તું બીજાની વાતમાં શા માટે માથું મારે છે? - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • તું બીજાની વાતમાં શા માટે માથું મારે છે?

તું બીજાની વાતમાં શા માટે માથું મારે છે?

 | 1:00 am IST
  • Share

આકાશના એ રંગ તને યાદ તો હશે, રંગીન એટલું જ એ તારા વિનાય છે,  

એય દોસ્ત ગઈ નથી હજી ગુંજાશ સ્મિતની, રોવાનાં કારણો તો મને પણ ઘણાંય છે. 

આપણે આપણી શક્તિ ક્યાં અને કેવી રીતે વાપરીએ છીએ એના પરથી જ આપણું ભાવિ નક્કી થતું હોય છે

દરેક માણસમાં કુદરતે કેટલીક ચોક્કસ શક્તિઓ મૂકી હોય છે. દરેકમાં થોડીક ખૂબીઓ અને થોડીક ખામીઓ હોય છે. માણસ એની શક્તિનો ક્યાં અને કેવો ઉપયોગ કરે છે તેના પરથી તેની સફ્ળતા, નિષ્ફ્ળતા, કામયાબી કે નાકામયાબી નક્કી થતી હોય છે. આપણે આપણી એનર્જીનો કેવો ઉપયોગ કરીએ છીએ? આપણી તાકાતને ક્યાં ઇન્વેસ્ટ કરીએ છીએ. આપણે કંઈ કરવાનું શરૂ કરીએ એ પહેલાં એવો વિચાર કરીએ છીએ ખરા કે આ કામ કરવા જેવું છે કે નહીં? આ કામ હું શા માટે કરું છું? એનાથી મને શું મળી જવાનું છે? માણસ બધું જ કામ માત્ર સફ્ળતા માટે જ નથી કરતો. કેટલાંક કામ આપણે મજા, ખુશી અને આનંદ માટે પણ કરતા હોઇએ છીએ. એમાં પણ કશું ખોટું નથી. પોતાના માટે પણ માણસે સમય કાઢવો જોઈએ. આપણને શેમાં મજા આવે છે એની આપણને કેટલી ખબર હોય છે? આપણો ટાઇમ માત્ર પાસ કરવા માટે હોય છે? સમયને વાપરવામાં અને સમયને વેડફ્વામાં બહુ ર્ફ્ક છે. મજા પણ રાજસી અને તામસી હોય છે. ખુશી પણ સારી અને ખરાબ હોય છે. આનંદ પણ આહ્લાદક કે આક્રમક હોય છે. મુશ્કેલીમાં મૂકે એવી મજા ક્યારેક જોખમી બને છે. ઘણાને પેટ ચોળીને શૂળ ઊભું કરવાની આદત હોય છે.

તમારા ફ્રી ઔટાઇમમાં તમે શું કરો છો? તમે જે કંઇ કરો છો એ પૂરું થાય એ પછી તમને ખુશી થાય છે કે અફ્સોસ? એક યુવાનની આ વાત છે. એને મોબાઇલ પર ગેઇમ રમવાની લત હતી. નવરો પડે એટલે એ તરત જ હાથમાં મોબાઇલ લઇને ગેમ રમવા માંડે. ઘણી વખત તો મહત્ત્વનું કામ હોય તો પણ એ મોબાઇલ લઇને બેસી જતો હતો. મોબાઇલ પર કલાકો સુધી ગેમ રમ્યા બાદ જ્યારે પૂરું કરે ત્યારે એને હંમેશાં એમ થતું કે, મેં કેટલો સમય બગાડી નાખ્યો? આ સમય દરમિયાન હું કંઇક સારું, કંઇક કન્સ્ટ્રક્ટિવ કામ કરી શક્યો હોત. આપણી તકલીફ્ એ જ હોય છે કે, આપણને બધી વાત મોડી સમજાય છે. સંબંધોની કદર પણ આપણને ત્યારે થાય છે જ્યારે સંબંધ છૂટી કે તૂટી જાય છે.

યુવાનોની એક શિબિર હતી. આ શિબિરનું સંચાલન એક ફિલોસોફ્ર કરતા હતા. ફિલોસોફ્રે બધાને પૂછયું કે, તમને એવી તક આપવામાં આવે કે, તમે ભૂતકાળમાં કરેલી ભૂલ સુધારી શકો તો તમે કઈ ભૂલ સુધારવાનું નક્કી કરશો? દરેક યુવાને જુદી જુદી વાત કરી. કોઈએ કહ્યું કે, મેં મારા મિત્ર સાથે ખોટો ઝઘડો કર્યો હતો, એના કારણે અમારી દોસ્તી તૂટી ગઇ. કોઇએ કહ્યું કે, ભણવાના સમયે મેં વાંચવાને બદલે વેબ સીરિઝો જોઈ હતી. કોઈએ મા-બાપનું દિલ દુભાવ્યું હતું. કોઈએ કામચોરી કરી હતી. એ પછી ફિલોસોફ્રે કહ્યું કે, કેટલી સારી વાત છે કે તમને બધાને તમારી ભૂલો વિશે ખબર છે. હવે તમે એ કહો કે એ ભૂલ સુધારવા તમે શું કર્યું? દોસ્ત સાથે ઝઘડો થયો એ પછી તમે દોસ્તને જઈને સોરી કહ્યું હતું? મા-બાપ પાસે એવી કબૂલાત કરી હતી કે, મારાથી તમારું દિલ દુભાવાઇ ગયું એનું મને દુઃખ છે? આપણે એવું નથી કરતા. ભૂલનો અફ્સોસ કરવો પૂરતું નથી, ભૂલ સુધારવાનો પ્રયાસ કરવો એ જરૃરી છે. આ જ સવાલ તમને પૂછવામાં આવે કે, તમને જો ભૂલ સુધારવાની તક મળે તો તમે કઈ ભૂલ સુધારો? વિચારી જોજો, થોડોક વધુ વિચાર કરશો તો એ પણ મળી આવશે કે, એ ભૂલ સુધારવાનો મોકો હજુ પણ છે. આપણી ઘણી ભૂલો એવી હોય છે જેને આપણે સુધારી શકીએ છીએ. આપણે એ તરફ્ પ્રયાસ જ કરતા હોતા નથી. ભૂલ સુધારતા તો નથી ઉપરથી ભૂલો ઉપર ભૂલો કરતા  જઇએ છીએ.

માણસ પોતે શું કરે છે એ ઓછું વિચારે છે અને બીજા શું કરે છે એની પંચાત વધુ કરતો હોય છે. આપણે મિત્રો કે સ્વજનો સાથે વાતો કરીએ છીએ એમાં કેટલી વાતો આપણી હોય છે અને કેટલી વાતો બીજાની હોય છે? આપણી પાસે આપણી વાત કરવા જેવું કંઇ હોય છે ખરું? જે માણસ પાસે કહેવા જેવું પોતાનું કંઈ નથી હોતું એ બીજા વિશે વાતો કરતો રહે છે. તમે કોઈ માણસને પૂછજો કે, ટેલ મી સમથિંગ અબાઉટ યુ, મને તમારા વિશે કંઇક વાત કરો. જુઓ કે એ શું જવાબ આપે છે? તમને કોઈ તમારા વિશે પૂછે તો તમારી પાસે કહેવા જેવું શું છે? કંઈક તો એવું હોવું જોઈએ જેનાથી તમને તમારું ગૌરવ થાય. એક યુવાન સંત પાસે ગયો. તેણે સંતને સવાલ કર્યો કે, મારે મારી જિંદગીમાં શું કરવું જોઈએ? સંતે કહ્યું કે, તું જ્યારે વૃદ્ધ થઈ જાય ત્યારે તારાં દીકરા કે દીકરીનાં સંતાનોને કહેવા માટે તારી પોતાની સારી કહાનીઓ હોય એવું કરવું જોઈએ. માણસ જ્યારે બુઢ્ઢો થાય છે ત્યારે એની પાસે સૌથી મોટી કોઈ મૂડી હોય તો એ એનો ભૂતકાળ હોય છે, એના અનુભવો હોય છે,

એની જિંદગીમાં બનેલી ઘટનાઓ હોય છે, એણે કરેલી ભૂલો હોય છે અને એણે મેળવેલી સફ્ળતાઓ હોય છે. તમે ક્યારેય વિચાર્યું છે કે, તમારી પાસે તમારી બીજી પેઢીને કહેવા જેવી કઈ વાત હશે?  

એક વખત એક દાદાને તેના પૌત્રએ સવાલ કર્યો. તમે તમારી જિંદગીમાં શું ન કરવા જેવું કર્યું અને શું કરવા જેવું કર્યું? દાદાએ કહ્યું, એક વાત એવી છે જેમાં તારા બંને પ્રશ્નોના જવાબ આવી જશે. હું બીજાની વાતો બહુ કરતો. પેલાએ આવું કર્યું. એક વખત મને ખબર પડી કે, મારો એક મિત્ર મોટા ઉપાડે વિદેશ ગયો હતો. એ ત્યાં જઇને એક ફઇવ સ્ટાર હોટલમાં ટોઇલેટ સાફ્ કરવાનું કામ કરતો હતો. મને એ વાતની ખબર પડી એટલે મેં મારા મિત્રોમાં એની વાતો કરવાનું શરૃ કર્યું. બહુ ઊંચી ઊંચી વાતો કરતો હતો કે વિદેશ જઇને આમ કરીશ અને તેમ કરીશ, ત્યાં જઇને ટોઇલેટ સાફ્ કરવાનું કામ કરે છે. મારી વાત સાંભળીને મારા એક મિત્રએ કહ્યું કે, તું બીજાની વાતોમાં માથું શા માટે મારે છે? એને જે કરવું હોય એ કરે! એને પોતાના પ્રોબ્લેમ અને ઇશ્યૂઝ હશે. તું કેમ એને જજ કરે છે? તું તારું કામ કરને. તું બીજાનું નહીં જો, તું શું કરે છે કે તારે શું કરવું જોઈએ એ વિચાર! એ દિવસથી મેં નક્કી કર્યું કે, હું હવેથી બીજાની વાતોમાં માથું નહીં મારું. ન કરવા જેવું કામ એ હતું કે, હું બીજાની વાતમાં માથું મારતો હતો. કરવા જેવું કામ એ કર્યું કે, મિત્રની વાત પછી મેં બીજાની પંચાત કરવાનું બંધ કર્યું. આપણે આપણું મગજ બીજાની વાતો કરીને કારણ વગરનું બગાડતા હોઇએ છીએ.

ઘણી વખત આપણું કોઈ ખરાબ બોલતું હોય તો એને પણ આપણે યાદ રાખીએ છીએ. વાગોળતા રહીએ છીએ. વખોડતા રહીએ છીએ. બચાવ કરતા રહીએ છીએ. એક યુવાનને તેના મિત્રએ કહ્યું કે, પેલો ભાઈ તારા વિશે ઘસાતું બોલતો હતો. એ યુવાને કહ્યું કે પ્લીઝ, હવે તું મને એ ન કહેતો કે એ મારા વિશે શું ઘસાતું બોલતો હતો. મારે એવી બધી વાતોમાં નથી પડવું. મારે તો એવું કામ કરવું છે કે, મારા વિશે ઘસાતું બોલવાવાળા પણ મારું સારું બોલે. એને કોઇ કંઈ ન બોલે તો પણ મને કોઇ ફ્ેર પડતો નથી. મારે મારું સંપૂર્ણ ધ્યાન મારે જે કરવું છે એની પાછળ જ કેન્દ્રિત કરવું છે. આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે, આપણું ધ્યાન ક્યાંય ભટકી ન જાય. જે ભટકી જાય છે એ અટકી જાય છે. બીજાની પંચાતમાં ન પડવા જેટલું જ મહત્ત્વનું એ છે કે, બીજા આપણી પંચાત કરતા હોય તો એમાં પણ ન પડવું. આપણી શક્તિ વેડફ્વા માટે નથી. પોતે જે ધાર્યું હોય એ કરી છૂટવા માટે ઘણી બધી બાબતોથી મુક્ત રહેવું પડતું હોય છે. જેનામાં આવી આવડત છે એ જ પોતાની મંઝિલ સરળતા અને સહજતાથી પામી શકે છે.         

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો