નોકરી મળી ગઈ પણ છોકરો મળતો નથી, શું કરું? - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • નોકરી મળી ગઈ પણ છોકરો મળતો નથી, શું કરું?

નોકરી મળી ગઈ પણ છોકરો મળતો નથી, શું કરું?

 | 12:30 am IST
  • Share

પ્રશ્ન : મારું નામ સુરેખા (જિ. મહેસાણા) છે. મારી જન્મતારીખ ૧૭-૦૬-૧૯૯૫ છે. મારી નોકરી સારી છે. સગપણ માટે પ્રયત્નો ચાલે છે. માતાપિતા સાથે મતભેદ રહે છે. મનમાં ઉદ્વેગ રહે છે. યોગ્ય માર્ગદર્શન માટે વિનંતી.

ઉત્તર : તમારા જન્મની વિગતો મુજબ જન્મસમયની ચંદ્રરાશિ કુંભ છે. નામ રાશિ મુજબ સાચું છે. કુંડળીમાં મંગળ નથી. ચિંતાકારક નથી. માનસિક વ્યાયામ તથા સાત્ત્વિક વાંચનની સલાહ છે. તમારી પ્રગતિમાં માતાપિતાનું યોગદાન સ્વીકારીને વિવેકબુદ્ધિથી વાણી ઉપર સંયમ રાખવાની જરૃર છે. નજીકના સમયમાં નવેમ્બર, ૨૦૨૧થી જુલાઈ, ૨૦૨૨ સુધીનો સમય પ્રગતિસૂચક જણાય છે. તેમાં આયોજનપૂર્વક પ્રયત્નો કરવાની સલાહ છે.

(૧) સૂર્યનારાયણના મંત્રની દરરોજ એક માળા બપોરના ભોજન પહેલાં કરવી. ઉપવાસ કરવા જરૃરી નથી.

(૨) કુળદેવી માતાજીની વિશેષ ભક્તિ રવિવારે, મંગળવારે અને પૂનમે કરવી.

(૩) મોસાળ પક્ષના લોકોનો સહયોગ મળે તો કામમાં સરળતા અને અનુકૂળતા રહે.  

પ્રશ્ન : મારું નામ અશોકભાઇ (જિ. વડોદરા) છે. મારી ભત્રીજી જવનિકાની જન્મતારીખ ૦૮-૧૦-૧૯૮૧ છે. તેનાં લગ્ન અગાઉ થયેલાં, પરંતુ મનમેળ ન રહેવાથી તેણે છુટાછેડા લીધા છે. હવે પાત્રપસંદગી બાબતે પ્રયત્ન શરૃ કર્યા છે. આ બાબતે ક્યારે સફ્ળતા મળશે?

ઉત્તર : તમારી ભત્રીજીની જન્મતારીખ મુજબ આસો સુદ દસમ (દશેરા)નો જન્મ છે. જન્મનક્ષત્ર શ્રવણ છે. ચંદ્ર રાશિ મકર આવે છે. તેથી નામ રાશિ મુજબ સાચું છે. તેની કુંડળીમાં મંગળદોષ નથી. જીવનમાં અમુક વળાંક કે ચઢાવ-ઉતાર આવતા હોય છે. સમાજમાં દરેકની સમજણ અને સહનશક્તિ ઓછીવત્તી હોય છે. આ બાબતે હાલમાં ડિસેમ્બર, ૨૦૨૧ પછીનો સમય અનુકૂળ તથા યોગકારક જણાય છે. સારું અને જાણીતું ઘર હોય તો ગુણાંક કે નાડીદોષ જેવી બાબતોમાં બાંધછોડ કરીને ઉદાર વલણ અપનાવી શકાય.

(૧) રાધાકૃષ્ણની કે શિવપાર્વતીની ભક્તિ કરવાની સલાહ છે.      

(૨) સવારે સૂર્યનારાયણનાં દર્શન તથા રાત્રે ચંદ્રનાં દર્શન કરવાથી અનુકૂળતા રહે.

(૩) ચંદ્રનું રત્ન મોતી ધારણ કરવાથી ધાર્યો લાભ થઈ શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો