મનમાં જે સર્જાય તે જીવનમાં સર્જાય છે - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • મનમાં જે સર્જાય તે જીવનમાં સર્જાય છે

મનમાં જે સર્જાય તે જીવનમાં સર્જાય છે

 | 4:58 am IST
  • Share

જાગ્રત મન અને અર્ધજાગ્રત મન જુદી જુદી વિશિષ્ટતાઓ ધરાવે છે

 માનવીની સુખશાંતિમાં ઉત્તરોત્તર વધારો થાય તે માટે તેનાં પાપકર્મોનો નિષેધ થાય, વ્યક્તિ નિર્ગ્રંથ બને અને અર્ધજાગ્રત મન વધુ પ્રબળ બને તે જરૂરી છે તે આપણે જોયું. તેમાં ધ્યાનના ફાળા વિશે વધુ ઊંડાણથી સમજીએ તે પહેલાં જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં અર્ધજાગ્રત મનના પ્રભાવ વિશે જાણીએ.

અર્ધજાગ્રત મન ચોવીસેય કલાક આપણી સાથે રહે છે. ઊંઘમાં પણ આપણા શરીરની વૃદ્ધિ કે સર્જન કર્યા કરે છે. શરીરમાં પાચન, રુધિરાભિસરણ, ઉત્સર્ગ, શ્વસન તથા સ્ત્રાવ વગેરે ક્રિયાઓ અર્ધજાગ્રત મનના પ્રભાવથી ચાલે છે. ડૉક્ટર દર્દીને દવા આપે છે કે પાટાપીંડી કરે છે. દર્દીને તંદુરસ્ત કરવાનું અને ઘા રૂઝાવવાનું કામ અર્ધજાગ્રત મન કરે છે. નિયત સમયે ભૂખતરસ લાગવી, ઊંઘ આવવી અને ઊંઘમાંથી જાગી જવું વગેરે બાબતોનું નિયમન કરે છે. સવારમાં જેને યાદ કરીએ તે વ્યક્તિનો રૂબરૂ કે ફોન દ્વારા સંપર્ક થાય. મૂંઝવણવાળા કોઈ પ્રશ્નોના ઉકેલ માટે અથાગ પ્રયત્નો કરીને થાકી જઈએ છતાં હિંમતપૂર્વક પ્રયત્નો ચાલુ રાખીએ ત્યારે શાંતિની પળોમાં ઉકેલ સૂઝી આવે છે. સંશોધન માટે મહેનત કરીને થાકી જતાં વૈજ્ઞાનિક શાંત થઈને બેસી જાય અથવા ઊંઘી જાય ત્યારે તેની શોધની બાબતમાં સ્ફુરણા થઈ આવે છે અને ઉકેલ મળી આવે છે. સઘળી શોધો શાંતિની પળોમાં અર્ધજાગ્રત મનમાં સ્ફુરણાનું પરિણામ છે. નવાઈ પમાડે તેવાં વૈજ્ઞાનિક સંશોધનો, અસાધ્ય રોગોની દવાઓ, વિશ્વ અજાયબીઓ, અવાજથી વધારે ઝડપે ઊડતાં વિમાનો વગેરે અર્ધજાગ્રત મનની દેણ છે. આત્મબળ, આત્મવિશ્વાસ, આત્મસૂઝ, આત્મસંયમ જેવા આત્મા સાથે જોડાયેલા ઉમદા ગુણો વિકસાવી શકે છે. ભય, બીક, લઘુતાગ્રંથિ કે ગુરુતાગ્રંથિમાંથી મુક્ત કરાવી શકે છે. ઉત્તમ સંશોધક, લેખક, કવિ, ચિત્રકાર, ચિંતક, સંગીતકાર, નેતા કે અભિનેતા બનાવી શકે છે. આપણે ઈચ્છીએ તેવી દરેક બાબત માટે તકો ઊભી કરે છે.

જાગ્રત મન અને અર્ધજાગ્રત મન જુદી જુદી વિશિષ્ટતાઓ ધરાવે છે. છતાં એકબીજા સાથે ગહન રીતે સંકળાયેલા છે તે હવે જોઈએ.

પંચેન્દ્રિયો દ્વારા શરીરમાં જુદા જુદા ભાવો ઉત્પન્ન થાય છે અને તેને અનુરૂપ વિચારો જાગ્રત મનમાં આવે છે. જાગ્રત મન વિચારરૂપી જે માહિતી આપે છે તે અર્ધજાગ્રત મન જે તે સ્વરૂપે સ્વીકારી લે છે. આ સઘળી માહિતીનો સંગ્રહ અર્ધજાગ્રત મનમાં થાય છે. હિન્દુ શાસ્ત્રોમાં માનવીની સઘળી બાબતોની નોંધચિત્રગુપ્તના ચોપડે થાય છે તેવો ઉલ્લેખ છે. હકીકતમાં જાગ્રત મન જે સંજોગો અને પરિસ્થિતિની નોંધ લે છે તેનાં સઘળાં ગુપ્ત ચિત્રો અર્ધજાગ્રત મનમાં અંકિત થાય છે. અંકિત થયેલી આ માહિતી અને ચિત્રો તે વ્યક્તિના વિચારો, લાગણીઓ અને શારીરિક પ્રક્રિયાને કે તેની વર્તણૂકને પ્રભાવિત કરે છે અને તે મુજબ વ્યક્તિના જાગ્રત મનની અવસ્થાનું નિર્માણ થાય છે.

આપણે જોયું કે અર્ધજાગ્રત મન, જાગ્રત મનની અવસ્થા પર નજર રાખે છે. અને તે મુજબના સંજોગોને આકર્ષે છે. ટૂંકમાં, ‘મનમાં જે સર્જાય છે તે જીવનમાં સર્જાય છે. તેથી સંજોગો બદલવા હોય તો તેના મૂળમાં રહેલા અર્ધજાગ્રત મનમાં રહેલા ચિત્ર સંગ્રહોને બદલવા પડે, પરંતુ આપણે જોયું તેમ અર્ધજાગ્રત મન અને જાગ્રત મન એકબીજાનાં પૂરક છે, કારણ કે જાગ્રત મન જે જુએ છે, વિચારે છે કે અનુભવે છે તેનાં ચિત્રોનો સંગ્રહ અર્ધજાગ્રત મનમાં થાય છે. આ ચિત્ર સંગ્રહ વ્યક્તિનાં વાણી, વર્તન અને શારીરિક પ્રક્રિયાને પ્રભાવિત કરે છે અને તે મુજબ જાગ્રત મનની સ્થિતિ કે અવસ્થા બદલાય છે. તેથી જો અર્ધજાગ્રત મનનો ચિત્ર સંગ્રહ એટલે કે કામ, ક્રોધ, મદ, લોભ અને મત્સરની ગ્રંથિઓ નિર્મૂળ થઈ શકે અને જાગ્રત મનને શાંત કરી તેને નિર્વિચાર કરી શકીએ તો નવાં ચિત્રો અટકાવી શકાય અને ધાર્યું પરિણામ લાવી શકાય. ભગવાન પતંજલિએ આવી ચિત્તવૃત્તિ નિરોધને યોગ એટલે કે ધ્યાન કહ્યું છે. ધ્યાનની અવસ્થામાં અર્ધજાગ્રત મનમાં અંકિત થયેલાં કામ, ક્રોધ, મદ, લોભ અને મત્સરની ગ્રંથિઓ ઓગળી જવા પામે છે. વ્યક્તિ નિર્ગ્રંથ બને છે. તેથી ભગવાન મહાવીરને આપણે નિર્ગ્રંથ કહ્યા છે. વધુમાં આ અવસ્થા એ મનની આલ્ફાવસ્થા છે. આ અવસ્થામાં જે મનોચિત્રણ થાય તે હકીક્ત બનીને રહે છે.’

અહીંમનમાં જે સર્જાય તે જીવનમાં સર્જાય છે.’ એટલે કેજેવું અંદર તેવું બહારસિદ્ધ થતું જોવા મળે છે. આમ જાગ્રત મન ઉપર કાબૂ મેળવી તેને નિર્વિચાર કરી બંને મોરચે લડી શકીએ તો આપણા ધારેલા સંજોગો પેદા કરી પૃથ્વી ઉપર સ્વર્ગ ઊભું કરી શકીએ. આ અવસ્થાને શાસ્ત્રોએ અમનની સ્થિતિ કહી છે. અમન એટલે આત્મા. આત્મા મુખ્યત્વે, પ્રેમ સ્વરૂપ, આનંદ સ્વરૂપ અને શાંતિ સ્વરૂપ છે. તેથી વ્યક્તિ આત્મસ્થ અવસ્થામાં હોય ત્યારે પ્રેમ, આનંદ અને શાંતિમાં સ્થિર થાય છે અને પ્રેમ, આનંદ અને શાંતિના સંજોગોને પોતાના તરફ આકર્ષે છે. માનવીને પ્રેમ, આનંદ અને શાંતિ મળી જાય તો તેના જીવનમાં સ્વર્ગ ઊતરી આવે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો