આસુરીવૃત્તિઓનો નાશ કરતું ભક્તિ, શક્તિ અને વિજયનું પર્વ દશેરા - Sandesh
  • Home
  • Supplements
  • Shraddha
  • આસુરીવૃત્તિઓનો નાશ કરતું ભક્તિ, શક્તિ અને વિજયનું પર્વ દશેરા

આસુરીવૃત્તિઓનો નાશ કરતું ભક્તિ, શક્તિ અને વિજયનું પર્વ દશેરા

 | 3:00 am IST
  • Share

આસો સુદ દશમીના તહેવારને આપણે સહુ દશેરા તરીકે જાણીએ છીએ. વિજયાદશમી તરીકે પણ પ્રચલિત આ તહેવારની અનેક રસપ્રદ બાબતો શાસ્ત્રોમાંથી મળી આવે છે. દશેરા એટલે દશ હરા અર્થાત્ રાવણનાં દશ માથાંસહિત તેનો વધ આ એક સામાન્ય સમજણ છે. વિજયાદશમી તિથિ પણ કહેવાય છે. અર્થાત્ તે દિવસે પ્રભુ શ્રી રામે આસુરીવૃત્તિનો નાશ કરી તેના ઉપર વિજય પ્રાપ્ત કર્યો તેથી આ તિથિ વિજયાદશમી તરીકે પણ પ્રચલિત છે. આપણા જીવનનાં કોઈપણ કાર્યમાં વિજય પ્રાપ્ત કરવા માટે, સફળતા મેળવવા માટે આ તિથિ અતિ ઉત્તમ ગણાય છે.

પૌરાણિક કથા પર થોડી નજર

દશરથ રાજાની આજ્ઞાા મુજબ પ્રભુ શ્રી રામ, શ્રી લક્ષ્મણજી તથા સીતાજી ચૌદ વર્ષ માટે વનવાસમાં નીકળ્યાં તે સમયમાં રાવણ માયાવી રૂપ ધારણ કરી, માયા રચીને સીતાજીનું હરણ કરી ગયો. ત્યારબાદ પ્રભુ શ્રી રામે વાનરરાજ સુગ્રિવ તથા હનુમાનજી અને વાનર જાતિની સહાયથી સીતામૈયાની શોધ કરી. ત્યારબાદ પ્રભુ શ્રીરામે રાવણનો નાશ કરવા માટે, રાવણ સુધી પહોંચવા માટે, આસુરી વૃત્તિનું શમન કરવા માટે અને ધર્મની રક્ષા કરવા માટે મુખ્ય ત્રણ દેવી દેવની આરાધના તથા અનુષ્ઠાન કર્યાં જેના ફળસ્વરૂપ રાવણ કુળનો સંહાર કર્યો. 

પ્રથમ મહાદેવની કૃપા પ્રાપ્ત કરી

સમુદ્રતટથી લંકા પહોંચવા માટે સેતુબંધ રામેશ્વરમ્ની સ્થાપના કરી. સમુદ્રતટે ર્પાિથવ શિવલિંગની સ્થાપના કરી. મહાદેવજીની ઉત્તમ સ્થાપના કરી અને આરાધના કરી. જેના ફળસ્વરૂપ મહાદેવજી પ્રગટ થયા અને શિવલિંગમાં જ્યોતિસ્વરૂપ પ્રગટ થયાં. પ્રભુ શ્રીરામ તથા લક્ષ્મણને વિજયી ભવઃના આશીર્વાદ આપ્યા. જે શિવલિંગ રામેશ્વર ર્જ્યોિતલિંગ તરીકે પ્રચલિત થયું.

દશેરાએ શસ્ત્રપૂજન

આપણી સંસ્કૃતિ વિરતાની પૂજક છે. માતાજીનાં જે આયુધોએ આપણા સમાજની, આપણી સંસ્કૃતિની અને આપણાં મૂલ્યોની રક્ષા કરી છે તે શસ્ત્રોનું પૂજન કરવાનું માહાત્મ્ય સદીઓથી અકબંધ રહ્યું છે.

ક્ષત્રિય પરિવાર વતી મા જગદંબાના પ્રતીક રૂપ તમામ શસ્ત્રોની પૂજા કરવાનું ભવ્ય આયોજન સામૂહિક રીતે કરવામાં આવે છે. જેમાં ક્ષત્રિય પરિવારના મોભી તથા આગેવાનો દ્વારા શસ્ત્રપૂજા કરવામાં આવે છે. પ્રાચીનકાળના રાજાઓ આ દિવસે રણયાત્રાનું પ્રસ્થાન કરતાં હતા. પ્રભુ શ્રીરામે પણ રાવણના સંહાર માટે વિજયાદશમીએ પ્રસ્થાન કર્યું હતું. છત્રપતિ શિવાજીએ પણ ઔરંગઝેબને માત આપવા આ દિવસે પ્રસ્થાન કર્યું હતું. આ ઉત્સવની શરૂઆત 15મી શતાબ્દીના વિજયરાજ નગરના રાજાએ કરી હતી. કર્ણાટક હમ્પીના હજારા રામમંદિરની બહારની દીવાલ ઉપર આ ઉત્સવની ઝલક કંડારવામાં આવી છે.

અનેકવિધ કાર્યોની શરૂઆત વિજયાદશમીએ

વિજયદશમી પર્વ વિજય આપનારું પર્વ છે. શાસ્ત્રકારોના વચન પ્રમાણે કોઈપણ શુભ કાર્યની શરૂઆત માટે દશેરા પર્વ ઉત્તમ છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ આ દિવસે અભ્યાસલક્ષી, કલાલક્ષી અનેક શુભ સંકલ્પો કરી શકે છે. કામધંધા, વ્યાપારનો શુભારંભ પણ અતિ સફળતા પ્રદાન કરે છે. ગૃહપ્રવેશ પણ અતિ લાભદાયક બને છે.

દશેરા ઉત્સવ પ્રત્યે અનેકવિધ કલ્પનાઓ અસ્તિત્વમાં છે. ભારત કૃષિપ્રધાન દેશ છે. ખેડૂત સોનેરી પાક રૂપી સંપત્તિ ઘરે લાવે છે ત્યારે ઘર- પરિવારમાં ખુશાલી અને આનંદ છવાઈ જાય છે. ખેડૂતો આને ઈશ્વરકૃપા સમજી આ દિવસે ભગવાનની વિશેષ પૂજા કરે છે.

વાસ્તવમાં જોઈએ તો આજે નૈતિક મૂલ્યો ભયમાં છે. ભવ્ય અને મહાન સંસ્કૃતિ મૃત્યુશય્યા ઉપર છે ત્યારે આપણી અંદરની ખમીરવૃત્તિ શાંત કેમ રહી શકે? મારો ઈશ્વર મારી સાથે છે. તેની કૃપાથી, મા જગદંબાની કૃપાથી અને સતત પ્રયત્નશીલ રહીને હું આંતરિક તથા બાહ્ય શત્રુઓનો વિનાશ કરીશ. જીવનનાં નૈતિક મૂલ્યોનું અવશ્ય જતન કરીશ એવો સંકલ્પ કરવાનો શુભ અવસર એટલે દશેરા પર્વ.

આવાં અનેકવિધ મૂલ્યો અને અનેકવિધ વિશેષતા ધરાવતો આપણી સંસ્કૃતિનો મહામૂલો અવસર એટલે વિજયાદશમી પર્વ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો