ભગવાન શ્રીરામની પૂજા સ્વીકારીને મા જગદંબાએ આયુધો અને આશીર્વાદ આપ્યાં - Sandesh
  • Home
  • Supplements
  • Shraddha
  • ભગવાન શ્રીરામની પૂજા સ્વીકારીને મા જગદંબાએ આયુધો અને આશીર્વાદ આપ્યાં

ભગવાન શ્રીરામની પૂજા સ્વીકારીને મા જગદંબાએ આયુધો અને આશીર્વાદ આપ્યાં

 | 3:00 am IST
  • Share

લંકા યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે બ્રહ્માજીએ પ્રભુ શ્રી રામને ચંડીપાઠ પૂજન તથા નવરાત્રી વ્રતવિધિ જણાવી હતી

લંકા યુદ્ધમાં વિજય માટે નવરાત્રિ અનુષ્ઠાન

રાવણ કુળનો સંહાર કરવા માટે લંકા યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે બ્રહ્માજીએ પ્રભુ શ્રી રામને ચંડીપાઠ પૂજન તથા નવરાત્રિ વ્રતવિધિ જણાવી. મા જગદંબાને ત્વરિત પ્રસન્ન કરવા માટે પ્રભુ શ્રી રામે 108 દુલર્ભ કમળની વ્યવસ્થા કરી. નવ દિવસ સુધી મા જગદંબાનું અનુષ્ઠાન-આરાધના-ઉપાસના અને ઉપવાસ કર્યાં. આ તરફ લંકામાં રાવણે પણ ચંડીપાઠ પૂજાવિધિ આરંભ કરી. ઈન્દ્રદેવે પવનદેવ મારફત પ્રભુ શ્રીરામને રાવણના ચંડીપાઠ પૂજાવિધિના સમાચાર આપ્યા ને સતર્ક રહેવા જણાવ્યું. પ્રભુ શ્રીરામની ચંડીપાઠ-પૂજાવિધિ અપૂર્ણ રહે તે માટે રાવણે છળ કરીને પ્રભુ શ્રીરામની પૂજા સામગ્રીમાંથી એક કમળ ગાયબ કરી નાખ્યું. પ્રભુ શ્રી રામનો સંકલ્પ તૂટતો જણાયો ત્યારે પોતાની નીલકમળ જેવી આંખ (નયન કમળ) ચડાવવા રામે આયુધ ઉગામ્યું. તુરત જ મા જગદંબા ઉપસ્થિત થયાં અને પ્રભુ શ્રી રામની પૂજા સ્વીકારી તેમના ઉપર પ્રસન્ન થઈને રાવણના સંહાર માટે દિવ્ય આયુધો પ્રદાન કરી વિજયી ભવઃના આશીર્વાદ આપ્યા.

રાવણના સંહાર માટે રામચંદ્રજીએ કરી આદિત્ય હૃદય ઉપાસના

રાવણ અતિ શક્તિશાળી હતો. તેનાં દસ માથાં અને મગજ જેટલી શક્તિ ભરેલી હતી. લંકા યુદ્ધ દરમિયાન રાવણ કુળના અનેક શત્રુઓનો સંહાર કર્યા પછી અંતમાં રાવણનો સંહાર કરવા માટે અગસ્ત્ય મુનિએ પ્રભુ શ્રીરામને આદિત્ય હૃદય સ્તોત્રનું અનુષ્ઠાન કરવા માર્ગદર્શન કર્યું. પ્રભુ શ્રી રામે આદિત્ય હૃદય સ્તોત્રના અનુષ્ઠાનથી અપ્રતીમ વિજયશક્તિ અને સફળ શક્તિ પ્રાપ્ત કરી જેના ફળસ્વરૂપ પ્રભુ શ્રી રામે રાવણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો.

કહેવાય છે કે, જીવનનાં તમામ કષ્ટોનું નિવારણ, માનસિક કષ્ટનું નિવારણ કરવા, હૃદયરોગ દૂર કરવા, માનસિક તણાવ, શત્રુ કષ્ટ દૂર કરવા માટે નિત્ય અથવા તો રવિવારના પ્રાતઃકાળે આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરવાથી તમામ પ્રકારે વિજય અને સફળતા પ્રાપ્ત થાય છે.

આ રીતે પ્રભુ શ્રીરામે રામેશ્વર મહાદેવ, મા જગદંબા તથા આદિત્ય હૃદય (સૂર્યનારાયણ) ભગવાનની તથા તમામ દેવી-દેવતાની કૃપાથી આસુરી વૃત્તિ ઉપર વિજય પ્રાપ્ત કર્યો.

રાવણમાં અપાર શક્તિ હોવા છતાં પણ શા માટે નાશ પામ્યો?

રાવણ અતિ શક્તિશાળી, અતિ અનુષ્ઠાની હતો. તમામ દેવી-દેવતાની અપાર કૃપા તેના ઉપર પણ હતી. તેની પાસે જે દિવ્ય શક્તિ હતી તે શક્તિ સારા માર્ગે વાપરવાને બદલે અયોગ્ય માર્ગે વાપરી, સ્ત્રી શક્તિનું ભરપૂર અપમાન કર્યું. સ્ત્રી શક્તિને પોતાની કરવા માટે એક યા બીજી રીતે જુલ્મો કરાવ્યા. પોતાની દિવ્ય શક્તિથી ધર્મની રક્ષા કરવાના બદલે અધર્મ વૃત્તિ અપનાવી જેના કારણે તમામ દેવી શક્તિ, તમામ દેવી-દેવતાઓની પરમ શક્તિ પ્રભુ શ્રીરામમાં એકત્રિત થઈને આસુરી વૃત્તિનો સંપૂર્ણ નાશ કર્યો.

દશેરા પ્રસંગ ઉપરથી માનવજીવનને સંદેશ

પૌરાણિક કથામાં જોયું કે ઈશકૃપાથી અને પ્રભુ શ્રીરામના પ્રયત્નથી આસુરી વૃત્તિનો સંહાર થયો. આ ઘટનાને આપણી સંસ્કૃતિ મુજબ વિચારીએ તો…

યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ। 

તત્ર શ્રી ર્િવજયો મૂતિર્ધ્રુવો નીતિર્મતિર્મમ।। 

અર્થાત્ઃ જ્યાં યોગેશ્વર કૃષ્ણ અને ધનુર્ધર પાર્થ છે ત્યાં વિજય છે, શ્રી લક્ષ્મી છે, કલ્યાણ છે તેમજ શાશ્વત નીતિ છે. અર્થાત્ યોગેશ્વર કૃષ્ણ એટલે ભગવાનની કૃપા અને ધનુર્ધર પાર્થ એટલે સતત પ્રયત્નશીલ માનવ.

આ બંનેનો યોગ સધાય તો ગમે તેવી કપરી મુશ્કેલી નાશ પામી વિજય પ્રાપ્ત થાય છે. આ દશેરાનો ઉત્સવ ભક્તિ અને શક્તિ અને પ્રયત્નનો સમન્વય સમજાવતો ઉત્સવ છે. નવ દિવસની ઉપાસના કરી, શક્તિ પ્રાપ્ત કરી મનુષ્ય અથાગ પ્રયત્ન કરીને વિજય પ્રાપ્ત કરવા થનગને તે બહુ સ્વાભાવિક છે. દશેરા એટલે વિજય પ્રસ્થાનનો ઉત્સવ છે.

બાહ્ય શત્રુની માફક આંતરિક શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરવાનો ઉત્સવ

આપણા મનના દેહના અસંખ્ય શત્રુઓ જેવા કે, અભિમાન, મોહ, આળસ, લોભ, મદ, મત્સર, ગુસ્સો. કામવાસના, ઈર્ષ્યા, વેરભાવના અસત્ય, આ તમામ આંતરિક શત્રુઓ જીવનમાં ક્યારેય પણ પદ-પ્રતિષ્ઠા, વિજય,માન-સન્માન અપાવતા નથી. આ શત્રુઓથી ઘેરાયેલો માનવ મૂલ્યહીન બની જાય છે. માનવમાં પશુતા જન્મે છે. તેનો સામાજિક દરજ્જો નબળો પડે છે. આ સમયમાં પ્રભુકૃપા-ઈશકૃપા-ઉપાસના, શ્રદ્ધા-ભક્તિથી આપણાં મનના તમામ શત્રુઓનો નાશ કરીને વિજય પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. માનવ માનવ પ્રત્યે લાગણી અને તેને મદદરૂપ થવાની ભાવના કેળવવી જોઈએ. આ લાગણી શમી વૃક્ષ પૂજનમાં જોવા મળે છે.

દશેરાએ શમી વૃક્ષ પૂજન માહાત્મ્ય

આ ઐતિહાસિક ઘટના છે. રઘુ રાજાને સીમાઉલ્લંઘનનો પ્રસંગ આવ્યો. રાજા પાસે વરતંતુનો શિષ્ય કૌત્સ આશ્રમના ઉદ્ધાર માટે ગુરુદક્ષિણાના રૂપમાં ચૌદ કરોડ સોનામહોર લેવા આવ્યો. આ સમયે રાજા પાસે ધન બચ્યું ન હતું. ધર્મસંકટ આવ્યું. ગુરુદક્ષિણા આપ્યા વિના ચાલે તેમ ન હતું. આ સમયે રાજાએ કુબેરને આજ્ઞાા કરી અને કુબેરે શમી વૃક્ષ ઉપર સોનામહોરની વર્ષા કરી. શમી વૃક્ષના માધ્યમથી અઢળક વૈભવ પ્રાપ્ત કર્યો. રઘુ રાજાએ શમી વૃક્ષ ઉપરથી ચૌદ કરોડ સોનામહોર ઉતારી શિષ્યને આપી દીધી અને બાકી વધેલી સોનામહોર પોતે નહીં રાખતાં અન્ય પ્રજાઓના હિતમાં સહુને આપી દીધી. આ ઘટનામાં માનવ પ્રત્યેની લાગણી અને હેત જોવા મળે છે. શમી વૃક્ષે અઢળક વૈભવ આપ્યો જેથી આ દિવસે શમી વૃક્ષનું પૂજન કરવાનું માહાત્મ્ય છે અને વૈભવના પ્રતીક રૂપે સગાં-સ્નેહીઓને શમી વૃક્ષનાં પાંદડાં આપવાનો રિવાજ પણ છે. મહાભારતની કથા મુજબ પાંડવોએ પોતાનાં દિવ્ય અસ્ત્ર-શસ્ત્ર શમી વૃક્ષના ઝાડ ઉપર સંતાડયાં હતાં અને આ વૃક્ષના સ્પર્શવાળા શસ્ત્રથી શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો.         

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો