ફોન ટેપિંગથી બચવાનો સરળ ઉપાય : ચ્યૂઇંગમ માસ્ક! - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • ફોન ટેપિંગથી બચવાનો સરળ ઉપાય : ચ્યૂઇંગમ માસ્ક!

ફોન ટેપિંગથી બચવાનો સરળ ઉપાય : ચ્યૂઇંગમ માસ્ક!

 | 8:09 am IST
  • Share

પહેલાં એવું કહેવાતું કે નાનાં-મોટાં રમખાણો કે કરફ્યૂ દરમિયાન ઘરનાં બારીબારણાં ખોલવામાં જોખમ જણાતું, આજે એવું નથી. આજે આપણે વિકાસ કર્યો છે, આપણે જ નહીં મોટાભાગની દુનિયાએ! જુઓને, ઇઝરાયેલની પેગાસસ ફોન ટેપિંગ ઘટનાએ તો આપણને ઘરનાં બારીબારણાં જ નહીં, આપણાં એકના એક મોઢાં, કાન અને આંખો પણ બંધ રાખવાની ડરામણી બીક બતાવી દીધી છે. બીક બે પ્રકારની હોય (૧) ડરામણી, અને (૨) રળિયામણી! ડરામણી બીક એને કહેવાય કે જ્યારે શાસકો જનતાને કાયદા પ્રમાણે જ વિચાર, વાણી અને વર્તન કરવાની ફરજ પાડે અને આમ આદમી એનું પાલન ન કરે તો સજા કરવાની જે ચીમકી આપવામાં આવે એને ડરામણી બીક કહેવાય. શાસકોથી આમ આદમી ડરતો રહે. બીજી બીક છે – રળિયામણી : શાસકો જનતાને કાયદા પ્રમાણે વિચાર, વાણી અને વર્તન કરવાની ફરજ પાડે પણ શાસક પક્ષના જ અમુક નેતાઓ, ઉપનેતાઓ, સહનેતાઓ, ખલનેતાઓ, બલનેતાઓ કે નિર્બલનેતાઓ, એ કાયદાની ઐસી કી તૈસી કરી મનફાવે એવું વિચારી શકે, બેફામપણે બોલી શકે અને નિરકુંશપણે વર્તન કરી શકે ત્યારે, આવી અહિંસક બીકને કેટલાક શાણા અને વફાદાર વિશ્લેષકો રળિયામણી બીક તરીકે ઓળખાવી પોતાનો પરિચય આપી દેતા હોય છે.

હમણાં એક નેતાશ્રીને મળવાનું થયું. પેગાસસ ફોન ટેપિંગની ઘટના પછી આમ તો મોટાભાગના નેતાઓ-અભિનેયાઓ ફોન પર કે રૂબરૂમાં મળવાનું ટાળતા જ હોય છે. પણ અમે જે નેતાશ્રીને મળવા ગયા, એમણે તો અમને ઊભા થઈને આવકાર્યા. આવકાર્યા કેવા! અમારી અને એમની વચ્ચે મોટો તકિયો ગોઠવી અમને ભેટી પડયા. તકિયા સાથે ભેટવાનું કારણ પૂછયું તો એમણે સસ્મિત કહ્યું, : ‘સોશિયલ ડિસ્ટન્સિંગ! હું નેતા છું, તો શું થયું, માણસની જેમ રહેવાનું મને આટલા વરસો પછી પણ ગમે છે. જોકે એમાં થોડું સહન કરવું પડે છે, પણ ગમે છે. બોલો, કેમ આવવું પડયું?’

‘સર,’ અમે અમારો મોબાઇલ ફોન ચાલુ કરી, એમના શ્રીમુખ સન્મુખ રાખીને પૂછયું : ‘આ પેગાસસ… વિશે’

‘સી…સ…’ હોઠ પર આંગળી મૂકી એને નાક તરફ લંબાવતા એમણે નકારાત્મક ડોક હલાવીને અમારા લંબાવેલા હાથને પાછો ઠેલતાં અમને નમસ્કાર કર્યા. આમ તો નમસ્કારના ઘણા અર્થ થતા હશે, પણ આપણા ન્યૂ ચાણક્યના મતે એના મુખ્ય ત્રણ અર્થ થાય છે. (૧) આભાર વ્યક્ત કરવો, (૨) કોઈને ધન્યવાદ આપવા, અને (૩) તમારાથી તો તોબા. હવે એવો નિઃશબ્દ ભાવ પ્રગટ કરવો. અમે વિચારમાં પડી ગયા કે આ ત્રણમાંથી અમારે કયો અર્થ સમજવો? પણ જવા દો, સમજવાથી જેટલા દુઃખી થવાય છે એના કરતાં નહીં સમજવાથી કેટલા બધા સુખી થવાય છે એ અનુભવ્યા પછી અમે આવું તેવું વિચારવાનું અને સમજવાનું છોડી જ દીધું છે.

આમ તો મોટાભાગના રાજકારણીઓ પોતાની પાસે ત્રણ-ત્રણ ને ચાર-ચાર ઔમોબાઇલ રાખવાની દેશસેવા કરતા હોય છે. ફોન ‘રાખીને’ દેશસેવા કરવાનું એટલું બધું મહત્ત્વ નથી, જેટલું ફોન ‘રાખવાની’ દેશસેવા કરવાનું મહત્ત્વ છે.

દિલ્હીના એક ખ્યાતનામ અંગ્રેજી ન્યૂઝ પેપરમાં એક નીડર નેતાએ ચોવીસ કેરેટની નિર્ભીકતા દર્શાવતાં એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે ‘આજના બગડી રહેલા પર્યાવરણમાં અને ચેઇન્જ થઈ રહેલા ક્લાઇમેટમાં મોબાઇલના ઉપયોગ પર કડકમાં કડક પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. આવા નાજુક સમયમાં મોબાઇલનો ઉપયોગ કરવો એ ખુરશીની ખુશી માટે અને સત્તાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. સરકારે યુદ્ધના ધોરણે ‘ન બોલ્યામાં નવ નહીં, નવસો નવ્વાણું ગુણ છે’ એ કહેવતનાં સૂત્રો સાઇન બોડ્ર્ઝ અને ઠેરઠેર ર્હોિંડગ્સ મુકાવી દેવાં જોઈએ. અત્યારનો માહોલ જ એવો છે કે કમસે કમ દરેક રાજ્યો અને કેન્દ્રનાં નાનાં કે મોટાં સાચાં કે ખોટાં – દરેકે દરેક મંત્રાલયોની ચારે દીવાલો પર આ કહેવતના વોલ-પીસ બનાવડાવીને મુકાવડાવી દેવાં જોઈએ…

‘એક મિનિટ સર’ પેલા અંગ્રેજી ન્યૂઝ પેપરના એક એક્ટિવ જર્નાલિસ્ટે આજુબાજુ જોઈ સહેજ ધીમે અવાજે પૂછયું, ‘આમ કરવાથી ફાયદો શું થશે?’ ત્યારે એ નેતાશ્રી પક્ષસહજ અકળાયા, ‘તમે લોકો ફાયદા વિશે વિચારતા ક્યારથી થઈ ગયા? જે વૈચારિક ક્ષેત્ર અમારા પૂરતું મર્યાદિત છે એમાં કોઈનો હસ્તક્ષેપ, પાદક્ષેપ કે જિહ્વાક્ષેપ અમે કે અમારા નેતાઓ સહેજ પણ ચલાવી લેતા નથી. ખબરદાર જો ફાયદાની વાત કરી છે તો..!’ પેલા પત્રકારે આૃર્યના આઘાત સાથે પૂછયું, ‘પણ સર, હું મારા કોઈ પર્સનલ બેનિફિટની વાત નથી કરતો, હું તો એમ જાણવા માગું છું કે આમ કરવાથી સમાજને અને દેશને શું ફાયદો થશે?’

‘એમ ચોખવટ કરો ને, કે તમે દેશ અને સમાજના ફાયદાનું વિચારો છો. બાકી, અમારી આચારસંહિતા મુજબ, પર્સનલ બેનિફિટની વાત અને વિચાર કરવાનો અમારા સિવાય કોઈનેય, અમે અધિકાર આપતા નથી. તમે પૂછયું, કે દીવાલે દીવાલે આવાં સૂત્રોનાં બોડ્ર્ઝ મૂકવાથી દેશને અને સમાજને શું ફાયદો થશે… બરોબર ને? તો જુઓ, સરકારી કાર્યાલયોમાં નિરવશાંતિ જળવાશે. જેમ જલ નિયંત્રણ બોર્ડ છે અને એ પાણી બચાવવાનું કામ કરે છે એમ અમે ‘ધ્વનિ નિયંત્રણ બોર્ડ’ની રચના કરી વાણી બચાવવાનું ભગીરથ કાર્ય પાર પાડીશું. જેમ કેટલાક રોગ પાણીજન્ય હોય છે એમ કેટલીક સમસ્યાઓ ‘વાણીજન્ય’ હોય છે. અમારા આ સૂત્રાત્મક અભિયાનથી અમે વાણીજન્ય સમસ્યાઓને અટકાવી દઈશું. જગતમાં જે કોઈ નાનાં-મોટાં યુદ્ધો થયાં છે એ વાણીજન્ય રોગોને કારણે થયાં છે. અમે માત્ર દેશી શાંતિમાં – મતલબ કે દેશશાંતિમાં જ નહીં, વિશ્વશાંતિમાં પણ માનીએ છીએ. અમારા ઘરમાં ભલે અશાંતિનો ચરુ બારેમાસ ઉકળતો હોય, પણ વિશ્વમાં તો અમે આ રીતે શાંતિ લાવવાનું યજ્ઞાકર્મ કરતા રહેવાની છીએ. આજે નહીં તો કાલે, આપણે વિશ્વગુરુ બનવાનું જ છે… જુઓને, ત્રણ દિવસ પહેલાં ગુરુપૂર્ણિમાનું પર્વ ગયું એ પવિત્ર દિવસે અમે અંદરોઅંદર એકબીજાની ગુરુવંદના કરી, પરસ્પરનું સહિયારું ગુરુપૂજન કર્યું ત્યારે જ અમે એક ગુરોત્તમ સંકલ્પ કર્યો છે કે ર્ઝ્રદ્બી ુરટ્વં દ્બટ્વઅ – જે થવું હોય એ થાય, આવતી ગુરુર્પૂિણમા સુધીમાં અમે આપણને સૌને વિશ્વગુરુ તરીકે ડિક્લેર કરી જ દઈશ. ભલેને પછી વિશ્વના અન્ય દેશો આ વાત સ્વીકારે કે ન સ્વીકારે, અમને કશોય ફેર પડે એમ નથી. આમેય અત્યાર સુધી અમને ક્યાં કશોય ફેર પડયો છે કે હવે પડશે, હેં? બોલો, બીજું કંઈ પૂછવું છે?’

‘સાહેબ, તમે જે નિવેદન આપ્યું એ સારું છે, પણ મેં આપને એ પૂછેલું કે પેલી ઇઝરાયેલની પેગાસસ ઘટના વિશે કંઈક પ્રકાશ પાડશો?’

‘મારી પાસે કે અમારા નેતાઓ પાસે એવી કોઈ ટોર્ચ નથી કે અમે આવી ક્ષુલ્લક ઘટનાઓ પર પ્રકાશ પાડીએ. હા, એ સંદર્ભે હું ચોક્કસ કહીશ કે પેગાસસ ફોન ટેપિંગ ઘટના કેટલી ભયાનક દુર્ઘટના સર્જે છે એનો ખ્યાલ રાખી સૌએ પોત પોતાનાં મોઢા પર મૌનના માસ્ક ધારણ કરી લેવા જોઈએ.’ આટલું કહી એમણે પોતાના મોઢા પર એવું વિચિત્ર માસ્ક ધારણ કર્યું, જે જોઈને પેલા પત્રકારને બીજું આૃર્ય થયું.

‘સર, આ કેવા પ્રકારનું માસ્ક છે? માસ્કનો પાછલો ભાગ એકદમ ગોળ લાડુ જેવો છે, ચહેરા પર એ એડજસ્ટ કેવી રીતે થાય?’

‘જુઓ’, નેતાશ્રીએ માસ્ક ખોલીને બતાવતાં કહ્યું, ‘તમે જેને ગોળ લાડુ જેવો ભાગ કહો છો, એ તદ્દન સાચું છે. પણ આ ગોળ ખાનામાં લાડુના આકારની મીઠી પિપરમિંટ ફિટ કરી દેવાની અને એટલો ભાગ મોઢામાં ગોઠવીને માસ્ક એડજસ્ટ કરી દેવાનું. આમ કરવાથી માસ્કધારક બોલી નહીં શકે, પરિણામે, વાણીજન્ય વાઇરસ ફેલાતા અટકી જશે એટલે ફોન ટેપિંગ જેવી ઘટનાઓ જ બંધ થઈ જશે. આવી ઘટનાઓ જ દુર્ઘટનાનું સર્જન કરે છે. વળી, મોઢામાં લાડુ જેવી મીઠી પિપરમિંટ હશે એટલે માસ્કધર એને મમળાવ્યા કરશે… મુખશુદ્ધિ અને પર્યાવરણશુદ્ધિ બંને જળવાશે! આઇડિયા કેવો લાગ્યો?’

‘બેસ્ટ! બેસ્ટ આઇડિયા સર, રિયલી બેસ્ટ આઇડિયા!’

‘બાફ્યુ ને બોલવામાં?’ નેતાશ્રી અકળાયા, ‘અરે ભ’ઈ, વર્લ્ડ બેસ્ટ કહો, વર્લ્ડ બેસ્ટ આઇડિયા! હમણાં તો મેં કહ્યું કે આપણે વિશ્વગુરુ બનવાનું છે. આવાં સંશોધનો કરીશું તો જ દુનિયા આપણને માનશે ને?!’ આટલું કહી નેતાશ્રીએ મોઢા પર ચ્યૂઇંગમ માસ્ક ધારણ કરી લીધું!

ચૂસકી :

યક્ષ : ‘ગુજરાતી સાહિત્ય અકાદમી ભવન’ રચવાની જરૂર કેમ પડી?

યુધિષ્ઠિર : ગુજરાતને દેશ આખામાં સાહિત્યથી મઘમઘતું કરવાનું છે, મઘમઘતું!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન