તમારી જાતે ઈસીજી જેવો રિપોર્ટ બનાવી શકો? - Sandesh
  • Home
  • Kids Corner
  • તમારી જાતે ઈસીજી જેવો રિપોર્ટ બનાવી શકો?

તમારી જાતે ઈસીજી જેવો રિપોર્ટ બનાવી શકો?

 | 12:06 am IST

ચાલો, જાતે કરી જોઈએ… :- માલિની મૌર્ય

અત્યારે મોટાભાગના લોકોને ચિંતા રહે છે કે મારા ધબકારા નોર્મલ હશે કે ઓછા-વધતા હશે? લોહીના ધબકારાથી હૃદય કેવુંક કામ કરી રહ્યું છે એની ખબર પડે છે. ઈસીજી મશીનમાં એક મિનિટમાં કેટલા ધબકારા થયા એની નોંધ કાગળની એક પટ્ટી ઉપર ઊંચી-નીચી જતી એક લીટી સ્વરૂપે અંકાય છે. માનો કે ઈસીજી મશીન ન હોય તો શું આપણે આણા ધબકારા માપી શકીએ ખરા? માપી જ શકાતા હોવા જોઈએ, કારણ કે ઈસીજી મશીનો તો આજના યુગમાં શોધાયા છે. એ પહેલાંના જમાનામાં પણ વૈદ અને હકીમ જેવા નિષ્ણાતો નાડી અથવા નબ્ઝ પકડીને ધબકારા જાણી લેતા હા અને તેની ઉપરથી રોગ જાણી પણ લેતા હતા.

તો શું આપણે જાતે આપણા ધબકારા માપી શકીએ? ચાલો જાતે કરીને જોઈ લઈએ…!

શું શું જોઈશે?

પીણું પીવાની સ્ટ્રો, રમકડાં બનાવવાની રંગીન માટી(ક્લે), એક કાગળ, એક પેન અને એક મિત્ર.

શું કરવાનું થશે?

કાગળમાં પેન વડે ચાર ખાના દોરો. એકમાં લખો, સ્ટેન્ડિંગ. બીજામાં લખો સિટિંગ, ત્રીજામાં લખો લાઈંગ અને ચોથામાં લખો જોગિંગ.

તમારા હાથના કાંડા પાસે અંગૂઠાની નીચેના ભાગ પર અહીં-તહીં આંગળી દબાવીને એ જગ્યા શોધી કાઢો. જ્યાં તમને ધબકારાનો સ્પષ્ટ અનુભવ થાય.

હાથના કાંડા પર ધબકારા ન મળે તો ગળાના ભાગે પણ શોધી શકશો.

હાથના કાંડા ઉપર કે ગળાના ભાગે જ્યાં ધબકારા અનુભવી શકાતા હોય એ જગ્યાએ રમકડાં બનાવવાની નરમ માટી એટલે કે ક્લેનું એક ગચિયું બનાવીને લગાવી દો. એ તમારી ચામડી સાથે ચોંટી જશે.

મિત્રને કહો કે એ પીણું પીવાની સ્ટ્રોમાંથી ત્રણ-ચાર ઈંચનો એક ટુકડો કાપે.

હવે તમારા કાંડા કે ગળા પર લગાવેલા ગચિયાની વચ્ચોવચ સ્ટ્રોનો ત્રણ-ચાર ઈંચનો ટુકડો ઊભો રોપી દો. એ ટુકડો એ રીતે રોપો કે એનો નીચેનો છેડો ક્લેની આરપાર ન થઈ જાય.

હવે તમે ક્લેના ગચિયાને હાથના કાંડા(કે ગળા) ઉપર ટકાવી રાખો અને જુઓ કે સ્ટ્રોના ટુકડાંનું શું થાય છે.

શું જોવા મળશે?

તમે જોશો કે ટુકડાનો બહારનો છેડો આમથી તેમ હાલવા લાગશે.

તમારા મિત્રને કહો કે એ સ્ટ્રોના ટુકડાના છેડા ઉપર નજર રાખે અને એક મિનિટમાં એ કેટલી વખત આમથી તેમ ગયો એનો આંકડો ગણે. ગણતરીમાં સરળતા કરવી હોય તો ૧૫ સેકન્ડ સુધી ગણો અને પછી એને ગુણ્યા ચાર કરી લો.

આમ એક મિનિટમાં તમારા શાંડા(કે ગળા) પર ગોઠવેલા ક્લેના ગચિયામાં ખોસેલી સ્ટ્રોનો છેડો કેટલી વખત આમથી તેમ આવ-જા કરે છે એનો આંકડો ચાર સ્થિતિમાં ગણો. બેઠાં બેઠાં આંકડો કેટલો આવ્યો એ સિટિંગના ખાનાંમાં નોંધો. પછી ઊભા ઊભા કેટલી વખત આવ-જા થઈ એનો આંકડો સ્ટેન્ડિંગના ખાનાંમાં નોંધો. પછી ઊભાં ઊભાં દોડતાં હોવ એ રીતે પગલાં ભરતા રહો અને મિત્રને કહો કે એ સ્ટ્રોના છેડાની આવ-જાનો આંકડો ગણે. પછી નીચે જમીન ઉપર સૂઈ જાઓ અને એ સ્થિતિમાં એ આંકડો કેટલો આવે છે એ પણ ગણી લો. એને લાઈંગના ખાનાંમાં નોંધી લો.

હવે જુઓ કે આંકડામાં કેટલી વધ-ઘટ થઈ છે.

દોડતી વખતનો આંકડો સૌથી મોટો આવશે. ઊભા રહો તો એથી ઓછો આંકડો આવશે. બેસી રહીને માપવાથી આંકડો એથીય ઓછો આવશે અને આડા સૂઈ રહીને માપો તો સૌથી ઓછો આંક આવશે.

આવું કેમ થાય?

તમે જે ધબકારા માપો છો એ હૃદયના ધક્કાથી જન્મે છે. એક ધબકાર એટલે હૃદયનો એક ધક્કો. એનાથી લોહી શરીરમાં આગળ ધકેલાય છે. તમે દોડતા હોવ ત્યારે શરીરના દરેક સ્નાયુને કામ કરવાનું હોવાથી બધાને વધારે ઊર્જા જોઈએ છે. એ માટે વધારે ઓક્સિજન જોઈએ છે. એટલા માટે હૃદય વધારે ધક્કા મારે છે. એટલે એ વખતના ધબકારા સૌથી વધુ હોય છે. ઊભા રહો તો એથી ઓછું લોહી જોઈએ એટલે હૃદય ઓછા ધક્કા મારે છે. બેસી રહેવાથી હજી ઓછું લોહી જોઈએ એટલે હૃદય એટલા ઓછા ધક્કા મારે છે. સૂઈ જાઓ તો શરીરના દરેક સ્નાયુને ઓછામાં ઓછું લોહી જોઈએ છે. એટલે હૃદય સૌથી ઓછા ધક્કા મારે છે. જેટલા ઓછા ધક્કા એટલા ઓછા ધબકારા!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન