બુદ્ધં શરણં ગચ્છામિ : ગૌતમ બુદ્ધ - Sandesh

બુદ્ધં શરણં ગચ્છામિ : ગૌતમ બુદ્ધ

 | 3:00 am IST
  • Share

જપ, તપ અને સાધનાને ઔઅંતે ગૌતમ બુદ્ધને કૈવલ્યજ્ઞાાનની ઔપ્રાપ્તિ થઈ. આ આત્મજ્ઞાાન એવું હતું કે તેની અનુભૂતિમાં તેઓ થોડો સમય મૌન રહ્યા

ગૌતમ બુદ્ધ એક એવા અવતારી સિદ્ધ પુરુષ હતા, જેમના ચરિત્રને જાણ્યા બાદ આધ્યાત્મિક જગતમાં કોઈ વિશેષ જાણવાનું બાકી નથી રહેતું. બૌદ્ધ ધર્મનો માર્ગ જ સાચા અર્થમાં સનાતન ધર્મનો માર્ગ છે. બૌદ્ધ ધર્મનો આત્મા છે તેવું કહીએ તો ખોટું નથી, કારણ કે બુદ્ધ ભગવાનને થયેલા આત્મજ્ઞાાનમાં જ જગતનાં તમામ દુઃખોનું નિવાર્ણ છે.

ગૌતમ બુદ્ધનો જન્મ આસો સુદ દસમના દિવસે નેપાળના લુમ્બિની શહેરમાં થયો હતો, તેમની માતા કપિલવસ્તુની મહારાણી મહામાયાદેવી જ્યારે તેમના પિયર દેવદહ ગામ જતાં હતાં ત્યારે રસ્તામાં લુમ્બિની વનમાં તેમણે બુદ્ધને જન્મ આપ્યો હતો. કપિલવસ્તુ અને દેવદેહની વચ્ચે લુમ્બિની વન આવેલું છે. આજે આ સ્થળ બુદ્ધના જન્મસ્થળ તરીકે પૂજાય છે.

બુદ્ધ ભગવાનનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. સિદ્ધાર્થના પિતા શુદ્ધોદન કપિલવસ્તુના રાજા હતા અને તેમની પ્રતિષ્ઠા માત્ર નેપાળમાં જ નહીં, સમગ્ર ભારતમાં હતી. સિદ્ધાર્થનાં માતા જન્મના સાત દિવસ બાદ જ સ્વર્ગે સિધાવી ગયાં. સિદ્ધાર્થના લાલન-પાલનની જવાબદારી તેમનાં માસી ગૌતમી પર આવી હતી, તેથી જ તે ગૌતમ બુદ્ધના નામે ઓળખાયા. આપણે સૌ જાણીએ છીએ કે સિદ્ધાર્થનું બાળપણ અતિ વૈભવમાં વીત્યું હતું. સિદ્ધાર્થ રાજકુમાર હોવાથી ઋતુ પ્રમાણેના અલગ અલગ મહેલ તેમના માટે બંધાવવામાં આવ્યા હતા. સિદ્ધાર્થ પોતાની સુખ-સાહેબીની દુનિયામાં એટલા મશગૂલ હતા કે તેમને જગતનાં કોઈ પણ દુઃખનો લેશમાત્ર અહેસાસ ન હતો. તેઓ તો વૃદ્ધાવસ્થા, બીમારી અને મૃત્યુ જેવી નક્કર અવસ્થાથી પણ વાકેફ ન હતા. સિદ્ધાર્થને રાજમહેલમાં એવું સુખ મળ્યું હતું કે તેમણે નથીનામનો શબ્દ જ નહોતો સાંભળ્યો, કારણ કે તેમને જે પણ જોઈએ તે તેમની સામે તરત જ હાજર કરી દેવામાં આવતું.

તેમના જીવનનો એક પ્રસંગ બહુ રસપ્રદ છે, જેને સાંભળીએ ત્યારે ચોક્કસ એમ થાય કે ખરેખર સિદ્ધાર્થ જીવનની કેટલીક કરુણ હકીકતથી બિલકુલ અજાણ હતા. તે જ્યારે નાના હતા અને મિત્રો સાથે મળીને રાજમહેલમાં રમતા હતા ત્યારે તેમણે મિત્રો માટે ખાજા મંગાવવાનો નોકરને આદેશ કર્યો. તે સમયે સંજોગવશાત્ એવું થયું કે રાજમહેલના રસોડામાં ખાજા ન હતા ત્યારે નોકરોએ કહ્યું કે ખાજા નથી, તો સિદ્ધાર્થે કહ્યું કે નથીતો નથીલાવો. અહીં સિદ્ધાર્થે પહેલી વાર નથી શબ્દ સાંભળ્યો હતો, તેથી તેમને એવું થયું કે નથી નામની પણ કોઈ ખાવાની વાનગી હશે. આટલા અજાણ હતા સિદ્ધાર્થ અને જ્યારે જાણ્યું તો એવું જાણ્યું કે જગતનાં દુઃખ, દર્દનું નિવારણ પણ શોધી લાવ્યા અને સિદ્ધાર્થમાંથી ગૌતમ બુદ્ધ બની ગયા.

સિદ્ધાર્થ રાજકુમાર હોવાથી અનેક ગુરુએ તેમને દીક્ષા, ભિક્ષા આપી હતી. તેમણે વેદ અને ઉપનિષદનું જ્ઞાાન મેળવ્યું. આ સાથે તેમણે રાજકીય કામકાજ અને યુદ્ધ વિદ્યાની પણ દીક્ષા લીધી. ઘોડેસવારી, ધનુષ્યવિદ્યા અને કુસ્તીમાં તેમની બરોબરી કોઈ ન કરી શકતું, પણ એક ઘટના તેમની જિંદગીમાં એવી બની કે જેના લીધે પળવારમાં રાજપાટ બધું જ છૂટી ગયું.

એક દિવસ તેમણે નગરમાં ફરવા જવાની ઇચ્છા વ્યક્ત કરી અને આ ઘટનાએ તેમનું સમગ્ર જીવન બદલી દીધું. તેમને નગરમાં ફરતાં ફરતાં રસ્તામાં એક બીમાર વ્યક્તિ, વૃદ્ધ માણસ અને કોઈની નનામી જોઈ. બસ, આટલી ઘટના તેમને બુદ્ધ બનાવવા માટે પૂરતી હતી. તેમને થયું કે, ‘આટલા સારા શરીરને રોગ પણ થઈ શકે છે? આવું સુંદર શરીર વૃદ્ધ પણ થઈ શકે છે? આટલા સારા જીવનનો અંત મૃત્યુ પણ હોઈ શકે છે?’ આ બધા જ પ્રશ્નોએ તેમને વ્યથિત કરી દીધા. તેમને થયું કે મનુષ્યનું આટલું સુંદર જીવન એળે ન જવું જોઈએ. તેમણે જીવનને યથાર્થ કરવાનો માર્ગ શોધવાનું નક્કી કર્યું. તેના માટે તેઓ પત્ની અને બાળકોને છોડીને જીવનનો અર્થ શોધવા નીકળી ગયા. તેમણે કઠોર તપસ્યા કરી. જપ, તપ અને સાધનાને અંતે તેમને કૈવલ્યજ્ઞાાનની પ્રાપ્તિ થઈ. આ આત્મજ્ઞાાન એવું હતું કે તેની અનુભૂતિમાં તેઓ થોડો સમય મૌન રહ્યા. ત્યારબાદ જગતને બુદ્ધં શરણં ગચ્છામિના મંત્ર દ્વારા દુઃખ, દર્દ અને પીડામાંથી મુક્ત થઈને અખંડ આનંદ અને આધ્યાત્મિક્તાનો માર્ગ ચીંધાડયો. સનાતન ધર્મનો સરળ માર્ગ દર્શાવી તેઓ એંશી વર્ષની વયે મહાનિર્વાણ પામ્યા. સ્થૂળ શરીરે તો આજે બુદ્ધ ભગવાન આપણી વચ્ચે નથી, પણ બૌદ્ધ ધર્મના મંત્રમાં અને તે ધર્મમાં અસીમ શાંતિ રૂપે તે આજે પણ સૂક્ષ્મ શરીર રૂપે જીવંત છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો