માઉન્ટ એવરેસ્ટ પર્વતને વિશ્વમુકુટ પણ કહેવામાં આવે છે - Sandesh
  • Home
  • Supplements
  • Kids World
  • માઉન્ટ એવરેસ્ટ પર્વતને વિશ્વમુકુટ પણ કહેવામાં આવે છે

માઉન્ટ એવરેસ્ટ પર્વતને વિશ્વમુકુટ પણ કહેવામાં આવે છે

 | 3:00 am IST
  • Share

ન્યૂઝીલેન્ડના એડમંડ હિલેરી અને શેરપા તેનજિંગ નોર્ગે 1953માં માઉન્ટ એવરેસ્ટ શિખર પર પહોંચનાર પહેલી વ્યક્તિ હતી. માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પહેલી ભારતીય મહિલા બચેન્દ્રી પાલ હતાં

માઉન્ટ એવરેસ્ટ પર્વત દુનિયાનો સૌથી ઊંચો પર્વત છે. જેને સર કરવાનું સપનું લોખો લોકો જુએ છે. માઉન્ટ એવરેસ્ટ અને એવરેસ્ટ પર્વતારોહીઓ પર અનેક ફિલ્મો બની છે અને પુસ્તકો પણ લખાઈ ચૂક્યાં છે. આ પર્વત દક્ષિણી એશિયામાં હિમાલયના શિખર પર આવેલો છે. આ હિમાલયના મહાલંગુર ખંડમાં નેપાળ અને તિબેટ ક્ષેત્રની વચ્ચેની સીમા પર પડે છે. આ પર્વત સમૃદ્રથી આશરે 29,3535 ફિટ એટલે કે 8850 મીટરની ઊંચાઈ પર છે.  

ન્યૂઝીલેન્ડના એડમંડ હિલેરી અને શેરપા તેનજિંગ નોર્ગે 1953માં માઉન્ટ એવરેસ્ટ શિખર પર પહોંચનાર પહેલી વ્યક્તિ હતી. ત્યારબાદ અનેક લોકો આ પર્વતના શિખર સુધી પહોંચી ચૂક્યા છે અને લગભગ 300થી વધારે લોકો ચડાણ કરતી વખતે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. એવરેસ્ટ સર કરનાર પહેલી ભારતીય મહિલા બચેન્દ્રી પાલ હતાં. 1978માં ઇટાલિયન નાગરિક રેંહોલ્ડ મેસ્સનેર અને પીટર હેબ્લેર પહેલા એવા પર્વતારોહી છે જે ઓક્સિજનની બોટલ વગર ચડયા હતા.  

આ પર્વતની 18690 ફીટ ઉપર જઇએ પછી કોઈ છોડ જોવા મળતો નથી. અહીં ઠંડી એટલી પડે છે કે જીવસૃષ્ટિ નથી. પર્વતની નીચેના ભાગમાં હરણ, જંગલી યાક, લાલ પાન્ડા, સસલાં, વાંદરાં, શિયાળ, હિમાલયી ઘેટાં જોવા મળે છે. એવરેસ્ટ ત્રણ વિશાળ પિરામિડ જેવો દેખાય છે. તેના બે ભાગ તિબેટ તરફ ને એક ભાગ નેપાળ તરફ ફેલાયેલો છે. આને અંતરિક્ષમાંથી પણ જોઈ શકાય છે.  

માઉન્ટ એવરેસ્ટની શોધ 1830થી 1843માં ઇંગ્લેન્ડના વૈજ્ઞાાનિક જોર્જ એવરેસ્ટે સૌથી પહેલાં કરવાનો પ્રયત્ન કર્યો હતો. પછી એન્ડ્રયૂ વોએ ભારતના ઊંચા શિખરના સર્વેક્ષણ દરમિયાન આ કાર્યને પૂર્ણ કર્યું. તેમણે જ્યોર્જ એવરેસ્ટના નામ ઉપર જ આ પર્વતનું નામ 1865માં એવરેસ્ટ રાખ્યું. એવરેસ્ટ ૬૦ મિલિયન વર્ષ જૂનો છે એવું કહેવાય છે. માઉન્ટ એવરેસ્ટ વિવિધ પ્રકારના પથ્થર જેમ કે શેલ, ચૂના પથ્થર, સંગેમરમરથી બનેલો છે. માઉન્ટ એવરેસ્ટનું શિખર વર્ષોથી બરફથી ઢંકાયેલું છે.  

એવરેસ્ટ પર 120 ટન કચરો છે. જેમાં ઓક્સિજન ટેન્ક, ટેન્ટ વગેરે સામાનનો સમાવેશ થાય છે. 2008થી 2011 સુધી એવરેસ્ટ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં આશરે 400 કિલો કચરો દૂર કરવામાં આવ્યો છે.  

જોર્ડન રોમેરા દુનિયાના સૌથી નાની, ૧૩ વર્ષની ઉંમરમાં અને યૂઇચિરો મિયૂરા દુનિયાના સૌથી મોટી ૮૦ વર્ષની ઉંમરમાં એવરેસ્ટ સર કર્યું હતું. એવરેસ્ટ સર કરવા માટે ઉત્તમ સમય માર્ચ અને મેની વચ્ચેનો છે, કારણ કે એ સમયમાં વરસાદ કે બરફ વધારે પડતો નથી. આમ તો એવરેસ્ટનું શિખર સર કરવામાં બે મહિના લાગે છે અને શિખર સર કર્યા બાદ નીચે ઊતરવામાં ૩ દિવસનો સમય લાગે છે, પરંતુ 2011માં બે નેપાળી પેરાગ્લાઇડિંગની મદદથી માત્ર ૪૮ મિનિટમાં નીચે ઊતરી ગયા હતા.  

વૈજ્ઞાાનિકોએ કરેલા સંશોધન મુજબ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ દર વર્ષે એકથી બે સેન્ટીમીટર વધે છે. નેપાળમાં એવરેસ્ટને સાગરમાથા કહેવામાં આવે છે. સાગરમાથાનો અર્થ આકાશની દેવી એવો થાય છે. તેનું નામકરણ 1930માં નેપાળના ઇતિહાસકાર બાબુ રામ આચાર્યે કર્યું હતું. તિબેટમાં ચોમોલંગમાના નામથી ઓળખાય છે. ચોમોલંગમાનો અર્થ બ્રહ્માંડની દેવી થાય છે. આ બંને દેશના લોકો પર્વતના શિખરની પૂજા કરે છે. સંસ્કૃતમાં એવરેસ્ટ પર્વતને દેવગિરી કહેવામાં આવે છે. તેની વિશાળતાને લીધે વિશ્વમુકુટ પણ કહેવામાં આવે છે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો