ટેસ્ટ ક્રિકેટમાંથી લેગ સ્પિનની કળા હવે લુપ્ત થઈ રહી છે - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • ટેસ્ટ ક્રિકેટમાંથી લેગ સ્પિનની કળા હવે લુપ્ત થઈ રહી છે

ટેસ્ટ ક્રિકેટમાંથી લેગ સ્પિનની કળા હવે લુપ્ત થઈ રહી છે

 | 4:56 am IST
  • Share

વર્તમાન સમયના લેગ સ્પિનર્સ ટેસ્ટ ક્રિકેટના બદલે ટી20 ફોર્મેટમાં વધારે સફળ થઈ રહ્યા છે 

  આઇપીએલ ટી20 અને આઇસીસી ટી20 વર્લ્ડ કપ ઇવેન્ટ્સ પૂરી થઈ ચૂકી છે અને હવે વિશ્વક્રિકેટમાં રેડ બોલ એટલે કે ટેસ્ટ ફોર્મેટનું પુનરાગમન થયું છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે. ભારતે ટેસ્ટ ફોર્મેટના કેટલાક નિષ્ણાત ખેલાડીઓને પાછા બોલાવ્યા છે. ટીમમાં આઠ બોલર્સને સામેલ કરવામાં આવ્યા છે પરંતુ ચોંકવનારી બાબત એ છે કે આ તમામમાંથી એક પણ લેગ સ્પિનર નથી. જમ્બો તરીકે જાણીતા બનેલા દિગ્ગજ લેગ સ્પિનર અનિલ કુંબલે બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં ભાગ્યે જ કોઈ લેગ સ્પિનર પોતાનું સ્થાન જમાવી શક્યો છે.

બીસીસીઆઇની ડોમેસ્ટિક ક્રિકેટમાં લેગ સ્પિનર ક્યાં ગયા? શું પસંદગીકારો લેગ સ્પિનર્સને મહત્ત્વ જ નથી આપતા? નેશનલ લેવલે લેગ સ્પિનરને મહત્ત્વ નહીં અપાતું હોવાના કારણે હવે ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ યુવા ખેલાડીઓ લેગ સ્પિનર બનવાના બદલે ઓફ સ્પિનર કે ડાબોડી સ્પિનર બનવાનું વધારે પસંદ કરે છે. લેગ સ્પિનની કળા લુપ્ત થવાનું મુખ્ય કારણ ટી20 ફોર્મેટની ક્રિકેટ છે.  

ક્રિકેટની શોર્ટેસ્ટ ટી20 ફોર્મેટે માત્ર ટેસ્ટ ક્રિકેટ નહીં પરંતુ પૂરી રમતને બદલી નાખી છે. વર્તમાન સમયમાં ભારતના સૌથી સર્વશ્રોષ્ઠ લેગ સ્પિનર મનાતો યૂઝવેન્દ્ર ચહલ 2016થી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી રહ્યો છે. ચહલ 50 વધારે વનડે તથા ટી20 મેચો રમી ચૂક્યો છે પરંતુ હજુ સુધી તેને ટેસ્ટ ટીમમાં એક પણ વખત તક આપવામાં આવી નથી. બીજા દેશની ટીમો હજુ પણ લેગ સ્પિનરને પ્રાધાન્ય આપે છે. ટી20 ક્રિકેટમાં મુખ્યત્વે બેટ્સમેનો હાવી થતા હોવાના કારણે સ્પિનર્સ ખાસ કરીને લેગ સ્પિનર્સ વધારે પડતા અખતરા કરતા હોય છે અને આ કારણથી તેમની નૈસર્ગિક કાંડાની ગ્રીપ છે તે બદલાઈ જાય છે અને આ કારણથી તેઓ ટેસ્ટ ક્રિકેટમાં વધારે સફળ રહેતા નથી. ચહલની બોલિંગ સરેરાશ ટી20 અને વનડેની તુલનામાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં વધારે છે. તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં વધારે સફળ રહ્યો નથી.  

આઇપીએલના કારણે લેગ સ્પિનર અને કાંડાના (ચાઇનામેન) સ્પિનર સંપૂર્ણપણે હવે ટી20 ફોર્મેટના નિષ્ણાત બોલર્સ બની રહ્યા છે. તેનું મુખ્ય કારણ લેગ સ્પિનરના બોલ સામાન્ય રીતે પિચ પડીને ઓફ સ્ટમ્પની બહાર નીકળતા હોય છે. બેટ્સમેન જ્યારે સ્લોગ શોટ્સ રમવા જાય છે ત્યારે સ્ટમ્પ આઉટ કે બાઉન્ડ્રી લાઇન ઉપર કેચઆઉટ થાય છે. ટી20 લીગના આંકડા ઉપર નજર નાખીએ તો 2017 સુધી કોઈ પણ સિઝનમાં રિસ્ટ સ્પિનર્સ એટલે કે કાંડાથી બોલને સ્પિનર કરતા ધીમા બોલર્સે બે હજાર બોલ ફેંક્યા નહોતા પરંતુ 2017 બાદ સ્થિતિ એકદમ બદલાઈ ગઈ છે. 2017થી 2020 સુધી લેગ કે ચાઇનામેન સ્પિનર્સે બે હજાર કરતાં વધારે બોલ ફેંક્યા છે અને 100 કરતાં પણ વધારે વિકેટ ઝડપી છે.  

ટેસ્ટ ક્રિકેટમાં હવે ડાબોડી સ્પિનરની બોલબાલા વધી રહી છે. વર્તમાન ભારતીય ટીમના સ્પિન એટેક ઉપર નજર નાખીએ તો બે ડાબોડી સ્પિનર રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત બે ઓફ સ્પિનર અશ્વિન તથા જયંત યાદવને પણ સ્થાન અપાયું છે. ન્યૂઝીલેન્ડની ટીમમાં પણ મિચેલ સાન્તેનર, એજાઝ પટેલ તથા રચિન રવીન્દ્રને સ્થાન અપાયું છે. બોલ નાખવાનો એન્ગલ બદલાઈ જતો હોવા ઉપરાંત લેગ સ્પિનની જેમ ડાબોડી સ્પિનરનો બોલ પિચ પડયા બાદ ઓફ સ્ટમ્પની બહાર નીકળતો હોવાના કારણે હવે ડાબોડી સ્પિનર્સને પ્રાધાન્ય આપવાનો ટ્રેન્ડ વધ્યો છે. ઇંગ્લેન્ડના વર્તમાન લેગ સ્પિનર આદિલ રશીદના આંકડા જોઈએ તો તે ટેસ્ટ કરતાં ટી20માં વધારે સફળ રહ્યો છે. ભારતના ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં અનિલ કુંબલે, ચંદ્રશેખર, સુભાષ ગુપ્તે જેવા વિશ્વસ્તરીય સ્પિનર્સે લેગ સ્પિનને એક નવી દિશા આપી હતી. કુંબલેની નિવૃત્તિ બાદ અમિત મિશ્રાાને 22 ટેસ્ટમાં રમાડવામાં આવ્યો હતો પરંતુ તે 36ની સરેરાશથી માત્ર 76 વિકેટ ઝડપી શક્યો હતો. મિશ્રાા પણ ટેસ્ટ કરતાં ટી20માં વધારે સફળ રહ્યો છે. તે ટી20માં 23ની સરેરાશથી સફળતા હાંસલ કરી રહ્યો છે. માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વની અન્ય ટીમોમાં પણ લેગ સ્પિનર્સ ટેસ્ટ ક્રિકેટમાં સફળ થઈ રહ્યા નથી. એક સમયે ઓસ્ટ્રેલિયાએ લેગ સ્પિનર જાદુગર શેન વોર્ન જેવો ક્રિકેટર વિશ્વ ક્રિકેટને આપ્યો હતો પરંતુ હવે આ ટીમમાં પણ લેગ સ્પિનરની ખોટ વર્તાઈ રહી છે. કારણો ઘણા છે પરંતુ એક બાબત ચોક્કસ છે કે ટેસ્ટ ક્રિકેટમાંથી લેગ સ્પિનની કળા હવે લુપ્ત થઈ રહી છે અને ટી20 ફોર્મેટ પૂરતી મર્યાદિત થઈ ગઈ છે.           

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો