કુખ્યાત શૈલેષ ધાંધલ્યા સહિત ત્રણના બે દી'ના રિમાન્ડ મંજૂર - Sandesh
  • Home
  • Bhavnagar
  • કુખ્યાત શૈલેષ ધાંધલ્યા સહિત ત્રણના બે દી’ના રિમાન્ડ મંજૂર

કુખ્યાત શૈલેષ ધાંધલ્યા સહિત ત્રણના બે દી’ના રિમાન્ડ મંજૂર

 | 1:57 am IST
  • Share

ા તળાજા ા

ભાવનગર જિલ્લાના તળાજાપંથકમાં માથું કાઢી ગયેલાં નામીચા શૈલેષ ધાંધલ્યા સહિત ત્રણ શખસને ગઈકાલે અમદાવાદ પોલીસે ઝડપી લીધાં બાદ ભાવનગર એલસીબીએ કબજો સંભાળી આજે તળાજા કોર્ટમાં રજૂ કરતાં અદાલતે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, શૈલેષ ધાંધલ્યા સહિતના ત્રણે આરોપી વિરૃધ્ધ જુદાજુદા અનેક ગુના પોલીસ ચોપડે નોંધાયેલાં છે.

પ્રાપ્ત વિગત મુજબ તળાજા શહેરના ગોપનાથ રોડ પરની જમીન ખાલી કરાવવાના મામલે ફાયરિંગ પ્રકરણમાં ગઈકાલે જગબત્રીસીએ ચડેલાં શૈલેષ ધાંધલ્યા, મુકેશ શિયાળ, ભદ્રેશ ગૌસ્વામીની અમદાવાદ પોલીસે ધરપકડ કર્યા બાદ ભાવનગર એલસીબી પીઆઈ.દીપક મિશ્રા તથા સ્ટાફે અમદાવાદ દોડી જઈ ત્રણે આરોપીનો કબજો મેળવ્યો હતો.

દરમિયાનમાં આજે તળાજા કોર્ટમાં ત્રણે આરોપીને રજૂ કરી ફાયરિંગમાં વપરાયેલાં હથિયાર રિવોલ્વર અથવા પિસ્ટલ કબજે લેવા તથા અન્ય ફરાર ચાર શખસના છુપાવાના સ્થળની માહિતી મેળવવા માટે એ.પી.પી.સી.ડી.પરમાર તથા પીઆઈ.મિશ્રાએ ત્રણે આરોપીના ૧૦ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જ્યારે સામાપક્ષે એડવોકેટ હિરેન વકિલે દલીલ કરી હતી. બન્ને પક્ષની દલીલો સાંભળી એડિશનલ ચીફ જ્યૂડિશિયલ જજ એસ.એ.ટેલરએ તમામ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, પોલીસની કુખ્યાત શૈલેષ ધાંધલ્યા આણીમંડળીના ત્રણે આરોપીની જાહેરમાં સરભરા કરવાની જાહેરાતના પગલે આજે સાંજના ચારેક વાગ્યાથી તળાજા કોર્ટની બહાર તથા બાપા સીતારામ ચોકથી વાવચોક સુધી અને બાલતિલક ચોકમાં નામચીન ત્રણે આરોપીની સરભરા નિહાળવા લોકોનાં ટોળેટોળા ઉમટયાં હતા. અહીંના રોડસાઈડના મકાનો, અગાસી, ગેલેરીઓ પર મહિલાઓ સહિતના લોકોનો જમેલો જોવા મળ્યો હતો. જો કે, તળાજા કોર્ટમાં લવાયેલાં ત્રણે આરોપીની પોલીસ દ્વારા થતી ર્સિવસ જોવાનો લ્હાવો લોકોને માણવા મળ્યો ન હતો અને મનની મનમાં રહી ગઈ હતી.

શૈલેષ આણી મંડળીની સરભરા કરવાનું પોલીસે માંડી વાળ્યું

ચકચારી ફાયરિંગકેસના ત્રણ આરોપીને સરાજાહેર મેથીપાક જમાડવાની એલસીબીનો હુંકારને નિહાળવા તળાજાવાસીઓ તીડના ટોળાંની જેમ રોડ પર ઊતરી પડયાં હતા. જો કે, અહીંની હકડેઠઠ જનમેદની જોઈને જ એલસીબીએ પરિસ્થિતિ કાબુ બહાર જવાના ભયથી ફફડી ઊઠી ત્રણે આરોપીઓની જાહેરમાં સરભરા કરવાનું માંડી વાળીને પોલીસની ગાડીઓને ભાવનગર તરફ હંકારી મુકી હતી તેમ તપાસનીશ ઈન્સ્પેક્ટર દીપક મિશ્રાએ ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતુ.

ભાવનગરમાં નામચીન ધાંધલ્યા આણી મંડળીની જાહેરમાં સરભરા

કુખ્યાત ત્રિપુટી શૈલેષ ધાંધલ્યા, મુકેશ શિયાળ, ભદ્રેશ ગૌસ્વામીને એલસીબીએ તળાજા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી ભાવનગર શહેરમાં લાવી અત્રેના રામમંત્ર મંદિર, સંસ્કાર મંડળ, તળાજા રોડ જકાતનાકા વગેરે વિસ્તારોમાં સરઘસ કાઢી સરાજાહેર મેથીપાક જમાડયો હતો અને લોકોમાંથી ગૂંડા શખસોનો ડર કાઢી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમ પીઆઈ. મિશ્રાએ વાતચીતમાં જણાવ્યું હતુ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો