અખંડ સૌભાગ્ય અપાવતું વ્રત : કરવાચોથ - Sandesh
  • Home
  • Supplements
  • Shraddha
  • અખંડ સૌભાગ્ય અપાવતું વ્રત : કરવાચોથ

અખંડ સૌભાગ્ય અપાવતું વ્રત : કરવાચોથ

 | 3:00 am IST
  • Share

ભારતીય સંસ્કૃતિ વ્રત અને પર્વપ્રધાન છે. દરેક રાજ્યમાં અલગ અલગ પર્વ અને વ્રતનું માહાત્મ્ય જોવા મળે છે. ભારતના કેટલાક પ્રદેશોમાં કરવા ચોથનું વ્રત બહુ ઉત્સાહ અને ઉમંગભેર મનાવવામાં આવે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ અખંડ સૌભાગ્ય માટે અને કુંવારિકાઓ મનગમતો ભરથાર પામવા માટે કરવાચોથનું વ્રત શ્રદ્ધાભેર કરે છે.

કરવાચોથ આપણે ત્યાં આસો વદ ચોથના દિવસે મનાવવામાં આવે છે. આ વ્રતનું માહાત્મ્ય આજે આધુનિક યુગમાં પણ જરાય ઓછું નથી થયું. ગ્રામીણથી લઈને શહેરની આધુનિક યુવતીઓ પણ બહુ આસ્થા સાથે કરવાચોથનું વ્રત કરે છે. કરવાચોથનું વ્રત પતિ-પત્નીના સંબંધને વધુ ગાઢ બનાવે છે. પત્ની પતિની દીર્ઘાયુ માટે ભાવથી વ્રત કરતી હોવાથી પતિના મનમાં પણ પત્ની માટે વધુ ને વધુ ગાઢ આદર સાથે પ્રેમભાવ જાગે છે. આ રીતે આ વ્રત પતિ-પત્નીના સંબંધને વધુ ભાવસભર અને ગાઢ બનાવે છે. આ પર્વનું ર્ધાિમક તેમજ ભાવનાત્મક મૂલ્ય પણ અનેરું છે. 

કરવાચોથની કથા

એક ગામમાં ખૂબ જ સુખી-સંપન્ન શેઠ રહેતા હતા. તેમને સાત દીકરા અને એક કરવા નામની દીકરી હતી. કરવાને સાતેસાત ભાઈઓ ખૂબ જ પ્રેમ કરતા હતા. કરવાને જમાડીને પછી જ તેના ભાઈઓ અન્ન ગ્રહણ કરતા. કરવાનું થોડું પણ દુઃખ તેના ભાઈઓ સહન ન કરી શકતા. કરવા પરણીને સાસરે ચાલી ગઈ. પછી એક દિવસે તે પિયર આવી અને સંજોગવશાત્ ત્યારે કરવાચોથ હતી. સાંજે ભોજન કરવાનો સમય થયો. બધા જ ભોજન કરવા બેઠા, પણ કરવા ભોજન કરવા ન આવી. સાતેય ભાઈઓએ તેને જમવા બોલાવી, પણ કરવાએ કહ્યું કે મારું આજે વ્રત છે. હું ચંદ્રના ઉદય બાદ તેને અર્ધ્ય આપીને જમીશ. ચંદ્ર ક્યાંય દેખાતો ન હતો અને આખા દિવસની ભૂખને લીધે કરવાની હાલત ખૂબ જ ખરાબ થવા લાગી હતી. તે વ્યાકુળ બની ગઈ હતી. ભાઈઓથી બહેનની આ હાલત જોઈ ન શકાઈ અને નાના ભાઈએ ઘરના આંગણામાં ઝાડ પર દીપક પ્રગટાવીને તેની આગળ ચારણી મૂકીને ચંદ્ર જેવું પ્રતિબિંબ પાડયું અને કરવાને બતાવીને કહ્યું કે, ‘ચંદ્ર ઊગી ગયો છે તમે દર્શન કરીને જમી લો.કરવા ખુશ થઈને ચંદ્રમાનાં દર્શન કરીને તે જમવા બેસી ગઈ, પરંતુ પહેલો કોળિયો લીધો તો તેમાં વાળ આવ્યો. બીજો કોળિયો લેવા ગઈ તે હાથમાંથી પડી ગયો અને ત્રીજો કોળિયો મોંમાં મૂકે ત્યાં તેના પતિના મૃત્યુના સમાચાર આવ્યા. આ સમાચાર સાંભળતાં જ તેનાં ભાભીએ ખરી હકીકત તેને કહી સંભળાવી કે, ‘તમારા ભાઈએ ઝાડ પર દીપક અને તેની આગળ ચારણી મૂકીને તમને ચંદ્રનો આભાસ કરાવ્યો હતો, ખરા અર્થમાં એ ચંદ્ર ન હતો. તમે વ્રતનો ભંગ કર્યો છે, તેથી જ આવું બન્યું છે.ભાભીની આ વાત સાંભળીને કરવાએ નક્કી કર્યું કે હું આખું વર્ષ આ વ્રતનું પ્રાયિૃત કરીશ અને પતિના મૃતદેહની સામે આખું વર્ષ બેસી રહીશ. કરવાએ આખું વર્ષ મહાદેવ અને પાર્વતીની પૂજા, અર્ચના કરી અને મૃતદેહની પાસે આખું વર્ષ બેસી રહી. ફરી કરવાચોથનું વ્રત આવ્યું અને તેણે શ્રદ્ધાભેર આ વ્રત કર્યું. કરવાની આખા વર્ષની સાધનાથી મહાદેવ પ્રસન્ન થયા અને તેના પતિને જીવતદાન આપ્યું. આ રીતે કરવાચોથના વ્રતનો અનેરો મહિમા છે, જેથી દરેક સ્ત્રી કરવાચોથનું વ્રત મંગલમય કામના સાથે સંપન્ન કરે છે.         

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો