કોઈ માણસ પોતાની રીતે જ મમી બની શકે ખરો?   - Sandesh

કોઈ માણસ પોતાની રીતે જ મમી બની શકે ખરો?  

 | 4:10 am IST
  • Share

હિમાલયના બરફાચ્છાદિત પહાડોથી ઘેરાયેલા સ્પીતી વેલીમાં આ રીતે મમી મળી આવશે તેવી કલ્પના કદાચ કોઇએ નહીં કરી હોય!

  એક સમય હતો જ્યારે હોલિવૂડના ડિરેક્ટર્સમાં મમીનો સબ્જેક્ટ પ્રિય હતો. તે આજે પણ અનેક આર્કિયોલોજિસ્ટનો મનપસંદ સબ્જેક્ટ રહ્યો છે. એમાંય મમીનું નામ સાંભળીએ એટલે ઇજિપ્તનું નામ યાદ આવ્યા વગર રહે નહીં. આજે પણ આર્કિયોલોજિસ્ટ અને વૈજ્ઞાનિકો સફેદ પટ્ટાથી લપેટાયેલા અને પિરામિડમાં દફન આ મમી ઉપર રિસર્ચ કરવા માટે ઇજિપ્તમાં ફરતાં રહે છે. મમીની વાત નીકળી જ છે તો ભારતમાં અમુક વર્ષો પહેલાં મળી આવેલાં મમી વિશે કેમ ભૂલી શકાય? ભારતમાં પણ મમી છે, પણ આ મમી સફેદ કપડાની અંદર વીંટળાયેલાં નથી. આ મમી સાથે ઇજિપ્તના પિરામિડમાં મૂકવામાં આવતી ભોજનસામગ્રી કે બીજી કોઇપણ વસ્તુ નહોતી, કે આ મમી માટે પિરામિડ પણ બનાવવામાં નહોતું આવ્યું. તેમ છતાં આ મમી સાથે અનેક રહસ્યો છુપાયેલાં હતાં તે વર્ષ 2004માં દુુનિયા સામે આવ્યાં હતાં. આ અંગે માંડીને વાત કરીએ તો 1975માં હિમાચલ પ્રદેશના ગુઇ નામના વિસ્તારમાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. 6.9ના રિકટર સ્કેલમાં આવેલા આ ભૂકંપે તે સમયે ગુઇમાં અનેક નુકસાન આદર્યાં હતાં. ભૂકંપ આવ્યા બાદ એક આખી ટીમ ભાંગફોડ થઇ હતી તે જગ્યાઓને ખોદકામ કરીને ઠીક કરી રહી હતી. તે સમયે ખોદકામ કરતાં એક મજૂરના હાથમાં તૂટેલો ટોમનો ટુકડો આવ્યો હતો, આ ટોમનો ટુકડો મળતાંની સાથે જ ટીમે આર્કિયોલોજિસ્ટને જાણ કરી અને તેની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ. થોડું વધારે ખોદકામ કર્યાં બાદ બરફથી ઢંકાયેલા એ સ્ટ્રક્ચર નીચેથી એક આખું મમી ત્યારે મળી આવ્યું. અનેક શોધખોળ બાદ આ નક્કી થયું હતું કે આ મમી બૌદ્ધ સાધુ સેંગા ટેન્ઝીનનું છે. તે સમયે એવો અભિપ્રાય બંધાઈ રહ્યો હતો કે સેંગા ટેન્ઝેનનું મમી સો વર્ષ જૂનું હોઈ શકે છે, જોકે સમય જતાં આ અંગે વધારે રિસર્ચ થતાં જાણવા મળ્યું કે તે મમી સો કે બસ્સો વર્ષ જૂનુું નહીં પણ પાંચસો વર્ષ જૂનું હતું. ત્યાં આસપાસમાં રહેતાં લોકોને જ્યારે ખબર પડી કે તેમના વિસ્તારમાંથી એક મમી મળી આવ્યું છે ત્યારે લોકો તેને જોવા માટે ઉમટી પડયાં હતા અને આ ઘટના બાદ અનેક લોકવાયકાઓનો દોર પણ ચાલવા લાગ્યો હતો, ઘણાં સ્થાનિક લોકો તો સામે આવીને આર્કિયોલોજિસ્ટની ટીમને આ જગ્યાએ રોજ રાત્રે ભયાનક અવાજ આવતો હોવાનું પણ જણાવવા લાગ્યા હતા.  

ખેર, એ તો જેટલાં મોઢાં તેટલી વાતો, પણ હકીકત એવી છે કે ભારતમાંથી મળેલાં આ મમી ઉપર સફેદ કપડાં વીંટળાયેલાં નહોતાં. મમીઓનાં શરીર ઉપર લગાવવામાં આવતો ખાસ લેપ પણ આ મમી ઉપર નહોતો લગાવેલો. ટૂંટિયું વાળીને બેઠેલી હાલતમાં આ મમી મળી આવ્યું હતું. આ અંગે વધારે શોધખોળ કરતાં જાણવા મળ્યું કે આ મમી નેચરલ મમીફિકેશનનું એક અદ્ભુત ઉદાહરણ છે. હવે આ નેચરલ મમીફિકેશન શું છે? સેંગા ટેન્ઝેનનું મમી ઇજિપ્શિયન મમીથી એકદમ અલગ છે. ઇજિપ્તમાં રહેલું મમી સીધું સુવડાવેલું હોય છે, જ્યારે સેંગા ટેન્ઝેનનું મમી બેઠેલું હતું. તેના ઢીંચણ મોઢાની નજીક હતા. તેનાં અંગઉપાંગો એકદમ શોષાઈ ગયાં હતાં. પાંચસો વર્ષથી બરફમાં દફન હોવા છતાં આ મમીના માથે વાળ હતા, તેની રુવાંટી દેખાતી હતી, ચામડી પણ મહદ્ અંશે હાડકાંને ચોંટેલી હતી, તો મમીના નખ પણ હતા. નખ વધતાં પણ હતા.  

હવે સેલ્ફ મમીફિકેશન એટલે શું? વૈજ્ઞાનિકોના મતે બૌદ્ધિઝમમાં નેચરલ મમીફિકેશનની ટેક્નિક ઘણાં લોકો જાણતાં હોય છે. જાપાનમાં આનાં અનેક ઉદાહરણ જોવા મળે છે. કહેવાય છે કે ઘણાં બૌદ્ધિસ્ટ મોન્ક મમીફિકેશનની ટેક્નિકને ફૉલો કરતાં હતા. આ પ્રોસેસ ફૉલો કરવા માટેની તૈયારી અનેક વર્ષો પહેલાં તેઓ શરૂ કરી દેતા હતા. આ તૈયારીમાં તેઓ સૌથી પહેલા સ્ટેપમાં ઘઉં, ચોખા વગેરે અનાજ ખાવાનું બંધ કરતા હતા. ત્યાર પછી તેઓ નટ્સ અને બેરીઝ ખાઈને પોતાના શરીરને ચલાવતાં. આમ કરવાથી તેમના શરીરના ઓર્ગન્સ શોષાવા લાગતા હતા. આ પ્રક્રિયા કરીને તેઓ પોતાના શરીરમાં જમા થયેલી ફેટને દૂર કરવાનું કાર્ય કરતા. વૈજ્ઞાનિકોનું માનવું છે કે બોડીમાં જેટલી ઓછી ફેટ હોય તેટલું જ ઓછું લિક્વિડ જમા થાય, આ કારણે વજન અને શરીરનો આકાર ઓછાં થતાં જાય છે. તે પછી ઉરુષી વૃક્ષના પાનની ચા અને સૂપ આ મોન્ક પીતા હતા. ઉરુષી વૃક્ષનાં પાંદડાં ઝેરી હોય છે. આ ઝેર તમારો જીવ નથી લેતું પણ તે શરીરની અંદર ઉત્પન્ન થતા બેક્ટેરિયા અને વાઇરસને મારવાનું કાર્ય કરે છે. બોડીમાં બેક્ટેરિયાને જીવિત રાખવા માટે પાણીની જરૂર હોય છે. સાંગાએ અન્નનો ત્યાગ કરીને પાણીનું લેવલ પણ ઘટાડયું હતું, સાથે સાથે બેક્ટેરિયા નષ્ટ કરવા ઝેરી ઉરુષીનાં પાનનું સેવન પણ કરતા હતા.  

કહેવાય છે કે આ મોન્ક્સ છેલ્લા દિવસોમાં પોતાને એક ગુફામાં બંધ કરી દેતા. આ ગુફામાં તે કંઈ ખાતાપિતા નહીં. બસ, ધ્યાન ધરીને બેસી રહેતા. આ ગુફાની બહાર એક ઘંટ લગાવતા હતા. ઘંટ સાથે બંધાયેલું એક દોરડું તેઓ પોતાની પાસે ગુફાની અંદર તરફ રાખતા, રોજ તેઓ આ દોરડાથી ઘંટ વગાડતા જેથી તેમની આસપાસના લોકોને જાણ થાય કે તે હજી જીવે છે. જે દિવસથી તેઓ ઘંટ વગાડવાનું બંધ કરી દે તે દિવસથી લોકો સમજી જતા કે ગુફાની અંદર હવે જીવ નહીં પણ માત્ર નિર્જીવ દેહ પડયો છે. તે પછી બહાર રહેલા લોકો તે ગુફાને ખોલ્યા વગર જ પૂરી દેતા. એક હજાર દિવસ બાદ આ ગુફાને ખોલીને મોન્કનું શરીર મમીફાય થયું છે કે નહીં તે જોવાતું હતું. કહેવાય છે કે ઘણાં મોન્ક્સે આ સેલ્ફ મમીફિકેશનની ટેક્નિક અપનાવી છે, જોકે હજી સુધી ભારતમાં બીજી સેલ્ફ મમીફિકેશનવાળાં મમી પ્રાપ્ત નથી થયાં. આ ટેક્નિક જાપાનની છે, જોકે ત્યાં હવે આ ટેક્નિકને બૅન કરી દેવામાં આવી છે. હાલ સેંગા ટેન્ઝેનના મમીને હિમાચલમાં એક કાચના શૉકેસમાં બંધ કરીને રાખવામાં આવ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો