એકવીસમી સદીમાં અહિંસારૂપેણ માની આવશ્યક્તા છે  - Sandesh
  • Home
  • Supplements
  • Shraddha
  • એકવીસમી સદીમાં અહિંસારૂપેણ માની આવશ્યક્તા છે 

એકવીસમી સદીમાં અહિંસારૂપેણ માની આવશ્યક્તા છે 

 | 3:00 am IST
  • Share

મા અમને એવી સદ્બુદ્ધિ આપ કે અમે તને અહિંસા રૂપે જોઈએ. નવાં ગીતડાં રચવાં જોઈએ, જેના કેન્દ્રમાં જ અહિંસા હોય

મારી આંખો જોવા ઈચ્છે છે કે હવે માનું રૂપ અહિંસારૂપેણ હોવું જોઈએ અને મા અહિંસારૂપેણ ન હતી એવું કોઈ દિવસ ન માનશો. એ તો મૂળમાં અહિંસારૂપેણ જ છે, હતી અને રહેશે. કોઈ વિશેષ કારણોને લીધે એમણે ખડગ ધારણ કર્યું હશે; એમણે શક્તિ ધારણ કરી હશે. એમણે ત્રિશૂલ ધારણ કર્યું હશે. દુનિયામાં કોઈ ડોક્ટર હિંસક નથી હોતો, પરંતુ ઓપરેશન કરવા માટે એણે હથિયારો લેવાં પડે છે. સ્વભાવથી હિંસક હોય એને ડોક્ટરની પદવી યુનિર્વિસટીએ આપવી ન જોઈએ. ડોક્ટર હથિયાર લે છે. નકામી વસ્તુ દર્દીના શરીરમાં જે આવી ગઈ છે એને અહિંસક વૃત્તિ વડે કાઢવા માટે થોડા સમય માટે એણે કાતર-ચાકું લેવા પડયાં હશે અને એને નિવારી અને દર્દીના દેહને તંદુરસ્તી આપવા માટેનો આ એક ઉપક્રમ હોય છે. મારી મા ચામુંડા ભગવતીએ જ્યારે જ્યારે ખડગ અને ત્રિશૂલ લીધાં હશે ત્યારે એને એવું લાગ્યું હશે, સમાજના દેહને એક રોગ લાગુ પડયો છે! સમાજના વિગ્રહને, સમાજના શરીરને ઘણી અકારણ વસ્તુઓ અડી ગઈ છે અને એણે ઓપરેશન કરવું જોઈએ, તેથી ક્યારેક ચંડમુંડ માટે, ક્યારેક રક્તબીજ મહિષાસુર માટે, ક્યારેક રાવણ માટે, એ ઓપરેશન માટે જ શસ્ત્રો લીધાં છે. આજ સુધી મેં નથી જોયું કે ડોક્ટર ઓપરેશન કરે એ હોસ્પિટલમાં એનું કામ પૂરું થાય પછી ઘરે જાય ત્યારે એના એ ડ્રેસમાં અને એ હથિયાર લઈને ઘરે ગયો હોય! રામચરિત માનસમાં ભવાનીનું જે ભવન છે, એમાં ક્યાંય હથિયાર નથી.

ગઈ ભવાની ભવન બહોરી

બંદી ચરન બોલી કર જોરી.

અને સમાજે કોઈ દિવસ ન ભૂલવું જોઈએ. કેમ ભુલાય? કારણ કે આપણા અનુભવ છે કે હિંસા કેવલ શસ્ત્રથી જ થાય એમ નથી. શાસ્ત્રોને જ્યારે કટ્ટરતાના વાઘા પહેરાવવામાં આવે છે ત્યારે શાસ્ત્રો પણ હિંસા કરવામાં કાંઈ બાકી રાખતાં નથી! દુનિયામાં મોટાભાગનાં યુદ્ધો ધર્મને લીધે થયાં છે! આંકડો બહુ મોટો છે! બાપ, સત્તા પ્રાપ્ત કરવા માટેનાં યુદ્ધોની માત્રા ધર્મના નામે થયેલાં યુદ્ધો કરતાં ઓછી છે. સામાજિક મૂલ્યોનું પરિવર્તન કરવા માટે થયેલાં યુદ્ધો, એની વળી માત્રા ઓછી છે. આ મારો સરવે નથી. યૂનોનો સરવે છે. વિશ્વસંસ્થાનો આ સરવે છે અને હું મારો રાજીપો વ્યક્ત કરું છું કે આ યૂનો સંસ્થાએ, આ વિશ્વસંસ્થાને બીજી ઓક્ટોબર વિશ્વ વંદનીય ગાંધીબાપુના નામની સાથે અહિંસા દિનડિક્લેર કર્યો! સ્વાધ્યાયના પ્રણેતા, સ્વાધ્યાયનો કર્મ કરતો વિચાર જેમણે મહારાષ્ટ્રથી લઈને ગુજરાત-કચ્છમાં વધારે કર્યો, એવા બ્રહ્મલીન પૂજ્ય પાંડુરંગ દાદા, એમના મુખેથી ક્યારેક સાંભળ્યું છે કે એક હાથમાં તલવાર અને એક હાથમાં ધર્મગ્રંથ લઈ ધર્મનો પ્રચાર ન થઈ શકે. ધર્મને લીધે બહુ યુદ્ધો થયાં! થંભી જઈએ. અને તેથી મારી વ્યાસપીઠ માને અહિંસારૂપેણ જોવા માગે છે. મા તું સ્વતંત્ર છો. તને એમ લાગે કે સમાજને ઓપરેશનની જરૂર છે ત્યારે મા તું તારા સંકલ્પમાંથી ઊભું કરી અને એ રોગોનું નિવારણ કરી શકીશ, પણ મા અમને એવી સદ્બુદ્ધિ આપ કે અમે તને અહિંસા રૂપે જોઈએ. નવાં ગીતડાં રચવા જોઈએ, જેના કેન્દ્રમાં અહિંસા હોય. કોઈપણ સ્વરૂપનું સર્વાંગ દર્શન થવું જોઈએ.

તો બાપ, મા છે જ અહિંસક. રામ અહિંસક જ છે. કૃષ્ણ અહિંસક જ છે, પણ ક્યારેક મહાન ઓપરેશન કરવાં પડયાં હશે. ક્યારેક ચંડમુડ, ક્યારેક મહિષાસુર માટે. એનું જે મૂળ રૂપ છે એ કરુણાની ર્મૂિત છે. એ રૂપને આપણે કેન્દ્રમાં એકવીસમી સદીમાં મૂકવું જોઈએ. ગાંધીબાપુએ બહુ કામ કર્યું. ગાંધી પણ જન્મજાત અહિંસક હતા અને તેથી પતંજલિનાં વ્રતો એમણે સ્વીકાર્યાં. યમ-નિયમ જ્યારે એમણે સ્વીકાર્યા ત્યારે એમના માટે સત્યથી ઊંચું કોઈ ન હતું, પણ સત્ય પછીના ક્રમે ગાંધીએ કોઈ વસ્તુને મૂકી તો એ અહિંસા છે અને તેથી જ –

સત્ય અહિંસા ચોરી ન કરવી

વણજોતું નવ સંઘરવું. 

તો બાપ, અહિંસાને બીજું સ્થાન આપ્યું છે. રામચરિત માનસમાં ખગપતિ ગરુડના બુદ્ધપુરુષ કાગભુશૂંડિ પાસે જે સાત પ્રશ્નો છે એમાંનો એક પ્રશ્ન છે, ‘આ દુનિયાનો શ્રેષ્ઠતમ ધર્મ કયો?’ કાગભુશૂંડિ બોલ્યા છે- 

પરમ ધર્મ શ્રુતિ બિદિ અહિંસા,

પર નિંદા સમ અઘ ન ગરીસા.

અને આપણે ત્યાં દેવ-દેવીઓના હાથમાં શસ્ત્રો દેખાડયાં છે. એનાં વર્ણન છે. સ્તુતિમાં એનાં ભરપૂર વર્ણન છે, પરંતુ એ બીજાને મારવા માટેનાં શસ્ત્રો ન હતાં. કોકને કારણ વગર કોક મારે એના રક્ષણ માટે એ શસ્ત્રો હતાં. તો માનું મૂળ રૂપ જે-જે પરમ છે, હિંસામુક્ત છે. પંચાવન વર્ષથી તમારી સામે ગળાફાડ ગાયન કરું છું. હવે આટલું હું તમારી પાસે ન માગી શકું કે તમે હિંસા મૂકો? દેવસ્થાનોમાં હિંસા બંધ થાય. ધર્મના નામે હિંસા બંધ થાય. સીમાડા માટે હિંસા બંધ થાય. સમજણ કેળવવી રહી, કારણ કે યુગોથી ચાલતી હિંસાએ કોઈ પરિણામ નથી આપ્યું. આ હું અને તમે વ્યક્તિગત જીવનમાં ન કરીએ કે મારું ગમે તેટલું બૂરું કર્યું હશે તો હું બદલો નહીં લઉં. હિંસા નહીં કરું. હું જાતે બલિદાન આપીશ. શેના બદલા લેવાના? મા અહિંસારૂપેણ છે, કૃપાલુ છે. આપણે બધા જ જાણીએ છીએ કે આપણી મા ક્યારેક નારાજ થાય અને એને બહુ જ મહત્ત્વનું કામ હોય અને બાળક જિદ્દે ચડે તો એકાદ ટપલી મારે છે, પણ બધાને ખબર છે, મા તો અનુભવે જ એ છોકરું રડે એના કરતાં એ ત્રણ ગણું રડતી હોય, કારણ કે માનો મૂળ સ્વભાવ અહિંસક છે.

હિંસા અનેક રીતે થઈ રહી છે સમાજમાં. આપણે આપણાથી શરૂઆત કરીએ, બસ, તો અહિંસાનું રૂપ આપણી સામે રહે. હિંસાનાં ત્રણ રૂપો તો જગજાહેર છે, જેને શાસ્ત્રીય રૂપ કહી શકાય. એક છે ખુદે કરેલી હિંસા. માણસ પોતે હિંસા કરે. ઘણા ખુદ ન કરે, પણ બીજા પાસે કરાવે એ કારિત હિંસા. કારિત હિંસા પાછળ રહીને કરાવી નાખે, ‘તું આનું અપમાન કરી નાખજે, અમે નહીં બોલીએ. તું બોલી નાખજે!ત્રીજી હિંસાનું નામ છે અનુમોદિત હિંસા. પોતે હિંસા કરે પણ નહીં, કરાવે પણ નહીં અને કોઈકે કરી હોય એને અનુમોદન આપી દે કે એ જ લાગના હતા!

હિંસાનાં અનેક સૂક્ષ્મ રૂપો છે. ઘણી વખત આપણે આપણી જાતે શરીરનો ઉપયોગ કરીને હિંસા કરતા હોઈએ છીએ, જેને આચરિત હિંસા શાસ્ત્રકારો કહે છે. ઘણા માણસો પોતે જાતે હિંસા દેખાય એમ ન કરે, પણ ઉચ્ચારિત હિંસા કરતા હોય. કોઈને ધક્કો ન મારે, પણ વેણ એવાં કાઢે કે ધક્કો મારી દે! દ્વેષબુદ્ધિથી તમે કોઈના માટે બોલો એ હિંસા છે. માણસ દ્વેષપૂર્વક ચિત્તથી વાણીનાં બાણ મારે એ ઉચ્ચારિત હિંસા છે. ઘણા માણસો ડાહ્યા હોય. બહુ ડાહ્યા તો ન કહેવાય, બહુ હોશિયાર હોય! એ શું આમ આચરિત હિંસા પણ ન કરે, ઉચ્ચારિત ન કરે, વિચારણામાં હિંસા કરે કે આને કોક આંટી જાય! માનાં નોરતાંનાં છેલ્લા દિવસે હું અને તમે એવાં વેણ ફરે અને આપણે બદલી નાખીએ એવાં વ્રત નહીં, પણ શિવ સંકલ્પ વ્રત કરીએ. કોઈની હિંસા ન થાય. ના કારિત, ના અનુમોદિત, ના ઉચ્ચારિત, ના આચરિત. આ જે દુર્ગા છે એને અહિંસા રૂપે આપણે જાગ્રત કરીએ. એકવીસમી સદીમાં અહિંસારૂપેણ માની આવશ્યક્તા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો