કોને જોઈએ છે કાશ્મીરમાં ફરી અનુચ્છેદ ૩૭૦ ? - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • કોને જોઈએ છે કાશ્મીરમાં ફરી અનુચ્છેદ ૩૭૦ ?

કોને જોઈએ છે કાશ્મીરમાં ફરી અનુચ્છેદ ૩૭૦ ?

 | 8:29 am IST
  • Share

 

 

જમ્મુ-કાશ્મીરમાં સર્વાંગીણ વિકાસને વેગીલો બનાવવા નરેન્દ્ર મોદી સરકાર સક્રિય થઈ ચૂકી છે. મોદીના વિશ્વાસુ સહયોગી ઉપ-રાજ્યપાલ મનોજ સિંહા દિવસ રાત ભારે મહેનત કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર બધાને વિશ્વાસમાં લઈને જ આગળ વધવા માંગે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે ૨૪ જૂનના રોજ સરકારે દિલ્હીમાં બોલાવેલી બેઠક માટે જમ્મુ-કાશ્મીરના ૧૪ નેતાને આમંત્રિત કર્યા છે તે બાબત તેનું પ્રમાણ છે. તેમાં રાજ્યના ચાર પૂર્વ મુખ્યપ્રધાનનો પણ સમાવેશ થાય છે. પરંતુ કોંગ્રેસે સરકાર આ પગલું ભરે તે પહેલાં જ પોતાનું અલગ વલણ જાહેર કરી દીધું છે. કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સભ્ય દિગ્વિજયસિંહે તો જાહેરાત કરી દીધી કે કેન્દ્રમાં જ્યારે તેમની સરકાર આવશે ત્યારે બંધારણમાં અનુચ્છેદ ૩૭૦ને પુનઃ બહાલી આપી દેવામાં આવશે.

તેમણે કહ્યું કે કાશ્મીરથી અનુચ્છેદ ૩૭૦ દૂર કરવા માટે લોકશાહી પ્રક્રિયાનો અમલ નથી થયો. તે મુદ્દે ફરી વિચારવું પડશે. જોકે તેમણે એ ના કહ્યું કે જ્યારે સંસદના બંને ગૃહમાં આ સંબંધે કાયદો પસાર થયો હતો ત્યારે રાજ્યસભામાં હું પણ બેઠો હતો અને મારી સામે માનનીય દિગ્વિજયસિંહ પણ બેઠા હતા. ખરડો જ્યારે બહુમતીથી પસાર થયો ત્યારે તો દિગ્ગીરાજાએ એવું કાંઈ કહ્યું નહોતું કે ખરડો પસાર કરવામાં લોકશાહી પ્રક્રિયાનું પાલન નહોતું થયું. હવે વિચાર કરો કે સરકાર તરફથી જમ્મુ-કાશ્મીરના નેતાઓને નિમંત્રણ આપવામાં આવ્યું તો કોંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ હુડા કહેવા લાગ્યા કે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપો.

સવાલ એ છે કે આખરે કોંગ્રેસ શું ઇચ્છે છે? પક્ષના ટોચના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી કહે કે દિગ્વિજયસિંહના મંતવ્યની સાથે તેઓ છે કે નહીં? અર્થાત કોંગ્રેસ શું એવું ઇચ્છે છે કે જમ્મુ-કાશ્મીરમાં ૫ ઓગસ્ટ ૨૦૨૦ની વ્યવસ્થા ફરી લાગુ થાય? વડાપ્રધાનની જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથેની બેઠક પહેલાં જ કોંગ્રેસ કહેવા લાગી કે રાજ્યને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવો જરૃરી છે. કોંગ્રેસ જોરશોરથી કહી રહી છે કે અનુચ્છેદ ૩૭૦ રદ કરવી તે લોકશાહી અને બંધારણીય સિદ્ધાંતો પર સીધો હુમલો છે. તેની સાથે જ કોંગ્રેસ ઇચ્છે છે કે બંધારણના અનુચ્છેદ ૩૭૦ને બહાલ કરવામાં આવે કે જેથી કોંગ્રેસ અને તેના મિત્ર પક્ષો પહેલાંની જેમ લૂંટ કરી શકે અને મોજ કરી શકે. જે માગણી દિગ્વિજયસિંહ જે ભાષામાં કરી રહ્યા છે તે ભાષા તો પાકિસ્તાન પણ બોલે છે. ચીન પણ તેમ જ ઇચ્છે છે. તે બંને દેશો ઇચ્છે છે કે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો પુનઃ આપવામાં આવે કે જેથી તેઓ પહેલાંની જેમ મનમાની કરી શકે. ચીન કહે છે કે જમ્મુ-કાશ્મીરને આપેલો વિશેષ દરજ્જો ખતમ કરવો તે ગેરકાયદે અને અમાન્ય છે. તે ભારતની આંતરિક બાબતમાં હસ્તક્ષેપ કરવાથી દૂર નથી રહેતું. ચીને ભારતે અનુચ્છેદ ૩૭૦ રદ કરવા જે પગલું લીધું તેને અસ્વીકાર્ય જાહેર કર્યું છે. પાકિસ્તાનની વાત કરવામાં આવે તો તેની તો ઊંઘ હરામ થઈ ગઈ છે. પાકિસ્તાનના પ્રમુખ આરિફ અલવીએ સંસદનું સંયુક્ત સત્ર બોલાવ્યું હતું. સંયુક્ત સત્રમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભારતના નિર્ણયને આરએસએસના એજન્ડાને આગળ વધારનારું પગલું કહ્યું હતું. જોકે ઇમરાન ખાનને ગંભીરતાથી લેવાનો કોઈ અર્થ નથી. તેઓ તો ઓસામા બિન લાદેન જેવા આતંકવાદીને પણ શહીદ કહે છે. તેથી સમજી શકાય તેમ છે કે તેઓ આતંકવાદ ફેલાવનારાઓની સાથે ઊભા છે તેઓ લાહોરમાં પોતાની માતાને નામે કેન્સર હોસ્પિટલ ઊભી કરી રહ્યા હતા ત્યારે તેમને ભારત તરફથી તમામ પ્રકારની મદદ મળતી હતી. ભારતના ઉદ્યોગપતિઓ અને ફિલ્મી અભિનેતા તેમને મન મૂકીને ધન આપતા હતા. પરંતુ તેમણે એ ઓળખને પણ કદી યાદ ના રાખી. તેઓ થયેલા અહેસાનને ભૂલી જનારાઓ પૈકીના છે.

જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો તો વહેલો મોડો મળી જ જશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ દેશને આ મુજબ ભરોસો અપાવી ચૂક્યા છે. પરંતુ હવે અનુચ્છેદ ૩૭૦નો પુનઃ અમલ તો અસંભવ છે. તેની પણ માગણી થઈ રહી છે. સમગ્ર દેશ ઇચ્છતો હતો તેથી તો સરકારે તે અનુચ્છેદ ૩૭૦ નાબૂદ કરી હતી. તે મુદ્દે સમગ્ર દેશ એકસાથે ઊભો છે. આખરે અનુચ્છેદ ૩૭૦માં એવી શું ખાસ વાત છે કે જેની માગણી કોંગ્રેસ અને કાશ્મીરી નેતા કરી રહ્યા છે? શું તે વાત સાચી નથી કે અનુચ્છેદ ૩૭૦ રાજ્યને ભારત સાથે જોડવામાં નિષ્ફળ રહ્યો હતો? કોંગ્રેસની બેશરમી તો જુઓ તો જમ્મુ-કાશ્મીરને મુદ્દે અનેક પ્રકારની માગણી કરી રહી છે. પરંતુ તેના તરફથી કાશ્મીરી પંડિતના રાજ્યમાં પુનઃવસનને મુદ્દે કદી કોઈ માગણી નથી થતી? શું કાશ્મીરી પંડિતો ભારતીય નથી? શું કાશ્મીરી પંડિતોના અધિકાર વિશે બોલવું કોંગ્રેસની નીતિથી વિપરીત છે? પોતાને લઘુમતીની હિતચિંતક કહેનારી કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરની લઘુમતીને લઘુમતી નથી માનતી ?

કોણ નથી જાણતું કે અનુચ્છેદ ૩૭૦ને કારણે જ કાશ્મીરમાં ભાગલાવાદને પ્રોત્સાહન મળ્યું હતું. ત્યાં આજ દિન સુધી કોઈ લઘુમતી પંચ શા માટે ના બન્યું? ત્યાં શું હિંદુ, જૈન, બૌદ્ધ અને શીખ નથી રહેતા? અનુચ્છેદ ૩૭૦ને કારણે રાજ્યની લઘુમતી સાથે ઘોર અન્યાય થયો છે. અનુચ્છેદ ૩૭૦નો અમલ થઈ રહ્યો હતો ત્યારે ત્યાં સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સાથે સંબંધ ધરાવનારને અનામત શા માટે ના મળી? આ પ્રશ્નોના જવાબ કોંગ્રેસ, ફારૃક અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તીએ આપવા પડશે.

કોંગ્રેસ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના મુખ્ય રાજકીય પક્ષો પણ અનુચ્છેદ ૩૭૦ને બહાલ કરવાની માગણી કરી રહ્યા છે. શું તેમને જાણકારી નથી કે આ અનુચ્છેદ ૩૭૦ને કારણે જ રાજ્યમાં બાળવિવાહ વિરોધક કાયદો અમલી ના બની શક્યો. રાષ્ટ્રીય અલ્પસંખ્યક પંચની રચના પણ ના થઈ શકી. સાચું માનો તો દેશની સંસદે શિક્ષણનો અધિકાર આપ્યો હતો પરંતુ જમ્મુ-કાશ્મીરના બાળકોને તે અધિકાર નહોતો મળી રહ્યો, કેમ કે ત્યાં અનુચ્છેદ ૩૭૦ અમલી હતો. આ અનુચ્છેદને કારણે ત્યાં આરટીઆઇ કાયદો પણ અમલી ના બની શક્યો. આખરે આ બધા કયા મોઢે અનુચ્છેદ ૩૭૦ની માગણી કરી રહ્યા છે? એક વાત જાણી લો કે જમ્મુ-કાશ્મીરમાં લોહિયાળ અથડામણો અને દેશ વિરોધી પ્રવૃત્તિનો દોર તો

ક્યારનોય પાછળ રહી ગયો છે. હવે ત્યાં સૈન્યના જવાનો પર પથ્થર ફેંકનારાઓ માટે પણ કોઈ સ્થાન નથી બચ્યું. હવે જમ્મુથી માંડીને કાશ્મીર સુધીની ખીણોમાં અમન અને શાંતિ છે. ત્યાંની જનતા પણ હવે દેશની મુખ્ય ધારામાં મળવા માંગે છે. રાજ્યને હાલમાં ખાનગી ક્ષેત્રના ભારેખમ રોકાણની જરૃર છે. રાજ્યમાં રોકાણ થશે તો જ નવયુવકોને રોજગારીની તક મળશે. રાજ્યના યુવાનો માટે રોજગારી સર્જન તે સરકાર સામેનો સૌથી મોટો પડકાર છે. તે સાથે જ રાજ્યમાં એવું વાતાવરણ ઊભું કરવું પડશે કે દેશ વિદેશના ફિલ્મ નિર્માતા અહીં આવીને શૂટિંગ કરી શકે. સારી વાત એ છે કે રાજ્યના ઉપરાજ્યપાલ મનોજ સિંહાજી પોતે જ ફિલ્મ નિર્માતાઓને મળી રહ્યા છે, કે જેથી કોરોના કાળ પછી રાજ્યમાં લોકો શૂટિંગ માટે આવવા લાગે. આતંકવાદના દોરને કારણે જમ્મુ-કાશ્મીરમાં ફિલ્મોનું શૂટિંગ ખૂબ પહેલાં જ બંધ જેવું થઈ ગયું હતું. હવે જમ્મુ-કાશ્મીર પણ દેશના બાકી રાજ્યોની જેમ ચાલશે, આગળ વધશે. અહીં આતંકવાદ, અરાજકતા અને અવ્યવસ્થા ફેલાવા વાળી તાકાતોને કચડી નાખવા દેશ તૈયાર છે.

(લેખક પૂર્વ સાંસદ છે)

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન