IPL 2021 Qualifier-2 between Delhi CAPITALS and KKR today
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • IPL2021 : દિલ્હી અને કોલકાતા વચ્ચે આજે ક્વોલિફાયર-2

IPL2021 : દિલ્હી અને કોલકાતા વચ્ચે આજે ક્વોલિફાયર-2

 | 3:06 am IST
  • Share

  • લીગમાં મળેલા પરાજયનો હિસાબ સરભર કરવા દિલ્હીની ટીમ આતુર, સાજે 7:30થી મેચનો પ્રારંભ થશે
  • જે જીતશે તે ફાઇનલમાં
  • દિલ્હીના પેસ બોલર્સ અને કોલકાતાના સ્પિનર્સ વચ્ચે સીધો મુકાબલો, બેટિંગમાં દિલ્હીનું પલડું ભારે જણાય છે.

પ્રથમ IPL T20 લીગ જીતવાના પ્રયાસમાં રહેલી દિલ્હી કેપિટલ્સની ટીમને બુધવારે અહીં રમાનારા બીજી ક્વોલિફાયર મુકાબલામાં શાનદાર ફોર્મમાં રહેલી કોલકાતા નાઇટ રાઇડર્સના કપરા પડકારનો સામનો કરવો પડશે. દિલ્હીની ટીમ ચેન્નઇ સુપર કિંગ્સના પ્રથમ અંતરાયને પાર કરવામાં નિષ્ફળ રહી હતી. રિષભ પંતના નેતૃત્વ હેઠળની ટીમ જો કોલકાતા સામે હારી જશે તો તેના અભિયાનનો અંત આવી જશે. ક્વોલિફાયર-2માં જીતનાર ટીમ ચેન્નઇ સામે ફાઇનલમાં રમશે. સોમવારે એલિમિનેટર મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યા બાદ દિલ્હી આત્મવિશ્વાસથી ભરપૂર છે અને તેના ખેલાડીઓ પોતાના ફોર્મ અને રિધમને જાળવી રાખવાનો પ્રયાસ કરશે.

દિલ્હી પાસે લાંબી બેટિંગ લાઇન-અપ

ખેલાડીઓનું ફોર્મ અને અણીના સમયે હાઇએસ્ટ લેવલની રમતનું પ્રદર્શન કરવાના કારણે દિલ્હી કરતાં કોલકાતાનું પલડું ભારે જણાય છે. દિલ્હી પાસે પણ સારા મેચ વિનર છે અને તેની પાસે પણ લાંબી બેટિંગ લાઇન-અપ છે. લીગ તબક્કામાં દિલ્હીની ટીમ 10 મેચ જીતીને 20 પોઇન્ટ સાથે ટોચના ક્રમે રહી હતી પરંતુ કોલકાતા માટે તેનો માર્ગ આસાન રહેશે નહીં તે બાબતને દિલ્હી ઘણી સારી રીતે જાણે છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સુકાની રિકી પોન્ટિંગના કોચ તરીકે જોડાયા બાદ દિલ્હીની ટીમ સતત મજબૂત બની છે. 2019માં દિલ્હીની ટીમ ત્રીજા ક્રમે રહી હતી અને 2020ની સિઝનમાં તે ફાઇનલ સુધી પહોંચી હતી.

દિલ્હી પાસે ઘાતક પેસ બોલિંગ આક્રમણ

દિલ્હીની ટીમ ટૂર્નામેન્ટની તમામ ટીમોમાં સૌથી વધારે બેલેન્સવાળી છે. તેની પાસે મજબૂત બેટિંગ ઉપરાંત ઘાતક પેસ બોલિંગ આક્રમણ છે. શિખર ધવન, પૃથ્વી શો અને શ્રૈયસ ઐયરની હાજરીના કારણે ટોચનો ક્રમ શક્તિશાળી જણાય છે. પંત અને હેતમાયર મિડલ ઓર્ડરને વધારે મજબૂત બનાવે છે. બોલિંગમાં સાઉથ આફ્રિકન જોડી કાગિસો રબાડા અને એનરિક નોર્તઝે સતત સારો દેખાવ કરી રહ્યા છે. ભારતનો પેસ બોલર અવેશ ખાન અત્યાર સુધીમાં 23 વિકેટ ઝડપી ચૂક્યો છે અને તે કોલકાતા સામે પોતાની વિકેટોની સંખ્યામાં વધારો કરવા માગશે. લીગ તબક્કામાં દિલ્હીનો કોલકાતા સામે પરાજય થઈ ચૂક્યો હોવાથી સુકાની પંતની ટીમ પ્લે ઓફના આ મુકાબલામાં હિસાબ સરભર કરવા માગશે.

કોલકાતાના સ્પિનર વરુણ ચક્રવર્તી અને સુનીલ નરૈનની જોડી વધારે ખતરનાક

ભારત ખાતે રમાયેલા પાર્ટ-1માં કોલકાતાનું પ્રદર્શન સામાન્ય રહ્યું હતું પરંતુ યુએઇ તબક્કામાં મોર્ગનની ટીમે શાનદાર પુનરાગમન કર્યું છે. વધારે સારા રનરેટના આધારે કોલકાતાએ પાંચ વખતની ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સને પાછળ રાખીને પ્લે ઓફ માટે ક્વોલિફાય કર્યું હતું. બેંગ્લોર સામે કોલકાતાએ કરેલા પ્રદર્શનને ધ્યાનમાં રાખીએ તો મોર્ગનની ટીમે હરાવવી દિલ્હી માટે આસાન રહેશે નહીં. શારજાહનું ગ્રાઉન્ડ નાનું હોવા ઉપરાંત સ્પિન ફ્રેન્ડલી પિચ ઉપર સ્પિનર વરુણ ચક્રવર્તી અને સુનીલ નરૈનની જોડી વધારે ખતરનાક બની જાય છે. વર્તમાન સિઝનમાં કોલકાતાની બેટિંગ મજબૂત પાસું રહ્યું નથી અને દિલ્હીને આ ફાયદો મળી શકે છે. ઓપનર શુભમન ગિલ, વેંકટેશ ઐયર અને રાહુલ ત્રિપાઠી પાસેથી વધુ એક વખત આક્રમક શરૂઆતની આશા રખાશે. કોલકાતાએ ફાઇનલમાં પ્રવેશવું હશે તો મોર્ગને પણ હવે મોટી ઇનિંગ રમવી પડશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો