ગામના પાદરે કૂવો નહીં વોટરવક્ર્સ છતાં પૂર્વનું સરદારનગર તરસ્યું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • ગામના પાદરે કૂવો નહીં વોટરવક્ર્સ છતાં પૂર્વનું સરદારનગર તરસ્યું

ગામના પાદરે કૂવો નહીં વોટરવક્ર્સ છતાં પૂર્વનું સરદારનગર તરસ્યું

 | 7:19 am IST
  • Share

 

સિંધી સમાજ મૂળે વેપારી સમાજ, વોર્ડના વિકાસમાં મુખ્ય ફાળો ઃ ‘કે ડો હાલ હૈ સાંઈ? ઃ અછો હાલ હૈ સાંઈ…’ સરદારનગરની ઓળખ

 

 

। અમદાવાદ ।

અમદાવાદ શહેરના છેવાડે આવેલા સરદારનગર-કુબેરનગર વોર્ડમાંથી પસાર થાવ એટલે કાં તમારો દોસ્ત કાં તમારા ચહેરાથી પરિચિત દુકાનદાર સામેથી મધમીઠો આવકાર આપતા સ્હેજ રીતે પૂછી લેય કે, કેડો હાલ હૈં સાંઈ? તમે સિંધી ભાષા જાણતા હો કે, ના જાણતા હો તો એક શબ્દ તો શીખી લેવો પડે અને ઉત્તર વાળવો જ પડે કે, અછો હાલ હૈ સાંઈ-સુઢોહાલ હૈ સાંઈ? અને એ અછો હાલની સાથે જ તમારોે એે દોસ્ત કે પરિચિત દુકાનદાર તમારા સ્વાગત માટે અછોવાના કરીને ખુશ કરી દે ય, ગરમાગરમ ચા આવી જાય અને સાથે એક રકાબીમાં બિસ્કિટ પણ આવી જાય…

સરદારનગર-કુબેરનગર વાસીઓની આ આછેરી ઝલક માત્ર ઝલક જ નથી, પણ સમગ્ર સિંધી સમાજની એક આગવી ઓળખ પણ બની ગઈ છે. આપણા દેશના હિંદુુસ્તાન અને પાકિસ્તાનના જુદા જુદા નામથી સને ૧૯૪૭માં આઝાદીની પ્રાપ્તિ સાથે ભાગલા પડયા એ પછી હિંદુસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તનાવભરી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે હિંદુસ્તાનના કેટલાંક મુસ્લિમો પાકિસ્તાન ચાલ્યા ગયા હતા તો પાકિસ્તાનમાંથી અસંખ્ય હિંદુઓ હિંદુસ્તાનમાં આવી ગયા હતા. આ આવનજાવનનો દોર લગાતાર પાંચ વર્ષ સુધી ચાલ્યો હતો. એ દોરમાં સને ૧૯૫૨-૧૯૫૩ના વર્ષોમાં પાકિસ્તાનના પ્રાંતમાંથી સિંધી સમાજના અસંખ્ય પરિવારો હિંદુસ્તાનમાં હિજરત કરીને આવ્યા હતા અને હિંદુસ્તાનના મોટા મોટા શહેરોમાંની છાવણીઓમાં આશ્રય લીધો હતો. આ છાવણીમાં રહેતા સિંધી પરિવારોની ઓળખ નિર્વાસિત તરીકે ઊભી થઈ હતી અને ધીમે ધીમે નિરાશ્રિત એટલે કે, આશ્રયવિહોણા તરીકે થઈ હતી.

સરદારનગર

દેશના અલગ ખૂણે ખૂણે છાવણીમાં રોકાયેલો આ નિરાશ્રિત કહો કે, સિંધી સમાજનો સમુદાય અમદાવાદ આવીને છાવણીમાં રોકાયો હતો. તેમના આ રોકાણના થોડાંક વર્ષો બાદ કોંગ્રેસના આગેવાનોના પ્રયાસ થકી નરોડાના એક ભાગમાં કે, જ્યાં આંબાવાડીઓનો એક મોટો વિસ્તાર હતો એ વિસ્તારમાં તે વેળાની રાજ્ય સરકારે એક કોલોની બાંધી આપી હતી… તેનું નામ હતું નિરાશ્રિત કોલોની… પરંતુ દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈએ હિંદુસ્તાનમાં આવેલા સિંધી સમુદાય માટે અનેકવિધ યોજનાઓ ઘડી હોવાથી એ કોલોનીના નામ સાથે સરદાર વલ્લભભાઈનું નામ જોડીને તેને સરદારનગર તરીકે નવું નામ આપવામાં આવ્યું હતું.

તો વળી આ કોલોનીના પ્રવેશદ્વાર નજીકની ઇનામી જમીનો તે વેળાના શહેરના શ્રેષ્ઠી કુબેરદાસ ઇનામદારે કોલોની બાંધવા આપતા તે કોસોની જ નહીં આખીયે વસ્તીનું નામ કુબેરનગર પાડવામાં આવ્યું હતું. અને આ આજે આ જોડિયા વિસ્તારો સરદારનગર- કુબેરનગર તરીકે હિંદુસ્તાનભરમાં જાણીતા થયા છે.

ગામતળનો ભાગ

પરંતુ જ્યાં સુધી સરદારનગર કુબેરનગરને એક જ મ્યુનિ. વોર્ડ તરીકે ઓળખવામાં આવે તો આ વોર્ડમાં નરોડાનો કેટલોક વિસ્તાર હાંસોલ, કોતરપુરના ગામતળના વિસ્તારનો પણ સમાવેશ થયો છે. પરિણામે આ વોર્ડમાં માત્ર  સિંધી સમાજ જ નહીં પણ આદિવાસી ભીલ સમાજ, કડિયા સમાજ, ઠાકોર સમાજ, રાજપૂત સમાજ અને સહકારી સોસાયટીઓનો રાફડો ફાટતા ઉત્તર ગુજરાતનો પટેલ સમાજ, વણિક સમાજ, દલિત સમાજ સાથે કાળક્રમે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ વાસીઓએ પણ અહીં વસવાટ શરૃ કરતાં એક રીતે આ વોર્ડ ‘હમ સબ દેશવાસી’માં રૃપાંતરિત થયો છે.

એક જમાનામાં આ વોર્ડ સૂકોે, વેરાન અને આંબાના ઝાડોથી ઘેરાયેલો હતો, પાણી, લાઇટ, ડ્રેનેજ અને રસ્તાઓના ઠેકાણા ન હતા. ખાળકૂવા હતા તે ઊભરાતા હતા અને સફાઈ જેવી કોઈ ચીજ ન હતી.

લેકિન… સિંધી સમાજ મૂળે વેપારી સમાજ… તેમણે અહીં સરદારનગરમાં કરિયાણા, અનાજ, શાકભાજીની દુકાનો શરૃ કરી, રેસ્ટોરન્ટ શરૃ કરી અને ધીમે ધીમે લારીઓનું ખાણી-પીણી બજાર શરૃ કર્યું. દાલ-પકવાન, દાલમૂઠ, માઝૂમ, શાકપૂરી અને બિસ્કિટ, નાનખટાઈએ સિંધી સમાજે અમદાવાદીઓને આપેલી એક ભેટ છે. સિંધી સમાજના યુવાનો નોકરીને બદલે ધંધા રોજગારમાં લાગ્યા, પિપરમિન્ટ, આઇસફ્રૂટ, ખાટીમીઠી ચોકલેટ અને કાપડની ફેરીનો ધંધો એવો વિકસાવ્યો કે, અમદાવાદની કાપડ માર્કેટોમાં તેમના નામ અને પેઢીઓ ગાજવા લાગ્યા. ઔર તો ઔર મ્યુનિ. કોર્પોરેશને તેમને ધંધા-રોજગાર માટે સારંગપુર દરવાજા બહાર અને મણિનગર રેલવે સ્ટેશન સામે માર્કેટો બાંધી આપી તો તે આજેય સિંધી માર્કેટ તરીકે જાણીતી બનેલી છે અને વેપાર-ધંધાથી ધમધમી રહી છે એટલું જ નહીં અમદાવાદમાં ચોતરફ ધંધો વિકસાવતા પહેલાં રેડિયો પછી ફ્રીઝ, એ.સી. અને આજના જમાનામાં ઘરઘરમાં સ્થાન પામેલા ટી.વી.ના વેચાણમાંયે મોખરે છે. હોટેલોમાં તેમની માલિકી અવ્વલ સ્થાને છે. બેકરી અને અન્ય ધંધામાંયે ભાગીદારી છે.

વિકાસ કી ઔર

રહી વાત સરદારનગર કુબેરનગર વોર્ડના વિકાસની તો- રાજકારણના આટાપાટા જાણતા સિંધી સમાજના રાજકારણીઓએ પહેલાં કોંગ્રેસમાં રહીને વોર્ડનો જબરદસ્ત વિકાસ કરાવ્યો, એક ખૂણામાં નાનકડું એરપોર્ટ હતું તે વિકસાવ્યું… પાણીની સગવડ માટે કોતરપુર વોટર વર્કસનો પાયો નંખાવ્યો, રસ્તા પહોળા કરાવ્યા. સમાજ સુખી થતાં સહકારી સોસાયટી, બંગલા બાંધ્યા. કોંગ્રેસના મંત્રીમંડળમાં પ્રધાનપદુ અને ધારાસભ્ય પદ મેળવ્યું. એ પછી ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યા પછી તો વિકાસની મેરેથોન દોડ શરૃ કરી, ઇન્દિરા બ્રિજ બન્યો, નરોડા અંડર બ્રિજ, બાગ-બગીચા, સિનેમા થિયેટર, આલીશાન રસ્તાઓ, કોમ્યુનિટી હોલ અને મ્યુનિ. શાળાઓ શરૃ કરાવી, માત્ર ડોમેસ્ટિક એરપોર્ટનો પથારો એવો લાંબો કરાવ્યો કે, આજે એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટના રૃપમાં ફેરવાયું છે. એરપોર્ટ રોડની ટુ સ્ટાર, થ્રી સ્ટાર હોટેલો પણ સિંધી સમાજના હોટેલિયરોની છે…

કહો ને કે, ક્યા ક્યા નહીં પાયા, ભાજપના ઊગતા સૂરજ સાથે સિંધી સમાજને મંત્રીમંડળમાં પ્રધાનપદુ, ધારાસભ્ય પદ, ડેપ્યુટી મેયરપદ અને કોર્પોરેટર પદ પણ પ્રાપ્ત થયા. પરિણામે સરદારનગર વી.આઇ.પી. વોર્ડ બન્યો છે. આખોય એરપોર્ટ રોડ ચકાચોંધ રોશનીથી ઝળહળી રહ્યો છે. આઇ.ટી.આઈ. સાથે કુબેરનગર વોર્ડ વિકસીને નવા રૃપરંગમાં ઝડપથી ફેરવાયો છે. આ વોર્ડમાં વર્ષો જૂનું પ્રાચીન રણમુક્તેશ્વર મહાદેવ આવેલું છે. ગરીબોની બેલી સાંઈબાબાનું મંદિર પણ આવ્યું છે. સિંધી સમાજમાં ચાલીસા પર્વનું મહત્ત્વ છે. આ પર્વમાં મહિલાઓ અને પુરુષો ચાલીસ દિવસના ઉપવાસ કરે છે. જેમાં મહિલાઓનું પ્રમાણ વધુ હોય છે. સમાજ ચેટીચંદના પર્વની ધામધૂમ ઉજવણી કરે છે. સિંધી સમાજ ખૂબ ર્ધાિમક સમાજ છે એમ હવે વધુ શિક્ષણ પામીને શિક્ષણક્ષેત્રે આગળ વધતા આઇ.એ.એસ અને આઇ.પી.એસ. અધિકારીઓ પણ રાજ્ય સરકારમાં મોખરાનું સ્થાન ધરાવે છે.

સમસ્યા ભી સહી

ઇસ બીચ… હાલાકી ઔર સમસ્યાએ ભી કુછ કમ નહીં હૈ અમદાવાદના અડધા ભાગને પાણી પુરવઠો પૂરો પાડવા ગામતળ કોતરપુરમાં વિશાળ વોટરવર્કસ બાંધવામાં આવેલું છે પરંતુ સરદારનગર-કુબેરનગરવાસીઓને પૂરતા પાણીથી પ્રેશર મળતું નથી, ક્યારેક તો પાણીની કારમી તંગી ઊભી થાય છે. વિકાસ-વિકાસના ઘાટાફાંડ બણગાં છતાંયે નરોડા રેલવે સ્ટેશન તરફના કુબેરનગર નજીકની શીતલનગર સોસાયટી અને તેને સંલગ્ન સોસાયટીઓમાં આજેય પૈસા ખર્ચીને પાણીનું ટેન્કર મંગાવવું પડે છે, એટલે કે કૂવા પાસે ગામ છતાં પાણી વિના તરસ્યું જેવો ઘાટ જોવા મળે છે. કેટલીયે સોસાયટીઓમાં પાણીના બોર છે પરંતુ તેના લેવલ ઊંચા હોવાથી પૂરતું પાણી મળતું નથી. જી.આઇ.ડી.સી.ની અનેક ફેક્ટરીઓ કેમિકલનું ગંદું પાણી છોડે છે. જેના કારણે કારીગરોના પગમાં ચામડીના રોગ થાય છે. નરોડા સરદારનગર વચ્ચેના ગરનાળાની નજીકની ૧,૫૦૦ જેટલી વસતીના રહેણાંકોમાં તો એકાદ દોઢ ઇંચ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે.

ઔૈર… ત્રણ લાખથી પણ વધુ વસતી ધરાવતા આ વોર્ડમાં ગેયકાયદે બાંધકામો- દબાણોનો રાફડો એવો ચારેકોરથી ઘેરાયો છે કે, અહીં કાયદેસર મકાનો, દુકાનો, ગલ્લા કે લારી કેટલી? તે ગણવા માટે કલાકોના કલાકો સુધી પરસેવો પાડવો પડે… પણ તોયે મ્યુનિ. તંત્રના પેટનું પાણી હાલતું નથી. એમ અહીંના બડા, છોટા રાજકારણીઓના કાને વાત સંભળાતી નથી, ફરિયાદ કરે તો ભી કિસ કે સામને કરે? હાં… મ્યુનિ. કી વોર્ડઓફિસમાં જઈને ધમપછાડા કરો તો વાત જરૃર સાંભળવામાં આવે પણ સમસ્યાના નિકાલની કોઈ ગેરંટી નહીં. આ હાલાકીઓના ભાર વચ્ચે ખાસ્સી દિવાળીઓ જોઈ ચૂકેલા વડીલો એમ કહી રહ્યા છે કે, ભૂતકાળમાં સરદારનગર-કુબેરનગર વોર્ડ તાલુકા પંચાયતના તાબા હસ્તક હતો ત્યારે અહીં, પાણી, વીજળી અને રસ્તાઓની કોઈ ઝાઝી સમસ્યા ન હતી, ભલે વેરો વધુ ભરવો પડતો હતો પરંતુ ફરિયાદનો નિકાલ ૨૪ કલાકમાં થઈ જતો હતો. આજે ૨૪ દિવસમાં પણ થતો નથી… પણ હવે અમે કરીએ શું ? મ્યુનિ. કોર્પોરેશનમાં અમારો વિસ્તાર ભળશે તો અમારું દુઃખ ઓછું થશે તેવી આશા ઠગારી નીવડી છે.

અને છેલ્લે

છેલ્લે ખાનગી વાત. લોખંડી પુરુષ સરદાર સાહેબના નામ સાથે જોડાયેલા સરદારનગરમાં દારૃનો ધંધો ધીકતો રહ્યો છે. ખૂનામરકી, અપહરણ અને દુષ્કર્મના બનાવો અખબારોમાં ચમકતા રહ્યા છે પણ પોલીસખાતુ કંઈક ખાધા વિના કંઈક કામ કરતું નથી એવી ફરિયાદ કોઈ અન્ય નગરના નહીં સરદારનગર-કુબેરનગરવાસીઓ ખુદ કરી રહ્યા છે. શું એ ફરિયાદ કાને ધરાશે ખરી ?

– બિપીનકુમાર શાહ

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન