સતલાસણ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી HCએ રદ કરી - Sandesh
  • Home
  • Gujarat
  • સતલાસણ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી HCએ રદ કરી

સતલાસણ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી HCએ રદ કરી

 | 2:37 am IST
  • Share

કોંગ્રેસના સભ્યની ચૂંટણી પૂર્વે જ ધરપકડ, મતદાન કરી ન શકતાં અરજી

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચાલુ વર્ષે થયેલી ચુંટણીને હાઈકોર્ટની ખંડપીઠે રદ કરી દીધી છે. હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, જિલ્લા કલેક્ટર ચાર સપ્તાહમાં આ ચુંટણી આયોજીત કરાવે. હાઈકોર્ટની ખંડપીઠનુ અવલોકન છે કે, આજે અમારા ધ્યાન પર જે ઘટના આવી છે, તેના પ્રત્યે આંખો બંધ કરી દઈએ તો આવતીકાલે ફરી આ પ્રકારની ઘટના બનશે. લોકશાહીમાં ચુંટણીએ મહત્વની પ્રક્રિયા છે અને તેમાં આ પ્રકારની ઘટના ફરી બને તેવું કોર્ટ ઈચ્છતી નથી. આખરે તો કાયદાનુ શાસન હોવું જરુરી છે. ન્યાયતંત્રની સત્તા એ કોઈ કેસ નક્કી કરવાની કે કોઈને સજા કરવાની કે કોર્ટના અનાદર બદલ સજા કરવાની નથી, પરંતુ સામાન્ય માણસની આસ્થા અને વિશ્વાસ કોર્ટમાં જળવાઈ રહે તે છે. કોર્ટ ઈચ્છે કે, સામાન્ય માણસનો કોર્ટ પર રહેલો વિશ્વાસ ટકી રહે, તે ગુમાવે નહીં. ચૂંટણીમાં મતદાન પહેલા અરજદારની ધરપકડ કરીને તેનો મતાધિકાર છીનવવાનો પ્રયાસ સ્વીકારી શકાય નહીં. આ સંજોગોમાં કોર્ટ તેને મળેલી ખાસ સત્તાનો ઉપયોગ કરીને આ ચુંટણીને રદ કરે છે. પ્રમુખ- ઉપપ્રમુખની ચુંટણીના થોડા સમય પહેલા જ પોલીસે વર્ષ 2012ના એક કેસમાં અરજદારને ઉઠાવ્યો હતો. જેથી તે ચુંટણીમાં મતદાન કરી શક્યો ન હતો. પોલીસે આ ચુંટણીના એક દિવસ પહેલા જ અરજદાર સામે ફરિયાદ નોંધી હતી. આ ઘટના બાદ, અરજદારે હાઈકોર્ટમાં અરજી કરેલી. સુનાવણી સમયે, હાઈકોર્ટે ટકોર કરેલી કે, આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ કે જ્યાં કાયદો કે નિયમ અમલમાં હોય તેવું લાગતુ નથી. અહીં કોઈ સલામત નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો