અંકુશમુક્ત કરતી પાશાંકુશા એકાદશી - Sandesh
  • Home
  • Supplements
  • Shraddha
  • અંકુશમુક્ત કરતી પાશાંકુશા એકાદશી

અંકુશમુક્ત કરતી પાશાંકુશા એકાદશી

 | 3:00 am IST
  • Share

ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે, આ દિવસે પદ્મનાભ ભગવાનની પૂજા કરવી. સર્વ મનોરથ પરિપૂર્ણ કરનારી, સર્વ પાપોનો નાશ કરનારી અને સ્વર્ગલોકનું સુખ આપનારી આ એકાદશીનો મહિમા વિશેષ છે. પદ્મનાભ ભગવાનને પ્રણામ કરવાથી ઈન્દ્રિય નિગ્રહ જેટલું ફળ પ્રાપ્ત થાય છે. ઉપવાસ અને વ્રત કરવાથી પતિવ્રતા પત્ની અને ધનધાન્યની પ્રાપ્તિ થાય છે.

પાશાંકુશેતિ વિખ્યાતા, સર્વપાપહરા પરા ।

 પદ્મનાભાભિધાનં તુ પૂજ્યેતત્ર માનવઃ ।।

ઉગ્ર તપૃર્યા કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે ફળ ભગવાન વિષ્ણુને નમસ્કાર કરવાથી પ્રાપ્ત થાય છે અને મનુષ્યની નરકમાં ગતિ નથી નથી. પૃથ્વી પરનાં સર્વ તીર્થસ્થાનો છે તેનું તીર્થાટન કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે એ સઘળું પુણ્ય ભગવાન પદ્મનાભનું નામ-સંકીર્તન કરવાથી મળે છે. આ પૃથ્વી પર એકાદશીના પુણ્યસમાન સર્વોત્તમ અન્ય કોઈ પુણ્ય નથી. આ વ્રત અતિ પાવનકારી અને હિતકારી ગણાય છે. આ એકાદશી આરોગ્ય અર્પનારી છે.

પાશાંકુશા એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિ માતૃકુળના દસ, પિતૃકુળના દસ અને પત્નીકુળના દસ માણસોનો ઉદ્ધાર કરે છે. બાલ્યાવસ્થામાં, યૌવનાવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં આ એકાદશીનું વ્રત જેણે કર્યું હોય તેની સદ્ગતિ થાય છે. જે વ્રતધારી દાન-દક્ષિણા આ દિવસે આપે છે તેને કદી યમનાં દર્શન થતાં નથી. આ દિવસે તલ, જમીન, ગાય, અન્ન, પાણી, વસ્ત્ર, પગરખાં, છત્રી વગેરેનું દાન કરવાનો મહિમા છે. દરિદ્ર માણસે પણ શક્તિ અનુસાર દાન કરવું, જેથી તે દીર્ઘાયુષી, નિરોગી અને સુખી-સંપન્ન બને છે. યેનકેન પ્રકારેણઆ દિવસે જરૂર દાન-પુણ્ય કરવું, પરંતુ પુણ્યની જાહેરાત કરવાથી પુણ્ય નાશ પામે છે.

પાશ એટલે બંધન, બંધનમુક્ત થવું એ માનવનો સહજ સ્વભાવ છે. માત્ર માનવ જ નહીં, પણ પ્રાણીમાત્ર મુક્ત થવા માટે પ્રયાસશીલ હોય છે. કોઈને બંધન ગમતું નથી. માટે જો બંધનમાંથી મુક્ત થવું હોય તો દરેક મનુષ્યે આ પાશાંકુશાએકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. લગ્નગ્રંથિથી જોડાયેલી વ્યક્તિ અમુક પ્રકારનાં બંધનથી જકડાયેલી હોય છે, કારણ કે લગ્ન એટલે જ બંધન! લગ્ન એ બે હૈયાંને જોડે છે. આ જોડાણ સંસારસાગર તરવા માટે છે, કામભોગમાં ડૂબી જવા માટે નહીં. પત્ની એ નાવડી છે, તો પતિ નાવિક છે. લગ્ન એ વિલાસ માટે નથી, ‘કામના વિનાશ માટે છે.

મનને નિર્મળ, નિષ્કામ અને પવિત્ર બનાવવા માટે લગ્ન છે. લગ્ન એ કામ-વિકારની બેફામ વહેતી સરિતાને બે કાંઠામાં બાંધતી રત્નજડિત પાળ છે. આ પાળ સમાજને સુરક્ષિત રાખે છે. લગ્ન એ એક પ્રકારનું અંકુશ છે, પાશ છે, બંધન છે. એક પ્રકારનું નિયમન છે, મર્યાદા છે, સ્વચ્છંદતા નથી. દરેક દંપતી જો આ પાશાંકુશા એકાદશીનું વ્રત કરે તો આ પૃથ્વી પર સ્વર્ગસુખ ભોગવે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો