પૂર્વ વિદ્યાર્થીના નામે અજાણ્યા યુવકે શિક્ષકોને બનાવ્યા એવા ઉલ્લુ કે... - Sandesh
  • Home
  • Gujarat
  • પૂર્વ વિદ્યાર્થીના નામે અજાણ્યા યુવકે શિક્ષકોને બનાવ્યા એવા ઉલ્લુ કે…

પૂર્વ વિદ્યાર્થીના નામે અજાણ્યા યુવકે શિક્ષકોને બનાવ્યા એવા ઉલ્લુ કે…

 | 7:56 pm IST

બારડોલીની જાગૃતિ સોસાયટીમાં રહેતા નિવૃત્ત શિક્ષિકાના ઘરે આવી પોતે ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાનું જણાવી અજાણ્યો યુવક તેમની સાથે વાત કરી માતાની બીમારીના બહાને રૃ. ૪૦૦૦ લઈ ભાગી ગયો હતો. આ યુવાન બારડોલીમાં નિવૃત્ત શિક્ષકો પાસેથી આ રીતે ૪થી ૫ વખત નાણાં લઈ જઈને છેતરપિંડી કરી રહ્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.

બારડોલીની જાગૃતિ સોસાયટીમાં નિવૃત્ત શિક્ષકા પોતાના પરિવાર સાથે રહે છે. રવિવારે બપોરના સમયે અજાણ્યો યુવાન શિક્ષિકાના ઘરે પહોંચ્યો હતો. નિવૃત્ત શિક્ષિકાને ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રજ્ઞોશ પટેલના નામે ઓળખાણ આપીને હું ન્યૂઝિલેન્ડથી આવું છું મને ઓળખો છો. હું તમારા હાથ નીચે ભણ્યો કેમ યાદ નથી આવતું. તમે ફલાણી સાલમાં રિટાયર થાવ છો. મને બધું જ યાદ છે. તમારો સન ન્યૂઝિલેન્ડમા મને ઘણી વખત મળ્યો. આવતે અઠવાડિયે મારે જવાનું જ છે કાંઈ મોકલાવું હોય તો આપજો. આમ પણ હું કાઈ જ વજન લઈ નથી જવાનો તો તમારે કાંઈ મોકલવું હોય તો કહેજો. હું આપની પાસે એક કામ માટે આવ્યો છું. મારી મધરને હોસ્પિટલમાં દાખલ કરેલા છે. ઓપરેશન તાત્કાલિક કરવું પડે એમ છે. આમ તો મારી પાસે ૨૫ હજાર રૃપિયા છે અને ચાર હજાર રૃપિયા ઘટે છે. એમ કહીને શિક્ષિકા પાસેથી પ્રજ્ઞોશ પટેલ રૃ. ૪૦૦૦ લઈ ગયો હતો. હું આવતીકાલે જ તમારા પૈસા આપી જઈશ. કહી સરનામું અને મોબાઈલ નંબર આપી ગયો હતો.

બારડોલીમાં આ એક મોડસઓપરેન્ડીથી આ યુવાન લોકોને છેતરીને રૃપિયા કઢાવી જતો હોવાની વાતથી અજાણ જાગૃતિ સોસાયટીમાં રહેતાં કાર્તિકાબેન ચન્દ્રકાંતભાઈ દેસાઈએ તેને દયા ખાઈને રૃ. ૪૦૦૦ આપી દીધા હતા. ત્યારબાદ ચંદ્રકાંતભાઈને જાણ થતાં તેમણે છેતરાયા હોવાની વાત કાર્તિકાબેનને કરતાં તેઓ ગભરાઈ ગયા હતા. કારણ એમને ખબર હતી વ્યકિત આ જ રીતે બારડોલીમાં પાંચ વ્યકિતને ઉલ્લું બનાવી ગયો હતો. જોકે યુવકે આપેલ સરનામે તપાસ કરતાં ત્યાં આવી કોઈ વ્યકિત હતી જ નહીં અને આપેલા મોબાઈલ નંબર પણ ખોટો હતો.

આ બાબતે છેતરાયેલા કાર્તિકાબેનના પુત્રએ બારડોલી પોલીસ મથકે જઈ છેતરપિંડી કરનારા અજાણ્યા ઈસમ વિરુદ્ધ પોલીસને ફરિયાદ કરતાં પોલીસે તપાસ આદરી હતી. સોશિયલ મીડિયામાં આજે આ છેતરપિંડી કરનારા અજાણ્યા યુવકની તસવીરો અને તે અંગેની હકીકતો પણ બારડોલી પ્રદેશમાં ફરતી થઈ હતી. આ યુવાને બારડોલીની વામદોત હાઈસ્કૂલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ પ્રહ્લાદભાઈ ઉનાલીયા પણ ભોગ બનતાં બચ્યા હતા. જો કે તેમણે આ ઈસમનો ફોટો પાડી લીધો હતો. તે બાબત પણ આજે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો.