ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહેલા યુવરાજે આપ્યું મોટું નિવેદન, ફેંસ માટે સારા સમાચાર - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહેલા યુવરાજે આપ્યું મોટું નિવેદન, ફેંસ માટે સારા સમાચાર

ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહેલા યુવરાજે આપ્યું મોટું નિવેદન, ફેંસ માટે સારા સમાચાર

 | 8:26 pm IST

છેલ્લા ઘણા સમયથી ટીમ ઇન્ડિયામાંથી બહાર ચાલી રહેલા યુવરાજસિંહે ક્રિકેટમાંથી નિવૃત્તિ અંગે નિવેદન આપતાં કહ્યું કે, જ્યારે મને લાગશે કે, હવે હું ક્રિકેટ રમી શકું તેમ નથી ત્યારે નિવૃત્તિ લઇશ પરંતુ જ્યાં સુધી રમીશ ત્યાં સુધી 100 ટકા આપવાનો પ્રયાસ કરીશે.

યુવરાજસિંહને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી માટે અગાઉ ફિટનેસ સંબંધી સમસ્યાઓ નડી રહી હતી. જ્યારે તેણે ફિટનેસના માપદંડ યો-યો ટેસ્ટને પાસ કર્યો ત્યારે બીસીસીઆઈએ આ ટેસ્ટને વધુ આકરો બનાવ્યો હતો. આ ઉપરાંત ઘરેલુ મેચોમાં યુવરાજનું પ્રદર્શન પણ કથળતું હોવાને કારણે પણ યુવરાજની નિવૃત્તિની ચર્ચા જાગી હતી.

યુવરાજે કહ્યું કે, મેં ઇન્ટરનેશનલ લેવલે નામ કમાવવા માટે ક્યારેય ક્રિકેટ રમી નહોતી. મેં ક્રિકેટ એટલા માટે રમી કારણ કે મને તે ઘણી પસંદ હતી. જોકે, છેલ્લા કેટલાક સમયથી ટીમ ઇન્ડિયામાંથી બહાર રહેવા અને યો-યો ટેસ્ટને લઈ મુશ્કેલી આવી હતી પરંતુ મેં ભારતીય ટીમમાં વાપસીની આશા છોડી નથી.

હું અત્યારે પણ વાપસીનો પૂરતો પ્રયાસ કરી રહ્યો છું. આ માટે ફિટનેસ પણ જાળવી રાખવાનો પ્રયાસ કરું છું. મારી યોજના આગામી બે વર્ષ સુધી પણ આઈપીએલમાં રમવાની છે. હું એટલા માટે પણ અત્યારે નિવૃત્તિ લેવા માગતો નથી કે મને પાછળથી એ વાતનો પસ્તાવો થાય કે, મેં જ્યારે ક્રિકેટ છોડી ત્યારે મારો સમય સારો ચાલી રહ્યો નહોતો. મેં આખું જીવન ક્રિકેટનો આનંદ માણ્યો છે અને આગામી સમયમાં પણ આ રીતે જ ક્રિકેટ રમતો રહીશ.

જો હું નિવૃત્તિ લઇશ તો પણ ક્રિકેટથી દૂર નહીં થાઉં. આ દરમિયાન કેન્સર પીડિતો માટે યોગ્ય પગલાં ભરીશ કારણ કે, કેન્સરની પીડા મેં સહન કરી છે. આથી હું ઇચ્છું છું કે, અન્ય લોકોને આ દુઃખમાંથી બહાર લાવવાનો પ્રયાસ કરું. મારો પ્રયાસ રહેશે કે, જ્યારે નિવૃત્તિ લઉં ત્યારે લોકો મને એવા વ્યક્તિ તરીકે ઓળખે જેણે જીવનમાં ક્યારેય હાર માની નહોતી.