પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે આટલું કરો - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે આટલું કરો

પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે આટલું કરો

 | 12:30 am IST
  • Share

શાસ્ત્ર અને ધર્મ કહે છે યત પિંડે તત બ્રહ્માંડેઅર્થાત્ આ શરીરરૃપી પિંડ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તેનો ઉત્તર માત્ર એટલો જ છે કે આપણું શરીર બ્રહ્માંડનું અંગ છે. શરીર બ્રહ્માંડમાંથી પેદા થાય છે અને બ્રહ્માંડમાં સમાઈ જાય છે. સમગ્ર બ્રહ્માંડ પંચતત્ત્વનું બનેલું છે. આથી આપણું શરીર પણ જળ, અગ્નિ, વાયુ, પૃથ્વી અને આકાશ નામનાં પાંચ તત્ત્વોમાંથી બનેલું છે તે ર્નિિવવાદ સત્ય છે. પાંચ તત્ત્વોમાંનાં મુખ્ય ત્રણ તત્ત્વોમાં અગ્નિ તત્ત્વ સૂર્યમાંથી, પૃથ્વી તત્ત્વ (માટી) મંગળમાંથી અને જળતત્ત્વ ચંદ્રમાંથી પેદા થાય છે. આમ, બ્રહ્માંડનાં તત્ત્વો અને ગ્રહો એકબીજાથી સંબંધિત છે. આથી જ ગ્રહો માનવશરીર પર સારી-નરસી અસર કરે છે. હિન્દુ નિરયન જ્યોતિષ પ્રમાણે બ્રહ્માંડમાં મુખ્ય સાત ગ્રહો અને બે છાયા ગ્રહો રાહુ-કેતુ છે. જુદા જુદા ગ્રહોની માનવશરીર પર વિવિધ અસરો છે. દરેક ગ્રહનાં ગુણધર્મ-લક્ષણો અલગ-અલગ છે.

 હિન્દુ ધર્મ સંસ્કાર અને શાસ્ત્ર અનુસાર આપણા પૂર્વજ સૂક્ષ્મ શરીરે બ્રહ્માંડમાં વિહરે છે અને તેમના આશીર્વાદ-કૃપાદૃષ્ટિથી સંસાર ચાલે છે, પરંતુ તેમની અવકૃપા અને શાપ મળે તો કુટુંબ અને સંસારનો સર્વનાશ થાય છે. પૂર્વજોની આ વક્રદૃષ્ટિ અને નારાજગી વ્યક્તિની જન્મકુંડળીમાં પિતૃદોષ સ્વરૃપે જન્મ લે છે. પરિણામે જાતક સમગ્ર જીવન દરમિયાન કષ્ટ, પીડા અને નિષ્ફ્ળતા ભોગવે છે.

જાતકની જન્મકુંડળીમાં પિતૃદોષ માટે શનિ અને રાહુ બે મુખ્ય જવાબદાર ગ્રહો ગણી શકાય છે, કારણ કે આ બંને પાપગ્રહો સૂર્યના શત્રુ ગણાય છે. ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને પિતાના કારક ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. સૂર્ય જન્મકુંડળીમાં પિતાનો કારક ગ્રહ હોવા ઉપરાંત પૂર્વજોનો પણ ગ્રહ છે. જો જાતકની જન્મકુંડળીમાં સૂર્ય-શનિની યુતિ હોય અગર પ્રતિયુતિ હોય અથવા સૂર્ય સાથે રાહુ બિરાજમાન હોય તો તેવા કિસ્સાઓમાં સામાન્ય રીતે પિતૃદોષની સંભાવનાઓ વધી જાય છે, કારણ કે શનિ-રાહુ સૂર્યના પરમ શત્રુ ગ્રહો છે. કહેવાય છે કે ભગવાન શ્રીરામની જન્મકુંડળીમાં સૂર્ય-શનિની પ્રતિયુતિના કારણે પિતૃદોષનો શાપ ઊતરેલો. આથી જ ભગવાને યુવાવસ્થામાં પિતાસુખ, રાજપાટ ગુમાવી વનવાસ વેઠવો પડેલો. પિતૃદોષના કારણે શ્રીરામ ભગવાને જેટલાં કષ્ટ, પીડા ભોગવેલાં તેટલાં અન્ય કોઈ વ્યક્તિએ જોયેલાં પણ નહીં હોય. ભગવાન શ્રીરામનો પિતૃદોષ છેક લવ-કુશ સુધી અસરકર્તા રહેલો. ભગવાન શ્રીરામનો પિતૃદોષ એ જ્યોતિષ જગતનું બેનમૂન ઉદાહરણ છે. કૌરવો અને પાંડવોને પણ પિતૃદોષ લાગેલો. ફ્ળસ્વરૃપ તેમનાં કુળ અને કારકિર્દીનો સર્વનાશ થયેલો. પિતૃદોષને આપણે સામાન્ય ગણી તેને નકારતા હોઈએ છીએ, પરંતુ આ દોષના કારણે કુટુંબમાં આકસ્મિક અણધાર્યાં મૃત્યુ થવાં, મિસકેરેજ થવા, કુટુંબના સભ્યોને કેન્સર જેવી મહામારી થવી, સંતાનસુખમાં વિલંબ અને અવરોધ આવવા, લગ્નજીવન નિષ્ફ્ળ જવાં અને દેવાંદારી નાદારી જેવી સ્થિતિ ઊભી થવી જેવાં અસંખ્ય કારણો અને તારણો સામે આવે ત્યારે અવશ્ય સમજવું કે પિતૃ દેવ તમારાથી નારાજ છે.

નિઃસંતાન મૃત્યુ થવું, દીકરીનાં લગ્નમાં વિલંબ, મુશ્કેલીઓ, કષ્ટ, પીડા, દેવું થવું, કોર્ટ-કચેરીનાં લફ્રાં અને અસાધ્ય બીમારી આ તમામ બાબતોનું મૂળ કારણ પિતૃદોષ ગણાય. જ્યોતિષ રત્નાકર અને સારાવલી ગ્રંથમાં પિતૃદોષની સાથે સાથે અન્ય દોષોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. ઉપરોક્ત ગ્રંથમાં જણાવ્યાનુસાર જન્મકુંડળીમાં રાહુ-ચંદ્ર-શનિની યુતિ હોય તો ભાઈ-ભાંડુનો દોષ, રાહુ-બુધની યુતિ હોય તો પુત્રીનો દોષ, રાહુ-શુક્ર પત્નીનો દોષ અને શનિ-રાહુ સર્પદોષ ઉત્પન્ન કરે છે.

અલબત્ત, જન્મકુંડળીમાં પ્રથમ દૃષ્ટિએ દેખાતા દોષ ક્યારેક નિર્દોષ પણ હોય છે, કારણ કે કુંડળીના અન્ય ગ્રહોનું નિરીક્ષણ ખૂબ જ જરૃરી પાસું છે. સૂર્ય-ચંદ્ર સાથે ગુરુ બિરાજમાન હોય તો પિતૃદોષ આપોઆપ નષ્ટ થઈ જાય છે. પિતૃદોષના નિરાકરણ માટે શાસ્ત્રોમાં નારાયણ બલી, ષોડ્ષપિંડ શ્રાદ્ધ, સર્પપૂજા, બ્રાહ્મણોને ગૌદાન અને પીપળાના વૃક્ષની વાવણી કરવી વગેરે ઉપાય દર્શાવ્યા છે, પરંતુ જો જાતકે બિનજરૃરી ખર્ચાળ વિધિમાં ઊતરવું ન હોય તો અહીં જણાવેલો અતિ સરળ રસ્તો છતાં વેધક ઉપાય કરવાથી પિતૃદોષમાંથી અવશ્ય મુક્તિ મળે છે.  

ઉપાય 

શ્રાદ્ધપક્ષમાં પિતૃઓની કૃપા મેળવવા માટે નીચે પ્રમાણે ઉપાય કરવા જરૃરી છે.

ઁ હ્રીં સૂર્યાય નમઃની એક માળા રોજ કરવી.

તાંબાના લોટામાં સૂર્યને જળ ચઢાવવું. (વહેલી સવારે)

પાણિયારાના માટલાં પાસે આડી-ઊભી દિવેટનો દીવો રોજ સવારે કરવો.

દર અમાસે પીપળાને સૂતરની આંટી વીંટવી.

પિતૃઓની જે-તે તિથિએ શ્રાદ્ધ હોય તે તિથિએ નૈઋત્ય કોણમાં કે જ્યાં પિતૃઓનો વાસ હોય છે ત્યાં કાંસાની થાળી, વાટકી અને ચમચી સાથે તાંબાના લોટામાં જળ ભરી થાળીમાં દૂધપાક-ખીર અને તમામ ભોજન તે ખૂણામાં મૂકી રાખવા જેથી પિતૃઓ તે ગ્રહણ કરીને પ્રસન્ન થશે અને આશીર્વાદ આપશે.

શાસ્ત્ર પ્રમાણે શ્રાદ્ધના દિવસે જે પાંચ બલિ છે જેમ કે, પીપળો, દેવ, કાગડો, કૂતરું અને ગાય. આ પાંચ બલીનું ભોજન અલગથી કાઢીને રાખવું. દરેકની થાળી તેની સમક્ષ મૂકવી જેમ કે, પીપળા આગળ એક થાળી મૂકવી, દેવતાઓ આગળ, કૂતરા, કાગડા અને ગાય સામે એક થાળી મૂકીને તેમને ખવડાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.

શ્રાદ્ધપક્ષમાં પિતૃઓની તિથિએ સ્નાનાદિકાર્યથી પરવારીને શ્વેત વસ્ત્રો ધારણ કરવાં, જનોઈ ધારણ કરવી અને વસ્ત્ર નાભિથી નીચે ધારણ કરવું. તર્પણ કરતી વખતે નાભિ પર પિતૃઓને યાદ કરીને હળદર ચંદન મિશ્રિત ચાંલ્લો કરવો અને પિતૃઓની તસવીર પર પણ ચાંલ્લો કરવો. ત્યારબાદ શીરો, ખીર વગેરે ધરાવીને પ્રસાદ ગ્રહણ કરવો. 

જીવનમાં ત્રણ ઋણ હોય છે. પિતૃઋણ, દેવઋણ અને ઋષિઋણ. દેવઋણ અને ઋષિઋણ આપણે તેમને પૂજા-પાઠ દ્વારા કે માન આપીને ચૂકવીએ છીએ, પરંતુ પિતૃઓ સ્વર્ગસ્થ હોય છે જેઓ શ્રાદ્ધપક્ષમાં પૃથ્વી પર સૂક્ષ્મ સ્વરૃપે હાજર હોય છે તેથી તેમનું ઋણ ચૂકવવા માટે જે-તે પિતૃની તિથિએ આકાશ તરફ જોઈને સૂર્યોદય વખતે ચંદન, કંકુ, અબીલ-ગુલાલ મિક્સ કરીને તેના છાંટણા પૂર્વ દિશા તરફ પિતૃઓને યાદ કરીને છાંટવા જોઈએ તથા એ દિશામાં ખીર-પૂરીની થાળી તૈયાર કરીને પિતૃઓનું આહ્વાન કરીને શ્રદ્ધાપૂર્વક જમાડવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.

પિતૃઓ સૂક્ષ્મ સ્વરૃપે ફરતા હોય છે. તેઓ રસ અને ગંધને પારખતા હોય છે. આથી જે-તે પિતૃઓનું શ્રાદ્ધ તમે કરી રહ્યાં હોવ તેમની પસંદગીની વસ્તુ પણ થાળીમાં રાખવી જોઈએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો