એક લડકા થોડા બેઈમાન ક્યા હુઆ, કિતને સારે બદચલન હો ગયે! - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • એક લડકા થોડા બેઈમાન ક્યા હુઆ, કિતને સારે બદચલન હો ગયે!

એક લડકા થોડા બેઈમાન ક્યા હુઆ, કિતને સારે બદચલન હો ગયે!

 | 3:00 am IST
  • Share

જબરદસ્ત નવલકથાકાર ઇરવીંગ વોલેસની એક નવલકથાનું નામ છે – ધ સેવન મિનટ્સ. સેક્સ દરમિયાન એક સ્ત્રીના મનમાં સાત મિનિટ સુધી જે વિચારો આવે છે તે સમયગાળાને આ વાર્તાનું શીર્ષક બનાવવામાં આવ્યું છે. વાર્તા તો લાંબી છે. એક અશ્લીલ કે કહેવાતા અશ્લીલ પુસ્તક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છતાં પણ એક છોકરા પાસેથી તે પુસ્તક મળ્યું. તેની ઉપર બળાત્કારનો ચાર્જ લાગ્યો. વકીલો રોકવામાં આવ્યા. બીજાં પાત્રો પણ વાર્તામાં આવ્યાં. આ વાર્તાના એક દૃશ્યમાં એવું થાય છે કે ડીફ્ેન્ડ કરી રહેલા વકીલ ન્યાયાધીશ સામે બે-ત્રણ ફ્કરાનું પઠન કરે છે. એ લખાણ સાંભળીને જજ તો ગુસ્સે થઇ ગયા. એમણે કહ્યું કે આવું અશ્લીલ લખાણ કેમ વાંચ્યું? પેલા વકીલ કહે છે કે તમે જે ધર્મગ્રંથને માનો છો એના જ ચોક્કસ પાન નંબર ઉપર આવેલા ફ્કરાઓ મેં વાંચ્યા!

માણસ બહુ જ સજેક્ટિવ છે. એકદમ આત્મલક્ષી અને સ્વાનુભવરસિક. કોઈ ધર્મગ્રંથમાં લખ્યું છે માટે તે પવિત્ર થઇ જાય છે પણ એ જ શબ્દો બીજો કોઈ માણસ લખે છે તો એ અશ્લીલ થઇ જાય છે. અજંતા-ઈલોરાની ગુફઓથી લઈને ખજુરાહોની દીવાલો ઉપર એક કરતાં વધુ પુરુષ-સ્ત્રીઓ સંભોગક્રિયામાં રત હોય એવાં શિલ્પો છે, એવી કોતરણી છે. એ જ મહાન સંસ્કૃતિ ધરાવતા દેશમાં આજે પણ જાહેરમાં કિસ કરીએ તો ત્રણ મહિનાની જેલ થઇ શકે છે. ‘આપણે આપણા દેશના કાયદાનું સન્માન કરવું જોઈએ’- ગોખેલા પોપટની જેમ આવાં વાક્યો બોલતા પહેલાં કાયદાની જરૂરિયાત, કાયદાનો ખ્યાલ અને કાયદાનો હેતુ ક્લિયર હોય છે ખરો?

આખી દુનિયાની વાત કરીએ. ઘરેણાં સિવાય સોનાની લગડી રાખવી એ ગુનો ગણાતો. આજે નથી. પોતાના કે કુટુંબીજનો સિવાયની કોઈ પણ વ્યક્તિના રૂપિયા પાસે રાખવા એ ગંભીર ગુણો ગણાતો. આજે નથી. આજે બધાના પૈસા બેંકોમાં છે અને બેંકોના પૈસા લઈને લોકો વિદેશમાં એશ કરે છે. એબોર્શન કરવાની આજે છૂટ મળી છે, પહેલાં ન હતી. પહેલાં તો બર્થ કંટ્રોલ કરવા માટે કોઈ તરકીબ અજમાવવી એ પણ ગુનો ગણાતો. આજે આઈ-પીલ વેચાય છે. પોર્નોગ્રાફ્ી જોવી એ પણ ગુનો. હાઉસિંગ સ્કીમમાં કોઈ કોમ જાતિ આધારિત ભેદભાવ ન થવા જોઈએ. જે આજે છડેચોક થાય છે. ઓવરટાઈમ કરનારા કર્મચારીઓને એક્સ્ટ્રા પગાર ન આપવો એ પણ ગુનો છે. જે આજે સરકારી ખાતા અને પ્રાઈવેટ કંપનીઓ કરી રહી છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણને મારી ન શકે. પણ આજે પોલીસ થર્ડ ડીગ્રી પણ આપતી હોય છે. કોઈ પણ વ્યક્તિ કે આરોપી કે કેદીને શારીરિક પીડા આપવી ગુનો બને છે. પણ આવા ગુના બધા સાથે મળીને માણતા હોય છે.

જેણે પાપ ન કર્યું એકે, તે જ પહેલો પથ્થર ફ્ેંકે. સિગ્નલ તોડીને, ઇન્કમટેક્સ ન ભરીને, ઝીરો રિટર્ન બતાવીને, ધંધા કે નોકરીમાં દરરોજ કેટલુંય ખોટું કરીને, પાઈરેટેડ સોફ્ટવેર વાપરીને, તમાકુ-સિગારેટ-દારૂ વગેરેનું વ્યસન રાખીને બેઠેલા લાખો-કરોડો લોકો આયર્ન ખાન ઉપર જજમેન્ટ આપવા બેસી ગયા છે. આપણા સમાજની કેટલી નબળી પદ્ધતિ છે કે વહુને કંઈ ન આવડતું હોય તો સાસુ એવો ટોણો મારે કે – મમ્મીએ શીખવાડયું નથી? કોઈ છોકરો ખોટું કરતા પકડાય તો તેના બાપનું નામ ઉછાળવામાં આવે. મા-બહેન-બાપ ઉપર ગાળો દેવાનું મન થતું હોય પણ પોતે સભ્યતાનો અંચળો ઓઢીને ઢોંગ કરવા હોય એટલે દીકરા કે દીકરીને ખીજાતી વખતે તેનાં મા-બાપને વચ્ચે લઇ આવે.

આયર્ન ખાન જે કરે તે, એમાં એનું પેરેન્ટિંગ નબળું છે કે એના પપ્પાની એપોઈન્ટમેન્ટ લેવી પડે એવા સેલિબનો દીકરો છે કે મોટા માણસોના ધંધા તો આવા જ હોય – આવાં સ્ટેટમેન્ટ ઈર્ષ્યા બતાવે છે. ઈર્ષ્યા પરોક્ષ પ્રશંસા છે. પોતે ન કરી શક્યા એટલે બીજા કરે તેની સામે વાંધો. આપણાથી મોટા તકલીફ્માં મુકાય તો પરપીડનવૃત્તિને પંપાળવાની. જંગલમાંથી આવેલા માણસના મનમાંથી જંગલીપણું હજુ સુધી ગયું નથી તેની સાબિતી અનેક લોકો છેલ્લા કેટલાય દિવસથી આપી રહ્યા છે.

કાયદાઓ સમાજને સ્થિરતા બક્ષવા માટે બનતા હોય છે. દરેક વ્યક્તિ ર્નિિભક રીતે જીવનનિર્વાહ કરી શકે તે કાયદાના પાલનનો હેતુ છે. ઓફ્ કોર્સ, ડ્રગ્સ એવી વસ્તુ છે જે માણસને બરબાદ કરી શકે. માટે તેનો બચાવ ન જ હોઈ શકે પરંતુ આપણે જે દુનિયામાં રહીએ છીએ એ દુનિયામાં ભારત સિવાય બીજા પણ લોકશાહી દેશો છે. એવા દેશોના ઘણા ભાગમાં મારિજુઆના જેવાં નશાકારક પદાર્થો કાયદેસર રીતે વેચાય છે. આપણે ત્યાં ભાંગ સદીઓથી પીવાતી. અમુક અઘોરીઓને આવાં નશાકારક દ્રવ્યો જોઈએ. ગુજરાતમાં કેટલો ઈલ્લિગલ દારૂ આવે છે એ બધા જાણે છે. દારૂ પીવો એ ગુનો હશે પણ દારૂ પીને પત્નીને મારવી કે ફ્ૂટપાથ ઉપર ગાડી ચલાવવી વધુ મોટા ગુના છે. એ જ રીતે, ડ્રગ્સ એ સ્વપીડન અથવા તો આત્મપતનનો માર્ગ છે. ડ્રગ્સ લેનાર માણસ પોતાને હેરાન કરે છે, પોતાનું આયુષ્ય ઘટાડે છે. સ્ત્રી ઉપર બળજબરી કરનારો એક પુરુષ એક હજાર નશેડીઓ કરતાં વધુ હાનિકારક છે, નિંદનીય છે.

સિંગલ સ્ત્રીને ઘર ભાડે આપવું નથી, વાંઢા પુરુષના ચરિત્ર ઉપર સતત આંગળીઓ ચીંધવી છે, ફ્લાણી-ઢીંકણી કોમને ઊતરતી માનવી છે, પૈસા કમાવા માટે નાનામોટા અનીતિના રસ્તા અપનાવવામાં વાંધો નથી, આરટીઓ જેવાં ઘણાં સરકારી ખાતાંમાં કામ ઝડપથી કરાવવા તેના એજન્ટને વધુ પૈસા આપતા ખચકાવું નથી- પણ શાહરુખનો દીકરો પકડાયો એમાં વિકૃતિ ઠાલવવી છે. આવાં ગંદાં, રેઢિયાળ, વિકૃત દિમાગો અને તેની ટિપ્પણીઓ સમાજ માટે કેન્સર છે. આવાં કુતત્ત્વોને સુધારવાં પડે. સુધારી ન શકાય તો એકલાં તો પાડી શકાયને?      

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો