પીપળો વધુ ફૂલેફાલે એ વર્ષે ખૂબ જ અનાજ પાકે - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • પીપળો વધુ ફૂલેફાલે એ વર્ષે ખૂબ જ અનાજ પાકે

પીપળો વધુ ફૂલેફાલે એ વર્ષે ખૂબ જ અનાજ પાકે

 | 12:30 am IST
  • Share

જે વર્ષે જાંબુડાનાં વૃક્ષ ખૂબ જ  તથા પુષ્કળ જાંબુ આવે તે વર્ષમાં તલ તથા અડદ પુષ્કળ નીપજે છે

વિક્રમ રાજાના સમયમાં આચાર્ય વરાહમિહિરે પોતાના સુપ્રસિદ્ધ ગ્રંથ બૃહત સંહિતામાં કુસુમલતા નામે એક સ્વતંત્ર પ્રકરણ વનસ્પતિ ઉપર લખ્યું છે. આપણા કૃષિપ્રધાન દેશ માટે તે પ્રકરણનો સિદ્ધાંત અત્યંત ઉપયોગી છે.

આચાર્ય વરાહમિહિર જણાવે છે કે ખેતીવાડીની જે જે ચીજો છે તે કોઇ ને કોઇ વનસ્પતિ સાથે ગુણદોષમાં મળતી આવે છે. આથી ભરઉનાળામાં ઊગતી વનસ્પતિઓને જોઇને આપણે આગામી ચોમાસામાં કે આગામી શિયાળામાં થનારી ખેતીની પેદાશ (કૃષિઉપજ) અંગે અટકળ આગાહી (પૂર્વાનુમાન) કરી શકીએ છીએ.

આચાર્ય વરાહમિહિરે સૂચવેલા મુદ્દાઓ

(૧) જે વર્ષે ખાખરાનાં વૃક્ષ ખૂબ જ ફ્ૂલેફલે છે, તેને પુષ્કળ કેસૂડાં આવે તે વર્ષે કોદરા તથા બંટીનો પાક વિશેષ થાય છે.

(૨) જે વર્ષે જાંબુડાનાં વૃક્ષ ખૂબ જ ફ્ૂલેફલે તથા પુષ્કળ જાંબુ આવે તે વર્ષમાં તલ તથા અડદ પુષ્કળ નીપજે છે.

(૩) વડ જો ખૂબ ફ્ૂલેફલે તો જવ અઢળક થાય છે.

(૪) મહુડા અતિશય આવે તો તે વર્ષમાં ઘઉંનંુ ઉત્પાદન વિશેષ થાય છે. આ વાત અનુભવમાં અમને સાચી લાગી છે.

(૫) સુગંધિત ફ્ૂલવાડી, જૂઈ, મોગરો વગેરે ખૂબ ફલે તે વર્ષમાં કપાસનો પાક સારો થાય છે.

(૬) બોરડી ઉપર બોર વધારે આવે ત્યારે કળથીનો પાક વધુ નીપજે છે.

(૭) જે વર્ષે પીપળો વધુ ફ્ૂલેફલે તે વર્ષે બધાં જ અનાજ વધુ પાકે છે.

(૮) બીલી વૃક્ષ વધુ ફ્ૂલેફલે તે વર્ષે મગની ખેતી સારી થાય છે.

(૯) દર્ભ (દાભડો) અને દૂર્વા (ધરો) ખૂબ જ થાય ત્યારે શેરડીનો પાક વધુ નીપજે છે.

(૧૦) જે વર્ષે ખીજડાનાં ઝાડ વધુ ફ્ૂલેફલે ત્યારે વરસાદ ઓછો જણાય, દુષ્કાળ જેવી સ્થિતિ જોવા મળે છે.

(૧૧) કોઠી-કોઠમડી વધુ ફલે ત્યારે તે વર્ષે પવનનાં તોફન વિશેષ જોવા મળે છે. વાયરા-પવન વધુ ફ્ૂંકાય છે.

(૧૨) લીમડો વધુ ફ્ૂલેફલે તથા લીંબોળી વધુ આવે તે વર્ષે વરસાદ સારો જોવા મળે છે.

(૧૩) પીલુડી વધારે ફલે ત્યારે રોગ ઓછા જોવા મળે છે. મનુષ્યોમાં આરોગ્ય સારું જોવા મળે છે.

(૧૪) ભીલમાનાં ઝાડ વધુ ફલે તે વર્ષમાં ભયાનક બનાવો- અઘટિત ઘટનાઓ સર્જાય છે.

(૧૫) જે વર્ષે કેળાં વધુ થાય તે વર્ષમાં બકરીઓ વધુ જન્મે છે. ઘેટાં-બકરાંના જન્મનું પ્રમાણ ખૂબ જ ઊંચું જોવા મળે છે.

(૧૬) પાણીમાં થતી વનસ્પતિઓ (સમુદ્રમાં કે મોટાં સરોવરોમાં) વધુ જોવા મળે તે વર્ષમાં શંખ- મોતી વધુ નીપજે છે.

ઉપરના નિયમોને પુષ્ટિ મળે તેવી કહેવત આજે પણ ભાલપ્રદેશ, નળ સરોવર તથા ઉત્તર ગુજરાત વિસ્તારમાં જોવા મળે છે કે બોરે બાજરી અને જાંબુડે જુવારચણીબોરની વિપુલતા ઉપરથી બાજરીની અને જાંબુડાની વિપુલતા ઉપરથી જુવારની ઉપજનો અંદાજ મળી જાય છે.

કીમિયાગરોની જાણ માટે આચાર્ય વરાહમિહિરે એક નિયમ નોંધ્યો છે કે, જે વર્ષે આકડો વધુ થાય તે વર્ષમાં સોનું વધુ નીપજે છે. આ નિયમ નક્કી કરવામાં એવું લાગે છે કે આકડો સૂક્ષ્મ પ્રમાણમાં પણ સોનાના રજકણો ચૂસતો હોવો જોઈએ.

વનસ્પતિઓ કોઇ ને કોઇ ધાતુ ચૂસીને વધે છે. આ નિયમના આધારે જ મધ્યકાલીન કીમિયાગરોએ એમ માન્યું હશે કે રીસામણી, કાળો ધંતુરો, ભોરીંગણી, સરપંખો, ઝેરી દૂધવાળા થોર વગેરેમાં ધાતુ પલટાવવાની શક્તિ રહેલી છે. મધ્યકાળમાં કીમિયાગરો તાંબામાંથી તથા પારામાંથી સોનું બનાવવા માટે ખૂબ જ મથ્યા છે. ધાતુઓમાંથી હલકાપણું ઓછુ કરી ઘનતા વધારવા માટે ગળપણ, મધ અને શેરડીના રસનો ઉપયોગ મધ્યયુગમાં થયો છે. વનસ્પતિમાંથી નીકળતો પીળો રંગ તાંબાને પીળું રંગી શકે છે. મંત્રશાસ્ત્ર તથા તંત્રશાસ્ત્રમાં વનસ્પતિઓના ઘણા ચમત્કારિક પ્રયોગના ઉલ્લેખ મળે છે. તેનો કોઇ અનુભવ નથી છતાં એ વાત માનવી પડે એમ છે કે વનસ્પતિઓમાં ઘણી શક્તિ છુપાયેલી છે.

ખેડૂતો, ખેતમજૂરો, આદિવાસી જેવા સરળ છતાં અભ્યાસી લોકો દ્વારા જ આ જ્ઞાાન આગળ ધપતું રહ્યું છે. તેમની આ વર્ષોની જાણકારીનો સમજપૂર્વક, નીરક્ષીર વિવેકથી ઉપયોગ કરવામાં આવે તો માનવજાતને ઉપયોગી નીવડે તેમ છે.

કુંવારપાઠાનો રસ હાથે ચોપડવાથી અગ્નિની ગરમી ઓછી લાગે છે. આજે કુંવારપાઠા (એલોવેરા)નો ઉપયોગ ખૂબ વધ્યો છે. આજના પ્રગતિશીલ ખેડૂતો, આંગણામાં જમીન ધરાવતા નગરજનો, બગીચાના નિયમિત મુલાકાતી નાગરિકો, ઔદ્યોગિક વસાહતો ધરાવતાં ઉદ્યોગગૃહો આ બાબતે આગળ આવી શકે છે. સેમ્પલ સરવે જેવા શુભ હેતુથી પણ અમુક વૃક્ષો ઉછેરવાં જોઈએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો