કેન્દ્ર સરકાર સામે બેરોજગારીને દૂર કરવાનો પડકાર : સમસ્યા ક્યારે ઉકેલાશે? - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • કેન્દ્ર સરકાર સામે બેરોજગારીને દૂર કરવાનો પડકાર : સમસ્યા ક્યારે ઉકેલાશે?

કેન્દ્ર સરકાર સામે બેરોજગારીને દૂર કરવાનો પડકાર : સમસ્યા ક્યારે ઉકેલાશે?

 | 2:00 am IST
  • Share

કેન્દ્ર સરકાર માટે કોરોના સામેની લડાઈ, મોંઘવારી દૂર કરવી, ફુગાવાને નિયંત્રણમાં રાખવો જેવા અનેક પડકારો મોં ફાડીને ઊભા છે. ભાજપ સરકાર માટે આ બધી સમસ્યાઓ કોરોનાને કારણે વધુ વિકટ બની રહી છે. અધૂરામાં પૂરું કોરોનાને કારણે છેલ્લા દોઢ વર્ષમાં ખોડંગાઈ ગયેલી ઇકોનોમીએ બેરોજગારીની સમસ્યાને વધુ ઘેરી બનાવી છે. સરકારના અનેક પ્રયાસો છતાં બેકારોની સંખ્યા ઘટવાને બદલે વધી રહી છે. નેશનલ સ્ટેટિસ્ટિક્લ ઓફિસ (ગ્દર્જીં) દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૦ના ત્રિમાસિક ગાળામાં શહેરોમાં બેકારીનો દર ૧૦.૩ ટકા રહ્યો હતો. સતત ત્રીજા મહિને બેકારીનો દર ૧૦ ટકાથી ઉપર રહ્યો છે. જોકે આ ગાળામાં કોરોના લોકડાઉનને કારણે ઇકોનોમીમાં ઉત્પાદન સેક્ટરમાં કામગીરી ઠપ થઈ ગઈ હતી. મોટાભાગના વેપારધંધા બંધ રહ્યા હતા. જેની સીધી અસર રોજગારીનાં સર્જન પર પડી હતી. આ અગાઉના ત્રિમાસિક ગાળામાં એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર ૨૦૨૦માં શહેરોમાં બેકારીનો દર ૧૩.૩ ટકા નોંધાયો હતો. જોકે તેની અગાઉના સમયગાળામાં પણ બેકારીનાં દરમાં મોટા ઉતારચઢાવ જોવા મળ્યા હતા. ઇકોનોમી માંડમાંડ પાટા પર ચઢી રહી હતી ત્યાં જ કોરોનાની બીજી લહેર સુનામી બનીને ત્રાટકી હતી જેને કારણે ઇકોનોમી ડામાડોળ થઈ ગઈ હતી. કેટલાંક રાજ્યોમાં આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવતા ફરી વેપારધંધા અને ઉદ્યોગોની પ્રવૃત્તિ આંશિક રીતે ઠપ થઈ જવા પામી હતી. સરકાર માટે ફરી એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ હતી. અલબત્ત, કોરોનાની પહેલી લહેરનો અનુભવ કામ આવ્યો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા પાણી પહેલાં પાળ બાંધવામાં આવતા બીજી લહેર વખતે મોટું નુકસાન થતું અટક્યું હતું. ઇકોનોમીને ફરી બેઠી થતા બહુ સમય લાગ્યો ન હતો. ફુગાવાના દરને વધતો અટકાવી શકાયો હતો. ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન ના આંકડા પણ પ્રોત્સાહક આવ્યા હતા. જુલાઈમાં ફેક્ટરી ઉત્પાદનમાં ૧૧.૫ ટકાનો વધારો થયો હતો. જોકે ગયા વર્ષની લો બેઝ ઇફેક્ટને કારણે તેનોે દેખાવ વધુ સારો રહ્યો હતો. સારી વાત એ હતી કે ઔદ્યોગિક ઉત્પાદન કોરોના પહેલાંનાં સ્તરની નજીક પહોંચ્યું હતું. આ આંકડાઓ એવો સંકેત આપે છે કે ભારતની ઇકોનોમીના પાયા મજબૂત છે અને વધુ મજબૂતાઈ સાથે ઇકોનોમી પ્રગતિ કરી રહી છે. ઇકોનોમીનાં તમામ પરિબળો મજબૂત બની રહ્યાં છે, આમ છતાં બેરોજગારીનો મુદ્દો સરકાર માટે વધુ પડકારો અને સમસ્યા સર્જી રહ્યો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના આંકડાઓ હજી પણ બેકારીનું બિહામણું ચિત્ર દર્શાવી રહ્યાં છે. આ વર્ષે ઓગસ્ટમાં બેકારીનો દર ૮.૩ ટકા નોંધાયો હતો. ગયા મહિને દેશભરમાં ૧૯ લાખ લોકોએ નોકરી ગુમાવી હતી. લોકોની આવક ઘટવાને કારણે તેની સીધી અસર લોકોની ખરીદશક્તિ પર પડી હતી. લોકો જરૃર હોય તેટલી જ વસ્તુઓ ખરીદવાનું પસંદ કરતા થયા હતા. પરિણામે વપરાશી ચીજોની માંગમાં મોટો ઘટાડો થયો હતો. હવે જ્યાં સુધી વપરાશી ચીજોની માંગ વધે નહીં ત્યાં સુધી ઔદ્યોગિક ઉત્પાદન ભલે ગમે તેટલું વધે પણ જ્યાં સુધી વપરાશી ચીજોની માંગ વધે નહીં ત્યાં સુધી ઇકોનોમી ખોડંગાયેલી જ રહેવાની તે નક્કી છે. આવા સંજોગોમાં સરકાર દ્વારા નવી રોજગારીનું સર્જન થાય અને લોકોના હાથમાં પૈસા આવે તો જ ઇકોનોમી કરવટ બદલશે અને વેપારધંધા તેમજ ઉદ્યોગો ધમધમતા થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન