બોટાદઃ પ્રેમિકાની હાજરીમાં ઘરમાં ઘુસી મિત્રએ જ કરી મિત્રની કરપીણ હત્યા - Sandesh
  • Home
  • Bhavnagar
  • બોટાદઃ પ્રેમિકાની હાજરીમાં ઘરમાં ઘુસી મિત્રએ જ કરી મિત્રની કરપીણ હત્યા

બોટાદઃ પ્રેમિકાની હાજરીમાં ઘરમાં ઘુસી મિત્રએ જ કરી મિત્રની કરપીણ હત્યા

 | 4:09 am IST
  • Share

ા બોટાદ ા

બોટાદમાં બનેલી હત્યાની ચકચારી ઘટનામાં ફિલ્મી સ્ટોરી સમાન કથિત રીતે ચાલતાં પ્રણય ત્રિકોણ સંબંધનો કરૃણ અંજામ આવ્યો છે. જેમાં પ્રેમિકાની હાજરીમાં રિક્ષાચાલક મિત્રએ તેના મિત્રના જ જુના ઘરમાં ઘુસી તેની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા નિપજાવી હતી.જો કે, પોલીસે ગણતરીના સમયમાં જ બન્નેને ઝડપી લીધા હતા.

ચકચારી બનાવની વિગત એવી છે કે, બોટાદના ગઢડા રોડ પર આવેલાં આનંદધામ સોસાયટીમાં રહેતા પ્રમોદ શશીકાંતભાઈ જોષી(ઉ.વ.૨૪) આજે સવારના આઠ કલાક આસપાસ તેના મિત્ર અને રિક્ષાચાલક રમઝાન ઉર્ફે બાલો યુસુફ નિયાતર (રહે. હરણકુઈ, બોટાદ) સાથે શહેરના રામજી મંદિર પાસે આવેલાં હજામની છીંડી ખાતે આવેલાં જુના મકાને સાથે ગયા હતા.જયાંથી સવારના સાડા નવ આસપાસ જુના મકાનના પાડોશીએ પ્રમોદના ભાઈ ઉમેશભાઈને ફોન કરી પ્રમોદની તેના મિત્ર રમઝાને છરી વડે આડેધડ ઘા ઝીંકી હત્યા નિપજાવ્યાની જાણ કરી હતી.જેના પગલે ઉમેશભાઈ તથા તેના માતા ઘટના સ્થળે દોડી ગયા હતા.જયાં પ્રમોદ પોતાના ઘરમાં લોહીલુહાણ હાલતે લથપથ પડયો હોવાનું જણાતા પોલીસને જાણ કરાઈ હતી.બનાવની જાણ થતાં જ બોટાદ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને મૃતદેહનો કબ્જો લઈ પીએમ અર્થે સોનાવાલા હોસ્પિટલ ખસેડયો હતો. જયારે,હત્યાના બનાવને લઈ તપાસના ધમધમાટ શરૃ કર્યો હતો.

જયારે, હત્યાના બનાવને લઈ મૃતક પ્રમોદના ભાઈ ઉમેશભાઈ શશીકાંતભાઈ જોષીએ બોટાદ પોલીસ સ્ટેશનમાં મૃતક પ્રમોદ શશીકાંતભાઈ જોષીના મિત્ર અને રિક્ષાચાલક રમઝાન ઉર્ફે બાલો યુસુફ નિયાતર (રહે. હરણકુઈ, બોટાદ) તથા પૂજા નામની યુવતી વિરૃદ્વ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી તેના સ્ત્રી મિત્ર સાથે તેના નાનાભાઈ પ્રમોદ તથા તેની પ્રેમિકા અને પ્રમોદનો મિત્ર રમઝાન ગતરોજ ભગુડા દર્શન કરવા ગયા હતા. જયાં મંદિરમાં માતાજીની સાક્ષીએ પ્રમોદે તેની પ્રેમિકાને સેંથામાં સિંદૂર પુર્યું હતું.જયારે,રમઝાનને ભાઈ માની તેની પાસે રાખડી બંધાવતાં ત્રણેય વચ્ચે ઝઘડો થયો હતો. અને બાદમાં સમાધાન પણ થઈ ગયું હતું. જો કે, આજે સવારે પ્રમોદના જુના ઘરે તેને બોલાવી તેના ઘરમાં જ પ્રેમિકા અને રમઝાને એકબીજાની મદદગારી કરી પ્રમોદ પર છરીના આડેધડ ઘા ઝીંકી તેની હત્યા કરી હતી.બનાવ અંગે બોટાદ પોલીસે બન્ને વિરૃદ્વ યુવકના ઘરમાં ઘુસી તેની હત્યા નિપજાવ્યાની કલમ અન્વયે ગુન્હો નોંધ્યો હતો. જયારે, બનાવને લઈ બોટાદ પોલીસે ગણતરીના સમયમાં જ બન્નેને ઝડપી લીધા હતા.

મૃતકની પ્રેમિકા જુના ઘરે રહેતી, રમઝાન સાથે સંબંધનો દાવો

પોલીસ ફરિયાદ અને પોલીસ તપાસમાં એવી વિગત નોંધાઈ છે કે, મૃતક પ્રમોદની પ્રેમિકા છેલ્લા ઘણાં દિવસોથી હજામની છીંડી ખાતે આવેલાં પ્રમોદના જુના મકાનમાં રહેતી હતી.એટલું જ નહીં, તેને રમઝાન સાથે પ્રેમ સંબંધ હોવાનો અને પ્રમોદ પણ તેને પસંદ કરતો હોવાથી બન્નેએ એકબીજાની મદદગારી કરી પ્રમોદની હત્યા નિપજાવી હતી. જો કે, પોલીસે આ હકિકતને પ્રાથમિક તપાસ ગણી તેના આધારે પોલીસ તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે.

બન્ને ગાઢ મિત્રો હતા, રિક્ષામાં  સાથે ફરતા હોવાની ચર્ચા

પોલીસ તપાસમાં એવી વિગત ખુલી હતી કે, મૃતક પ્રમોદ અને તેની કરપીણ હત્યા કરનાર રમઝાન બન્ને ગાઢ મિત્રો હતો. અને બન્ને રમઝાનની રિક્ષામાં સાથે ફરતા જોવા મળતા હતા.પોલીસ તપાસમાં પણ બન્નેની મિત્રતા અંગે તેના નજીકના વર્તૂળો અને પરિવારે પણ સમર્થન આપ્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો