કોઇ વ્યક્તિની અવગણના ન કરવી જોઇએ : દાદાએ બાળકોને સમજાવ્યું - Sandesh
  • Home
  • Supplements
  • Kids World
  • કોઇ વ્યક્તિની અવગણના ન કરવી જોઇએ : દાદાએ બાળકોને સમજાવ્યું

કોઇ વ્યક્તિની અવગણના ન કરવી જોઇએ : દાદાએ બાળકોને સમજાવ્યું

 | 3:00 am IST
  • Share

ગામડેથી દાદા-દાદી તેમના દીકરાને ત્યાં શહેરમાં રહેવાં આવ્યાં હતાં. એમણે જોયું કે તેમના પૌત્ર અને તેના મિત્રો પોતાની પર્સનલ લાઇફમાં એટલા રચ્યાંપચ્યાં રહે છે કે આસપાસના લોકો અને બનતી નાની નાની ઘટનાઓ વિશે તેમને કંઈ પડી જ નથી. દાદાએ વિચાર્યું સ્કૂલમાં ભણતાં હોવા છતાં આ બાળકોની સ્થિતિ જો આવી હોય તો, આગળ જતાં તેમનામાં રહેલી સંવેદના મરી પરવારશે. મારે તેમને આ અંગે જાગ્રત કરવા જોઇએ. એ દિશામાં શું કરી શકાય એ અંગે દાદા વિચારતા હતા. એના ઉપાયના ભાગ રૃપે દાદાએ એક દિવસ બાળકોને ભેગાં કર્યાં. તેમની સાથે રમવાનું શરૃ કર્યું.   

રમતાં રમતાં દાદાએ વાર્તા કહેવાનું શરૃ કહ્યું. એક સ્કૂલ હતી, સ્કૂલમાં પરીક્ષા ચાલતી હતી. બાળકો તૈયારી સાથે પરીક્ષા આપવા આવ્યાં હતાં. બધાં પેપર લખવામાં મશગૂલ હતાં, પરંતુ જ્યારે એ બધાએ છેલ્લો પ્રશ્ન જોયો ત્યારે બધાને નવાઈ લાગી. ક્લાસનો સૌથી હોશિયાર વિદ્યાર્થી પણ સવાલ જોઈને મૂંઝાઈ ગયો. સવાલ એવો હતો કે, ‘શાળામાં એવી વ્યક્તિ કોણ છે જે હંમેશાં પ્રથમ આવે છે? એનું નામ લખો.‘ 

બધાએ ખૂબ વિચાર્યું પણ કોઈને ઝટ દઈને એનો જવાબ ન સૂઝયો. ક્લાસમાં સૌથી હોશિયાર છોકરો હતો એણે એ સવાલને બાદ કરતાં બધા જ સવાલના જવાબ લખ્યા હતા. પણ આ જવાબ આવડતો નહોતો. બહુ વિચાર્યા પછી અમુક છોકરાઓને યાદ આવ્યું કે સફાઈ કામદાર બહેને સૌથી પહેલાં શાળામાં આવીને શાળાને સાફ કરતી હતી. આ સવાલના જવાબને લઇને થોડી ગુસપુસ થયા બાદ ક્લાસમાં પરીક્ષાખંડમાં હાજર તમામ વિદ્યાર્થીઓને એ બહેનનો ચહેરો આછોપાતળો યાદ આવ્યો, પરંતુ કોઇને એમનું નામ ખબર નહોતી. આ પ્રશ્નોના જવાબમાં કેટલાંક બાળકોએ એ બહેનનું જેવું આવડયું એવું વર્ણન કહ્યું, તો કેટલાંક વિદ્યાર્થીઓએ જવાબ ન લખ્યો. પરીક્ષા પૂર્ણ થઇ ગઇ. સ્કૂલ ફરી રાબેતા મુજબ ચાલુ થઇ ત્યારે બધાં બાળકોએ તેમના શિક્ષકને પૂછયું,’પરીક્ષામાં જે સવાલ પુછાયો હતો એનો અમારા અભ્યાસ સાથે શું સંબંધ છે? ‘ શિક્ષકે જવાબ આપતાં કહ્યું કે, ‘અમે આ સવાલ એટલા માટે પૂછયો કે તમને ખ્યાલ આવે કે તમારી આસપાસ એવા ઘણા લોકો છે જે મહત્ત્વપૂર્ણ કામમાં રોકાયેલા છે અને તમે એમને ઓળખતા પણ નથી. એનો અર્થ એ છે તમે જાગ્રત નથી.‘  

 દાદાએ વાર્તા પૂર્ણ કરી અને બાળકોને સમજાવ્યું કે, ‘આપણી આસપાસની દરેક વસ્તુ, વ્યક્તિનું વિશેષ મહત્ત્વ હોય છે. તેમની અવગણના ન કરવી જોઈએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો