દક્ષિણ આફ્રિકામાં ફસાયેલા ભારતીય મૂળના લોકોને બચાવવાની તાતી જરૃર - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • દક્ષિણ આફ્રિકામાં ફસાયેલા ભારતીય મૂળના લોકોને બચાવવાની તાતી જરૃર

દક્ષિણ આફ્રિકામાં ફસાયેલા ભારતીય મૂળના લોકોને બચાવવાની તાતી જરૃર

 | 8:37 am IST
  • Share

 

 

આને એક વક્રોક્તિ જ કહી શકાય કે એક તરફ જ્યારે ભારતમાં ૧૮ જુલાઈએ દક્ષિણ આફ્રિકાના મુક્તિ યોદ્ધા નેલ્સન મંડેલાની જયંતી મનાવવામાં આવી રહી છે, ત્યારે જ ત્યાં ભારતીય મૂળના લોકો ઉપર હુમલા થઇ રહ્યા હતા. આ હુમલા હજુ પણ ચાલુ છે. ત્યાં વસેલા ભારતીયોનાં ઘરો-દુકાનો અને ઇમારતોમાં તોડફોડ થઈ રહી છે. એક અનુમાન અનુસાર ભારતની બહાર સૌથી વધુ ભારતીયો દક્ષિણ આફ્રિકામાં વસેલા છે. તેમની કુલ સંખ્યા ૨૦ લાખથી ઉપર બતાવવામાં આવી રહી છે. વાસ્તવમાં દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેકબ જુમાની ધરપકડ બાદ ત્યાંની સ્થિતિ બગડી ગઈ હતી. હુમલાખોરોએ ભારે માત્રામાં લૂંટફાટ મચાવી અને તેમાં ડઝનબંધ લોકોનાં મોત પણ થઇ ગયાં છે. જોહાનિસબર્ગ અને ક્વાજુલુ નટાલમાં ભારતીય મૂળના લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સવાલ એ ઊભો થાય છે કે ભારતીય મૂળના લોકોને કેમ નિશાન બનાવવામાં આવી રહ્યાં છે? આ સવાલનો જવાબ જાણવો જરૃરી છે. વાસ્તવમાં જેકબ જુમાને ૧૫ મહિનાની કેદની સજા ફરમાવ્યા બાદ દેશમાં હિંસા ફેલાઈ છે. તેમના પર ૨૦૦૯ અને ૨૦૧૮ વચ્ચે રાષ્ટ્રપતિપદ ઉપર રહીને સરકારી તિજોરી લૂંટવાનો આરોપ છે. તેમના ઉપર એવો પણ આરોપ છે કે તેમણે ભારતીય ઉદ્યોગપતિઓ ગુપ્તા બંધુઓને ખૂબ જ ફાયદો કરાવ્યો હતો. જુમા પર જે અબજો રૃપિયાના ભ્રષ્ટાચારનો આરોપ છે તેમાં ગુપ્તા બંધુઓ પણ સામેલ છે. ગુપ્તા બંધુઓ ઉપર આરોપ છે કે તેમણે જુમાના પુત્રોને પણ ફાયદો પહોંચાડયો છે. આમ સીધી વાત એ છે કે જુમા કે ગુપ્તા બંધુઓ પર આરોપ સાબિત થતાં દેશના કાયદા અનુસાર એક્શન લેવામાં આવ્યાં. બાકીના ભારતીયો ઉપર અત્યાચાર કરવાનો શું મતલબ? અફસોસ થાય છે કે જે દેશમાં મહાત્મા ગાંધીએ અશ્વેતોના હક્ક માટે લડાઈ શરૃ કરી હતી તે ગાંધીના દેશવાસીઓ સાથે ઘોર અન્યાય થઈ રહ્યો છે. દક્ષિણ આફ્રિકાની સરકાર આ હિંસાને રોકવામાં નબળી કેમ સાબિત થઈ રહી છે? શું સરકાર ભૂલી ગઈ છે કે તેમના દેશના સર્વકાલીન મહાન નેતા નેલ્સન મંડેલા પોતે ગાંધીજીને પોતાના આદર્શ માનતા હતા? મંડેલાને ભારત માટે આત્મીય સંબંધ હતો. તેઓ લાંબી જેલયાત્રામાંથી બહાર આવીને ૧૯૯૦માં ભારત આવ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા પછીની તે પ્રથમ વિદેશયાત્રા હતી. ભારત સરકારે તેમને ભારતરત્નથી પણ સન્માનિત કર્યા હતા. સરકારે દિલ્હીમાં મંડેલાના નામ પરથી એક માર્ગનું નામ નેલ્સન મંડેલા માર્ગ પણ રાખ્યું છે. વાસ્તવમાં મિત્ર રાષ્ટ્રો પરસ્પર સંવાદિતા માટે એકબીજાના દેશના મહાપુરુષો, જનનેતાઓ તથા રાષ્ટ્રના વડાઓના નામ ઉપર પોતાના દેશમાં માર્ગો, બગીચાઓ અને સંસ્થાનોના નામ રાખતા હોય છે. આ પરંપરાને આગળ ધપાવતાં ભારત સરકારે મંડેલાના નામ ઉપરથી એક ખાસ સડકનું નામકરણ કર્યું હતું. ગાંધીજીના વિચારોથી પ્રભાવિત મંડેલા ૧૯૯૫માં ફરીથી ભારત આવ્યા હતા. ૨૦૦૪માં જામિયા મિલ્લિયા ઇસ્લામિયા યુનિર્વિસટીમાં નેલ્સન મંડેલાના નામ ઉપરથી નેલ્સન મંડેલા સેન્ટર ફોર પીસ એન્ડ કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશનની સ્થાપના કરવામાં આવી હતી. આ સેન્ટરની સ્થાપના એ માટે કરવામાં આવી હતી કે જેથી વિશ્વભરમાં શાંતિ અને સદ્ભાવના માટે ભારત તરફથી કરવામાં આવતા પ્રયાસોનો ઊંડાણથી અભ્યાસ થઈ શકે. જવાહરલાલ નહેરુ યુનિર્વિસટીમાં પણ આફ્રિકન અધ્યયન કેન્દ્ર છે. ત્યાં નેલ્સન મંડેલા ચેર પણ છે. દિલ્હી યુનિર્વિસટીમાં મંડેલા સેન્ટર તો નથી પણ ત્યાં ૧૯૫૪માં ડિપાર્ટમેન્ટ ઓફ આફ્રિકન સ્ટડીઝ સક્રિય છે. સ્વાભાવિક છે કે તેમાં મંડેલાનો અભ્યાસ થતો જ હોય.

દક્ષિણ આફ્રિકામાં હાલમાં ભારતીય મૂળના લોકો સાથે જે થઈ રહ્યું છે તેનાથી સાફ છે કે ભારતવિરોધી શક્તિઓ જ આ કામ કરાવી રહી છે. ભારત તો તમામ ૫૪ આફ્રિકન દેશો સાથે વધારે સારા સંબંધ સ્થાપિત કરવા પ્રતિબદ્ધ છે. ભારત આફ્રિકામાં મોટું રોકાણકાર છે. આફ્રિકામાં તાતા, મહિન્દ્રા, ભારતી એરટેલ, બજાજ ઓટો, ઓએનજીસી જેવી મુખ્ય કંપનીઓ બિઝનેસ કરી રહી છે અને લાખો આફ્રિકન લોકોને રોજગાર આપી રહી છે. ભારતી એરટેલે આફ્રિકાના લગભગ ૧૭ દેશોમાં ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રમાં ૧૩ અબજ ડોલરનું રોકાણ કર્યું છે. ભારતીય કંપનીઓએ આફ્રિકામાં કોલસો, પોલાદ અને મેંગનીઝના ખોદાણને હસ્તગત કરવામાં પણ ઘણો રસ દર્શાવ્યો છે. આ જ રીતે ભારતીય કંપનીઓ દક્ષિણ આફ્રિકાની કંપનીઓ પાસેથી યુરેનિયમ અને પરમાણુ ટેકનોલોજી પ્રાપ્ત કરવાની રાહ જોઇ રહી છે. બીજી તરફ આફ્રિકી કંપનીઓ એગ્રો પ્રોસેસિંગ અને કોલ્ડ ચેઇન, પર્યટન તથા હોટેલ અને રિટેલ ક્ષેત્રમાં ભારતીય કંપનીઓની સાથે સહયોગ કરી રહી છે.

જો પૂર્વીય આફ્રિકાની વાત કરીએ તો અંગ્રેજો ૧૮૯૬થી લઈને ૧૯૦૧ વચ્ચે લગભગ ૩૨ હજાર મજૂરોને ભારતનાં વિભિન્ન રાજ્યોમાંથી કેન્યા, તાન્ઝાનિયા, યુગાન્ડા લઈ ગયા હતા. તેમને કેન્યામાં રેલવેના પાટા નાખવા માટે લઇ જવામાં આવ્યા હતા. આ શીખોનો સંબંધ રામગઢિયા સમાજ સાથે હતો. પૂર્વીય આફ્રિકાનો સંપૂર્ણ રેલ નેટવર્ક પંજાબના લોકોએ તૈયાર કર્યો હતો. તે સમયે ગુજરાતીઓ પણ કેન્યા જતા આવતા થયા હતા. જોકે તેઓ ત્યાં બિઝનેસ કરવાના ઇરાદા સાથે પહોંચ્યા હતા, મજૂરી કરવા નહીં. રેલવે નેટવર્કનું કામ પૂર્ણ થયા બાદ મોટાભાગના શ્રમિકો ત્યાં જ વસી ગયા હતા. હવે તો સમગ્ર ઇસ્ટ આફ્રિકામાં દરેક નાના-મોટા શહેરમાં ભારતીય મૂળના લોકો અને તેમના પૂજાસ્થાનો આવેલાં છે. કેન્યાના તો દરેકેદરેક નાના-મોટા શહેરમાં અનેક મંદિરો અને ગુરુદ્વારા આવેલાં છે. આ ભારતીય મૂળના લોકોના કારણે જ આફ્રિકમાં ભારતને લઈને એક વધારે સારું વાતાવરણ બનેલું રહ્યું છે.

કેટલાક સમય અગાઉ સુધી કેન્યાની રાજધાની નૈરોબી હોય કે સાઉથ આફ્રિકાના અગ્રણી શહેરો હોય, દરેક જગ્યાએ મુખ્ય સ્થાનો કે મુખ્ય જાહેર માર્ગો પર ભારતીય કંપનીઓના જાહેરખબરના મોટા-મોટાં ર્હોિંડગ જોવા મળતાં હતાં. ભારતની ઇચ્છા રહી છે કે આફ્રિકાનાં બજારમાં ભારતને વધુ સ્પેસ મળે. લાગે છે કે ભારતની આફ્રિકા પ્રત્યેની સદ્ભાવનાને દક્ષિણ આફ્રિકામાં સમજવામાં આવી નથી. તેથી જ ત્યાં ભારતીય મૂળના લોકો હિંસાનો શિકાર બની રહ્યા છે. આ હુમલાઓ તત્કાળ અટકવા જોઈએ. દક્ષિણ આફ્રિકાની સરકારે તોફાનીઓ પર કડક પગલાં ભરવાં જોઈએ. તેમણે પોતાના દેશના ભારત મૂળના લોકોને સુરક્ષા આપવી પડશે. ભારતના વિદેશ મંત્રાલયે પણ જોવું પડશે કે દક્ષિણ આફ્રિકાની સરકાર આ હુમલાને ગંભીરતાથી લે અને ભારતવંશીઓની સુરક્ષા સુનિિૃત કરે.

(લેખક ભૂતપૂર્વ સાંસદ છે)

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન