માતૃભાષામાં ટેક્નોલોજીના શિક્ષણની પહેલ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • માતૃભાષામાં ટેક્નોલોજીના શિક્ષણની પહેલ

માતૃભાષામાં ટેક્નોલોજીના શિક્ષણની પહેલ

 | 8:33 am IST
  • Share

 

 

અખિલ ભારતીય ટેક્નોલોજી શિક્ષણ પરિષદ અર્થાત એઆઇસીટીઇએ એન્જિનિરિંગનો અભ્યાસ અંગ્રેજીની સાથોસાથ હિન્દી સહિત ૮ ભાષામાં કરાવવાની પહેલ કરી અને સરકાર દ્વારા તે પહેલને મંજૂરી પણ મળી ચૂકી છે. અંગ્રેજી ઉપરાંત હિન્દી, તામિલ, તેલુગુ,બાંગ્લા, મરાઠી, કન્નડ,મલયાલમ અને ગુજરાતી ભાષાનો તેમાં સમાવેશ થાય છે. હકીકતે તે વાતે ખેદ જાહેર થવો જોઈએ કે આવી પહેલ હજી સુધી કેમ ના થઈ. આપણે આપણી ભાષાને તિરસ્કારીને અંગ્રેજો દ્વારા થોપવામાં આવેલી ભાષામાં જ શા માટે ભણતા રહ્યા અને ભણાવતા રહ્યા? એવો સમય આવ્યો કે સામાન્ય ધારણા જ બની ગઈ કે તકનીક સંબંધી વિષયો તો અંગ્રેજી ભાષામાં જ ભણાવી શકાય તેમ છે. આવી ધારણા બંધાવા માટે અનેક જવાબદાર કારણો છે. પ્રથમ તો અંગ્રેજી ભાષાને બાદ કરતાં અન્ય ભાષામાં ટેક્નોલોજી વિષયક પુસ્તકો જ ઉપલબ્ધ નહોતા.આ ચિંતાજનક વિષય જ કહી શકાય. પરંતુ આ દિશામાં પહેલેથી દૃઢ ઇચ્છાશક્તિ સાથે કાર્ય થયું હોત તો કદાચ આટલો વિલંબ ના થાત. ભલે મોડી મોડી પણ આ હકારાત્મક પહેલ છે, કેમ કે માતૃભાષામાં શિક્ષણ પ્રાપ્ત કરવું સરળ પડે છે.

વિચાર વિનિમયનું એકમાત્ર સાધન ભાષા છે. સ્વાભાવિકરૃપે મનુષ્ય પોતાની માતૃભાષાનું સર્જન પહેલાં કરે છે. કોઈપણ વ્યક્તિ માતૃભાષા શીખી લે તે પછી તે ભાષામાં અન્ય વિષયો શીખવા અન્ય ભાષાને મુકાબલે સરળ પડે છે. કેમ કે તેમ થતાં આપણા મગજે અનુવાદની સ્થિતિમાંથી પસાર નથી થવું પડતું. માતૃભાષાને બાદ કરતાં અન્ય ભાષામાં વિચારો ગ્રહણ કરીએ છીએ ત્યારે સૌ પ્રથમ તો આપણે તેને આપણી માતૃભાષામાં બદલીએ ત્યારે સમજી શકીએ છીએ. માતૃભાષામાં મગજ સૌથી સારી રીતે સમજી શકે છે.

ઉલ્લેખનીય છે કે ભારતના હિન્દી અને અન્ય ભાષાનું ચલણ ધરાવતા પ્રદેશો અંગ્રેજીના વર્ચસ્વનો સ્વીકાર કરી રહ્યા છે. પોતે હિન્દીભાષી હોવા છતાં હિન્દીભાષા પ્રતિ હીન ભાવના ધરાવતા હોવાથી અંગ્રેજી ભાષાનું વર્ચસ્વ વધુ હોય છે. ભારતમાં ટેક્નોલોજી શિક્ષણ માત્ર અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. ભારતના યુવાનોને ટેક્નોલોજીનું શિક્ષણ લેતાં તે અવરોધે છે. ભાષાકીય મુશ્કેલી હોવાને કારણે જ યુવાનો તે અભ્યાસ ક્ષેત્રો અપનાવવા ખચકાટ અનુભવતા હોય છે. ભારતના મોટાભાગના યુવાનો ગ્રામીણ વિસ્તારમાંથી જ આવતા હોય છે. તેમના માટે પ્રાદેશિક ભાષા દૈનિક જીવનનો ભાગ હોય છે. તે યુવાનો પોતાની ભાષામાં સહજ હોય છે. અંગ્રેજી જેવી બીજી ભાષા તો તેઓ મજબૂરીમાં શીખતા હોય છે, કેમ કે તેમને ખબર હોય છે કે અંગ્રેજી વિના તેમનું ભવિષ્ય ઉજ્વળ નહીં બની શકે.

તાજેતરના નિર્ણયથી બીજી ભાષાને મજબૂરીમાં શીખવાની સ્થિતિ દૂર થઈ જશે. જે પોતોની રુચિ અને શોખથી શીખવા માંગે છે તેમના માટે તો વિકલ્પ ખુલ્લા જ છે. બીજી વાત ભારતના હિન્દીભાષી અને અન્ય ભાષી પ્રદેશોમાં એવી ધારણા બનેલી છે કે ટેક્નોલોજીની ભાષા જ અંગ્રેજી છે. સરકારોએ હિન્દી કે અન્ય ભાષામાં ટેક્નોલોજી શિક્ષણ આપવા કોઈ નક્કર પ્રયાસ ના કર્યા હોવાથી આ અવધારણા બનેલી છે. તેને પરિણામે આ ક્ષેત્રના શિક્ષણમાં અંગ્રેજીનું વર્ચસ્વ બનેલું રહ્યું. ત્રણ ચાર વર્ષ પહેલાં ભોપાલના અટલબિહારી વાજપેયી સંસ્થાને સૌ પ્રથમ ઇજનેરી વિષયનું શિક્ષણ હિન્દી ભાષામાં આપવાની શરૃઆત કરી હતી. તે પહેલને આવકારવામાં આવી હતી. પરંતુ પૂરી તૈયારી ના હોવાથી અને હિન્દી ભાષામાં પૂરતા પુસ્તકો ઉપલબ્ધ ના હોવાથી આ પ્રયાસ નબળો પડી ગયો. આપણે આ ભૂલ સુધારીને યોગ્ય નીતિ સાથે આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણે આ ભૂલમાંથી શીખીશું નહીં તો અંગ્રેજીની વકીલાત કરનારા એમ કહેવાનું શરૃ કરી શકે છે કે ભૂતકાળમાં પણ આવા પ્રયાસ થયા હતા પરંતુ સફળ ના રહ્યા.

અંગ્રેજી ભાષાના પુસ્તકોનો અન્ય ભાષામાં અનુવાદ કરવા માટે સેવાનિવૃત્ત અધ્યાપકો અને શિક્ષકોની મદદ લઈ શકાય છે. અનુવાદ કરતી વખતે આપણે પોતાની ભાષામાં લચીલાપણું લાવીશું તો બહેતર રહેશે. ઘણા બધા શબ્દો એવા પણ હોય છે કે જેનું હિન્દી કે પ્રાદેશિક ભાષામાં રૃપાંતર ના પણ થઈ શકે. તેવા કિસ્સામાં તેના યથાસ્વરૃપમાં સ્વીકારીને ભાષાકીય કટ્ટરતાને આગળ વધી શકાય. આપણી પ્રાથમિકતા દેશની ભાષામાં ટેક્નોલોજી શિક્ષણનો આરંભ આપવાની રહેવી જોઈએ.

આપણે તેમાં સફળ રહીશું તો વર્તમાનમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોની શિક્ષણ ગુણવત્તામાં જે તફાવત જોઈ રહ્યા છીએ તેને દૂર કરવામાં મદદ મળશે. શહેરી યુવાનો અંગ્રેજીની સાથોસાથ ગામડાના યુવાનોને મુકાબલે વધુ સહજ છે. તેથી તેઓ અંગ્રેજી ભાષામાં અનેક વિષયો ભણી શકે છે. પુસ્તકો ઉપરાંત અન્ય ટેક્નોલોજી માધ્યમો , જેવા કે સ્માર્ટ ફોન, ટેબ્લેટ કે કમ્પ્યૂટર પર આ વિષયક ઉપલબ્ધ સામગ્રીની ભાષા અંગ્રેજી છે. ગ્રામીણ યુવાનો બેવડી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એક તો એમની પાસે ટેક્નોલોજીના સાધનો ઓછા છે , અને જે સાધનો ઉપલબ્ધ છે તેની ભાષા અનુકૂળ ના હોવાનો કારણે અપેક્ષા કરતાં પાછળ રહે છે. પ્રાદેશિક ભાષામાં ટેક્નોલોજી સંબંધી પુસ્તકો ઉપલબ્ધ રહેતાં સ્માર્ટફોન અને કમ્પ્યૂટર પણ તે ભાષામાં સાહિત્ય ઉપલબ્ધ રહેવા લાગશે.

ભારતમાં મોટા ભાગના કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોમાં માનવ શાસ્ત્ર શાખાના ભાષાશાસ્ત્ર વિષયોને બાદ કરતાં અંગ્રેજી ભાષાના સારા પુસ્તકોના હિન્દી કે અન્ય ભાષામાં અનુવાદ ખૂબ ઓછી સંખ્યામાં મળી શકે છે. તેથી જ અંગ્રેજીને બાદ કરતાં અન્ય ભાષાના જાણકાર વિદ્યાર્થીને સમસ્યાનો સામનો કરવો પડે છે. વિજ્ઞાાન શાખાનું શિક્ષણ દેશના નાના મોટા કે સારા ખરાબ વિશ્વવિદ્યાલયોમાં પણ લગભગ અંગ્રેજી ભાષાના માધ્યમથી જ આપવામાં આવે છે. હકીકતે આપણી શિક્ષણ વ્યવસ્થા માનસિક ગુલામીના દોરમાંથી બહાર નથી આવી શકી. આપણા પાડોશી દેશ ચીનનું ઉદાહરણ આપણી સામે પડેલું છે. તે સતત બધું પોતાની ભાષામાં તૈયાર કરીને વિજ્ઞાાન અને ટેક્નોલોજી મોરચે મહાશક્તિ બનવા તરફ અગ્રેસર છે. વિકસિત દેશ જાપાન, કોરિયા કે જર્મની જેવા યુરોપીય દેશોએ પણ પોતાની ભાષા જ પકડી રાખી છે. ભારત જેવા વિવિધભાષી દેશમાં આ ઘટના પડકારરૃપ જરૃર છે પરંતુ એવું નથી કે તેનો ઉકેલ જ ના શોધી શકાય.

આવા પસંદગીના વિષયો ઉપરાંત હોટેલ મેનેજમેન્ટ, બાયોટેક્નોલોજી, ફેશન ડિઝાઇન જેવા અભ્યાસક્રમોની ભાષા પણ અંગ્રેજી છે. ગ્રામીણ કે આદિવાસી યુવાનોને આપણે માત્ર ભાષા માધ્યમને કારણે શિક્ષણથી વંચિત રાખીશું તો તે શરમજનક બની રહેશે. સરકાર સમક્ષ માગણી કરતાં રહેવું પડશે કે એન્જિનિયરિંગ ઉપરાંત તમામ વિષયના અભ્યાસક્રમના પુસ્તકો અંગ્રેજી ઉપરાંત મહત્ત્વની પ્રાદેશિક ભાષામાં પણ ઉપલબ્ધ કરે. આમ થશે તો દેશના ગ્રામીણ અને આદિવાસી સમૂહના યુવાનોને પણ શિક્ષણ માટે ભાષાકીય અવરોધનો સામનો કરવો નહીં પડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન