યુવાનોમાં આક્રમકતા અને ગુનાખોરી વધ્યાં? - Sandesh
NIFTY 10,539.75 +0.00  |  SENSEX 34,300.47 +0.00  |  USD 64.3050 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Sanskar
  • યુવાનોમાં આક્રમકતા અને ગુનાખોરી વધ્યાં?

યુવાનોમાં આક્રમકતા અને ગુનાખોરી વધ્યાં?

 | 3:28 am IST

અરસપરસ એકેડમીઃ રઈશ મણિયાર

અરજણભાઈ વ્યગ્ર દેખાતા હતા, “શું થવા બેઠું છે? હરિયાણામાં બારમા ધોરણના એક વિદ્યાર્થીએ આચાર્યની ગોળી મારીને હત્યા કરી. એ પહેલા દિલ્હીમાં પ્રદ્યુમન નામના બાળકની હત્યાનો કેસ ગાજ્યો હતો. એમાં પણ કથિત આરોપી જુવેનાઈલ(સગીર) છે. નિર્ભયાકાંડ અને શક્તિ મિલ બંને કેસ દેશના ગુનાઓના ઈતિહાસમાં ચકચારી બનાવ ગણાય છે, એ બંનેમાં પણ એક-એક આરોપી ૧૮ વર્ષ કરતાં ઓછી ઉંમરનો હતો. ટુ વ્હીલર અને ફેર વ્હીલર અકસ્માતોમાં યુવાનોનું બેફમ ડ્રાઈવિંગ મોટા પાયે જવાબદાર હોય છે અને આજકાલ છેતરપિંડી વગેરે કેસમાં પણ ૧૮ વરસથી ઓછી ઉંમરના યુવાનો મોટી સંખ્યામાં સંડોવાયેલા હોય છે.”

ધસમસ ગતિએ જઈ રહેલા અરજણભાઈના વાણીપ્રવાહ પર બ્રેક મારતાં કાનાભાઈ બોલ્યા, “આવા બનાવો બને છે, એ હકીકત છે. ખૂબ આઘાતજનક હોવાથી આવા બનાવો તરત સહુના કાન પર અને ધ્યાન પર આવે છે. કેટલાક કિસ્સાઓ ચોંકાવી દે તેવા જ નહીં, હચમચાવી દે તેવા ગંભીર છે. તોય, યુવા પેઢીનું શું થવા બેઠું છે, એમ જનરલાઈઝ ન કરવું જોઈએ કેમ કે યુવાપેઢીનો એક બહુ મોટો હિસ્સો પોતાના જીવનને સાર્થક અને સફ્ળ બનાવવા પાછળ પણ લાગેલો છે. અથવા જે તરુણો બહુ ભણેશરી, જવાબદાર કે ડાહ્યાડમરા નથી, તેઓ યુવાનીના દિવસોમાં થોડી મોજમસ્તી કરી લેવા માંગે છે, પણ એમાંથી બધા કંઈ ગુનાહિત નથી.”

અરજણભાઈએ પોતાનો મુદ્દો ફ્રી મૂક્યો, “પરંતુ એમ કહીને યુવાઓમાં, જો ગુનાહિતતા ખરેખર વધી રહી હોય તો એ વિશે આંખ આડા કાન ન કરાય! હવે તમે કહેશો કે વિશ્વભરમાં ‘યુવાઓમાં વધી રહેલી ગુનાહિતતા’ એવો શબ્દ વાપરતાં પહેલા આપણી પાસે આંકડા હોવા જોઈએ, તો તમે જ કહો કે આંકડા શું કહે છે?”

“દસ વરસ પહેલા ભારતમાં વરસેદહાડે ૪૦ કે ૪૫ હજાર જેટલા મર્ડર થતા હતા, હવે આ આંકડો ૩૦થી ૩૫ હજારની આસપાસ રહે છે.”

“એટલે ખરેખર ભારતમાં હત્યાના કેસ ઘટી રહ્યા છે?”

“અથવા કમ સે કમ વધતા નથી એમ કહી શકાય!”

“હત્યાનું સમજ્યા, પણ બળાત્કાર?”

કાનાભાઈ બોલ્યા, “બળાત્કારના કેસની સંખ્યા છેલ્લા દસ વરસમાં દસગણી થઈ છે. માત્ર દિલ્હીમાં દસ વરસ પહેલા બળાત્કારના ૨૦ કેસ નોંધાયા હતા, ગયા વરસે ૧૪૦ થયા. જોકે, એ આ ગુનાનું પ્રમાણ વધ્યું જ છે, એમ ન કહી શકાય. બની શકે કે પહેલા જે કેસ અન-રિપોર્ટેડ રહી જતા હતા, એવા કેસમાં જાગૃતિ વધવાને કારણે રિપોર્ટિંગ વધ્યું છે. વિશ્વના સત્તાવન ટકા દેશોમાં બળાત્કારની ફ્રિયાદ કરવી એ નાલેશી ગણાય છે. આપણે એમાંના એક છીએ.”

અરજણભાઈએ વાતનો સાર આંકડાઓની મદદથી સમજી લીધો, “એટલે હું સાર એમ કાઢી શકું કે ભારતમાં ઓવરઓલ ગુનાખોરીનું પ્રમાણ બહુ ચિંતાજનક રીતે વધ્યું નથી પણ તરુણોની એમાં સંડોવણી વધી છે બરાબર?”

કાનાભાઈએ કહ્યું. “બરાબર! આંકડાની દ્રષ્ટિ જોઈએ તો આજથી દસ વરસ પહેલા આપણા દેશમાં ૧૬થી ૧૮ વરસના ૧૭૦૦૦ બાળકો સામે ફેજદારી કેસ નોંધાયા હતા. ગયા વરસે ૩૨ હજાર તરુણો સામે કેસ નોંધાયા, એટલે દસ વરસમાં આ આંકડો લગભગ બમણો થયો.”

“માત્ર ભારતમાં આવું છે કે બધે જ?” અરજણભાઈના આક્રોશ પર જિજ્ઞાાસા હાવી થઈ.

“ના, વિશ્વભરમાં લગભગ બધા જ દેશોમાં વરસે દસ ટકાના રેટથી બાળકોમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. પરંતુ આ ગુનાઓમાં ઉઠાંતરી, નાની ચોરી, મારામારી વગેરે પણ આવી જાય એટલે આપણે કેસ છૂટા પાડીને ન જોઈએ તો ગેરસમજ થાય! કેમ કે ગરીબી ઓછી થવાને કારણે અમુક નાના ગુના ઘટે ય ખરા! અને સામે મોટા ગુના વધ્યા હોય એમ પણ બને.”

“ઓવર-ઓલ ક્રાઈમ રેટ વધ્યો નથી પણ તરુણોમાં ક્રાઈમ રેટ વધ્યો છે?”

“સરસ સવાલ… ગયા વરસે ભારતમાં તરુણો દ્વારા ૮૪૧ ખૂન થયા, જે ગયા વરસે નોંધાયેલા કુલ ૩૪ હજાર મર્ડરના અઢી ટકા થાય! એ જ રીતે ગયા વરસે તરુણો લગભગ બે હજાર બળાત્કાર કેસમાં સંડોવાયેલા હતા, જે ગયા વરસે નોંધાયેલા કુલ ૩૬ હજાર બળાત્કારના પાંચ-છ ટકા ગણાય.”

“ઓહો, આવું કેમ થયું?” અરજણભાઈની જિજ્ઞાાસાએ જુદી દિશા પકડી.

“આનું એક કારણ તો સેક્યુલર ટ્રેંડ ઓફ્ ગ્રોથ છે. બાળકો હવે સારા પોષણ અને વધુ એટેંશન તેમજ એક્સપોઝરને કારણે જીવવૈજ્ઞાાનિક રીતે અને માનસિક રીતે જલદી પુખ્ત થાય છે. તેથી એમને સફ્ળતાઓ પણ જલદી મળે છે અને તેઓ ગુનાઓમાં પણ જલદી સંડોવાય છે.”

અરજણભાઈએ બોલ્યા, “વાહ, કાનાભાઈ! કોઈપણ વાત વિશે ઈમોશનલી વિચારતાં પહેલા તમે તથ્યો વિશે વિચારી લો છો. ફેક્ટ્સ અને લોજિકના તબક્કાઓ પસાર કર્યા પછી જ ઈમોશનને વિચારસરણીમાં ઘૂસવા દો છો. આમ કરવાને કારણે તમારી સાથેની ચર્ચા આક્રોશસભર બનવાને બદલે મુદ્દાસર બને છે.”

અરજણભાઈ નવો મુદ્દો કાઢે એ પહેલા કાનાભાઈએ રવિવાર સવારની ત્રીજી ચાની ચુસકી માંડતા શાયરી સંભળાવી.

ન તો દેવ છે એ, ન તો છે એ દાનવ

ખરેખર આ માનવ તો કેવળ છે માનવ

અને સત-અસત બે હકીકત છે નક્કર

નથી એકતરફી મનુષ્યત્વ સંભવ