ઝરખને જ્યારે ભયનો અહેસાસ થાય ત્યારે તેની રૂવાંટી ઊભી થઈ જાય છે - Sandesh
  • Home
  • Kids Corner
  • ઝરખને જ્યારે ભયનો અહેસાસ થાય ત્યારે તેની રૂવાંટી ઊભી થઈ જાય છે

ઝરખને જ્યારે ભયનો અહેસાસ થાય ત્યારે તેની રૂવાંટી ઊભી થઈ જાય છે

 | 12:01 am IST

જંગલબુક :- નીરવ દેસાઈ

ઝરખ, કૂતરાં જેવું દેખાતું માંસાહારી સસ્તન પ્રાણી છે.  ઝરખ પ્રાણી મોટેભાગે આફ્રિકા અને એશિયાના જંગલોમાં અને રણમાં જોવા મળે છે. ઝરખ ક્યારેય પોતાનો શિકાર જાતે નથી કરતું. તે હંમેશાં બીજા પ્રાણીઓ દ્વારા શિકાર કરેલા પ્રાણીઓને ઝૂંટવીને તે આરોગે છે. તેનો ક્લ્ક કલક્ જેવો હસવાનો અવાજ આખા વિશ્વમાં જાણીતો છે. તેઓ માત્ર આનંદ ખાતર હસતા નથી, પણ તેમનો હસવાનો આવાજ એ વાતનો સંકેત છે કે તેમનું ભોજન તેમની નજીક છે. એક ઝરખનો અવાજ ત્રણ માઈલ દૂર ઊભેલા બીજા ઝરખ સુધી સરળતાથી પહોંચે છે. ઝરખને બધા પ્રાણીઓમાં સૌથી બુદ્ધિશાળી પ્રાણી માનવામાં આવે છે. કહેવાય છે કે, મનુષ્યનું મગજ ઝરખના મગજની સરખામણીમાં થોડા જ પ્રમાણમાં વધારે વિકસિત હોય છે. દુનિયાભરમાં ઝરખની લગભગ ૪ જાતિ અસ્તિત્વમાં છે. પહેલા, પટ્ટીવાળા ઝરખ, બીજા, કીટભક્ષી ઝરખ, ત્રીજા, બદામી રંગના ઝરખ અને ચોથા છે ટપકાંવાળા ઝરખ. ઝરખ મોટાભાગે રાત્રે ભોજન કરનાર નિશાચર પ્રાણી છે. પણ ક્યારેક તેઓ વહેલી સવારમાં પણ ભોજન કરતા હોય છે. તેઓ સામાન્ય રીતે એક જૂથ મળીને ભોજન કરે છે. ઝરખને એક ભયંકર અને ખૂંખાર પ્રાણી માનવામાં આવે છે. તેમના શરીરના ભાગોને તાંત્રિકો મેલી વિદ્યા તરીકે પણ ઉપયોગ કરે છે. તેની લાળમાં ઝેરી તત્ત્વ હોય છે. જો તે મનુષ્યને કરડે ત્યારે તેની મૃત્યુની શક્યતા વધી જાય છે. પટ્ટાવાળા ઝરખ, બદામી રંગના ઝરખ અને ટપકાંવાળા ઝરખની ગરદન ઉપર ઉપરની તરફ રૂવાંટી હોય છે. જ્યારે ઝરખને ભયનો અહેસાસ થાય ત્યારે આ પટ્ટાવાળી રૂવાંટી ઊભી થઈ જાય છે. ટપકાંવાળા ઝરખની ગણતરી નાના ઝરખોમાં થાય છે, જે હંમેશાં સમૂહમાં પાછળ ઊભા રહે છે. ઝરખની શારીરિક બનાવટ રીંછ જેવી હોય છે. તેમના આગળના બે પગ પાછળના બે પગની સરખામણીમાં મોટા હોય છે. ઝરખ અને સિંહ એકબીજાના કટ્ટર દુશ્મન હોય છે. તેઓ એકબીજાનો ખોરાક ચોરી કરે છે અને ખાઈ જાય છે. તેમજ તેઓ એકબીજાના બચ્ચાંને પણ મારી નાખે છે. માદા ઝરખ નર ઝરખ કરતાં વધુ શક્તિશાળી હોય છે. તેઓ નર ઝરખ કરતાં વધુ આક્રમક હોય છે. ઝરખના કદમાં જાતિ પ્રમાણે બદલાવ હોય છે. ટપકાંવાળા ઝરખ મોટેભાગે પાંત્રીસ ઈંચ જેટલા ઊંચા હોય છે અને તેમનું વજન લગભગ ૪૦થી ૪૧કિલોગ્રામ જેટલું હોય છે. જ્યારે નાના કદના ઝરખની ઊંચાઈ ૨૦ ઈંચ જેટલી હોય છે અને તેમનું વજન ૨૭-૨૮ કિલોગ્રામ જેટલું હોય છે. ઝરખ એકબીજા સાથે વાત કરવા માટે વિવિધ અવાજો, મુદ્રા અને સંકેતોનો ઉપયોગ કરે છે.

નર ઝરખ અને માદા ઝરખ દેખાવમાં સરખા હોય છે. પરંતુ બંનેનું ઝનુન જુદું હોય છે. નર ઓછા ઝનુની હોય છે. માદા ઝરખ બચ્ચાંને જન્મ આપે છે, તેમનું ધ્યાન રાખે છે. સંવનન બાદ માદા ઝરખ ૯૦થી ૧૧૦ દિવસ પછી બચ્ચાને જન્મ આપે છે. ૧૨થી ૧૮ મહિના સુધી માદા ઝરખ બચ્ચાંને સ્તનપાન કરાવે છે. પાંચ મહિના બાદ બચ્ચાં માંસ ખાવાનું શરૂ કરી દે છે. ઝરખ દસથી બાર વર્ષ સુધી જંગલમાં જીવિત રહી શકે છે અને કેદમાં પચ્ચીસ વર્ષ સુધી જીવિત રહી શકે છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન