ખતરનાક ખલનાયકોથી દુનિયાને બચાવનાર જેમ્સ બોન્ડ વિશ્વસિનેમાને બચાવી શકશે? - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • ખતરનાક ખલનાયકોથી દુનિયાને બચાવનાર જેમ્સ બોન્ડ વિશ્વસિનેમાને બચાવી શકશે?

ખતરનાક ખલનાયકોથી દુનિયાને બચાવનાર જેમ્સ બોન્ડ વિશ્વસિનેમાને બચાવી શકશે?

 | 1:00 am IST
  • Share

લંડન ખાતે યોજાયેલા ફિલ્મના પ્રીમિયરમાં બ્રિટનના રાજવી પરિવારનાં કેટ અને વિલિયમ પણ હાજર રહ્યાં હતાં

છેલ્લાં દોઢથી બે વર્ષ દરમિયાન કોરોના મહામારીના કારણે વિશ્વનું અર્થતંત્ર ભાંગી પડયું છે તેમાં સહુથી મોટો ફટકો વિશ્વના સિનેમા ઉદ્યોગને પડયો છે. નવી ફિલ્મોના નિર્માણ અને પ્રર્દિશત પર 80 ટકા કરતું વધુ રોક લાગી ગઈ છે. આવા કાળમાં ખૂબ લાંબા વિલંબ પછી જેમ્સ બોન્ડ શ્રેણીની લેટેસ્ટ ફિલ્મ ‘No Time To Die’ વિશ્વભરનાં છબીઘરોમાં તા.30મી સપ્ટેમ્બરના રોજ રજૂ થઈ.  

ઈયાન ફ્લેમિંગ દ્વારા સર્જવામાં આવેલું જેમ્સ બોન્ડનું પાત્ર એક કાલ્પનિક સર્જન છે. વિશ્વમાં જ્યારે જ્યારે પણ મહાસંકટ આવે છે ત્યારે બ્રિટિશ ગુપ્તચર ખાતાનો જાસૂસ- સિક્રેટ એજન્ટ જેમ્સ બોન્ડ વિશ્વને ખતરનાક ખલનાયકથી બચાવવાનું બીડું ઝડપી લે છે અને દુનિયાને મહાઆફતમાંથી બચાવી લે છે. વિશ્વનો નાશ કરવા માટે કેટલાંક ખતરનાક સંગઠનો ક્યારેક ન્યુક્લિયર શસ્ત્રો ચોરી લે છે તો ક્યારેક ઉપગ્રહ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને માનવવસતીને તબાહ કરી દેવાની ભયંકર યોજનાઓ બનાવે છે. આવા સમયે જેમ્સ બોન્ડ જબરદસ્ત સાહસો કરીને માનવજાતના દુશ્મનોને પરાસ્ત કરે છે. એ આ શ્રેણીનું મૂળભૂત કથાબીજ હોય છે.  

હવે સવાલ એ છે કે બોન્ડ શ્રેણીની આ લેટેસ્ટ ફિલ્મ ‘No Time To Die’શું ડૂબતા સિનેમા ઉદ્યોગને બચાવી શકશે? છબીઘરો પાસે દર્શકો જ નથી. ભારત, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ, અમેરિકાથી માંડીને ચીનનાં છબીઘરો બંધ થઈ જવાના આરે છે ત્યારે આખી દુનિયાની નજર આ ફિલ્મ પર છે. અરે, ચીન કે જ્યાંથી કોવિડ-19 પેદા થયો તે દેશનાં 50 ટકાથી વધુ છબીઘરો બંધ છે. ચીન સહુથી વધુ 69787 સ્ક્રીન ધરાવે છે. એકમાત્ર 2019માં 9708 નવા સ્ક્રીન ઉમેરાયા હતા. ચીન અમેરિકા પછી વિશ્વમાં બીજા નંબરની બોક્સઓફિસ વર્થ ધરાવે છે. વિશ્વનાં મોટા ભાગનાં થિયેટરોએ સ્ટાફની છટણી કરી છે. 2020ના વર્ષમાં ચીને 4.24 અબજ ડોલર એટલે કે રૂ.30 હજાર કરોડનું નુકસાન કર્યું હતું. અમેરિકાનું હોલિવૂડ ફિલ્મ નિર્માણ માટે જાણીતું છે. સહુથી વધુ ફિલ્મો ભારતનું બોલિવૂડ બનાવે છે.  

હવે ‘No Time To Die’ ફિલ્મની વાત. બોન્ડ શ્રેણીની આ 25મી ફિલ્મ છે. જેમ્સ બોન્ડનું પાત્ર ભજવનાર ડેનિયલ ક્રેગની આ છેલ્લી ફિલ્મ છે. હવે બોન્ડ શ્રેણીની નવી ફિલ્મમાં કોઈ નવો જ અભિનેતા હશે. આ ફિલ્મ તો ક્યારનીયે બની ગઈ હતી પરંતુ કોવિડ 19 મહામારીના કારણે તેની રજૂઆત રોકી રાખવામાં આવી હતી.  

આ પહેલાં બોન્ડ શ્રેણીની ‘Spetre’ ફિલ્મ રજૂ થઈ હતી. તેની પહેલાં ‘Skyfall’ બની. હજુ વિશ્વનાં છબીઘરોને 100 ટકા પ્રેક્ષકો મળતા નથી. આ લેટેસ્ટ ફિલ્મમાં ડેનિયલ ક્રેગ ઉપરાંત લાશના લિન્ચ, રેમી મલેક અને લી સિડોક્સ પણ કામ કરે છે.  

તાજેતરમાં જ ‘No Time To Die’ ફિલ્મનો પ્રીમિયર શો લંડન ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ડેનિયલ ક્રેગ તેમની સહુથી મોટી દીકરી એલા સાથે પ્રીમિયરમાં હાજર રહ્યાં હતા. ડેનિયલ ક્રેગની વય 53 વર્ષની છે જ્યારે તેમની દીકરી એલા 29 વર્ષની છે. આ ફિલ્મનો પ્રીમિયર શો લંડનના રોયલ આલ્બર્ટ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. એલા પિંકબ્લેક સુટમાં સજ્જ હતી. તેણે સફેદ શર્ટ પહેર્યું હતું.  

નોંધપાત્ર વાત એ છે કે લંડન ખાતે યોજાયેલા પ્રીમિયર શોમાં બ્રિટનના રાજવી પરિવારના સભ્ય કેટ અને વિલિયમ પણ હાજર રહ્યાં હતાં. ‘No Time To Die’ ફિલ્મના દિગ્દર્શક કેરી જોજી ફુકુનાગા છે. સંગીત ડેન રોમરે આપ્યું છે. 250થી 301 મિલિયન ડોલરના ખર્ચે બનેલી આ ફિલ્મ આમ તો નવેમ્બર 2019માં રજૂ થવાની હતી પરંતુ તે કેટલાંક કારણસર મુલતવી રહી. એપ્રિલ 2020માં તેની પબ્લિસિટી માટે ચીનની ટૂર ગોઠવાઈ હતી પણ કોરોના મહામારીના કારણે તે રદ કરવામાં આવી હતી. આ કારણે એમ.જી.એમ.એ. 30થી 50 મિલિયન ડોલરની આરંભની પબ્લિસિટીનો ખર્ચ માથે પડયો હતો. છેવટે તા.30 સપ્ટેમ્બરના રોજ બ્રિટનમાં આ ફિલ્મ રજૂ થઈ. અમેરિકામાં તા.8 ઓક્ટોબરના રોજ પ્રર્દિશત થશે.  

આ ફિલ્મની કથાનો સાર આવો છે. યુવાન મેડેલીન સ્વાન એક ટેરરિસ્ટ દ્વારા તેની માતાની હત્યા નિહાળે છે. વળતા પ્રહાર તરીકે તે ટેરરિસ્ટને શૂટ કરી દે છે. તે બોડીને ઠેકાણે પાડવાની કોશિશ કરે છે તે દરમિયાન ટેરરિસ્ટ બેઠો થઈ જાય છે. મેડેલીન નજીકના ઠરી ગયેલા સરોવર તરફ ભાગે છે અને બરફમાં સરકી પડે છે. ત્રાસવાદી જ તેને તળાવમાંથી બચાવી લે છે. તે પછી બીજી અનેક ઘટનાઓ આકાર લે છે. આ દરમિયાન વાત એમ છે કે જેમ્સ બોન્ડ નિવૃત્ત થઈને જમૈકામાં નિરાંતનું જીવન ગાળતો હોય છે પરંતુ એ દરમિયાન તેનો સીઆઈએનો એક જૂનો મિત્ર ફેલિક્સ લેપ્ટર જેમ્સ બોન્ડની મદદ માંગે છે. કેટલાક લોકો એક જાણીતા વૈજ્ઞાાનિકનું અપહરણ કરી ગયા હોય છે. તેને છોડાવવા ફેલિક્સ જેમ્સ બોન્ડની મદદ માંગે છે. જેમ્સ બોન્ડ એ મિશન ઉપાડી લે છે પરંતુ આ વખતે તેનો દુશ્મન-ખલનાયક વધુ મિસ્ટિરિયસ અને વધુ ખતરનાક ડેન્જરસ ટેક્નોલોજી ધરાવે છે. આગળની સ્ટોરી માટે ફિલ્મ જોવી રહી.  

આ ફિલ્મ યુ.કે., બ્રાઝિલ, જર્મની, ઈટાલી, જાપાન, મેક્સિકો અને સ્પેન સહિત 50 દેશોમાં રિલીઝ રહી થઈ રહી છે. જેમણે પણ આ ફિલ્મનો પ્રીમિયર શો જોયો છે તેમણે આ ફિલ્મને પાંચ સ્ટાર આપ્યા છે. ‘ધી ર્ગાિડયન’, ‘ધી ટેલિગ્રાફે’ પણ આ ફિલ્મની પ્રશંસા કરી છે. ‘ધી ટાઈમ્સે’ લખ્યું છે કે આ એક મેગ્નિફિસન્ટ ફિલ્મ છે. ‘ધી ઈન્ડિપેન્ડેન્ટ’ અખબારે આ ફિલ્મ અંગે નિરાશાના સૂર વ્યક્ત કર્યા છે પરંતુ આ ફિલ્મને બીજાં અખબારોએ વખાણી છે.  

જેમ્સ બોન્ડ તરીકેની ડેનિયલ ક્રેગની આ છેલ્લી ફિલ્મ હોઈ ‘ક્રેગ-યુગ’નો પણ હવે અંત આવે છે. ડેનિયલ ક્રેગ અભિનીત આ તેમની છેલ્લી ફિલ્મ હોઈ હવે પ્રશ્ન પુછાઈ રહ્યો છે કે જેમ્સ બોન્ડ શ્રેણીની નવી ફિલ્મમાં જેમ્સ બોન્ડનો રોલ કોણ કરશે?  

007 શ્રેણીની બોન્ડ ફિલ્મો બનાવનાર પ્રોડયુસર બાર્બરા બ્રોકોલી કહે છે કે બની શકે કે આગામી બોન્ડ ફિલ્મમાં એક મોટી સરપ્રાઈઝ હશે. કેટલાક માને છે કે નવી ફિલ્મમાં કોઈ અભિનેત્રી આ રોલ ભજવી શકે છે પરંતુ જેમ્સ બોન્ડનો રોલ કોઈ અભિનેત્રીને આપવામાં આવે તે શક્ય નથી. બોન્ડનું પાત્ર જ હી-મેનનું છે. તે સિક્રેટ એજન્ટ છે. તે કદી મરતો નથી, ડરતો નથી, એકાદ સુંદર અભિનેત્રીનો સહવાસ તેનો શોખ છે. બોન્ડ પાસે ‘લાઇસન્સ ટુ કિલ’ છે.

કેટલાક લોકો માને છે કે આગામી ફિલ્મમાં હેની ક્રેવિલ જેમ્સ બોન્ડનો રોલ અદા કરી શકે છે. કેટલાક રોબર્ટ પેટિન્સન માટે ધારણા કરે છે.   

જેમ્સ બોન્ડ શ્રેણીની યાદગાર ફિલ્મો આ પ્રમાણે છે. 1962માં ‘`Dr.No’ બની. આ ફિલ્મમાં જેમ્સ બોન્ડનો રોલ સ્કોટિશ અભિનેતા શોન કોનેરીએ અદા કર્યો હતો. 007 એજન્ટ તરીકે તે બ્રિટિશ ઈન્ટેલિજન્સ ચીફના મોતની તપાસ કરવા જાય છે. અહીં તેને પ્રથમ બોન્ડ ગર્લ ઉર્સુલા એન્ડ્રુસ મળે છે. અહીં જ તેને એક ખતરનાક સંગઠન ‘સ્પેક્ટર’ હોવાની માહિતી પ્રાપ્ત થાય છે. તે પછી 1963માં ‘From Russia with Love’ બની. તેમાં પણ શોન કોનેરી જ હીરો હતા. 1964માં ‘Gold finger’ બની. 1965માં Thunderball બની. 1967માં ‘You only Live Tusice’ બની. આ બધી જ ફિલ્મોમાં શોન કોનેરી હીરો હતા. 1969માં ‘on her Majesty’s Service” બની. તેમાં જ્યોર્જ લેઝન્બીએ જેમ્સ બોન્ડનો રોલ ભજવ્યો. 1971માં ‘Dimonds are Forever’ ફિલ્મ બની. તેના હીરો ફરી એક વાર શોન કોનેરી હતા. 1973માં ‘`Live and Let Die’ બની. 1974માં The Man With Golden Gun’ બની. 1977માં The Spu who Loved me ‘ બની. 1979માં ‘Moonraker’ બની. 1981માં For Your Eyes Only” બની. 1983માં ‘Octopussy’ બની. 1985માં ‘A View To Kill’ બની. આ ફિલ્મોના જેમ્સ બોન્ડ રોજર મૂર હતા. 1987માં The Living Daylights’ બની. 1989માં `License to kill’ બની. આ ફિલ્મોના હીરો ટિમોથી ડાલ્ટન હતા. 1995માં ‘Golden Eye’ બની. 1997માં ‘Tomorrow Never Dies” બની. 1999માં The world is Not Enough બની. 2002માં ‘Die Another Day’ બની. આ ફિલ્મોના જેમ્સ બોન્ડ પિયર્સ બ્રોસ્નાન હતા. 2006માં ‘Casino Royale” બની. 2008માં ‘`Quantam of Solace” બની. 2012માં ‘Skyfall” બની. 2015માં ‘Spectre” બની અને હવે ‘No Time To Die’ બની. આ ફિલ્મોમાં જેમ્સ બોન્ડનો રોલ ડેનિયલ ક્રેગે અદા કર્યો.  

આરંભની એક ફિલ્મ વખતે અમેરિકા અને રશિયા વચ્ચે શીતયુદ્ધના કારણે રશિયાએ એક ફિલ્મ પ્રતિબંધિત કરી હતી.હવે જોવાનુ એ રહે છે કે No Time To Die ફિલ્મ દ્વારા જેમ્સ બોન્ડ સિનેમાને બચાવી શકે છે કે કેમ?  

      

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો