથા પર હાથ ફેરવવા માંડયો.

શોભનાએ હળવેથી રામસિંગને કહ્યું: “રામસિંગ!”

રામસિંગે આર્દ્રા સ્વરે કહ્યું: “મારી આબરૂના કાંકરા થઈ ગયા આજે…ને હું આકળો ન થાઉં?”

શોભના બોલીઃ “પણ વાત શું છે એ તમે હજુ જાણી નથી. લોકોની વાત સાંભળીને આમ ઉશ્કેરાઈ જવાથી કદાચ મધુને અન્યાય પણ થઈ જાય. એને પૂછો તો ખરા કે વાત શું છે?”

“આંખે દેખેલી વાત પણ ઘણીવાર ખોટી પડે છે, રામસિંગ!”

“બહેન, આ છોડી ગામના જ કોઈ છોરા સાથે ભાગી ગઈ હોત તો મને વાંધો નહોતો…આ…તો…?”

“તમે અત્યારે શાંત થાવ.”

“મારા ઘર પર કાળું કલંક લાગી ગયું બહેન! હું ચાર માણસો વચ્ચે બેસી શકીશ નહીં!”

“એવું શા માટે માનો છો, રામસિંગ! મધુને હું બરાબર ઓળખું છું. એના જેવી ગુણિયલ છોકરી મેં જોઈ નથી.”

“તમને એના અવગુણમાં પણ ગુણ દેખાય છે?”

“હા, રામસિંગ! માની લો કે આપણી મધુ વિક્રમ જેવા યુવાનના પ્રેમમાં પડી હોય તો આપણે તો ગૌરવ લેવું જોઈએ.”

“આ શહેરના છેલબટાઉ લોકોને તમે ક્યાં ઓળખતાં નથી? તમે તો શહેરમાં ઘણં રહ્યાં છો…આ તો શરીરના ભૂખ્યા લોકો, બહેન! વરુ જ જાણી લ્યો ને!”

“બધાને એક લાકડીએ ના હાંકી શકાય…રામસિંગ! હું મધુને પણ જાણું છું ને વિક્રમને પણ.”

“તમારો વિક્રમ ગમે તેટલો સારો હોય તેથી મારી છોકરીની આ દશા કરવાની?”

અને શોભના ચૂપ થઈ ગઈ. એણે મધુ સામે જોયું. મધુનો દેહ ચૂંથાયેલો હતો. થોડીવાર પછી એ બોલીઃ “રામસિંગ! આપણે સહુ માનવી છીએ, અને માનવી કદી ભૂલ ન કરે તો એ માનવી નહીં, દેવ છે. આપણે દેવ-દેવી નથી. ઈશ્વરે માનવીના હૃદયમાં કેટલીક તૃષ્ણાઓ જ એવી મૂકી છે કે કેટલાક સંજોગોમાં એ તૃષ્ણાઓ જાગી ઊઠે છે અને એને સંતોષવા માનવી તત્પર થઈ ઉઠે છે. આવા સમયે માત્ર લાગણીઓના ઊભરામાં માનવી કંઈ કરી બેસે તો એ એની ભૂલ નથી, માનવસહજ પ્રકૃતિ છે. માનવી ઈરાદાપૂર્વક વાસનાના વ્યાપાર કરે તે એક વાત થઈ અને સહજ ખેંચાણથી સ્વયંભૂ બેઉ એક થઈ જાય તો એ કુદરતી ઘટના જ છે. હું વિક્રમ અને મધુ બંનેને જાણું છું. એમણે જે કંઈ કર્યું હશે તે માનવસહજ જ હશે.”

રામસિંગ બોલ્યોઃ “બહેન! તમારી વાત સાચી પણ હશે. પણ મારા મગજમાં એ ઊતરતી નથી, મારી તો આબરૂના કાંકરા થઈ ગયા એટલું જ હું સમજું છું…હું જાઉં છું.”

“ક્યાં?”

“કાળાભૈરવ મને બોલાવે છે.” કહેતાં રામસિંગ કુહાડી લઈને ઘર છોડી ગયો.

શોભના અને મધુ મનમાં કોઈ અજાણ્યા ભયને સંકોરતાં રામસિંગની પીઠ તરફ તાકી રહ્યાં.

(ક્રમશઃ)

www.devendrapatel.in